વયની વીસીમાંથી પસાર થતા યુવાનોએ યાદ રાખવા જેવા 10 અતિ મહત્ત્વના મુદ્દા


વયની વીસીમાંથી પસાર થતી એક મુશ્કેલ ત્રિભેટે ઊભી હોય છે. એક બાજુ એણે શિક્ષણ પુરુ કરવાનું હોય છે, બીજી બાજુ એને પોતાની કારકિર્દીની ચિંતા હોય છે અને ત્રીજુ, એણે પોતાના અંગત સંબંધો જાળવવાની કસોટીમાંથી પસાર થવું પડે. આ બધુ એકીસાથે આવી જતા મોટાભાગના યુવાનો મુંજાઈ જાય છે. એમાં એણે પોતાના ખાસ કરીને રોમાંટિક સંબંધોમાં સહન કરવાનું આવે છે. એક વયસ્ક વ્યક્તિ તરીકે એ પહેલીવાર આ બધુ મેનેજ કરવામાં મુશ્કેલી અનુભવે છે. જોકે, વીસીના યુવાનો રોમાંટિક સંબંધો વિશેના ૧૦ કઠોર સત્યો જાણી લે તો એને માટે મુશ્કેલ તબક્કામાંથી બહાર આવવું બહુ કઠિન નથી. આ બેસિક હકીકતો જાણી લીધા બાદ યુવાનોની ગાડી પ્રેમમાં સફળતા મેળવવા તરફ અગ્રસર થાય છે. શું છે આ ૧૦ હાર્ડકોર હકીકતો? આવો જાણીએ:

૧. યુવાનોએ જાણવા જેવી સૌથી પહેલી અને મહત્ત્વની વાત એ કે પહેલી જ વખતમાં પુરેપુરી સફળતા મળવાની આશા ન રાખો. કદાચ પહેલા જ ધડાકે તમે સફળ થઈ જાવ તો એનું મૂલ્ય રાખવાનું ન ભુલતા. સિનેમામાં હિરોને ફટાફટ બીજી તક મળી જાય છે પણ રિયલ લાઇપમાં બીજો ચાંસ મળવો મોટાભાગે મુશ્કેલ હોય છે.

૨. રોમાંટિક કે બીજા કોઈ પણ પ્રકારના સંબંધો હમેશા પરફેક્ટ નથી હોતુ. એમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે છાશવારે ઉતાર-ચઢાવ આવ્યા કરશે તો તમારામાંથી એક જણ એનાથી કંટાળી જઈ સંબંધમાંથી બહાર નીકળવાની ઇચ્છા રાખવા માંડશે.

૩. તમે બંને જણ તમારા સંબંધોમાંથી એકસરખી અપેક્ષા ન રાખતા હો એવું બની શકે. એમાં કશું ખોટું નથી. પરંતુ એ વાત ચોખ્ખા શબ્દોમાં કહી દેવા જેટલા પ્રામાણિક રહો. તમારી વચ્ચેનો એ સંવાદ બહુ સારો તો નહિ જ હોય પણ યોગ્ય સમયે યોગ્ય ખુલાસો કરી દેવામાં ડહાપણ છે.

૪. ભૂતકાળથી ડરવામાં કે એને ટાળવામાં લાભ કરતા નુકસાન વધુ છે. એક મૂળ વાત સ્વીકારી લો કે દરેક વ્યક્તિનો સારો કે ખરાબ એક ભૂતકાળ હોય છે. એટલે તમારે અને તમારા પાર્ટનરે એકબીજાના ભૂતકાળનો આદર કરવો જ રહ્યો.

૫. લોકો એમ કહે છે કે સંવાદ (વાતચીત) સંબંધની મુખ્ય ચાવી છે અને તેઓ ખોટા નથી. પ્રામાણિકપણે કરેલી વાતચીત તમને તમને દરેક વિઘ્નમાંથી બહાર આવવામાં મદદરૂપ થશે અને તમે બંને એકબીજા પર વિશ્વાસ રાખતા થઈ જશો. તમે બંધનને બદલે એક પ્રકારની આઝાદીનો અનુભવ કરશો.

૬. ક્યારેક એવું બને કે તમે સામી વ્યક્તિને વધુ પડતા આકરા લાગો. પરંતુ તમારા પાર્ટનર કે સંબંધ  વિશેની કોઈ વાત તમને પજવતી હોય તો કઠોર થવામાં વાંધો નથી. એ પરિસ્થિતિમાં સુષ્ટુસુષ્ટુ વ્યવહાર કરવા જશો તો ભવિષ્ય માટે દુઃખ નોતરશો.

૭. સંબંધોમાં એકબીજા પર આધાર રાખવો સામાન્ય બાબત છે પણ એ પ્રક્રિયામાં તમારું પોતાપણું ગુમાવશે તો એ બહુ મોટુ નુકસાન હશે. એટલે કમસેકમ આત્મસંતોષ ખાતર, હેલ્ધી સંબંધો જાળવવા તમે બંને પોતાપણું જાળવીને આગળ વધતા રહો.

૮. સંબંધમાં તમે જે અનુભવો એ બધાના ખુલાસા કે જવાબ ન મળે તો વાંધો નહિ. દરેક સંબંધમાં અનોખી ક્ષણો આવે છે એટલે તમે એમાં આગળ વધતા વધતા શીખતા રહો એ વધુ સારુ. બીજુ, તમારા ભૂતકાલના પ્રેમપ્રકરણ કે પાત્રને વર્તમાન પાર્ટનર કે સંબંધ સાથે સરખાવવાની ભૂલ નહિ કરતા. અલબત્ત, તમે ભૂતકાળમાંથી કોઈ પાઠ શીખ્યા હો તો એ ભૂલવામાં પણ માલ નથી. એવા પાઠ યાદ રાખીને જ આગળ વધો.

૯. પ્રેમ સંબંધમાંથી નીકળી એ કોઈ ગુનો નથી. પરંતુ હકીકતનો સ્વીકાર ન કરી પાર્ટનરને અંધારામાં રાખવો એ ચોક્કસપણે અપરાધ છે. બ્રેકઅપ કરવાને બદલે મૃતપ્રાય સંબંધો પરાણે જાળવી રાખવા વધુ બદતર છે.

૧૦. પ્રેમીઓ સુલેહ અને પ્રેમથી છુટા પડી શકે છે અને બ્રેકઅપ મિત્રતાભર્યુ જ હોવું પણ ઘટે. મનમાં કડવાશ રાખવાને બદલે પ્રેમથી અલગ થશો તો એકબીજા માટેનો આદર જીવનભર જળવાઈ રહેશે.

- રમેશ દવે



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nHle5k
Previous
Next Post »