''2020'' તુ સી જા રહે હો? તુ સી ભાડ મેં જાઓ (LOL): ટાઈમપાસ ઈયરના અંતે પાસ ધ ટાઈમની ગેલગમ્મત


તો ફાની ટાબરિયા ડેનિસ ધ મિનેસની કાર્ટૂનપટ્ટીમાં વર્ર્ષો પહેલાં એક સ્ટ્રીપ આવેલી. જેમાં વીતેલા વર્ષની સરખામણીએ નવું વર્ષ કેવું હશે તેના અંદાજે અને વાસ્તવિકતાનો અભ્યાસ કર્યા પછી છેલ્લે ટેણિયો ડેનિસ ઠાવકું મોં રાખીને બોલે છે: 'લાગે છે કે એ લોકોએ નવા વરસના પેકિંગમાં જૂનું વરસ જ ફરીથી પેક કરીને આપી દીઘું છે! ઈટસ ચીટીંગ!''

માંડ જગતમાં માનવજાત માટે ગોઝારું નીવડેલું ૨૦૨૦ જવામાં છે અને આવી ગઈ છે સરવૈયાઓની ફલેશબેકની અને વાર્ષિક ઘટનાઓના લેખાજોખાની સીઝન! આવી બધી વાતોમાં મગજ ખપાવવાને બદલે મગજ બહેલાવવાનો ય એક જમાનો હતો જે હવે તો જુગજુનો લાગે છે. વન્સ અપોન એ ટાઈમ ૨૦૧૯માં તો એ ય ને ૩૧ ડિસેમ્બર કી શામ, પાર્ટીયોં કે નામ! ડિસ્કોથેકમાં નાચો... દારૂ ઢીંચો.... ફુગ્ગા ફોડો, ફટાકડા ફોડો... કેક કાપો.... કાગળની રંગબેરંગી ચળકતી પટ્ટીઓ ઉડાડો...  શંકુ આકારની ટોપી પહેરી મીણબત્તીઓ જલાવો... ભાવતાં ભોજન ખાવ, ગમતા સ્થળે જાવ... ધમ્માલ, ધાંધલ, મસ્તી, મજા... હેવ એ બોલ! અને આ વખતે નવા વરસમાં આપણી લાઈફમાં ઉમેરાઈ ગયા કોવિડ, કવોરન્ટાઇન, આઈસોલેશન, સંક્રમણ, સેનિટાઇઝર, માસ્ક...

તો હવે ઈયર એન્ડ સેલિબ્રેશન પણ વર્ક ફ્રોમ હોમ ને ઓનલાઈન કલાસીસની જેમ ઘેરબેઠાં કરવાનું છે. આખું વરસ કાદર ખાનના ડાયલોગની ભાષામાં આપણને ઉંગલી કરી ગયું છે ત્યારે એન્જોય કરવા માટે ચાલો રિવર્સમાં જઈએ. લેટસ ટ્રાય ફોર સમથિંગ ડિફરન્ટ. ના, બહુ બોરિંગ વાતો નહીં કરવાની. આ સેલિબ્રેશન ટાઈમ છે. માણસ બહુ અવળચંડુ પ્રાણી છે. દુ:ખો બહુ ઝાઝા હોય તો એ ટેન્શન ભૂલાવવા મોજમજા કરશે, દુ:ખો ઓછા હોય તો એ રાજી થઈને મોજમજા કરશે. ગમે તે રીતે, ગમે તેમ માણસ એન્જોય કરીને જ રહેશે!

