જર્ની ટુ ધ સેન્ટર ઑફ ધ અર્થ: પાતાળ પ્રવેશ!

- ડિરેક્ટર હેનરી લેવિન

કલાકાર: જેમ્સ મેસન, પેટ બૂન, અરલિન ડાલ, પિટર રોન્સન

રિલિઝ : ડિસેમ્બર, ૧૯૫૯

લંબાઈ: ૧૨૯ મિનિટ

- એક રાતે કાર્લાએ અચાનક જાગીને જણાવ્યું કે તેને મનુષ્યના પગલાંનો અવાજ સંભળાઈ રહ્યો છે. પ્રોફેસર ઓલિવરે કહ્યું કે અહીં આપણા સિવાય કોણ હોય.. તમારા કાન બરાબર સાફ કરો! 

- ખંડના અવશેષો વચ્ચે હાડપિંજર મળ્યું, જ આર્ને સાકનુસમનું હતું. તપાસ કરતાં અહીંથી એક રસ્તો મળી આવ્યો, જે વેક્યુમ ક્લિનર જેવો હતો. તેમાં ચઢાણ કરવામાં આવે તો કેન્દ્રમાંથી સીધા સપાટી પર આવી શકાય


સ્કોટલેન્ડનું એડિનબર્ગ શહેર. 

મધ્યયુગીન કિલ્લા-મહેલોના બનેલા શહેરમાં ૧૮૮૦માં ઉત્સવનો માહોલ છવાયો. કેમ કે શહેરના ભુસ્તરશાસ્ત્ર (જિઓલોજી)ના પ્રોફેસર ઓલિવર લિન્ડબૂ્રકને 'સર'નો ખિતાબ મળ્યો હતો. હવે એ સર ઓલિવર તરીકે ઓળખાતા હતા. ચારે તરફથી અભિનંદન સ્વિકારતા પ્રોફેસર ચાલતાં ચાલતાં પોતાની પ્રયોગશાળામાં પહોંચ્યા અને કામે લાગી ગયા. એ ધૂની હતા, દિવસો સુધી ખાધા-પીધા વગર કામ કરી શકે એવા. તેના ખાસ વિદ્યાર્થી એલેક મેકઈવાને પ્રોફેસરને જ્વાળામુખીમાંથી નીકળેલો એક પથ્થર આપ્યો. ગઠ્ઠાદાર પથ્થરની અંદર એક ગોળો હતો અને તેમાં ગુપ્ત રીતે સંદેશો લખાયેલો હતો. સાંજે ખિતાબ મળવાની પાર્ટી હતી, એ પડતી મુકીને પ્રોફેસરે એલેક સાથે મળી સંદેશો ઉકેલી નાખ્યો.

ગોળા પર ગુપ્ત મેસેજ આર્ને સાકનુસમ નામના વિજ્ઞાાનીએ લખ્યો હતો. આર્ને લગભગ ત્રણસો વર્ષ પહેલા આઈસલેન્ડમાં આવેલા ઠરેલા જ્વાળામુખીમાં પ્રવેશી ધરતીના કેન્દ્ર સુધી જવા નીકળ્યા હતા. પણ ક્યારેય પરત આવ્યા ન હતા. હવે ત્રણ સદી પછી આ મેસેજ મળ્યો એટલે પ્રોફેસર ઓલિવર સમજી ગયા કે સાકનસુમે ધરતીના કેન્દ્ર સુધી જવાનો રસ્તો શોધી કાઢ્યો હતો. હવે વધુ સંશોધન માટે ત્યાં સુધી પહોંચવું જ રહ્યું, જે જગત દુનિયા માટે સાવ અજાણ્યું હતું. વધુ જાણકારી માટે પત્ર લખી સર ઓલિવરે સ્વિડનના જાણકાર પ્રોફેસર ગોટબર્ગને પૂછપરછ કરી હતી. પરંતુ જવાબ મળ્યો કે પ્રોફેસર ગોટબર્ગ ઘણા દિવસથી ગુમ છે!

