વિચારો મગજમાં ચોંટી કેમ જાય છે?


કં દર્પ દિવસ દરમ્યાન ગમે ત્યાં હોય પણ રાત પડે પોતાના ઘરે પાછો આવી જ જાય.

ગમે તે સ્થળેથી તથા ગમે તેવી પરિસ્થિતિમાં રાત્રે ઘેર પાછા આવવા માટે કંદર્પ પાસે એક સબળ કારણ હતું. પોતાના ઘરની તમામ લાઈટ્સ બંધ કરવાનું. ઘરની એક એક લાઈટ બંધ કરવાની જવાબદારી તેણે જાતે સ્વીકારી લીધી હતી અને આ મહત્વની જવાબદારી તે બીજા કોઈને સોંપી શકે તેમ ન હતો. તેથી રાત પડે કંદર્પ અચૂક ઘેર પાછો ફરતો.

ઘરમાં અન્ય જવાબદાર વ્યક્તિઓ જેવા કે માતા-પિતા-ભાઈ-બહેન વગેરે હોવા છતાં ઘરની બધી જ લાઈટ્સ રાત્રે બંધ કરવાની જવાબદારી તેની અને માત્ર તેની જ હતી તેવું તે દ્રઢ પણે માનતો હતો.

કંદર્પના આવા વર્તન પાછળનું કારણ એ હતું કે એક વખત એના મનમાં અચાનક એવો વિચાર ઝબક્યો કે રાત્રે ઘરની તમામ લાઈટ્સ તે બંધ નહીં કરે તો વહેલી સવારે તેના પિતાનું મૃત્યુ થશે. પહેલીવાર તેના મનમાં આ વિચાર અન્ય સામાન્ય વિચારની જેમ જ આવ્યો હતો. ત્યારે એને આ વિચાર કંઈક વિચિત્ર, થોડો હાસ્યાસ્પદ અને વધારે પડતો વાહિયાત લાગ્યો હતો.

આ વિચાર સાથે તેને ઝઘડવાનું, અટકાવવાનું કે તેના વિશે વધારે ચિંતા કરવાનું કે તેને મહત્વ આપવાનું શરૂ ન કર્યું હોત તો અન્ય વિચારોની જેમ આ વિચાર પણ તેના મનમાંથી નીકળી ગયો હોત.

પરંતુ કંદર્પ આ વિચારથી અપસેટ થઈ ગયો અને આ વિચારને અટકાવવાની તેણે કોશિષ કરી. જેમ જેમ તે આ વિચારને મનમાંથી બહાર કાઢવાની કોશિષ કરતો ગયો તેમ તેમ આ વિચાર તેના મનમાં ઊંડેને ઊંડે ઉતરતો ગયો. અને પછી તો આ વિચાર તેને વારંવાર આવવા માંડયો.

''મારા ઘરની કોઈ લાઈટ ચાલુ રહી જશે તો વહેલી સવારે મારા પિતાનું મૃત્યુ થશે.'' ધીરે ધીરે તેને હાર્ટ એટેકથી મૃત્યુ પામતા પિતાશ્રીની આકૃતિ પણ દેખાવા લાગી. આ બધાથી તે ભયભીત અને ચિંતિત થવા લાગ્યો. આ વિચારો એના મગજમાં ચોંટી ગયા. આ વિચારો એનો એટલો બધો સમય અને શક્તિ લેવા લાગ્યા કે તેના રોજિંદા કામમાં ખલેલ પડવા માંડી.

પિતાના સંભવિત મૃત્યુના વિચાર માત્રથી તે એટલો બધો ગભરાઈને ચિંતિત થઈ જતો કે એ દિવસથી ઘરની તમામ લાઈટ્સ કાળજીપૂર્વક તે બંધ કરવા લાગ્યો.

કંદર્પના આવા વર્તનથી ઘરના લોકોને આશ્ચર્ય થયું. દિકરો ઈલેક્ટ્રીસીટનો ખર્ચો બચાવે છે એવું માની તેની આ પ્રવૃત્તિમાં શરૂઆતમાં કોઈએ ખાસ માથું ન માર્યું.

લાઈટ બંધ કરવાથી કંદર્પની મુશ્કેલીનો અંત નહોતો આવતો પરંતુ તેને એવા વિચારો આવતા કે ''શું બધી લાઈટો બંધ થઈ ગઈ હશે? એકાદ લાઈટ ક્યાંક ચાલુ તો નહીં રહી ગઈ હોય ને? બાથરૂમની કે સીડીની લાઈટ પણ બંધ થઈ ગઈ હશે કે પછી ચાલુ રહી ગઈ હશે?'' આવા વિચારોની તીવ્રતા વધતી એટલે તે પથારીમાંથી બેઠો થઈ જતો અને ઘરની બધી લાઈટ્સ વારંવાર ચેક કર્યા કરતો.

ઘરની તમામ લાઈટ્સ વારંવાર ઓન-ઑફ કરી વારંવાર લાઈટ્સ બંધ છે તેની ખાત્રી કરતાં જ્યારે કંદર્પને લાગતું કે હવે ઘરની બધી જ લાઈટ્સ બંધ છે એટલે છેલ્લે તે તેની પથારીમાં સૂવા જતો ત્યાં સુધીમાં તો રાત્રિના અંધકારને ચીરતો પરોઢીયાનો ઉજાસ ફેલાવા માંડતો.