આમ પણ બધા થનગનભૂષણો કંઈ મુંબઈ-દિલ્હીમાં રહેતા નથી. નાના-નાના શહેરો કે મિડલ કલાસ વિસ્તારોમાં પણ હોય છે. એમનેય ૩૧ ડિસેમ્બરની રાત સેલિબ્રેટ કરવી છે, પણ પેલો ઝગમગાટ જલસો એમની પહોંચ બહાર છે. ચર્ચની ધાર્મિક વિધિઓમાં એમને રસ કે સમજ નથી. પછી એકમાત્ર વિકલ્પ ટી.વી. સામે ચોંટી જવાનો રહે છે. હવે તો ચેનલવાળાઓ પણ ઉસ્તાદ થઈ ગયા છે. કોઈ પ્રોગ્રામનો સ્પેશ્યલ કોન્સેપ્ટ ડેવલપ કરવાને બદલે કોઈ લેટેસ્ટ સુપરહીટ પિકચર કે એવોર્ડ કે સંગીતનો કાર્યક્રમ જ ફટકારી દે છે. આવા માહોલમાં ઘરે બેઠાં ફન જેવી એક્ટીવિટી આઈટેમ્સ પર નજર નાખીએ. રિમેમ્બર, આ ટાઈમે હસવાનું વધુ અને વિચારવાનું ઓછું હોય છે. એટલે 'જ્યાદા ફન, થોડા ચિંતન' જેવી છે આ સેલિબ્રેશન ટિપ્સ!

(૧)  એલિયન્સ ગોસિપ :

એક્ચ્યુઅલી, અદ્રશ્ય કોરોના એવો ઘુસી ગયો કે અમેરિકાની સંરક્ષણ સંસ્થા 'પેન્ટાગોન'એ એપ્રિલમાં એણે આકાશમાં 'યુએફઓ' જોયાની વાત કરી એવા અહેવાલમાં ય લોકડાઉનને લીધે કોઈને રસ ન પડયો! ઉડતી રકાબી કે સ્પેસશિપ નહિ પણ અનઆઈડેન્ટીફાઈડ ફલાઇંગ ઓબ્જેક્ટસ. પછી એક ૮૭ વર્ષના ઈઝરાએલના પૂર્વ સરંક્ષણ અધિકારીએ મોટી ઉંમરે થતા ભ્રમ ને કાલ્પનિક વાતો જેવું પારાયણ પરગ્રહવાસીઓ અમારી ને અમેરિકાની સરકારોના સંપર્કમાં છે એ ચલાવ્યું. ત્યાં વળી એકાદ મહિનાથી પશ્ચિમમાં મોનોલિથ યાને ધાતુના ચમકતા સ્તંભોએ ઉપાડો લીધો છે. પહેલા અમેરિકાના કુદરતી કોતરો માટે સુખ્યાત ઉટાહ રાજ્યમાં એક એવો સ્તંભ દેખાયો. એક આર્ટીસ્ટ ગ્રુપે એની જવાબદારી લીધી તો બીજાએ ગુપચુપ એ ખસેડી દીધો. પછી તો કેલીફોર્નિયા, બ્રિટન, નેધરલેન્ડ્સ, રોમાનિયા, જર્મની ઠેકઠેકાણે પેલા એક સમયના ભેદી પણ પછી પોલમપોલ નીવડેલા ક્રોપ સર્કલ્સની જેમ આ ધાતુના ચમકતા થાંભલા દેખાયા છે. અલબત્ત, એનું મેકિંગ સ્પેશ્યલ નથી. આર્થર સી ક્લાર્ક ને સ્ટેન્લી કુબ્રિકના ૨૦૦૧ સ્પેસ ઓડિસીથી પ્રેરિત વાઈરલ રમત લાગે છે ડાર્ક વેબની. શક્યતા તો નેટ પરથી કનેક્ટ થઈને ફ્લેશ મોબ થાય એમ અળવીતરાંઓની ૨૦૨૦થી કંટાળેલી ગમ્મત લાગે છે.

ધેન લેટ્સ એન્જોય ઈટ! કિડ્સ ભાજપ-કોંગ્રેસની ચોવટ કરે. એડલ્ટસ ટ્રમ્પ-બાઇડનની કૂથલી કરે. લીજેન્ડ્સ તો હવે કોવિડકાળમાં આપણા ગ્રહની બહાર જીવન છે કે નહી એની વાતો કરે! એલિયન્સ મેરેજ કરતા હશે? લવ મેરેજ કરતા હશે કે એરેન્જડ મેરેજ? એ ભગવાનમાં માનતા હશે ને ધર્મસ્થળો બનાવતા હશે? એમને મોત આવે તો અંતિમસંસ્કારમાં અગ્નિ હશે કે માટી? એમનું સોશ્યલ નેટવર્ક કેવું હશે? હથેળી ફોન થઇ ગઈ હશે ને બ્રેઈનવેવથી મેસેજ ટાઈપ થતા હશે? એન્ડ વોટ એબાઉટ ધેર ઇન્ટીમેટ લાઈફ એન્ડ ફેન્ટેસી? ત્યાં ઈરોટિક સર્ચમાં શું કરતા હશે? એમને બે હાથ ને એક માથું હશે કે ધુમાડો જ હશે? એમની જોડણીના નિયમો કેવા હશે? ઇનફ મસાલા યુ નો. 