ઓલિવર અને એલેક બન્ને જ્વાળામુખી દ્વારા ધરતીના કેન્દ્ર સુધી જવા માટે આઈસલેન્ડ પહોંચ્યા. જે હોટેલમાં તેઓ ઉતર્યા હતા ત્યાં જ ગોટબર્ગ પણ ઉતર્યા હતા. ઓલિવર તેમને મળવા ગયા ત્યારે જોયું કે તેમના ઓરડામાં એ બધો સામાન હતો, જે પેટાળમાં ઉતરવા માટે જોઈએ. એટલે કે ગોટબર્ગ ઉતરવાની તૈયારીમાં હતા. પણ ગોટબર્ગ ક્યાં? ઓરડામાં તેમની લાશ પડી હતી. ઓલિવર-એલેક પર પણ હુમલો થયો. કોઈ તેેમને આ યાત્રા કરતા અટકાવવા માગતું હતુું. 

ઓલિવર એમ તો ક્યાંથી અટકે? તેમણે ગોટબર્ગના પત્નીને કાર્લા મળીને સ્થિતિ સમજાવી અને ગોટબર્ગે એકઠો કરેલો સામાન પોતાને આપવા વિનંતી કરી. કાર્લાએ તૈયારી દર્શાવી પણ કહ્યું કે એ પણ સાથે આવશે. વધુમાં સ્થાનિક ભાષા બોલી શકતો એક કદાવર મદદગાર હાન્સ પણ સાથે લીધો. હાન્સે વળી પોતાનું પ્રિય એવું બતક સાથે રાખ્યું હતું. ચાર મનુષ્ય, પાંચમું બતક જ્વાળામુખીની ટોેચે પહોંચ્યા. ચોક્કસ દિવસે, ચોક્કસ જગ્યાએ સૂર્યકિરણો પડે તેના આધારે પાતાળમાં ઉતરવાનો રસ્તો મળી શકે એમ હતો. 

થોડી મહેનત પછી એ રસ્તો મળી ગયો એટલે ઓલિવર અને તેમના સાથીદારોએ નીચે ઉતરવાની શરૂઆત કરી. તેમને જાણ ન હતી કે બીજા બે વ્યક્તિ પણ પાતાળમાં ઉતરવા પાછળ પાછળ આવી રહ્યાં હતા. જેમ જેમ અંદર ઉતરતાં ગયાં એમ નવી નવી સૃષ્ટી સામે આવવા લાગી. અનેક ટનલ, ગુફા, પથ્થરો, સાંકડા રસ્તા તો ક્યાંક જમીન ખોતરીને બનાવેલી હોય એવી કદાવર ચેમ્બર્સ, ક્યાંક ચમકતા પથ્થર, ક્યાંક ફોસ્ફરસનો સાગર, ક્યાંક મીઠાનો સાગર... અગાઉ ક્યારેય જોવા ન મળી હોય એવી ભૌગોલિક રચના હતી. એમાં રસ્તો ભુલાવાની પુરી શક્યતા હતી. પણ સદ્ભાગ્યે ત્રણ સદી પહેલા ગયેલા સાકનસુમે પથ્થર ખોતરીને નિશાન દોરી રાખેલા હતા. એ નિશાને ચાલતાં રહેવાનું હતું. 

એક રાતે કાર્લાએ અચાનક જાગીને જણાવ્યું કે તેને મનુષ્યના પગલાંનો અવાજ સંભળાઈ રહ્યો છે. પ્રોફેસર ઓલિવરે કહ્યું કે અહીં આપણા સિવાય કોણ હોય.. તમારા કાન બરાબર સાફ કરો! સવારે આગળ વધ્યા ત્યારે બીજા મુસાફરોએ આ કાફલાને ગેરમાર્ગે દોરવા માટે બીજી દિશામાં નીશાન કરી દીધા હતા. ત્યાં ફસાયા.. માંડ માંડ બહાર નીકળ્યા. વળી આગળ વધ્યાં. થોડા સમય પછી ખબર પડી કે એલેક અલગ પડી ગયો છે! ક્યાં ગયો? તપાસ કરી પણ મળ્યો નહીં. આનંદ-મંગલથી ચાલતી સફરમાં ગમગીની છવાઈ ગઈ. પ્રોફેસરે તો માની લીધું કે એલેક ગયો અને તેની યાદમાં સફરને પણ એલેકનું નામ આપી દેવાયું. વળી આગળ વધ્યાં.

