વર્ષ ૨૦૨૦નો મોટાભાગનો સમય કોરોનાની મહામારીમાં પસાર થયો છે. વર્ષની આખરમાં પણ બ્રિટનમાંથી કોરોનાની નવી આવૃત્તિ ફેલાવવાની ચિંતાને લઇને ડોલર ઉપર નબળાઈનું પ્રેસર વધી રહ્યું છે. આગામી વર્ષની શરૂઆતમાં જાહેર થનાર નવા બજેટ ઉપર મીટ મંડાઈ છે. કોમોડિટી ટ્રાન્ઝેકશન ટેક્સ દૂર થાય તેવી સાર્વત્રિક માંગ છે. કોમોડિટી વાયદા ઉપરનો ટેક્ષ હાલની પરિસ્થિતિઓને ધ્યાને લઇ તર્કસંગત રાખવામાં આવે તે જરૂરી બનેલ છે. ઇઝી ડુંઇગ બિઝનેસ ઉપર ફોકસ કરવામાં આવે તો કારોબારમાં વૃધ્ધિ થઇ શકે તેમ છે.
ગત વર્ષ દરમ્યાન સોના-ચાંદી, તેલીબીયાં, દાળોને બાદ કરતાં મોટા ભાગની કોમોડિટીઝમાં મંદીનું રૂખ રહ્યું છે. અનાજ અને દાળોમાં આત્મનિર્ભર થયા બાદ મોદી સરકાર હવે તેલીબીયામાં પણ દેશ આત્મનિર્ભર બને તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. દેશમાં સૌથી વધારે આયાત થતા પામોલિન ઉપર સરકારે પ્રતિબંધને કારણે સ્થાનિક તેલીબીયામાં તેજી થતાં ખેડૂતોને ગત વર્ષે સારા ભાવો મળ્યા છે. તેલીબીયામાં સૌથી વધારે તેજીનો કારોબાર રાયડામાં રહ્યો છે. વર્ષ દરમ્યાન રાયડા બજાર ૩૮૦૦થી વધીને ૬૫૦૦ સુધીના બમણાં લેવલે ઉછળી છે. જેના લીધે રવિ સીઝનમાં રાયડો ખેડૂતો માટે હોટ ફેવરીટ બન્યો છે. આ વર્ષે રાયડાનું ઉત્પાદન લગભગ અઢીથી ત્રણ ગણું થવાનો અંદાજ છે.
સામાન્ય રીતે વર્ષે તેઓ આઠેક લાખ ટન ઉત્પાદિત થતો રાયડો નવી સીઝનમાં ૨૨થી ૨૩ લાખ ટન થાય તેવી વકી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત મોટાભાગના ખેતીપ્રધાન રાજ્યોમાં રાયડો પ્રથમ પ્રાયોરિટી ઉપર રહ્યો છે. રાયડાની સમાંતર સોયાબીન તથા સોયાબીન મીલમાં પણ નોંધપાત્ર તેજીનો જુવાર રહ્યો છે. સોયાબીન બજાર પણ વર્ષ દરમ્યાન ૩૮૦૦થી વધીને ૪૬૦૦ અને સોયાબીન મીલ ૭૫૦થી વધીને ૧૧૫૦ સુધી ઉચા સ્તરે બજાર રહેતાં ઉત્પાદન પણ દોઢાથી બમણું થવાના અંદાજો છે. વિવિધ તેલોના ભેળસેળમાં વપરાતું પામોલીન બંધ થતાં સ્થાનિક તેલીબિયાં બજારને તેજીનો લાભ મળ્યો છે. ઉંચા ભાવોને કારણે નવા વર્ષમાં ઉત્પાદન વધવાની ગણત્રીથી તેલોમાં પણ દેશ આત્મનિર્ભર બને તેમ છે.