(૨) ગ્રેટ ગ્રીટિંગ કોન્ટેસ્ટ : 

કોમ્પ્યુટર્સ પર હવે ધારો તેવા કાર્ડસ બનાવી શકાય છે. પણ દરેક નવા વર્ષે કાર્ડની થીમ તો જૂની જ રહે છે! કાર્ડ નવું દેખાય છે, નવું લાગતું નથી! માટે જ એ મોબાઈલમાં આવી ગયા પછી કોઈ સાચવતું નથી. આ વખતે ચાલો ડિજીટલ ગ્રીટિંગ્સની હરિફાઈ રાખીએ. પણ કેટલીક શરતો સાથે: કાર્ડ પર ગુલાબ, કમળ, સૂરજમુખી ઈત્યાદિ કોઈ પણ ફૂલ, પતંગિયા, પંખી, પશુ, જંગલ, બગીચા, ઘર વગેરેના દ્રશ્યો રાખવાની મનાઈ છે. કાર્ડ પર રાજસ્થાની, મુગલ કે મોડર્ન કોઈ પણ શૈલીના ચિત્રો પણ નહીં દોરવાના! કુદરતી દ્રશ્યો, ગણેશ- ઈસુ જેવા ભગવાનો, કોઈ પણ ધામક પ્રતીકો, પ્રકાશિત દીવા કે મીણબત્તી, નાના બાળકો વગેરે ટિપિકલ ઈમેજીઝ પણ પ્રતિબંધિત! હેપ્પી ન્યૂ ઈયર, સ્વીટ વિશિઝ જેવા ચીલાચાલુ મેસેજીઝ તો બિલકુલ ન જોઈએ! (ગયા વખતે વિશાવિશ કર્યા પછી ય આ વરસ કેવું માઠું ગયું એ ભૂલી ગયા?) હવે તમે કહેશો કે આ બધું ન હોય તો ન્યુ ઈયરનું ગ્રિટીંગ કાર્ડ કેવી રીતે બને? એ જ તો તમારી ક્રિએટીવિટીને ચેલેન્જ છે ને! મજા તમને અને કાર્ડ જોનારને બંનેને આવશે. ચાન્સ લેતા હૈ ક્યા? ફ્રેન્કલી, વિશ હોય કે ગિફ્ટમાં મહત્વ પ્રાઈસ કે ડેકોરેશનનું નથી, સામી વ્યક્તિનો ટેસ્ટ ઓળખી એ વિચારવાનો ટાઈમ કેટલો આપો એનું છે. 

(૩)પાસ - ધ - ત્રાસતમા-શો :

