સૌંદર્યના શત્રુ લાગતા શિયાળાને મન મૂકીને માણો


બધી ઋતુઓમાં શિયાળો સૌથી શ્રેષ્ઠ મોસમ ગણાય છે. છતાં જ્યાં શિયાળામાં કાતિલ ઠંડી પડે છે એ પ્રદેશના લોકો આ ઋતુને સૌંદર્યની શત્રુ ગણે છે. ખરી વાત તો એ છે કે શિયાળામાં પણ સૌંદર્યની માવજત લેતા આવડે તો આ ઋતુને મન મુકીને માણી શકાય. ઋતુઓનું પરિભ્રમણ આપણી ચામડી, શરીર અને કાર્યક્રમમાં ઘણો ફેરફાર લાવે છે. બદલાતી ઋતુઓ સાથે ત્વચામાં સ્વાભાવિક રીતે જ પરિવર્તન થાય છે આથી બદલાતી ઋતુઓની સાથે સાથે જુદા જુદા પ્રકારની પ્રસાધન સામગ્રીનો ઉપયોગ જરૂરી છે.

શિયાળામાં ત્વચાનું શુષ્ક થવું એક સમસ્યા છે. શરીરનું તાપમાન સામાન્ય રહે અને ત્વચામાં તૈલીય તત્વોનું પ્રમાણ સરખું રહે તે માટે સારા ક્રીમ અને મોશ્ચરાઈઝીંગ લોશનનો ઉપયોગ હિતાવહ છે. સ્નાન કરતાં પહેલાં શરીર પર સરસવ, કોપરેલ, બદામ, તલના તેલની ૨૦ મિનિટ સુધી માલીશ કરો.

જેથી રક્ત પરિભ્રમણ બરાબર થશે, અને ત્વચા તૈલીય, ચમકદાર અને મુલાયમ બનશે. કોઈપણ તેલ વડે માલીશ કરતા પહેલાં તેલને થોડું ગરમ કરી લો અને તેમાં થોડી હળદર ઉમેરો. આથી ત્વચાની ચમક વધશે. સ્નાન કર્યા બાદ હાથ, પગ, ચહેરા અને ગરદન પર ક્રીમ અથવા મોશ્ચરાઈઝર લગાડવું જોઈએ. જો ત્વચા વધુ તૈલીય હોય અને ખીલ તથા હોય તો ચહેરા પર મોશ્ચરાઈઝર લગાડવું જોઈએ.ચહેરાની ત્વચા શરીરની અન્ય ત્વચાથી ભિન્ન હોય છે. ચહેરા પર ઋતુઓનો પ્રભાવ તરત દેખાય છે. ચહેરાની ત્વચા સૂકાઈને ફાટવા લાગે છે. પણ તેનો ઉપાય સરળ છે.

દરરોજ ક્રીમને ૨૦ મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો અને ત્યારબાદ ટીશ્યુ પેપર વડે સાફ કરી દો. કારણ કે ૨૦ મિનિટ બાદ ક્રીમ વ્યર્થ થઈ જાય છે. ઉપરાંત અઠવાડિયામાં એકવાર કોઈ સારા બ્યુટીપાર્લરમાં જઈ સંપૂર્ણ ફેશીયલ કરાવો. શિયાળામાં ચહેરાનું સૂક્કાપણું દૂર કરવાનો આ સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. દિવસમાં ત્રણ ચાર વાર ગ્લીસરીન અથવા ઓઈલયુક્ત સાબુ વડે ચહેરાને સાફ કરવો જોઈએ. શિયાળા માટે પિયર્સ સાબુ ઉત્તમ છે. આ રીતે ત્વચાને પોષણ મળે છે અને ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે. સામાન્ય રીતે ત્વચા ચાર પ્રકારની હોય છે. સામાન્ય ત્વચા, તૈલીય ત્વચા, શુષ્ક ત્વચા અને રૂક્ષ ત્વચાને અનુરૂપ સૌંદર્ય પ્રસાધનો તથા ઘરેલું ઉપચાર કરવા જોઈએ.