વર્ષોથી ઘઉંનો જથ્થો રશિયા તથા ઓસ્ટ્રેલિયાથી આયાત થતો હતો. તુવેરદાળ બર્માથી, પામોલીન તેલ મલેશિયાથી તથા ચણા કેનેડાથી મોટે પાયે આયાત થતા હતા. હવે દેશમાં અનાજ, દાળોનું વિપુલ ઉત્પાદન છેલ્લા કેટલાક વર્ષોથી થતાં બહારથી આયાત બંધ થઇ છે. દેશમાં ચણાનું ઉત્પાદન ૨૫થી ૩૦ લાખ ટનથી વધીને ૪૦ લાખ ટન ઉપરાંત થાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે. સરકારે અનાજ, દાળો જેવી ખાધ જથ્થાનો સ્ટોક બેથી ત્રણ વર્ષ સુધી ચાલે તેટલો કર્યો છે. જેના લીધે વર્ષ ૨૦૨૦ના કોરોના લોકડાઉન સમયે સરકારે રાશનમાં અનાજ ઘઉંની સાથે સાથે આ વર્ષની આખર સુધી ચણાનું વિતરણ પણ કરી શકી છે. સરકારે ચણાના ટેકાના ભાવો ૫૧૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યા છે. જો કે ચણાની બજાર આજે પણ ટેકાના ભાવોથી નીચી રહી છે. જો કે હવે સરકાર ટેકાના ભાવો અને બજાર ભાવો વચ્ચેનો તફાવત સીધો ખેડૂતોને આપવા લાગી છે. ઉત્તર પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં શેરડીમાં પણ ભાવાંતર યોજનાથી ખેડૂતોના ખાતામાં સીધી સહાય કરી છે. મધ્યપ્રદેશમાં અગાઉ સોયાબીનમાં આ પ્રકારે ભાવાંતર યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપી હતી.
આગામી નવા વર્ષ ૨૦૨૧માં પણ સોયાબીન, કપાસ, ચણા, રાયડો જેવી ચીજોમાં તેજીનું રૂખ રહે તેમ છે. ચીન તરફથી કપાસની ઉછળતી જતી માંગને લીધે કપાસનો કારોબાર વધી રહ્યો છે. લોકડાઉનને લીધે મસાલા કારોબારને વર્ષ દરમ્યાન ભારે ફટકો પડયો છે. જો કે લોકડાઉન હળવું થતાં ભારતીય તેજાના મરચાં, હળદર, જીરૂ, ધાણા, અજમો, સૂંઠ જેવી ચીજોની નિકાસમાં સરેરાશ ૧૮થી ૨૦ ટકાનો વધારો થયો છે. સૌથી વધુ મરચાંની લગભગ ૩૬૦૦ કરોડની ૨.૬૪ લાખ ટન આસપાસ અને ત્યારબાદ જીરૂની ૨૧૦૦ કરોડની ૧.૫૦ લાખ ટન નિકાસ થઇ છે. જો કે વર્ષ દરમ્યાન સૌથી વધુ ફટકો મસાલા પાકોને થયો છે જેમાં જીરાનું વોલ્યુમ તુટીને અડધું થતાં ૨૫થી ૩૦ ટકાનો ફટકો પડયો છે. જ્યારે ધાણામાં ૨૦ ટકા તથા હળદળમાં ૧૦થી ૧૫ ટકા સરેરાશ મંદી રહી છે.
બીજી તરફ મેટલ કોમોડિટીમાં ચુસ્ત બજારો છે. જ્યારે કાચા તેલમાં વર્ષ દરમ્યાન વિક્રમ જનક ઝીરોના સ્તરે બજારો લોકડાઉન સમયે ધકેલાયા હતા. નોન-એગ્રી કોમોડિટીમાં સૌથી વધુ તેજી સોના-ચાંદીમાં રહી છે. ગત વર્ષે ડીસેમ્બરમાં સોનાના ભાવો ૩૮થી ૩૯ હજાર પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે ભાવો હતા. જે વર્ષ દરમ્યાન ઉછળીને ૫૬ હજારની ઓલટાઇમ હાઈ સપાટીએ રહ્યા હતા. એટલે કે સોનામાં સૌથી વધુ ૪૦ ટકા ઉપરાંતની લાલચોળ તેજી જોવા મળી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37QgxRa
ConversionConversion EmoticonEmoticon