ટાઈમપાસ કરવો છે? તો એનો બેસ્ટ અને ટાઈમ ટેસ્ટેડ ઉકેલ છે, ટ્રોલટોક ટકટક શોનું આયોજન! આમ તો આપણે ત્યાં પોળ, ગલી, નક્કડ કે પછી પાનની દુકાનના ઓટલે કે ચાની લારીના બાંકડે આવા ખાયાપિયા કુછ નહિ,ગિલાસ તોડા બારહ આના ચાલતા જ હોય છે. પણ ૨૦૨૦નું વર્ષ 'ઈયર ઓફ ન્યુસ ન્યુસન્સ' રહ્યું છે. સુશાંત સિંહનું અપમૃત્યુ તો ધાર્યા મુજબ બિહાર ઈલેકશન પુરતું જ ચાલ્યું. પણ ફિલ્મી દુનિયાની મેથી મારવા ચેનલોને ચાંદી કરાવી દીધી! અર્ણવની જેમ તારસ્વરે અને કંગનાની જેમ ગમે ત્યાં કછોટો વાળી કડછો લઈને જામી જ પડવાનું. આ બધી જ ચેનલોએ એક નવો નુસખો સમય પસાર કરવા માટે આપ્યો છે. 'જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફુઈ' જેવા ડઝનબંધ નિષ્ણાતોને મોટા શહેરોમાંથી પકડી મંગાવવાના...પછી એ બધાં જ 'મરઘી પહેલાં કે ઈંડુ' જેવી ગોળગોળ ચર્ચા કર્યા જ કરે! ચર્ચા નહિ કજિયા કરે મચ્છીમાર્કેટ જેવા! અમુક અજાણ્યા લાગતા મહાશયો કે માનુનીઓ કઈ રીતે અને શા માટે તજજ્ઞાો ગણાય છે, તેનો કોઈ ખુલાસો કદી કરવામાં આવતો નથી. પણ એમને જોઈ-સાંભળીને એટલું તો અવશ્ય લાગે છે કે એક્સપર્ટ થવું એ તો ડાબા હાથની ટચલી આંગળીનો ખેલ છે. બસ, કોઈ વિચારપ્રચારનો કલર ઓઢી લેતા આવડવું જોઈએ. તો લેટસ પ્લે!

આ ઝૂમ મીટીંગ ટાઈપ પાર્ટી ગેઈમ માટે કેટલાક જીવનમરણના પ્રાણપ્રશ્નોની ચર્ચા શરૂ કરો:

(એ) વિરાટ કોહલી અને અનુષ્કાના સંતાનનું નામ શું હશે? (બી) કોરોનાગ્રસ્ત રકુલપ્રીતસિંહના સંપર્કમાં છેલ્લે પાર્ટીગ્રસ્ત સુઝાન ખાન આવી હશે? (સી) મિર્ઝાપુર થ્રીમાં મુન્નો ફરી જીવતો થશે? (ડી) નિર્મલાઆન્ટીજીની આથક નીતિઓ (જો એવું કંઇ હોય તો)થી દેશને (કહો કે, મને) શું ફાયદો થશે? (ઇ) શેરબજારમાં સ્કેમસારું કે કે ખરાબ? (એફ) વંઠી ગયેલી નવી પેઢીની મજાઓ વખોડવાના નવા તરીકાઓ (જી) સોનુ સૂદ અને કંગનામાંથી પહેલું રાજકારણમાં કોણ ઝંપલાવશે? (એચ) સાઈબરટ્રોલર ભક્તજનો છ મહિના સુધી હિન્દુત્વને લગતા મેસેજીઝના ઉપવાસ કરી શકે? (આઈ) જૂની કિતાબોના આધારે દરેક આધુનિકતા ઇવન કોરોના વેક્સીનમાં ય શેતાન શોધતા મુલ્લાઓમાં રિફોર્મ્સ આવશે? (જે) પોસ્ટ કોવિડવર્લ્ડમાં ઘરે રહેવાની ટેવ સિંગલ રહેવાનો ટ્રેન્ડ હશે કે બાકી દુનિયા માટે બેફિકર થઇ ડબલ થવાનો? (કે) આખું વરસ ઘેર બેઠાં પછી ક્લાસરૂમ બહાર પણ ક્લાસિક ભણી શકાય એ સમજણ આવશે?

જો આવી ચર્ચા ૧લી જાન્યુઆરી ૨૦૨૧ની સવાર સુધી ચલાવવાની ઇચ્છા અને મફતની ફુરસદ હોય તો બે એવા વિષયો છેડવાના, જે બજરંગબલિના પૂંછડાને ઓવરટેઇક કરી જાય.. મૃત્યુ પછી શું થાય અને પ્રેમ કોને કહેવાય?