આ તરફ એકલા પડેલા એલેકને કોઇએ પકડી લીધો. એ ભાઈ કાઉન્ટ સાકનસુમ હતા, ૩૦૦ વર્ષ પહેલા સફર કરનારા સાકનસુમના વંશજ. કાઉન્ટનું એવુ માનવું હતું કે આ રસ્તા પર તેમની પેઢીનો જ હક્ક છે, બીજા કોઈને પાતાળ પ્રવેશનો હક્ક નથી. થોડી વાર થઈ ત્યાં સદ્ભાગ્યે પ્રોફેસરનો કાફલો પણ ત્યાં આવી પહોંચ્યો. શરૂઆતમાં થોડી માથાકૂટ થઈ પરંતુ પછી કાઉન્ટ બહુમતી સામે ઝૂક્યા. પ્રોફેસરે શરૂઆતમાં તો ધરતીના પેટાળમાં જ અદાલત ભરી કાઉન્ટને સજા કરી પણ પછી તેમને સાથે લઈ લીધા. 

અંદર ઉતરતાં ઉતરતાં એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં વિશાળ કદના મશરૂમ ઉગેલા હતા. એ મશરૂમની વાનગી બનાવીને આરોગી. ત્યાં વળી બીજા પ્રકારનો અવાજ આવતો હતો. તપાસ કરી તો ખબર પડી કે અહીં તો સમુદ્ર ઘૂઘવે છે! ધરતીના પેટાળમાં સમુદ્ર! એ પાર કરવા એક તરાપો બનાવ્યો. સમુદ્ર કાંઠે કદાવર કાચિંડા જેવા સજીવો હતા, માંડ માંડ તેનાથી બચી તરાપા પર સવાર થયા અને આગળ વધ્યા. છેવટે પાણી પર હતા ત્યાર જ એવા સ્થળે પહોંચ્યા જે પૃથ્વીનું કેન્દ્ર હતું. કેમ કે ત્યાં હાથમાં રહેલી બધી ચીજો ખેંચાઇને ઉડી જતી હતી. એમાં યાત્રાના અનેક દિવસોની સફરની નોંધ ધરાવતી ડાયરી પણ ઉડી ગઈ. પ્રોફેસરે જ્ઞાાન રજૂ કર્યું કે આ ધરતીનું કેન્દ્ર છે કેમ કે ઉત્તર ધુ્રવ અને દક્ષિણ ધુ્રવનું અહીં મિલન થાય છે. તેની અસર સૌ કોઇ અનુભવી રહ્યા હતા. તરાપો સામે કાંઠે પહોંચ્યો. ત્યાં વળી નવા પ્રકારનું બાંધકામ હતું, ખોવાયેલો એટલાન્ટિસ ખંડ. અહીં કાઉન્ટ જરા ગરબડ કરવા ગયા, એમાં પથ્થર નીચે દબાઈને મૃત્યુ પામ્યા.

ખંડના અવશેષો વચ્ચે હાડપિંજર મળ્યું, જ આર્ને સાકનુસમનું હતું. તપાસ કરતાં અહીંથી એક રસ્તો મળી આવ્યો, જે વેક્યુમ ક્લિનર જેવો હતો. તેમાં ચઢાણ કરવામાં આવે તો કેન્દ્રમાંથી સીધા સપાટી પર આવી શકાય. એ રસ્તામાં આડા કદાવર પથ્થર હતા એ હટાવી રવાના થયા અને થોડી વાર પછી સપાટી પર પહોંચી શક્યા. જ્વાળામુખની ચેમ્બરમાંથી બહાર સમુદ્રમાં ફેંકાયા..

એડિનબર્ગ યુનિવર્સિટીમાં રજૂ થયા ત્યારે પ્રોફેસર પાસે પાતાળ પ્રવેશ કર્યાના કોઈ પુરાવા ન હતા, પણ સૌ કોઈને તેમના પર વિશ્વાસ હતો.

જુલ્સ વર્ને લખેલી કથાઓ પૈકી કેટલીક વાતો વર્ષો પછી સાચી સાબિત થઈ. આ કથા જોકે એવી નથી. તેમાં કલ્પના છે, વિજ્ઞાાન છે, પણ પુરેપુરી વાસ્તવિકતા નથી. એટલે કે ધરતીના પેટાળમાં જવાનું આજની તારીખે શક્ય નથી. અસલ વાર્તા રસપ્રદ છે અને તેના પરથી બનેલી આ ફિલ્મ ભારે રસપ્રદ છે. કેમ કે વર્ન પોતાની વાર્તામાં હાસ્યરસનો ઠીક ઠીક ઉપયોગ કરતાં હતા, ફિલ્મમાં પણ એ જળવાઈ રહ્યો છે. આ ફિલ્મ પરથી જ ૨૦૦૮માં રિ-મેક પણ બની હતી.  



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gZQnP1
Previous
Next Post »