- દેશ- દુનિયા વિશે તમામ જાણકારી છે પણ આપણે આપણા અંગે જ અજ્ઞાાત છીએ
- ફાસ્ટ ફોરવર્ડ જેવા જીવનને થોડું રિવાઇન્ડ કરીએ
- સજીવ અને નિર્જીવ વચ્ચેનો ફરક માત્ર શ્વસનતંત્ર જ નથી.
- બેક ટુ નેચર'ની સંગાથે 'રોડ ટુ ફ્યુચર' જવાય તો જિંદગી સુખદાયક લાગશે.
દ ર વર્ષના અંત અગાઉ આપણે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, રમતજગત અને ફિલ્મી દુનિયાના રાઉન્ડઅપને યાદ કરીને ફ્લેશ બેકમાં સરી જતા હોઈએ છીએ. આમ જોવા જઈએ તો 'રિવાઇન્ડ' અને 'ફાસ્ટ ફોરવર્ડ' જાણે એક જ હોય તેવું આપણું વિહંગાવકલોકન હોય છે. આપણે 'રિવાઇન્ડ'માં જઈને ઝડપથી સ્મૃતિ પર ફરતી ઘટનાસભર રીલોનું 'ફાસ્ટ ફોરવર્ડ' જ કરતા હોઈએ છીએ ને ?
સમય ચુપકીદીથી સરકી રહ્યો છે. જો અખબારો અને ટીવીમાં વર્ષના અંતે 'ગૂડબાય' જેવી હાઇલાઇટ્સ આવતી ન હોય તો કદાચ આપણને ડિસેમ્બરથી જાન્યુઆરી મહિનાના વાર્ષિક વળાંકની નોંધ લેવાની ફૂરસદ પણ ન મળે.
ખરેખર વર્ષના અંતે આપણે આપણી અંતરંગ દુનિયા સિવાય વિશ્વ આખાના ઘટના ચક્રના એક- એક દાંતા અને ચક્કર આપણી જાણ બહાર રહી નથી જતા ને તેને બારીકાઈથી ચકાસતા હોઈએ છીએ ?
એક વિદેશી લેખકે 'સ્લો મોશન' એટલે કે ધીમી ગતિએ જીવવાની સલાહ આપતા કહ્યું હતું કે, તમારા કપડાંને બટન ટાંકો, ટાંકા લો, ભરતકામ કરો, સ્વેટર ગુંથો, કેમ કે તેમ કરતાં તમે છેલ્લાં વર્ષોમાં કેટલા અધીરા થઈ ગયા છો તેની પ્રતીતિ થશે. આપણે શાંતિથી, એકાગ્રતાથી એક બેઠકે બેસવાનું કોઈ પણ કાર્ય કરી જ નથી શકતા. ઘરમાં સફાઈ, ગાર્ડનિંગ કે ગોઠવણીને હવે તનાવ તોડનારા (સ્ટ્રેસ બસ્ટર) મનાય છે.
નવા વર્ષમાં એવો સંકલ્પ કરવા જેવો ખરો કે કોઈ પણ એકાદ હળવો લાગતો મનગમતો દિવસ મોબાઇલ કે કોમ્પ્યુટરનો ઉપયોગ ન કરો. યાદ રાખો, આગામી વર્ષોમાં આવા ઉપવાસનો જ મહિમા વધતો જવાનો છે.
અમુક દિવસો ખુલ્લામાં સાઇકલ ફેરવવી તેનું આપણા સહુથી અમલીકરણ થાય તો અતિ ઉત્તમ. ટ્રેકિંગ, કુદરતી સ્થળોનો ટૂંકો પ્રવાસ પણ કરતા રહેવાની જરૂર છે. 'બેક ટુ નેચર'ની સંગાથે 'રોડ ટુ ફ્યુચર' જવાય તો જિંદગી સુખદાયક લાગશે. પુસ્તક, કળા, સંગીત અને સર્જનાત્મકતાને માણવાની દ્રષ્ટિ પણ કેળવવી જ રહી.
