આખું વર્ષ ક્યાં પસાર થઈ ગયું એ ખબર પડી ?!

- વર્તમાનમાં જીવવાની વાત કરવી જેટલી સહેલી છે તેટલું વર્તમાનમાં જીવવું સહેલું નથી. વર્તમાનમાં જીવવા માટે માનસિક સ્વસ્થતા અને દ્રઢ મનોબળ પ્રાથમિક જરૂરિયાત છે. મોટાભાગની વ્યક્તિઓ પોતાના ભૂતકાળની યાદો અથવા ભવિષ્યના સપનાઓને જીવ્યા કરતી હોય છે. ભૂતકાળમાં જીવતી વ્યક્તિઓની મનોદશા નકારાત્મક અને હતાશ હોય છે. જ્યારે, ભવિષ્યમાં જીવનારાની મનોદશા અસલામતી અને ઉચાટ ભરેલી હોય છે


કા લે ૨૦૨૦નો છેલ્લો દિવસ, આખું વર્ષ કોરોનાની લમણાઝીંકમાં પસાર થયું. ભલે કદાચ જુદી જુદી રીતે અને જુદા જુદા મુદ્દે, પરંતુ દરેક વ્યક્તિ હેરાન-પરેશાન થઇ. મહામારીમાંથી બેઠા થતા અને એના મુઢમારની કળ વળ તો કેટલો સમય લાગશે એ કોઈ કહી શકે એમ નથી ! પરેશાનીઓ વચ્ચે પણ વર્ષ આખું ક્યાં પસાર થઇ ગયું એ ખબર ના પડી ! યાદ છે મેં આ જ કોલમમાં વર્ષના પ્રથમ દિવસે શું લખ્યું હતું ?! મને ખાતરી છે કોઈને પણ યાદ નહીં હોય. આમ પણ રોજે રોજ આપણા મગજ ઉપર બેસુમાર માહિતી ઝીંકાતી રહી હોય ત્યાં કામનું-નકામું બધું ધડીભરમાં ભુલાતું જ જતું હોય છે ત્યાં મારે તમારી પાસે તમને એ યાદ હોય તેવી અપેક્ષા પણ ના રખાય ! મેં એક ઘટના શેર કરી હતી, આજે મારે એ જ ઘટનાને ટાંકીને વાત કરવી છે.

વાત જ્યારે હું બારમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારની છે. એ સમયે હું આખો દિવસ વાંચીને કંટાળતો ત્યારે સાંજે કાંકરિયા ચાલવા જતો અને ચાલતા ચાલતા દિવસભર જે વાંચ્યું હોય તેનું મનન કરતો, તાજા વાંચનનું જરૂરી પુનરાવર્તન થઈ જતું અને મગજ હળવું થઇ જતું. નવું વાંચવા તૈયાર થઇ જતું ! સામાન્ય રીતે હું કાંકરિયાના બે આંટા મારીને તરત નીકળી જતો પરંતુ એ દિવસે મારા આ રોજિંદા ક્રમમાં થોડો ફેરફાર હતો. પ્રિલીમ પરીક્ષા પતી હતી એટલે હું થોડો રિલેક્સ હતો. બે ચક્કર મારીને એક બાંકડા ઉપર બેસીને તળાવમાં તરતી જળકૂકડીઓને જોતો હતો. થોડીવારમાં એક વડીલ મારી બાજુમાં આવીને બેઠા. હું પાણીમાં જોતો બેઠો રહ્યો અને એમણે મને પૂછી કાઢ્યું 'આજે થાકી ગયો દીકરા ?!' હું કંઈ જવાબ આપું એ પહેલા એમણે આગળ ધપાવ્યું 'હું તને રોજ અહીં આંટો મારતા જોઉં છું પણ બાંકડે બેઠેલો પહેલીવાર જોયો' એમના પૂછવાનું તાત્પર્ય હવે મારી સામે હતું. પછી તો એમણે મારો ઇન્ટરવ્યૂ લઇ પાડયો અને વગર મફતની ઘણી સલાહો પણ આપી દીધી. આમ પણ એ જમાનાના વડીલોની આવી ઘૂસણખોરી, મારા જેવા કિશોરને મન દખલગીરી નહતી. બાકી આજના કિશોરોનું 'પ્રાઇવસી'ના નામે નાકનું ટેરવું ચઢી જાય !

આજે મારા રિવાઇન્ડ મોડમાં મને એમણે આપેલી એક સલાહ યાદ આવી ગઇ ! એ વખતે વાતવાતમાં મેં એમને એમની ઉંમર પૂછી હતી. 'સિત્તેર વર્ષ' એમણે કહ્યું.

'અને મને સત્તર' મેં કહ્યું 'હું તમારાથી કેટલો બધો નાનો છું.'

