ભગવાન પાંડુરંગ વિઠ્ઠલની ભક્તિમાં સતત રમમાણ રહેનારા સંત જ્ઞાાનેશ્વરના શિષ્ય વિસોબા ખેચર


મ હારાષ્ટ્રના સંત જ્ઞાાનેશ્વર કાલીન વિસોબા ખેચર એક સિદ્ધ મહાત્મા હતા. તે યજુર્વેદીય બ્રાહ્મણ હતા પણ તે સરાફનું કામ કરતા હતા. પૈઠણ પાસે આવેલા કોઈ ગામમાં તે રહેતા હતા. મન જ્યારે ભક્તિમાં લીન રહેવા લાગ્યું ત્યારે તે પંઢરપુરથી પચાસ કોસ દૂર આવેલા ઔંઢિયા નાગનાથ જતા રહ્યા હતા. ઔંઢિયા નાગનાથ પ્રાચીન શિવ ક્ષેત્ર છે. અહીંના નાગનાથ અથવા નાગેશ્વર દ્વાદશ જ્યોતિલિગોમાંના એક છે.તેમને એક પત્ની અને ચાર પુત્રો હતા. ઘરથી તે સાધન સંપન્ન હતા. એમનું ગૃહસ્થ જીવન સાદું અને પવિત્ર હતું. ઘર-સંસારનું કામકાજ કરતા કરતા પણ એમના મુખેથી સતત ભગવાન પાંડુરંગનું નામ નીકળ્યા કરતું હતું. એમનું ચિત્ત હમેશા ભગવાન વિઠ્ઠલમાં સંલગ્ન રહેતું હતું.

અતિથિ સેવા ગૃહસ્થ જીવનનું પરમ કર્તવ્ય છે તેમ સમજી તે કાયમ અતિથિ-અભ્યાગતની સેવા કરતા. 'અતિથિ દેવો ભવ'નું સૂત્ર તેમણે જીવનમાં સાંગોપાંગ ઉતાર્યું હતું. તે અતિથિને સાક્ષાત્ નારાયણ સમજીને તેની સેવા-પૂજામાં નિરત રહેતા. શરૂઆતમાં સરાફીનું કામ કરતા હતા તેથી વિસોબા સરાફ તરીકે ઓળખાતા હતા.

જ્ઞાાનેશ્વર મંડળમાં વિસોબા પાછળથી સંમીલિત થયા હતા. સંત જ્ઞાાનેશ્વરને તે પોતાના ગુરુ માનતા હતા. તેમણે એમના એક અભંગમાં આનો નિર્દેશ કર્યો છે - 'મહા વિષ્ણુ કે અવતાર શ્રી ગુરુ મેરે જ્ઞાાનેશ્વર.' એક જગ્યાએ તેમણે એવું પણ લખ્યું છે - 'ચાંગદેવ કો મુક્તાબાઈને અંગીકાર કિયા ઔર સીપાન દેવને મુઝ પર દયા કી, જન્મ-મરણ કા ભય નહીં રહા ક્યોં કિ ખેચરી મુદ્રા ગુરુને તત્ત્વતઃ દે દી.' આ એવું બતાવે છે કે વિસોબાએ જ્ઞાાનેશ્વર અને સોપાનદેવ બન્નેને પોતાના ગુરુ માન્યા હતા.

એવું કહેવાય છે કે વિસોબાએ યોગ બળથી આકાશમાં ઉડવાની શક્તિ પ્રાપ્ત કરી લીધી હતી એટલે તે વિસોબા ખેચર તરીકે ઓળખાવા લાગ્યા હતા. 'ખ એટલે આકાશ, ખે એટલે આકાશમાં અને ચર એટલે ઊડનારા કે ગતિ કરનારા.' એમના અભંગો પરથી એ સ્પષ્ટ થાય છે કે તે યોગમાર્ગ ઉપરાંત જ્ઞાાનમાર્ગ અને ભક્તિ માર્ગમાં પણ પૂરેપૂરા પારંગત હતા. એમના અભંગોનું સંકલન 'હરિશ્ચન્દ્રાખ્યાન' અત્યારે પણ ઉપલબ્ધ છે.

