મેં આંસુની આંખો દોરી.
સપનાંની પકડાઈ ચોરી.
સુખ તો વાદળનો છાયો છે,
પળ-બે પળમાં પાંપણ કોરી.
ખાલીપાની હથેળીઓ પર,
કોણ લખીને ચાલ્યું 'ર્જિિઅદ ?
ગયા વર્ષના કેલેન્ડર પર,
એક જૂની નિશાની મ્હોરી.
- પંકજ મકવાણા
રા ત્રી કર્ફ્યું હોવાથી આ વખતે ૩૧મીએ રાત્રે બાર વાગ્યે નવા વર્ષની ઉજવણી કરી શકાશે નહીં. કોરોનાએ લોકોના બાર વગાડી દીધા છે. બાકી ૩૧ ડિસેમ્બરે સી.જી. રોડની રોનક જોવા જેવી હોય છે. તમને અમદાવાદને બદલે અમેરિકામાં હો એવો અનુભવ થતો. એ દિવસે જે લોકોએ 'પીધો' ન હોય એને પોલીસ પકડતી હતી..!? મહામારી અને મંદીના સમયમાં ઓછામાં ઓછી જરૂરિયાત સાથે જીવવું જોઈએ. નાતાલને કારણે અનેક ધંધામાં તેજી આવતી હતી પણ આ વખતે સ્થિતિ દયનીય છે. 'ગો ગોવ અને આજા આબુ'ના પેકેજ પ્રવાસીને ઓછા અસર કરશે. આ વખતે નાતાલથી તાલ મિલાવવો અઘરો છે. આ વખતે ઓનલાઈન માસ પ્રેયર કરીને ક્રિસમસની ઉજવણી થશે. સમય પ્રમાણેનું આ પરિવર્તન આવકાર્ય છે.
કોરોનાને કારણે આપણા જીવનમાં કેટલા બધા પરિવર્તનો આવ્યા. આપણને બીબાઢાળ અને બીબીઢાળ થવું ગમે છે. કોઈ નવી વાત આવે એટલે પ્રથમ પ્રતિભાવ નબળો અને નકારાત્મક જ હોય છે. કોઈ નવતર સાહસ કે કાર્યારંભે આપણને હક્કાબક્કા થવાની આદત છે. બીજા વિશ્વયુદ્ધ પછી માનવજીવનની રીતિ-નીતિમાં પરિવર્તન આવ્યું હતું. ગુજરાતી સાહિત્યમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાયો. જો કે એની હવા મોડી ફૂંકાઈ હતી. આધુનિકતાનાં અરણ્યના લડવૈયા સુરેશ જોશી કહેતા હતા કે 'પ્રશ્ન એ છે કે પરમ્પરામાંથી પોષણ મેળવવાનું આપણા કવિને આવડયું છે ખરું ? દરેક ભાષામાં જે સિદ્ધ થઈ ચૂક્યું હોય છે તેનો વારસો આત્મસાત્ કરી શકે એવું કાઠું કવિનું હોવું જોઈએ. આપણી પાસે એવા કવિ કેટલા ?' ૧૯૬૦ પછી ગુજરાતી સાહિત્યમાં અનેક બદલાવ આવે છે. બક્ષીની 'આકાર' નવલકથાથી નવલકથાનો આકાર બદલાય છે. આલ્બેર કામુ કૃત 'આઉટસાઇડર'નો નાયક મ્યુરસોલ્ટ અને 'આકાર'નો નાયક યશ ન. શાહમાં ઘણી સામ્યતા છે. ગુજરાતી સાહિત્યમાં નવા વિષયો આવે છે અને સ્વરૂપની વ્યાખ્યાઓ બદલાય છે. સમાજમાં હોય એ સાહિત્યમાં પણ પ્રગટ થવું જોઈએ. કારણ કે સાહિત્ય એ સમાજનું દર્પણ છે અને દર્પણ કદી અસત્ય ન બોલે. કવિ ગેંગેફેંફેં થાય પણ કવિતા તો સ્પષ્ટ અને અચળ જ હોય છે. કવિ નોકરી કરે પણ કવિતા કદી ચાકરી ન કરે. આજે તો એવોર્ડ લેવા કરતા એવોર્ડ પરત કરનારની લાઈન લાગી છે. કતીલ શિફાઈ કહે છે કે...
લાખ પર્દો મેં રહું, ભેદ મેરે ખોલતી હૈ, શાયરી સચ બોલતી હૈ.
મૈંને દેખા હૈ કિ જબ મેરી ઝુબાં ડોલતી હૈ, શાયરી સચ બોલતી હૈ.