વર્ષો તો વીતતા જશે. ભલે હજારો યાદોને ભૂલી જઈએ પણ, જેના થકી આપણા જન્મ અને જીવનની સાર્થકતાનો અહેસાસ કરી શકીએ છીએ તેને તો દિલોદિમાગ સામે રાખવું જ રહ્યું.
કોહલીએ ધમાકો કર્યો કે નહીં ? અક્ષયકુમાર હિટ રહ્યો કે ફ્લોપ ? વૈશ્વિક મંદીએ તો માઝા મૂકી, ભારત- ચીનની ચર્ચા કરતા રહીશું પણ એક કુટુંબની વ્યક્તિ તરીકે, વિદ્યાર્થી, કર્મચારી, બોસ કે જે પણ જવાબદારી અને કારકિર્દી હોય તેમાં વર્ષ દરમ્યાન કેવા રહ્યા, શા માટે આવું પરિણામ આવ્યું, કેમ તનાવની માઝા વધી ? આનંદિત છીએ તો કેમ અને હતાશાથી ઘેરાયા છીએ તો તેનું કારણ શું ? તેનું પણ વર્ષાંતે પોસ્ટમોર્ટમ થવું જોઈએ ને ? ચાલો, આત્મીક ખોજની વાત જવા દો. સ્થૂળ કૌટુંબિક કે સામાજિક સંદર્ભમાં પણ આપણે યંત્રવત્ વ્યસ્તતા હેઠળ કઈ હદે નિશ્ચેતન બનતા જઈએ છીએ તે વિચારવા જેવું છે. તમે તમારા છેલ્લા દસથી માંડી પચ્ચીસ વર્ષની ઘટનાઓ, કે જે તે વર્ષ દરમ્યાન તમારા સૌથી નજીકના આપ્તજનોના ચહેરાને યાદ કરવાનો પ્રયત્ન કરશો તો નિષ્ફળ જશો.
તમારા સંતાન કે પતિ- પત્ની એકબીજાની દસ- પંદર વર્ષ જૂની તસવીરો જોઈને એવું બોલી ઉઠશે કે આપણે આવા લાગતા હતા ?
તમે એક કામ કરો... છેલ્લા ૧૦ કે વધુ આગળ જવું હોય તો ૨૦ કે ૨૫ વર્ષની સાલ કાગળ પર લખો. જેમ કે ૧૯૯૫, ૧૯૯૬...તે પછી પ્રત્યેક વર્ષે દૂરનું ભૂલી જાવ, માત્ર તમારા ઘરના સભ્યોની, તેઓ જોડેના એવા પ્રસંગો યાદ કરો કે જેમણે તમને આનંદ આપ્યો હોય.
તમે સુખી અને આનંદી આત્મા છો તેનો અહેસાસ તે વખતે કરાવ્યો હોય. તમારી આંખમાં હર્ષના આંસુ હોય, તમને એવું લાગ્યું હોય કે તમારા પર ઇશ્વરની કૃપા છે. કુટુંબી કે મિત્રો સાથે વિતાવેલી સુખદ પળો પણ કોઈ સંવેદનશીલ મિત્ર યાદ કરાવે ત્યારે અચાનક કોઈ ઢંઢોળતું હોય તેમ કહીશું કે, 'અરે હા.. યાદ આવ્યું... આ વાતને આટલા વર્ષ થઈ ગયા !'
પચ્ચીસ વર્ષોને ક્રમ આંકડામાં લખો. તેમાં સંવેદના- જૂની ઘટનાઓ પ્રસંગો નોંધશો તો આઘાતજનક ચિત્ર ઉપસી આવશે. સૌથી નજીકના કહી શકાય તેવા આપ્તજનો સાથેના પાંચ- દસ વર્ષ ગુપચાવવા પડતા હોય તેમ ક્ષોભ અનુભવશો. પત્ની અને સંતાનોની યાદ તાજી કરવા માટે સહકાર લેવો જ પડશે. આપણે બધાએ નવા વર્ષના પ્રારંભે એક કામ કરવા જેવું છે.
