દાવત : શિયાળામાં સ્વાસ્થ્ય વધારતી વાનગીઓનો થાળ


પાલખ વેજ મસાલા

સામગ્રીઃ 

૪ કપ બારીક કાપેલી પાલખ, બે ચમચા ચણાની દાળ, ૧૦૦ ગ્રામ બારીક કાપેલાં અને બાફેલાં મિક્સ શાક (ફણસી, ગાજર, કોલી ફ્લાવર, વટાણા), એક બારીક કાપેલું ટામેટું, ૧ બારીક કાપેલો કાંદો, ૨૫ મિ.મી. આદુનો ટુકડો ખૂબ જ બારીક કાપેલો. ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી ધાણા જીરું, ૧ ચમચી લાલ મરચાની ભૂકી, બે ચમચી તેલ, મીઠું પ્રમાણસર.

રીત: 

 દાળને ૩ કલાક પાણીમાં પલાળી નિતારવી. તેલ ગરમ કરવું અને તેમાં કાંદાને ૩ મિનિટ સાંતળવા. શાક અને ટામેટાં નાખવા અને ફરીથી ત્રણ મિનિટ સાંતળવું. આદુ, હળદર, ધાણાજીરું અને લાલ મરચાની ભૂકી તથા મીઠું નાખવાં અને બરાબર મિક્સ કરવું. પલાળેલી દાળ નાંખવી અને બે મિનિટ હલાવવું. પાલખ નાંખવી અને સતત હલાવતાં જતા બે મિનિટ પકાવવું. મિશ્રણને પ્રેશર કુકરમાં નાંખી બે સીટી વાગે ત્યાં સુધી ગેસ પર રાખવું. મિશ્રણને સંચાથી વલોવી એકરસ કરવું. ગરમાગરમ પીરસવું.

રીંગણ ભડથું

સામગ્રીઃ 

૧/૨ કિલો મોટા ગોળ રીંગણાં, ૧ બારીક કાપેલો કાંદો, ૧ ચમચી ખૂબ બારીક કાપેલું લીલું મરચું, ૧ બારીક કાપેલું ટામેટું, બે ચમચી તેલ, મીઠું પ્રમાણસર.

રીંગણાને કાળારંગના થઇ જાય ત્યાં સુધી ગેસની ઝાળ પર શેકવા. છાલ કાઢવી અને બરાબર છૂંદી નાખવા. તેલ ગરમ કરવું અને કાંદાને ૧/૨ મિનિટ સાંતળવા. લીલાં મરચાં નાંખવા અને ફરી થોડી સેકંડ સાંતળવા. ટામેટાં નાંખવા અને ફરી બે મિનિટ સાંતળવા. છૂંદેલા રીંગણાં અને મીઠું નાંખવા. ગરમા-ગરમ પીરસવું.

મસાલા કઢી

સામગ્રીઃ 

૩ મોટાં ટામેટાં, ૧૦૦ ગ્રામ ખૂબ બારીક કાપેલાં અને બાફેલાં મિક્સ શાક (ફણસી, ગાજર, ફ્લાવર),  બે ચમચી સાકર, ૧ ચમચો તેલ, મીઠું પ્રમાણસર.વાટીને પેસ્ટ બનાવવા માટેઃ ૧ મોટો કાંદો, ૧ ચમચો ધાણા, ૧ ચમચો જીરું, ૧ ચમચો ખસખસ, બે ચમચા વરિયાળી, ૨૫ મિ.મી. આદુનો ટુકડો, ૧ લીલું મરચું, ૩ એલચી, ૩ લવિંગ, ૩ તજના ટુકડા.

 ટામેટાના બારીક ટુકડા કરવા ૧ ૧/૨ કપ પાણી નાંખવું અને નરમ પડે ત્યાં સુધી બાફવા. ટામેટો પ્યુરે બનાવવા માટે સૂપના સંચાથી ગાળી લેવાં. તેલ ગરમ કરવું અને પેસ્ટને ૨થી ૩ મિનિટ સાંતળવી. ટોમેટો પ્યુરે, શાક, સાકર અને મીઠું નાંખવા.

સાદાં પરોઠા

સામગ્રીઃ

 લોટ માટેઃ ૧ કપ ઘઉંનો લોટ, ૧/૪ ચમચી મીઠું, ૧ ચમચી તેલ.

