કચ્છના સાહસિક જયરામ શિવજીની બેકિંગ પેઢી આફ્રિકાનાં ઝાંઝીબાર સુધી વિસ્તરી હતી


- સાંકળબંધ ગુલામો : ગુણવંતરાય આચાર્યની નવલકથા 'દરિયાલાલ'માં રૂંવાડાં ઉભાં કરી નાંખે તેવાં ગુલામોના કમકમાટીભર્યા વર્ણનો છે.

કચ્છની સાહસિક વેપારી પરંપરા

કચ્છ પ્રદેશ તેજસ્વી વેપારી, સાંસ્કૃતિક અને લશ્કરી પરંપરા ધરાવે છે. કચ્છ ગુજરાતનો સરહદી જિલ્લો છે અને તે પાકિસ્તાનને અડકે છે. કચ્છી બોલી ગુજરાતી કરતાં પણ સિંધિ બોલીને વધારે મળતી આવે છે. નૌકાદળ અને લશ્કર વ્યૂહની દ્રષ્ટિએ કચ્છ, કચ્છનો અખાત અને અરબી સમુદ્ર ગુજરાત અને સમગ્ર દેશ માટે કપરી કસોટીરૂપ છે. કચ્છ ગુજરાતની વ્યાપારી અસ્મિતાનું પ્રતિક છે. વળી દેશનાં રક્ષણની દ્રષ્ટિએ પણ કચ્છ જીલ્લો નિર્ણાયક છે. કચ્છને કુદરતે લાંબો દરિયાઈ કિનારો અને જ્યાં ઊંટ અવરજવર કરી શકે તેવું વિશાળ રણ આપ્યું છે. કચ્છી પ્રજા સાહસીક, ખડતલ અને અત્યંત સ્વમાની છે. હાલમાં જ્યાં કચ્છનું રણ છે, ત્યાંથી આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં દરિયો હતો અને સરસ્વતી નદી પણ છેક હિમાલયથી વહેતી કચ્છને મળતી હતી. કચ્છ ખડીટમાં આવેલું ધોળાવીરા તે સમયે લોથલની જેમ જ આંતરરાષ્ટ્રિય બંદર હતું.

કચ્છની આ પરંપરામાં ભદ્રેશ્વરનાં જૈન વેપારી અને દાનેશ્વરી (૧૨૧૦-૧૨૭૫) થઈ ગયા. તેઓ ઈરાન અને અરબસ્તાન સાથે વેપાર કરીને ગુજરાતમાં અઢળક વિદેશી હૂંડીયામણ ઢસડી લાવતા હતા. એ જ પ્રમાણે કચ્છે કાનજી માલમ અને રામસિંહ માલમ જેવા વિશ્વવિખ્યાત વહાણવટીઓ ઉત્પન્ન કર્યા છે. પોર્ટુગીઝ વહાણવટી વાસ્કો-ડી-ગામાને ૧૪૯૭માં પૂર્વ આફ્રિકાનાં મલીન્દી બંદરથી કેરાલાનાં મલબાર કિનારે લઈ આવનાર કાનજી માલમ (૧૪૬૯-૧૫૨૫) હતો. ત્યારબાદ ૧૮મા સૈકામાં કચ્છ-ભૂજમાં યુરોપિયન ટેકનોલોજીને આધારે લોખંડ અને કાચનો ઉદ્યોગ શરૂ કરનાર રામસિંહ માલમ (૧૭૦૨-૧૭૭૩) હતો. આ પરંપરામાં અત્રે જયરામ શિવજીની બેંકિંગ અને વ્યાપારી પેઢીની વાત કરવામાં આવી છે. આ એક સાહસકથા છે. તેની વાત સુંદરજી બેટાઈની નીચેની કૃતિ દ્વારા કરીશું ઃ

''અલ્લાબેલી, અલ્લાબેલી, જવું જરૂર છે, બંદર છો દૂર છે!

ફંગોળે તોફાની તીખારા વાયરા

મૂંઝાયે અંતરના હોયે જે ડાયરા

તારા હૈયામાં જો સાચી સબૂર છે છો ને બંદર દૂર છે,

બેલી તારો, બેલી તારો, બેલી તારો તું જ છે!''