એકવાર દક્ષિણ પ્રદેશમાં ભયંકર દુકાળ પડયો. અન્ન મળવું દુર્લભ થઈ ગયું. ભૂખથી ટળવળતા હજારો લોકો વિસોબાના આંગણે એકત્રિત થવા લાગ્યા. વિસોબા એમનો આતિથ્ય ધર્મ પાળી એમને અનાજનું દાન કરતા. આમ કરતાં તે નિર્ધન થઈ ગયા.

એક વખત જે નગરશેઠ હતા તે કંગાળ થઈ ગયા. વિસોબા મૂંઝાયા. હવે અતિથિ ધર્મ કેવી રીતે નિભાવીશ? વિસોબા એમના ગામથી કેટલાય કોસ દૂર કોંસે ગામ જઈ ત્યાંના પઠાણ પાસેથી હજારો રૂપિયા ઉછીના લઈ આવ્યા. પઠાણને વિસોબાની વર્તમાન સ્થિતિની ખબર નહોતી એટલે એમની શાખ પર તે રૂપિયા ઉછીના આપી દીધા હતા. વિસોબાએ એ બધા રૂપિયાનું અનાજ ખરીદી તે ગરીબોને દાનમાં આપવાનું શરૂ કરી દીધું.

કેટલાક દ્વેષિલા લોકોએ પઠાણને વિસોબાની વર્તમાન હાલતની જાણ કરી દીધી એટલે તે આવીને એના રૂપિયા માંગવા લાગ્યો. વિસોબાએ કહ્યું - 'સાત દિવસમાં આપી દઈશ.' છ દિવસ વીતી ગયા. પછી ભગવાન વિઠ્ઠલનાથે સ્વયં વિસોબાના યોગ ક્ષેમનું વહન કર્યું. તેમણે વિસોબાના મુનીમનું રૂપ ધારણ કરી પઠાણ પાસે જઈ એના તમામ રૂપિયા ચૂકવી દીધા અને એ રકમ મળ્યાની રસીદ પણ લઈ લીધી. વિસોબાને બીજે દિવસે એ રસીદ એમની ગીતાની પોથીમાંથી મળી આવી.

સંત શિરોમણિ નામદેવજીને ભગવાન વિઠ્ઠલે સ્વપ્નમાં આદેશ કર્યો કે વિસોબા ખેચર પાસેથી દીક્ષા ગ્રહણ કરે. આ ભગવદ્ આજ્ઞાા સ્વીકારીને નામદેવજી એમની પાસેથી દીક્ષા લેવા નાગનાથ મંદિરમાં આવ્યા જ્યાં એ વખતે વિસોબા રહેતા હતા.

નામદેવજીએ જોયું તો વિસોબા એ મંદિરના શિવલિંગ પર એમના પગ ફેલાવી સૂતા હતા. આ જોઈ એમના વિસ્મયનો પાર ન રહ્યો. નામદેવજીને જોઈ વિસોબાએ કહ્યું - 'નામદેવ! હું વૃદ્ધ થઈ ગયો છું. મારા પગ મારાથી ઉઠાવી શકાતા નથી તમે જરા મારા પગ ઉઠાવી એવી જગ્યાએ મૂકી દો જ્યાં શિવલિંગ ન હોય! નામદેવજીએ એમના પગ ઉઠાવી નીચે મૂક્યા તો જમીનમાંથી બીજું શિવલિંગ પ્રગટ થઈ ગયું.

વિસ્મય પામેલા નામદેવજીએ દરેક દિશામાં વિસોબાના ચરણ મૂક્યા અને ત્યાં તેની નીચેની ભૂમિમાંથી શિવલિંગ પ્રગટ થઈ જતા! આ ચમત્કાર નિહાળી નામદેવજી સમજી ગયા કે આ જ સાચા અને સમર્થ ગુરુ છે જે મને દીક્ષા આપી પ્રભુના દર્શન કરાવી શકે એમ છે! નામદેવજીએ એમના અભંગોમાં એમના ગુરુ સંતવર્ય વિસોબા ખેચરનો અપાર મહિમા ગાયો છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rphUhD
Previous
Next Post »