એમણે સલાહ આપી 'દીકરા સમય જતા વાર નથી લાગતી, આંખના પલકારામાં જિંદગી પુરી થઇ જતી હોય છે. ક્ષણ ક્ષણ માણજે, બાકી તને ખ્યાલ પણ નહીં રહેને તું મારી ઉંમરે પહોંચી જઇશ !' એ સમયે મને એમની આંખોના ભાવ નહતા સમજાયા પરંતુ આજે એ આંખોનો હાથમાંથી સરકી ગયેલી ક્ષણોનો અફસોસ સમજાય છે !! સાચી વાત તો એ છે કે માત્ર આંખોના ભાવ જ નહિ, એમની વાત પણ પુરેપુરી નહતી સમજાઈ. આજે ફલેશબેકમાં આ વાત બરાબર સમજાય છે, વર્ષો પર વર્ષો વીતતા જાય છે. કોવીડના કકળાટમાં આખું વર્ષ ક્યાં વીતી ગયું ખબર ના પડી ! પરંતુ જો શાંતિથી થોડું લાંબું વિચારીએ તો વર્ષો ક્યાં વીતી ગયા એની પણ ક્યાં આપણને ખબર રહી છે ! ક્યારે બાળપણ વીત્યું અને ક્યારે યુવાની આંટો મારી ગઈ ?! ક્યારે ખભા પર બેસાડીને જેને રમાડતા હતા તે બાળકોના ખભા વિશાળ થઇ ગયા ?! ક્યારે તાજી જન્મેલી જે દીકરીને ઘરે લાવ્યા હતા તે વળાવવા લાયક થઇ ગઇ ?! યાદ હોવા છતાં જાણે કશું પણ યાદ નથી ! વર્તમાનમાં જીવવાની સલાહ આપવાની આજે ફેશન છે. તમારા જીવનને મેકઓવર કે રી-બુટ કરી આપવાની ગેરંટી આપતા લાઇફ-કોચ આજકાલ 'પાવર ઓફ નાવ,' 'માઇન્ડફુલનેસ,' 'હીઅર એન્ડ નાવ' વગેરેની વાતો કરતા થયા છે, જેમાં દરેક ક્ષણને જાગૃતિપૂર્વક માણવાની વાત છે, જે મને આ વડીલે આજથી ત્રીસ વર્ષ પહેલાં કાંકિરાયની પાળે બહુ સાદી અને સરળ ભાષામાં સમજાવી દીધી હતી.

એક મનોચિકિત્સક તરીકે હું એટલું ચોક્કસ સમજ્યો છું કે વર્તમાનમાં જીવવાની વાત કરવી જેટલી સહેલી છે તેટલું વર્તમાનમાં જીવવું સહેલું નથી. વર્તમાનમાં જીવવા માટે માનસિક સ્વસ્થતા અને દ્રઢ મનોબળ પ્રાથમિક જરૂરિયાત છે. મોટાભાગની વ્યક્તિઓ પોતાના ભૂતકાળની યાદો અથવા ભવિષ્યના સપનાઓને જીવ્યા કરતી હોય છે. ભૂતકાળમાં જીવત વ્યક્તિઓની મનોદશા નકારાત્મક અને હતાશ હોય છે. જ્યારે, ભવિષ્યમાં જીવનારાની મનોદશા અસલામતી અને ઉચાટ ભરેલી હોય છે. અફસોસ વગરનો ભૂતકાળ અને ચિંતા-અસલામતી વગરનું ભવિષ્ય હોય ત્યારે જ વર્તમાનમાં જીવવું શક્ય બનતું હોય છે.

સદીઓથી ભાગતા રહેતા સમયની ચોટલી પકડવાની મારામાં આવડત નથી અને ના તો એવી કોઈ કળા હું તમને શીખવી શકું છું. પરંતુ, પરમદિવસે શરૂ થતા ૨૦૨૧ના સંદર્ભમાં એક નવો વિચાર આપી શકું એમ છું. તમારો ભૂતકાળ ગમે તેટલો દુ:ખ કે અફસોસથી ભરેલો હોય, ભવિષ્ય ગમે તેટલી ચિંતાઓ કે અસલામતીથી ઘેરાયેલું હોય, એને બાજુ પર મૂકીને થોડો સમય વર્તમાનમાં રહેવાનો મહાવરો કરતા જાવ. આમ પણ ૨૦૨૦માં એક વાઇરસે સુખદ ક્ષણો કેવી રીતે ઉભી કરવી તે આપણને સમજાવી દીધું છે ! ગમે તેટલા વ્યસ્ત રૂટિનમાં તમારા પોતાના માટે ઓછામાં ઓછો અડધો કલાક ફાળવો. આ સમય દરમિયાન તમને ગમતી પ્રવૃત્તિ કરો, ગમતી વ્યક્તિઓ જોડે વાતો કરો, જાત સાથે વાત કરો, તમારા શોખને જીવંત કરો વગેરે ઘણું બધું..ટૂંકમાં, તમારા માટે અને તમારી મરજી મુજબ સમય વિતાવો. આ રીતે જીવેલો સમય, સઘળું તાણીને લઇ જતા સમયના વહેણમાં અલગ તરી આવે છે. હાથમાંથી સતત સરકતી જતી જિંદગીમાં જીવન જીવ્યાનો સંતોષ આપતી આ ક્ષણો છે. જીવનની કો'ક સાંજે દરેક વહેલું-મોડું પોતાની જિંદગીનું સરવૈયું ચોક્કસ માંડવાનું અને ત્યારે આ ક્ષણો મોટી જમારાશિ સાબિત થવાની !

મહામારી અને લોકડાઉનનો સમય જાત માટે જીવવાનો પાયલોટ પ્રોજેક્ટ હતો હવે તેને કાયમી કરવાનું બીડું ઉઠાવો. ૨૦૨૧ની શરૂઆત છે, જાત સાથે અને જાત માટે ખાતું ના ખોલ્યું હોય તો ખોલી કાઢો અને જીવન વીતી જાય એ પહેલાં જીવવા માંડો ૨૦૨૧ની શુભેચ્છાઓ.

પૂર્ણવિરામ:

૨૦૨૦ આપણા જીવનમાં આવેલા સ્ટ્રેટેજિક ટાઇમ-આઉટ જેવું હતું. તેમાં થયેલું આત્મમંથન (જો કર્યું હોય તો) હવે પછીના જીવનની ગુણવત્તા નક્કી કરશે !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3prVOsW
Previous
Next Post »