કૌટુંબિક પરંપરા

જયરામ શિવજી કચ્છના મુંદ્રા બંદરમાં ૧૭૯૩માં જન્મ્યા હતા. પણ તેઓ લાંબી પ્રાદેશિક અને જ્ઞાાતિય વ્યાપારી પરંપરાનાં વારસદાર હતા. તેમનાં કુટુંબનાં આદ્યપુરૂષ ટોપણ શેઠ (૧૫૯૬-૧૬૬૨) મૂળ સિંધના થટ્ટા જીલ્લામાં આવેલા કેટી બંદરના અધિકારી અને વ્યાપારી હતા. તેમનું મહત્વ પીછાનીને કચ્છનાં મહારાવ ભારમલજીએ એમને કચ્છમાં વસવાટ કરવાનું આમંત્રણ આપતાં એમણે કેટલાક વેપારીઓ સામે ૧૬૨૨માં સિંધમાંથી કચ્છમાં સ્થળાંતર કર્યું અને રાજ્યની મદદથી માંડવી બંદરને વિકસાવ્યું.

તેની સાથે એમણે એમની પેઢી વિકસાવીને માંડવી, મસ્કત અને ઝાંઝીબાર વચ્ચે વિદેશ વેપારનું નેટવર્ક વિકસાવ્યું. જહાંગીર અને શાહજહાંનાં સમયમાં એમણે આ બંદરોમાં પુષ્ટિમાર્ગી મંદિરો બંધાવ્યા. મથુરાદાસ લવજી નામના વિદ્વાને ૧૮૮૩માં રચેલ ગ્રંથ ''ભાટિયાઓની કુળકથા'' મુજબ ભાટિયા વેપારીઓ અને શરાફો મસ્તક અને ઝાંઝીબારમાં પોતાની વસાહતો સ્થાપીને રહેતા હતા.

મસ્કત ઉપરાંત મતબા, અબુશેરા, ભારન, ગ્વાદ, મહલ્લા, હઠ્ઠીદા અને મશવા જેવા આરબ શહેરોમાં ઘર બાંધીને રહેતા હતા. કોસ્ટન નેબુહર નામનો ડેન્માર્કનો વેપારી ૧૭૬૫માં હિંદી મહાસાગરના પ્રદેશોમાં ઘૂસી વળ્યો હતો અને તેણે મસ્કતમાં ટોપણ શેઠનાં વંશજો પરશોત્તમ અને હીરજીને તથા તેમનાં ભાટીયા મુનીમો, ગુમાસ્તાઓ અને સૈનિકોને જોયા હતા.

ઓમાનના સુલતાનો તે સમયે મસ્કત બંદરના કસ્ટમ્સ કલેક્શન માટે હરાજી કરતા અને જે પૈસા બોલીને રાજ્યની તિજોરી વધારે ભરે તેને કસ્ટમ્સની મોનોપોલી આપવામાં આવતી હતી. આરબ પ્રજા પણ શૂરવીર તો હતી જ, પણ બંદરનું સંચાલન કરવા જે નાણાકીય સૂઝ અને બીઝનેસ સ્ટ્રેટેજી જોઈએ તે તેમનામાં નહોતી. તેથી મસ્કત અને ઝાંઝીબાર બંદરો ઉપર ઈજારો જયરામનાં દાદા ટોપણ શેઠ બીજા (૧૭૨૦-૧૭૮૨) અને પિતા શિવજીના (૧૭૬૪-૧૮૩૬) ઉપરાંત રતનશી ભીમાણી અને વીસનજી હરિદાસ જેવા ભાટીયાઓનાં હાથમાં રહેતો. ટોપણ શેઠ બીજા કચ્છનાં મહારાવ લખપતસિંહનાં (૧૭૪૨-૧૭૬૦) વિશ્વાસુ બેંકર હતા.

જયરામ શિવજીનાં હાથમાં ૧૮મા સૈકાની શરૂઆતમાં કૌટુંબીક પેઢીનું મેનેજમેન્ટ આવ્યું તે પહેલાંની આ વાત છે. મુદ્દો એ છે કે દરિયાએ કચ્છીઓને વિશાળ દિલ-દિલેરી અને સાહસવૃત્તિ બક્ષ્યા છે તો સુકાભઠ્ઠ રણે કચ્છીઓને ખડતલ અને આત્મ-વિશ્વાસુ બનાવ્યા છે. તેણે આજની કોવીડ મહામારી તથા અન્ય વાસ્તવિકતાઓ અને વિષમતાઓ સામે લડીને અસ્તિત્વ ટકાવી રાખવાનું તેમજ 'દીલખુશ' રહેવાનું શીખવ્યંા છે. જયરામ શિવજી (૧૭૯૩-૧૮૬૭) અને તેમનાં મહાન મુનિમ લઘા દામજીએ (૧૭૯૯-૧૮૭૨) આ પરંપરા ઝીલી હતી. 

