ઈશ્વર: 'હલ્લો, તેં મને ફોન કરેલો?'
મનુષ્ય: 'તમને મેં કોલ? ના. આપ કોણ બોલો છો?'
ઈશ્વર: 'હું સ્વર્ગલોકમાંથી ભગવાન બોલું છું. હમણાં હમણાં મને તમારી સૌની એકધારી ખૂબ આજીજીભરી પ્રાર્થનાઓ સાંભળવા મળે છે. એટલે હું પણ બેચેન થયો છું. આમેય વર્તમાનમાં પૃથ્વીલોકમાં અસાધારણ ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. એટલે હું અશાંત છું. મને થયું કે તારા દ્વારા સૌની જોડે વાત કરી લઉં.'
મનુષ્ય: 'કોણ, ભગવાન! ખરેખર આપ જ બોલી રહ્યા છો? હું માની નથી શકતો.'
ઈશ્વર: 'હા, હું જ બોલું છું.'
મનુષ્ય: 'હે પ્રભુ! આપને મારા કોટિ-કોટિ પ્રણામ. પણ ભગવાન ખ્યાલ ન આવ્યો, આપ મારા ફોન પર કઈ રીતે?'
ઈશ્વર: 'આ એકવીસમી સદીમાં, તમે સૌ માનવો, જે માધ્યમથી જેવી ભાષાથી ટેવાયેલા છો, એવા મોબાઈલ ફોનથી તમારો સંપર્ક કર્યો છે, જેનાથી એકબીજા સાથે સારી રીતે વાતચીત કરી શકીએ.'
મનુષ્ય: 'હે પ્રભુ! આપ તો જાણો છો, કે હાલમાં ધરતી પરના માનવોએ ક્યારેય ન અનુભવી હોય એવી ભયંકર હાલતમાંથી પસાર થઈ રહ્યા છે. અમને સૌને કોઈ જીવલેણ મહામારીએ ભરડો લીધો છે. રોજબરોજ ન જાણે કેટલાય નિર્દોષ માનવો મૃત્યુનાં ખપ્પરમાં હોમાતા જાય છે. સૌ લાચાર બની ગયા છે. પ્રભુ હવે તો આપ અવતાર લ્યો તો સાચું. આપ જ હવે અમને આ અભૂતપૂર્વ કટોકટીમાંથી બહાર કાઢી શકશો. એટલે જ અમે આપને વારંવાર પ્રાર્થના કરી રહ્યા છીએ.'
ઈશ્વર: 'એ તો મને ખ્યાલ આવી ગયો. જ્યારે પણ માનવ 'સ્વયં' કોઈ મોટી આપત્તિમાં આવી પડે ત્યારે જ મારી યાદ આવે છે. તારી જેમજ હમણાં અનેક લોકો મારી સમક્ષ આજીજીભરી પ્રાર્થના કરે છે.'
મનુષ્ય: 'આપની વાત સાચી છે. તો પણ હું આપને નમ્ર વિનંતી કરું છું કે હવે આપ અમને આ મહાઆફતમાંથી ઉગારો.'
ઈશ્વર: 'સૌ પહેલા હું તમને બધાને એક સ્પષ્ટ વાત કહી દઉં. ત્યાં પણ જે કોઈ મહા આપત્તિ આવી પડે છે, તેના માટે મહદ્અંશે મનુષ્ય પોતે જ જવાબદાર હોય છે. મેં ધરતી પર માનવજાતિને અત્યંત બુધ્ધિશાળી પ્રાણી તરીકે જન્મ આપ્યો. જેથી તે પોતાની પૃથ્વીને અમારા સ્વર્ગ જેવી સુંદર બનાવી શકે પણ માણસે તેમની બુધ્ધિનો દુરુપયોગ કર્યો તેને વધુને વધુ પામતા જવાની લાલસા જાગી. આવા લોભને કારણે પોતે પ્રકૃતિ અને પર્યાવરણનો જ અંશ છે એ ભૂલ્યો. પોતાના વિસ્તાર વધારવાનો વાદમાં તે કુદરત સાથે ચેડા કરવા લાગ્યો. એણે આસપાસની જમીન-ઝાડ-વૃક્ષોનું નિકંદન કાઢયું. વાસ્તવમાં પ્રકૃતિ માનવીઓની પોષણકર્તા છે. આથી માનવીની ફરજ છે કે તે પ્રકૃતિનું રક્ષણ કરે, પરંતુ તેઓ તેના ભક્ષક બની બેઠા છે. માનવી પોતાના સ્વાર્થ ખાતર, લોભ ખાતર કોઈને કોઈ રીતે પોષણ આપનાર પર્યાવરણને મોટું નુકશાન પહોંચાડતા રહ્યા છે. આને લીધે માનવી અને પર્યાવરણ વચ્ચેનું સમતુલન ખોરવાયું છે. જેની સજા આજે સમગ્ર માનવજાતિ અને બીજા પશુ-પ્રાણી ભોગવી રહ્યા છે.
આ સિવાય પણ ધરતી પરનાં કેટલાક શેતાની, વિકૃત બુધ્ધિવાળા લોકોએ પ્રયોગશાળામાં એવો આસુરી શક્તિવાળો વાયરસ પેદા કર્યો, જે દુશ્મન દેશમાં લાખોની ખુવારી કરી શકે. ખરેખર તો આવા જ લોકો એ વિજ્ઞાાનનાં દુરુપયોગ દ્વારા માનવ સમાજની મોટી કુસેવા કરી છે.
તમે માનવો અવાર-નવાર ફરિયાદ કરો છો, કે આવી ગંભીર પરિસ્થિતિમાંયે ઈશ્વર કેમ શાંત છે?! અહીં તારી ભૂલ થાય છે. વર્તમાનમાં જેઓ ૨૪ કલાક ખડે પગે દર્દીઓની સેવા-ચાકરી કરી રહ્યા છે. તેઓ તો મારા જ દેવદૂતો છેને! તેમની ફરજપરસ્તીથી તો કેટલાયનાં જાન જતા બચ્યા છે.
એ ઉપરાંત જગતભરનાં કેટલાય વૈજ્ઞાાનિકો પ્રયોગશાળામાં રાત-દિવસ, ભૂખ-તરસ જોયા વિના કોરોના વાયરસ વિરૂધ્ધની રસી શોધવાના કાર્યમાં મંડી પડયા છે. એમની બુધ્ધિશક્તિને તો હું જ માર્ગદર્શન આપી રહ્યો છું ને? તેં આ બધાને ધન્યવાદ આપ્યા છે?
એટલે જ મારી તમને સૌને સલાહ આપું છું કે થોડી શાંતિ-ધીરજ રાખો, થોડા સમયમાં તમારી મુશ્કેલી ઓછી થઈ જશે. પણ તમને આવી કપરી સજામાંથી કેટલાક પદાર્થપાઠ શીખવાનાં છે. જેમકે તમારે તમારા પર્યાવરણનું જતન કરવાનું છે. પોતાના સિવાય બીજા જીવોનો પણ વિચાર કરવાનો છે.'
- પરેશ અંતાણી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3p415XD
ConversionConversion EmoticonEmoticon