શેકવા માટેઃ બે ચમચી પીગળાવેલું માખણ.

રીત: 

બધી સામગ્રી મિક્સ કરવી અને પૂરતું પાણી નાંખી નરમ લોટ બાંધવો. લોટના ૧૨ ભાગ કરવા અને દરેક ભાગમાંથી ખૂબ પાતળી રોટલી વણવી. તવા પર થોડી સેકંડ રાખી ખૂબ આછી શેકવી. 

પસંદગી મુજબનું પૂરણ દરેક પરોઠામાં મૂકવું અને ઘડી વાળવી. તેલ લગાડેલી બેકિંગ ટ્રે પર ગોઠવવા. પરોઠાં પર બ્રશથી આછું માખણ લગાડવું અને ગરમ ઓવનમાં ૨૦૦ અંશ સે. તાપમાન પર આછા ગુલાબી રંગના થાય (લગભગ ૫ મિનિટ) ત્યાં સુધી બેક કરવા, અથવા તવા પર બન્ને બાજુ શેકવા અને બ્રશથી આછું માખણ અથવા તેલ લગાડવું. દહીં સાથે ગરમ-ગરમ પીરસવાં.

ફ્લાવર ટમેટાની કરી

સામગ્રીઃ 

૧/ર કિલો ટામેટાં, ૧/૪ કિલો કોલી ફ્લાવર, ૪ ચમચી ચણાનો લોટ, ૧૦ ગુવારની શિંગો ટુકડા કરીને, ૧૦ ભીંડા મોટા ટુકડા કરીને, બે ચમચા દૂધીના ટુકડા, બે લીંલાં મરચાં લાંબા ચીરેલાં, ૧/૨ ચમચી લાલ મરચાની ભૂકી, ૧/૨ ચમચી રાઇ, ૧/૨ ચમચી જીરું, ૧ ચપટી હિંગ, બે ચમચી તેલ, મીઠું પ્રમાણસર.

ટામેટાં અને કોલીફ્લાવરને ૬ કપ પાણીમાં નરમ પડે ત્યાં સુધી બાફવાં. મિક્સરમાં નાંખી એકરસ કરવાં. ચણાના લોટને ૧/૪ કપ પાણીમાં મિક્સ કરવો અને મિશ્રણમાં નાંખવો અને ૧૫ મિનિટ ઉકાળવું. તેલ ગરમ કરવું અને રાઇ તથા જીરું તતડવા લાગે ત્યાં સુધી સાંતળવા. હિંગ નાંખવી. વઘારને મિશ્રણમાં નાંખવો અને ફરીથી ૫ મિનિટ કરીને ઉકાળવી. ગરમાગરમ પીરસવી.

મેથી પાલખ પનીર

સામગ્રીઃ 

૩ કપ બારીક કાપેલી પાલખ, ૧ કપ તાજી મેથીની ભાજી, ૧ ચપટી સોડાબાય-કાર્બ, ૨૫ મિ.મી. આદુનો ટુકડો, ૧ બારીક કાપેલો કાંદો, ૧ બારીક કાપેલું લીલું મરચું, ૧૦૦ ગ્રામ સ્લાઇસ કરેલું પનીર, ૩ ચમચી તેલ, મીઠું પ્રમાણસર.

 પાલખ અને મેથીની ભાજીને ખૂબ બારીક સમારવી. બે ચમચી પાણી અને સોડાબાય કાર્બ નાંખવા અને ધીમા તાપે નરમ પડે ત્યાં સુધી ચડવા દેવી. ચડી જાય એટલે પાણી નિતારી લેવું અને ભાજીઓને લિક્વિડાઇઝરમાં નાંખી એકરસ કરવી. આદુને ખૂબ બારીક સમારવું. તેલ ગરમ કરવું અને કાંદાને ૧ મિનિટ સાંતળવા. લીલાં મરચાં અને આદુ નાખવા અને ફરીથી થોડી સેકન્ડ સાંતળવું. એકરસ કરેલી ભાજી, પનીર અને મીઠું નાંખવા. ગરમાગરમ પીરસવું.

-હિમાની



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rizOCF
Previous
Next Post »