શાંતિદાસ ઝવેરી, હીમાભાઈ વખતચંદ, હઠીસિંહ કેસરીસિંહ, રણછોડલાલ છોટાલાલ, બેચરદાસ લશ્કરી, અંબાલાલ સારાભાઈ અને કસ્તૂરભાઈ લાલભાઈ જેવા અમદાવાદનાં શેઠીયાઓ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ કરતાં જયરામ શિવજી જેવા કચ્છનાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ કઈ રીતે અને કયાં કારણોસર તદ્દન જૂદાં પડે છે તે વાત સાથે જ સમજવા જેવી છે. 

જયરામ શિવજી અને લઘા દામજીની વિદેશની કારકિર્દી વિશે હવે પછી વાત કરીશું. તેઓ બેંકિંગ ઉપરાંત હાથીદાંત અને આફ્રિકન ગુલામોનાં વેપાર દ્વારા તેમજ રિચાર્ડ બર્ટન તથા જોન સ્પેક જેવા યુરોપિયન શોધકોને નાણાં ધીરીને અઢળક દ્રવ્ય કમાયા હતા. 

જયરામ શિવજીની પેઢી

જયરામ શિવજી (૧૭૯૩-૧૮૩૬) કચ્છની લડાયક વ્યાપારી ભાટિયા જ્ઞાાતિમાં જન્મ્યા હતા. ભાટિયાઓનાં ઈતિહાસનાં દસ્તાવેજો બતાવે છે કે તેઓ મૂળ અફઘાનિસ્તાન, પેશાવર અને લાહોરમાં શાસકો તથા સૈનિકો હતા. 

ત્યાંથી તેઓ આઠમા સૈકામાં સિંધમાં માઈગ્રેટ થયા અને ત્યાંથી ૧૩મા સૈકામાં કચ્છ પહોંચી ગયા. અહીં એમણે ૧૭મા સૈકામાં પુષ્ટિમાર્ગી વૈશ્નવ સંપ્રદાય અપનાવતાં તેઓ લશ્કરી પ્રવૃત્તિમાંથી અહિંસાને વરેલી વ્યાપારી પ્રવૃત્તિ તરફ વળ્યા. પણ તેમનું અસલી ''ક્ષાત્ર લોહી'' ચાલુ રહ્યું હોવાથી તેઓ હિંદ 

મહાસાગરમાં જ્યારે ઘૂમે ત્યારે બંદુક, તલવાર અને ભાલા રાખતા અને ભલભલા આરબ અને યુરોપીયન ચાંચીયાઓને દરિયાઈ યુધ્ધોમાં મારીને એમનો કચ્ચરઘાણ કાઢી નાંખતા. 

ગુણવંતરાય આચાર્યની ૧૯૩૮માં પ્રસિદ્ધ થયેલી નવલકથા 'દરિયા લાલ'માં ટોપણ શેઠ અને જયરામ શિવજી જેવા ભાટિયા વેપારીઓનાં સૈનિકો ભરદરીયે જીવસટોસટની લડાઈ લડીને દુશ્મનોને પાણીમાં ઢાળી દેતા. દરિયાના ખારા પાણીમાં ભેળવી દેતા હતા ઃ

''ખારાં ખારાં ઉસ જેવા આછાં-

આછાં તેલ

પોણી દુનિયા ઉપર એવાં પાણી રેલમછેલ...

ઊંડો-ઊંડો ગજબ ઊંડો, માણસ ડૂબે, ઘોડા ડૂબે

કિલ્લાની કિનાર ડૂબે, મહેલના મિનાર ડૂબે!

તાડ જેવા ઝાડ ડૂબે, મોટા-મોટા પહાડ ડૂબે!

ગાંડો થઈને રેલે તો તો, આખી દુનિયા જળબંબોળ જળબંબોળ!''



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3maRdJD
Previous
Next Post »