કંદર્પની જેમ પ્રત્યેક વ્યક્તિના મનમાંથી ત્રણ પ્રકારના કુદરતી અવાજો આવ્યા કરે છે.

૧. ચિંતાતુર અવાજ.

૨. આભાસી દિલાસાજનક અવાજ.

૩. સમજદાર અવાજ.

ચિંતાતુર અવાજમાં.... ''આમ થશે તો શું થશે?''નો સૂર હોય છે. આમાં ભય, શંકા અને પરિસ્થિતિમાં ગેરમાર્ગે દોરતાં નિષ્કર્ષો હોય છે. આ અવાજ હંમેશાં ભયાનક અને દુર્ભાગ્યપૂર્ણ પરિણામો વિશે જ વિચારે છે. આ વિચારો અતાર્કિક, હાસ્યાસ્પદ અને ક્રેઝી પ્રકારના હોય છે. ક્યારેક આવા વિચારો કોઈને કહેતાં પણ શરમ આવે છે. આવા વિચારો ધીરે ધીરે મગજમાં ચોંટી જાય છે. જેને અનિવાર્ય વિચાર દબાણ કે ઓબ્સેશન કહે છે.

બીજો અવાજ છે આભાસી દિલાસાજનક અવાજ ''તો શું થશે?'' ''આવું તો નહીં થાય ને?'' ''આમ થશે તો શું થશે?'' આવા ચિંતાતુર અવાજથી જે બેચેની ઉભી થાય છે તેને દૂર કરવા તેની સાથે દલીલ કરે છે, તેને દબાવી દેવાની કોશિષ કરે છે, ખાત્રી આપવાની કોશિષ કરે છે. અને ચિંતાતુર અવાજની અસર નાબુદ કરવા મરણીયો જંગ ખેલે છે.

''મારા પિતાજી તંદુરસ્ત છે એ કંઈ મૃત્યુ ન પામે.''

''લાઈટ બંધ ન કરવાથી કંઈ કોઈને હાર્ટ એટેક આવે?''

''મારા પિતાજીનું મૃત્યુ એમ થાય તેમ નથી. તેઓ ઘણા 

તંદુરસ્ત છે.''

આવા બધા દિલાસા જનક અવાજો આભાસી સાબિત થાય છે અને બમણી તીવ્રતાથી વિચાર 

આવે છે.

''લાઈટ ચાલુ રહી જશે તો મારા પિતાનું મૃત્યુ થઈ જશે તો શું.''

એટલે ચિંતાતુર વિચારો સાથે જેટલી દલીલો કે દિલાસાજનક ઉચ્ચારણો વ્યક્તિ પોતે કે તેના સગાં-સ્નેહી કરે તેટલી તેની ચિંતા વધતી જાય છે. કારણ વિચારો દબાવવાથી તેને અટકાવવાથી તેનો ગુણાકાર થતો રહે છે.

આ બન્ને અવાજો વચ્ચે થતી સતત દલીલબાજીથી વધતી ચિંતા સમજદાર મન શાંતિથી નિહાળે છે. તે દલીલમાં વચ્ચે કૂદતું નથી. તે જાણે છે કે દિલાસાજનક અવાજના વચ્ચે કૂદી પડવાથી પરિસ્થિતિ વધારે વણસી છે. તે જીવન-મરણની અચોક્કસતાને સ્વીકારે છે. તે વર્તમાનમાં માને છે. વાસ્તવિકતાથી સભાન રહેવામાં માને છે. તે પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં માનતું નથી. તે ભૂતકાળ કે ભવિષ્યકાળમાં જીવતું નથી પણ તે "Mindfullness"ના સિધ્ધાંત પર કામ કરે છે. તે તમામ પ્રકારના અનુભવને બરાબર ચકાસે છે.

સમજદાર અવાજ

''હવે મને વચ્ચે પડવા દે! કંદર્પને જે આવે છે તે માત્ર વિચારો આવે છે. મે તમારા બન્ને વચ્ચેના શાબ્દિક યુધ્ધની કોમેન્ટ્રી સાંભળી છે. તમે જેટલી વધારે દલીલો કરશો તેટલા વધારે બેચેન થશો. હકીકતમાં આ કોઈ ધ્યાન આપવા લાયક મુદ્દો નથી. મનમાં આવતો અતાર્કીક વિચાર છે. આવા વિચાર બધાને આવે છે. આનો કોઈ અર્થ નથી. એને ત્યાં રહેવા દો. એની મેળે જતા રહેશે.''

પણ કંદર્પનું સમજદાર મન હજી કામ કરતું થયું નથી. એટલું જલ્દી કામ કરતું થતું પણ નથી. એને માટે ચોક્કસ પધ્ધતિસરની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

અત્યારે તો સતત આવતા આવા વિચારોથી અને સતત લાઈટ ઓન ઓફ કરવાથી કંદર્પ થાકી જાય છે. તેની બીજી રોજિંદી પ્રવૃત્તિઓ કે સામાજિક કાર્યો માટે તે સમય આપી શકતો નથી. ધંધામાં યોગ્ય ધ્યાન ન આપી શકવાને કારણે તે ધંધાકીય મંદી અને નાણાંકીય તંગી અનુભવે છે.

ન્યુરોગ્રાફ

તમારા વિચારોને સાક્ષીભાવે નિહાળવા અને મનમાં સતત ચાલતી કોમેન્ટ્રીને ''લેટ-ગો'' કરવાથી જ તેમાંથી થોડી રાહત મેળવી શકાશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ro6gDN
Previous
Next Post »