(૪) ગિફટ નહીં, ગિફટ લિસ્ટ! :

જેમને ગિફટસની આપ - લે કરવાની આદત જ હોય એમને 

બાદ કરતા આજકાલ ગિફટ દેવાનું તો ઠીક, 

લેવાનું પણ કોઇ પસંદ કરે તેમ નથી એક તો મોટું ખોખું 'ખાલી ચણો, ખખડે ઘણો' જેવું હોય, સાચવીને ઘરભેગું કરવું પડે. બીજું બંધ બોકસમાં કોરોનું ન નીકળે તેની ગેરેન્ટી તો એફ.બી.આઇ. પણ આપી શકે તેમ નથી. ત્રીજું મોસ્ટ આઇ.એમ.પી. કારણ:  કોઇ મોંઘીદાટ ગિફટ પકડાવી દે, તો પછી બદલામાં તેને મંદીમાં કશુંક એથી પણ ચડિયાતું આપવાના ટેન્શનમાં ૨૦૨૧ માથાના વાળ માટેનું અંતિમ વર્ષ બની જાય!

માટે મોબાઈલ ખોલી ઓનલાઈન શોપિંગ કરવા ફરવાનું...  ચકચકિતચમકદાર ચીજો ફોટો ઝૂમ કરીને મનભરીને નિહાળવાની... પછી સ્ટાઇલિશ ફેશનેબલ સોફિસ્ટિકેટેડ ગિફટસ શોપિંગ કાર્ટમાં ઉમેરી વિશ લિસ્ટ બનાવવાનું!... એનીથિંગ ચલતા હૈ! પછી ચેટ ગ્રુપ ક્રિએટ કરીને એમાં એના સ્ક્રીનશોટ્સ શેર કરવાના. જેની યાદી સહુથી લાંબી બને એને 'પર્સન ઓફ ધ ઈયર' ઘોષિત કરવાનો! ના, ઈનામ-બિનામ કંઈ નહીં સિર્ફ ખિતાબ! ફેસબુકની લાઈક્સ ને ઈન્સ્ટાગ્રામ જેવું લુખ્ખેલુખ્ખું ઉર્ફે વર્ચ્યુઅલ.

નાઉ ધ કેચ.એકલા બેસી એમાંથી કેટલા વગર ચાલી શકે છે ને હજુ સુધી ચાલ્યું જ છે એ વિચારોને મનોમન એ વર્ચ્યુઅલ સેવિંગ્સથી રાજીના રેડ થઇ આયનાને એક કિસ આપો. એકાદ કોઈ ડ્રીમ પ્રોડક્ટ હોય તો સ્ટાર્ટ રોડમેપ ટુ ગેટ ઈટ. 

ધારો કે આ માટે પણ તમને કોઈ કંપની ન મળે, તો ડોન્ટ લૂઝ હાર્ટ! આ તો જે એકલા એકલા રમી શકાય છે! આ પ્લસ પોઈન્ટની સામે તેનો માઈનસ પોઈન્ટ એ છે કે એમાં જેમ જેમ જીતતા જાવ, તેમ કશુંક મેળવ્યાને બદલે તેને ગુમાવવાનો અહેસાસ થાય છે. 

જુઓ, નવું વર્ષ આવે તેની આગલી રાત્રે, બેઠા બેઠા આંખો મીચીને આગલા વર્ષનું રિવાઈન્ડ લો. માર્કેટિંગ મેનિયાએ તમને આખુંય આગલું યાને ૨૦૨૦ પહેલાના ૨૦૧૯ના વર્ષમાં એમ કહ્યું હશે કે 'આ નવું છે, તે નવું છે: ન્યુ, ફ્રેશ, સુપર ન્યુ, ન્યુ બોનાન્ઝા, સ્પેશ્યલ ન્યુ, બમ્પર ન્યુ, ન્યુ ઈમ્પ્રુવ્ડ, ન્યુ અપગ્રેડેડ, ન્યુ અપડેટેડ, ન્યુ એડિશન, ન્યુ વર્ઝન, ન્યુ મોડેલ, ન્યુ સ્ટાઈલ, ન્યુ કલર... આદિ આદિ! અને જોતજોતામાં આખું વરસ જ નવામાંથી લોકડાઉન ને કર્ફ્યુંમાં જ જુનું થઈ ગયું! હજુ નવા વરસે પણ પેલા ન્યુના નિવેદનો તો ચાલુ જ રહેશે! આ વાંચી- સાંભળી- જોઈને ઘડીભર તો એમ જે લાગે કે આપણી પાસે જે કંઈ જૂનું છે, એ તો તદ્દન ખખડધજ, ખટારા છાપ, નકામું, પછાત, ભંગાર, રદ્દી, કચરાપટ્ટી અને બેકાર જ છે! તો પછી અત્યાર સુધી એ ચાલ્યું કેમ? ફગાવી દો એને, લઈ આવો ન્યુ... 