બેગમાંથી અત્યાર સુધીના તમામ ફોટાઓ, સર્ટિફિકેટો, ઓડિયો- વિડિયો સીડીનો ઢગલો કરીને તેને પ્રત્યેક વર્ષ પ્રમાણે ક્રમવાર વર્ગીકૃત કરીને સપરિવાર જુઓ. તમારા સંતાનના શાળામાંથી આપવામાં આવતા પ્રત્યેક વર્ષના ગ્રુપ ફોટા કે સાંસ્કૃતિક કાર્યક્રમના ફોટા પણ આ રીતે જુઓ. તેવી જ રીતે કુટુંબના સુખ-દુઃખના પ્રસંગો, પાર્ટી વગેરેને વર્ષ પ્રમાણે જ મૂલવો.
ઑડિયો વિડિયો સીડીના ઢગલા જોતાં ખ્યાલ આવશે કે આમાંથી ઘણાંના તો રેપર ખોલવા તો દૂર, ટાઇટલ પર ક્ષણિક નજર સ્થિર કરવાની તસ્દી પણ નહીં લીધી હોય. મોટા ભાગની સીડી માત્ર એક વખતથી વધુ માણી પણ ના હોય તેવું જ બનવાનું.
હવે તો મોબાઇલના લીધે માથાદીઠ કેમેરા થઈ ગયા છે તેમ કહીએ તો ચાલે ડિજીટલ કેમેરાએ ક્રાંતિ સર્જી છે. ઘટના, પ્રસંગ કે દ્રશ્યને આંખથી તો આપણે જોવાનું જ ભૂલી ગયા છીએ. કેમેરા માટે ફોટો ક્લિક કરવાની જ આપણને અધીરાઈ અને અંતિમ ધ્યેય હોય છે.
ઘટનાઓ, પ્રયાસો, પ્રસંગો આટલી ભરપુર માત્રામાં બને કે કમ્પ્યુટર જુદા જુદા ફોટાઓની ફાઇલોથી ઉભરાઈ ચૂક્યું હોય છે. પણ ભૂતકાળની તસવીરો જોવાનો ઉમળકો જ આપણને નથી હોતો. ખરેખર તો આપણા મન- મગજના ભંડકિયામાં તે એક ખૂણે કાટ ખાઈ ચૂકેલી અવસ્થામાં દટાયેલી હોય છે. કદાચ તેને ફરી યાદ કરવાનો એટલો ઉમળકો પણ નથી હોતો.
વર્ષો દરમ્યાન સદ્ગત સ્વજનોની યાદોને ખાસ ઢંઢોળીને યાદ કરવાનો અલાયદો સમય કાઢ્યો પડે તો પણ ભલે. કપરા સમયમાં હૂંફ આપનારાઓને મનોમન અહંકારથી મુક્ત કરવાની હિંમત હોય તો 'થેંક્સ' કહેવાનો સંકલ્પ કરવા જેવો પણ ખરો.
પાંખો ધરાવતા ઘોડાની જેમ વીતી રહેલા સમય પર આપણી લગામ નહી રાખીએ તો, આપણે જીવી રહ્યા છીએ તેનો પુરાવો માત્ર આપણા શ્વાસ ચાલે છ તે જ રહેશે. ભલા માણસ, સજીવ અને નિર્જીવ વચ્ચેનો ફરક માત્ર શ્વસનતંત્ર નથી.
આપણી તમામ ઇન્દ્રિયગમ્ય વૃત્તિ- પ્રવૃત્તિઓ જ ચેતના અને સંવેદના વગરની બની ચૂકી છે. તેમાં પણ જે વખતે જે કરતા હોઈએ છીએ ત્યારે આંખો મનોવિચારની રીતે સંપૂર્ણપણે ડાયવર્ઝનની સ્થિતિમાં હોઈએ છીએ. આપણે પાણીનો ગ્લાસ પીને તૃપ્તિનો અહેસાસ પણ નથી અનુભવી શકતા.
સ્માર્ટ ફોનની બીનજરૂરી ફાઇલ કે મેરીને આપણે ડીલીટ કરીએ છીએ નવી વર્ષે આપણા મનને બોજરૂપ હોય તો એવું ડીલીટ કરી શકીએે તેવી શુભચ્છા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WPtTXL
ConversionConversion EmoticonEmoticon