શ્રી મદ્ ભગવદ્ ગીતાનો અર્થ એવું ગીત છે જે શ્રી ભગવાન કૃષ્ણે પોતે ગાયું છે. ગીતા ખરેખર જીવનનું શાશ્વત ગીત છે. તેના શબ્દો અને તેમાં રહેલા અર્થ હંમેશાં નવીન બની રહે છે. તેથી ભગવાન શ્રીકૃષ્ણે તેને 'પરમ વચન' એવું નામ આપ્યું છે. સત્ય કે અસત્ય સમયની સાથે બદલાઈ શકે છે પરંતુ પરમ વચનના રૂપમાં ગીતાનું જીવનગીત શાશ્વત અને સનાતન છે. તે પુરાતન હોવા છતાં નિત્ય નવીન છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા પહેલો ઐતિહાસિક ગ્રંથ છે. જેમાં બધાં ભારતીય દર્શનો, ઉપનિષદો તથા યોગની બધી પધ્ધતિઓનો સાર રહેલો છે. ગીતા જ એવો ગ્રંથ છે જેના પર આદિ શંકરાચાર્ય, રામાનુજ, આચાર્યો અને વિદ્વાનોએ ભાષ્યો લખ્યાં છે. ગીતા એવો ગ્રંથ છે જે મનુષ્યની તમામ સમસ્યાઓના સમાધાનમાં ઉપયોગી છે. ગીતાના સંદેશના અનેક ગૂઢ અર્થ છે. 'સર્વ શાસ્ત્રમયી ગીતા' - અર્થાત્ ગીતામાં સર્વ શાસ્ત્રોનો સમન્વય જોવા મળે છે. કોઈપણ વિશિષ્ટ ધર્મગ્રંથ કે સંપ્રદાયના નાદમાં ન પડતાં ગીતાકારે માનવ જીવનનાં ચિરંતન મૂલ્યોને ગીતામાં ગૂંથ્યાં છે. તેથી તે અમૂલ્ય ગ્રંથ છે.
ગીતા પર જેટલી ટીકાઓ લખાઈ છે એટલી બીજા કોઈ ગ્રંથ પર લખાઈ નથી. ગીતાનો વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે. જ્ઞાાન, કર્મ અને ભક્તિના પ્રયાગરૂપ ગીતા આપણને આપણા કર્તવ્યનું, જ્ઞાાતવ્યનું, ગંતવ્યનું અને પ્રાપ્તવ્યનું ભાન કરાવે છે અને તે સ્વધર્મના આચરણ દ્વારા પોતાનામાં રહેલા શ્રીકૃષ્ણને પામવાનો કીમિયો દર્શાવે છે ગીતા એક એવો વિલક્ષણ ગ્રંથ છે, જેનો આજ સુધી કોઈ પાર પામી શક્યું નથી. ગીતામાં જેટલો ભાવ ભર્યો છે તેટલો બુદ્ધિમાં આવતો નથી. જેટલો બુદ્ધિમાં આવે છે તેટલો મનમાં આવતો નથી, જેટલો મનમાં આવે છે તેટલો કહી શકાતો નથી. જેટલો કહી શકાય છે એટલો લખી શકાતો નથી. સાચે જ ગીતાની કોઈ સીમા નથી. એટલું જ નહિ, કોઈપણ ગ્રંથની જન્મજયંતી ઉજવાય એ કદાચ ગીતાજીની જ આગવી વિશેષતા રહી છે.
શ્રીમદ્ ભગવદ્ગીતા મહાભારતના ભીષ્મપર્વના ૨૪મા અધ્યાયથી ૪૨મા અધ્યાય સુધીનો ભાગ છે. તેમાં ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો છે. તેને ભારતીય સંસ્કૃતિ તથા સનાતન ધર્મનો પ્રતિનિધિ ગ્રંથ માનવામાં આવે છે. ગીતાના મહત્ત્વ વિશે કહેવાયું છે કે બધાં ઉપનિષદો ગાયો છે. શ્રીકૃષ્ણ દોગ્ધા છે. અર્જુન વાછરડું છે. સુધીજન ભોક્તા છે અને ગીતા અમૃત છે. શ્રી અરવિંદ લખે છે કે ગીતા એક અનંત રત્નરાશિનો અતલ સાગર છે. ગીતામાં કર્મયોગ, જ્ઞાાનયોગ અને ભક્તિ યોગનો સંદેશ છે. આ સંદેશને કોઈ ધર્મ, સંપ્રદાય, જાતિ કે વર્ગ સાથે કોઈ લેવાદેવા નથી. તેમાં કેટલીક વિદ્યાઓનો પણ ઉલ્લેખ છે તે મુજબ અભયવિદ્યા મૃત્યુના ભયને હરે છે. સામ્ય વિદ્યા રાગદ્વેષ દૂર કરે છે. ઈશ્વર વિદ્યા અહંકારનો નાસ કરે છે અને છેલ્લે બ્રહ્મવિદ્યાથી મનુષ્યને ભગવાનની કૃપાનો અનુભવ થાય છે.
ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનના પાત્ર દ્વારા માનવ માત્રને ગીતાના જ્ઞાાન દ્વારા જીવનાભિમુખ કરવાનો ચિરંતન પ્રયાસ કર્યો છે. જીવન હસવા માટે છે, રમવા માટે છે. મુસીબતો સામે ઝઝૂમવા માટે છે. આશા અને શ્રદ્ધાના બળે વિકાસ સાધવા માટે છે. ગીતાનો સંદેશ છે - કોઈની સામે દ્વેષ ન કરો, સર્વની સાથે મૈત્રી રાખો. દુઃખી લોકો તરફ કરુણા દાખવો. મોહ અને અહંકારનો ત્યાગ કરો. સુખ દુઃખ તડકાછાંયા જેવા છે તેથી અકળાઈ ન જાઓ. સંતોષી બનો, દ્રઢ સંકલ્પવાન બનો, લોકવ્યવહારમાં સમત્વ કેળવો, લોકો પાસે કોઈ અપેક્ષા ન રાખો. બહુ આનંદિત કે દુઃખી ન થઈ જાઓ. શત્રુ પ્રત્યે પણ મિત્રભાવ રાખો. પ્રશંસા અને નિંદાથી વિચલિત ન થાઓ.
ગીતાનું સારી રીતે પઠન, શ્રવણ, મનન અને કીર્તન કરવામાં આવે તો બીજાં શાસ્ત્રોના સંગ્રહની શી જરૂર છે? ગીતાનો આ સંદેશ આપણા જીવનમાં ઝીલીને, આપણે પણ સાચા અર્થમાં ધનુર્ધર પાર્થ બનવાનો સંકલ્પ કરીએ. સુજ્ઞોષુ કિં બહુના?
- કનૈયાલાલ રાવલ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34FFWLw
ConversionConversion EmoticonEmoticon