મિલર કહે છે કે 'નિશ્ચિત મર્યાદામાં નિશ્ચિત સમાજ વ્યવસ્થાના સંદર્ભમાં સામાજિક સંબંધોમાં આવતું પરિવર્તન છે.' દરેક હનુમાનજીને એક જામ્બુવંત મળવા જોઈએ. સાચો ગુરુ એ છે કે જે વિદ્યાર્થીનીની ભીતર છુપાયેલી પ્રતિભાને શોધી કાઢી, તરાશી અને સમાજ સામે મૂકે. 'ચરૌવેતિ ચરૌવેતિ'ની વાત 'જીવન ચલનેકા નામ'માં ગુંજે છે વહેતાં જળમાં કદી લીલ બાઝતી નથી. મખમલી મન અને ડેશિંગ દિલ કહે છે કેત 'જિંદગી ના મિલેગી દોબારા'
નવા નવા સાહસ સ્વીકારે, વધાવે એ જ સફળતાના ફળ ચાખી શકે. અણદીઠેલી ભોમ પર આંખ માંડનારો ગુજરાતી સમગ્ર વિશ્વમાં પથરાયેલો છે. પરિવર્તન હંમેશા ધીમું હોય છે. વાળ કપાવવાની સહજતા જેટલું કેશલેસને આપણે સ્વીકારી શકતા નથી. ફિક્ષ્ડ મેન્ટાલિટીવાળા લોકો સવાર સાંજ માત્ર નોકરી કરી શકે છે. ઘણી વ્યક્તિ તો ઘરમાં કાતર કે નેપકિનનો સ્થાનફેર થાય તો પણ ડીસ્ટર્બ થઇ જાય છે. ઘરેડમાં એટલી સજ્જડ રીતે ગોઠવાયેલા હોય છે. દુનિયા કૈંક જુદું કરે એને જ પોંખે છે. ચીલે ચાલનારને મંઝિલ મળે છે. પણ એને નવા રસ્તાનો પરિચય નથી થતો.
ગોથે કહે છે કે ત ‘We must always change, renew, rejuvenate ourselves, otherwise we harden.’ પરિવર્તનથી ફ્રેશનેસ આવે છે. કંટાળાને દૂર કરવા પણ ઘણીવાર પરિવર્તન જરૂરી બને છે. આપણા પરંપરાગત તહેવારોમાં પણ હવે તબદિલીને અવકાશ છે. કાદવ-કીચડને બદલે હવે ઇકો ફ્રેન્ડલી ધૂળેટી ઉજવાય છે. ઘણા વડીલો પરિવર્તનને સહજ રીતે સ્વીકારી શકતા નથી. એને કારણે જનરેશન ગેપ સર્જાય છે. બેસ્ટ સેલર બુક 'વુ મુવ્ડ માય ચીઝ'માં ગાઈ વગાડીને કહ્યું છે કે બદલાવ અનિવાર્ય છે. સમયાંતરે પાણી બદલવું પડે. નહીંતર એક્વેરિયમની માછલીને પણ ગુંગળામણ થાય છે.
શિકાર માટે સિંહે પણ ગુફામાંથી બહાર નીકળવું પડે છે. બખોલમાં ભરાઈ રહેવાથી કશું મળતું નથી. જો કે કેટલાક 'હમ નહીં સુધરેંગે'ની જેમ જડભરત હોય છે. પરિવર્તનના પવનને શ્વાસ બનાવી શકીએ તો ખરા. એની હરિયાળી લહેરાતા ઘાસની જેમ શાતા આપનારી હોય છે. હોવાને હલ્લાબોલ કહેવું પડે ત્યારે ખાઈબદેલા ખૂંટિયાથી ખેતરને બચાવી શકીએ. નર્મદે પરિવર્તિત વિચારોનો પ્રચાર કર્યો હતો. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા 'દાંડિયો' પખવાડિકનો આરંભ કર્યો પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેના તેમના વિચારોમાં પરિવર્તન આવતાં તેમણે આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ગાંધીજીને એના એક અનુયાયીએ કહેલું કે 'અમુક જ્ઞાાતિમાં પશુઓની બલી આપવાનો વિચાર બંધ થાય એવું કરો' ત્યારે ગાંધીજીએ કહેલું કે 'પહેલા એ લોકોની સેવા કરી એનો વિશ્વાસ સંપાદન કરો, પછી એમને કહીશું' રોજ એકની એક મીઠાઈ ન ભાવે એમ એક સરખી જિંદગી કંટાળાનો કાટમાળ ઊભો કરે છે. ચૂલાથી ગેસ સુધીનું પરિવર્તન આપણને ગમે છે પણ વિચારોમાં હજુ કેટલાક લોકો ચકમક સુધી જ પહોંચ્યા છે. બદલાવથી માણસ ડરે છે કેમ કે એને પરંપરાનું પાંજરું સલામત લાગે છે. સ્વતંત્રતાનો સુવિચાર પુસ્તકથી મસ્તક સુધી પહોંચવો જોઈએ. નવા વર્ષે આપણા અસ્તિત્વમાં પ્રગતિશીલ પરિવર્તન ન આવે તો સમજવું કે નવું વર્ષ આવ્યું જ નથી...!
આવજો...
જીવનની બધી હરિયાળી સુકાય જાય, ચારેબાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,
હે પ્રભુ ત્યારે એટલી કૃપા કરજે કે મારા હોઠ પર સ્મિતની એક શુભ્ર રેખા અલોપ ન થઇ જાય. -યોન નાગુચી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ax4Xwh
ConversionConversion EmoticonEmoticon