ખરેખર તો એ બનાવતી કંપનીઓ આપણને એમ જ કહેવા માંગે છે તે કે હજુ છ મહિના- વરસ પહેલા એ જ કંપનીએ, એની ઉત્તમ- મહાન- સર્વશ્રેષ્ઠ કાબેલિયતથી બનાવેલી ચીજવસ્તુઓ (જે ત્યારે પાછી 'નવી' જ હતી!) તો એકદમ વાહિયાત, ઠોઠિયા જેવી અને બારીમાંથી બહાર ફગાવી દેવા જેવી હતી! તો પછી અત્યારે જે નવી તાજી સુધારેલી વસ્તુ છે. તે આવતા વર્ષે ખામીવાળી અને જૂનવાણી સાબિત નહીં થાય તેની શી ખાતરી? માટે ખરેખર આ બધી ચીજોમાં એવું તો નવું શું છે, એ રિસર્ચ કરીને શોધો! સાચે જ નવું જડે એ ટિક કરો ને લોક કરો.

(૫) મૂઆ વરસના મરશિયા:

પર્સનલી ફેમિલી કે હેલ્થ માટે સારું નીવડયું હોય તો ય દુનિયાના રોજીંદા આનંદ અને રોજગારીની પાળ પીટી નાખનાર, અનેક વ્યક્તિઓને અકાળે છીનવી લેનાર આ વરસમાં કેલેન્ડર પણ માથે પડયું હોય ત્યારે લેખના ટાઈટલ જેવા ઘણા મીમ્સ યાદ કરો. યાદ ન આવે તો એને કોસવાના કારણો યાદ કરી મનમાં ને મનમાં ક્રિએટીવ ગાલિપ્રદાન વિચારો ને એની ઝાટકણી કાઢીને એ રીતે ય ઈમોશનલ કેથાર્સિસ કરી ૨૦૨૧માં પગ મુકવા તાજામાજા થાવ. અંગ્રેજીમાં તો એની એ બે ચાર ગાળો દેખાશે. માટે દેશી શાકાહારી ઈઝ બેસ્ટ. સેમ્પલ : એલા ફટીચર ઈયર, વાયડાઘોઘડા વરસ, ટણપાટુણીયાટ ટવેન્ટીડા, ગોબાગડબા લોટાલખોટા ફાસફૂસિયા વીસવીસયા તારે તે નાક જેવું છે કે પ્લાસ્ટિકનું ઉગાડયું છે લપોડશંખ? હવે જા ને છાનુંમુનું ને તારા અપલખણ આ નવા બાઉ ૨૦૨૧ને લગાડતું નહિ પાછું રોયાપીટયા! જાન છૂટી માંડ હવે ભાગ મારા બાપલિયા! હેપીનો તો હોકો કરી નાખ્યો. ને પાછો વાઇરસના રોગને પોતાને બદલે કોવિડ૧૯નું પુંછડું લગાડી છટકી ગયું નઘરોળનકટું! ખીખીખી.

ફાસ્ટ ફોરવર્ડ

૨૦૨૦ એક એવું વર્ષ હતું કે જેમાં ફેબુ્રઆરીમાં ૨૯ દિવસ હતા ને પછી માર્ચથી જૂન સુધી દરેક મહિનામાં ૭ વરસ હતા ને જુલાઈથી ડિસેમ્બર બધા મહિનામાં ૧૦-૧૦ દિવસ જ હતા!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rs4FwC
Previous
Next Post »