ના ના હતા ત્યારે ગામડામાં પેલા બહુરૂપિયા પાછળ પાછળ આખા ગામમાં ફરતા. ઘણીવાર હનુમાનજીનો વેશ ધારણ કરે તો ડર પણ લાગતો. તેમ છતાં નાસવા-ભાગવાનો ચિચિયારીઓ પાડવાનો આનંદ કંઈક જુદો જ હતો. અંદર અને બહાર માત્ર આનંદ તત્વ જ હતું. આ બહુરૂપિયો કોકવાર મહાકાળી માતા બને, કોકવાર ગુરૂચેલો, મજનું, ગાંડો, ડોક્ટર એવા એવા તો કેટલાય રોલ ભજવતો. સાદા વેશમાં એને જોતાં ત્યારે એના પ્રત્યે અહોભાવ જાગતો. સ્ત્રી પાત્ર તો એ સુંદર ભજવતો.
આ બહુરૂપિયા બનવું એ એની રોજીરોટી હતું. એનું ગુજરાન ચાલતુ. એની કમાણી આ બહુરૂપિયા બનવામાં જ સમાયેલી હતી. બહુરૂપિયા બનવા સિવાય એની પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. પણ એમાં કાંઈ બનાવટ નહોતી. દગોકે છેતરપિંડીનો આશય નહોતો. આજની જેમ નહિં કે જબ ભી જી ચાહે નયી દુનિયા બસાવી લેવાની. ને એક ચહેરા ઉપર ચહેરો ચોંટાડવાનો.
બહુ ઝિણવટથી જોશો તો લાગશે કે આજના માણસોએ આ બહુરૂપિયા બનવાની પરંપરા જાળવી રાખી છે. ઝટ નજરે ન પડે એવા વેશ ધારણ કરે છે. આજનો ઇન્સાન. આવા માણસો અંદર કંઈક જુદા હોય ને બહાર કંઈક જુદા હોય. આવા બહુરૂપિયા માણસોમાંથી જ વિજ્યમાલ્યા જેવા ઉધોગપતિઓ તેમજ આશારામ જેવા સાધુઓ પેદા થાય છે. ભ્રષ્ટ નેતાઓ, સરકારી અફસરો તો પાછા અલગ ઓફિસોમાં પણ મુગ્ધાઓને ફસાવવાના કારસાં રચાતા હોય છે. સ્ત્રીઓ પણ બાકાત નથી આમાં. પેલા બહુ રૂપિયાની તો મજબૂરી છે બે ટંકના રોટલા કાઢવાની. પણ આ સોફિસ્ટિકેટેડો અને નેટ એન્ડ કલીન રહેનારાઓ જે મહોંરાં બદલે છે. એમાં તો હજારો લોકોના રોટલા હડપ કરી જાય છે. રફી સાહેબે એટલે જ ગાયું છે કે 'ઇસ રંગ બદલતી દુનિયામેં ઇન્સાનકી નિયત ઠીક નહીં.
સમાજમાં, પરિવારોમાં પણ બહુરૂપિયાઓની કમી નથી. અંદર કૂછ બહાર કૂછ આ તો જાણે રોજની વાત થઈ ગઈ છે. સવારે પત્ની આગળ જુદું મહોરું હોય. એજ મહોંરુ ઓફિસના બોસ આગળ બદલાય. વળી પાછું કોક અણગમતા માણસ સામે હસવું ના હોય તોય હસી લઈએ. માણસો જતાં હોય હોટલમાં જમવા કે પીકચર જોવા પણ રસ્તામાં જ્યંતિકાકાની ખોટી-ખોટી ખબર કાઢવા જવાનું. લોકો તો એ જાણવા પણ જાય કે હવે કેટલા દહાડા કાઢે એમ છે. !!
આજની ખાણી-પીણીને ઉજાણીની સ્ટાઈલ બદલાઈ ગયી છે. દંભી દેખાડો અને આંધળું અનુકરણ આજની ફેશન બની ગઈ છે. દેખાદેખીમાં બાળકોનું ભવિષ્ય ધૂંધળું બન્યું છે. તથા અનેક પરિવારોમાં સડો પેઠો છે. માણસ માણસ જોઈને બદલાઈ જાય છે. સ્વાર્થ, લોભ-લાલચ, વાસના, ગરજ વગેરે પરિબળો માણસને ગુલામ બનાવી એ ઇચ્છતો ન હોય એવું વર્તન કરવા લલચાય છે. આવા સંજોગોમાં સાચા માણસની પરખ નથી થતી. તેમજ જેને અઢળક માન-પાન આપ્યા હોય ને મોટો માણસ સમજતા હોઈએ એ જ તકલાદી અને બોદો નીકળે ત્યારે રાતાપાણીએ રડવાનો વારો આવતો હોય છે. પતિ-પત્ની પણ એક બીજાને છેતરતા હોય છે. તેઓ પણ અંદર કુછ-બહાર કુછ કરી લેતા હોય છે.
એટલું યાદ રાખો કે મુખોટા પહેરનાર માણસ ભીરૂ, ડરપોક અને માનસિક રીતે બિમાર હોય છે. મનમાં જે હોય એ વ્યક્ત ન કરવું ને દબાવવું ને કંઈક જુદી જ રજુઆત કરવી એ માનવી માટે નુકશાનકારક સાબિત થતું હોય છે. જેમ મળ-મૂત્રનો ત્યાગ કે કામ એ સ્વાભાવિક છે. જો એને દબાવો તો ઉલટુ રીએકશન આપે. શરીર રોગોનું ઘર થઈ જાય. એટલે માણસ પણ અંદર કૂછ ઓર બહાર કૂછની નીતિ રાખે, એક ચહેરા ઉપર કેટલાય ચહેરા ચીપકાવીને જીવે, તો ના તો એ પોતાને ઓળખી શકે, ના તો આત્માને કે ના તો પરમાત્માને ઓળખી શકે. અત્યાર લગીનું બધુંય ભક્તિ પ્રદર્શન ગયું એનું પાણીમાં છેવટે તો આ ભેંસના શિગડાં ભેંસને ભારી !!
- અંજના રાવલ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o3oKam
ConversionConversion EmoticonEmoticon