સામાન્ય ત્વચા માટે

સામાન્ય ત્વચા માટે મોશ્ચરાઈઝર સૌથી ઉત્તમ છે. ચહેરાને જ્યારે પણ ધુઓ ત્યારબાદ મોશ્ચરાઈઝર લગાવો. નહાતા પહેલાં ચહેરા પર કોપરેલ તેલને થોડું ગરમ કરી તેમાં ચપટી હળદર ઉમેરી તેની પેસ્ટ બનાવી પાંચ મિનિટ સુધી રાખો. આ પેસ્ટ હાથ પગ પર લગાવી શકાય. ત્યારબાદ ગરમ પાણી વડે સાફ કરો.

શુષ્ક ત્વચા માટે

આ પ્રકારની ત્વચા પર શિયાળાની અસર ઓછી થાય છે. જો ચહેરા પર વધુ તૈલીય ક્રીમનો ઉપયોગ કરવામાં આવે તો ખીલ થવાનો ભય રહે છે. તેથી આ પ્રકારની ત્વચા માટે સ્નાન બાદ એકવાર બોરોલીન જેવી એન્ટીસેપ્ટીક ક્રીમ ઉત્તમ છે. રાત્રે સૂતી વખતે ગ્લીસરીન, લીંબુ તથા ગુલાબજળને સમાન માત્રામાં મિશ્ર કરી આ મિશ્રણ લગાડવું જોઈએ. આ મિશ્રણ હાથ પગ ઉપર પણ લગાવી શકાય. આનાથી ત્વચાનો રંગ ઉઘડે છે અને ડાઘ પણ દૂર થાય છે. આ પ્રકારની ત્વચા પર શિયાળાની ખૂબ માઠી અસર થાય છે. ચહેરા તથા હાથ પગની ત્વચા ફાટી જાય છે અને ક્યારેક તેમાંથી લોહી પણ નિકળે છે તથા બળતરા થાય છે. આ પ્રકારની ત્વચા માટે કોઈપણ સારી કોલ્ડક્રીમ જેવી કે ચાર્મીસ, નેવીયા, પોંડસ, બોરોલીન દિવસમાં ત્રણથી ચાર વાર લગાડવી જોઈએ તથા અઠવાડિયામાં એકવાર બદામના તેલનું ફેશીયલ કરાવવું જોઈએ. ઉપરાંત ઘરેલુ ઉપાયમાં છાંયડામાં સુકવેલાં લીમડાના પાનને વાટી પાવડર બનાવો. એક ચમચી શુધ્ધ ઘીમાં એક ચમચી લીમડાનો પાવડર તથા અડધી ચમચી હળદર ઉમેરી ધીમી આંચ પર થોડું ગરમ કરો અને આ લેપ દિવસમાં એકવાર લગાવો. આનાથી ત્વચા સુંદર અને સ્વસ્થ બનશે.

હોઠનું ફાટવું

શિયાળામાં હોઠ ફાટી જવાથી ખૂબ તકલીફ થાય છે. હોઠને ધીરે ધીરે થૂંક વડે ભીનું ન કરો. દિવસમાં ત્રણથી ચાર વાર સુગંધીહીન તથા રંગહીન વેસેલીન લગાવો. રાત્રે સૂતી વખતે શુધ્ધ ઘી અથવા કોપરેલનું તેલ લગાવી શકાય.

પગની ત્વચા

પગની ત્વચા ફાટી જવાથી ખૂબ તકલીફ થાય છે. પગના તળિયા અને આંગળાની વચ્ચે ખૂબ બળતરા થાય છે અને ખંજવાળ આવે છે. આના માટે કોકમના તેલની માલીશ સૌથી ઉત્તમ છે. બીજી રીતમાં દિવેલને થોડું ગરમ કરી પગને મોટા વાસણમાં રાખી પગ પર દિવેલની લગભગ અડધા કલાક સુધી ધાર કરો. ત્યારબાદ મોજાં પહેરી લો. અઠવાડિયામાં એકવાર બ્યુટીપાર્લરમાં જઈ પેડીક્યોર કરાવો.

વાળમાં ખોડો

શિયાળામાં વાળ શુષ્ક થઈ જાય છે અને વાળમાં ખોડો પણ થઈ જાય છે. આના માટે કોપરેલ, સરસવ અથવા તેલના તેલમાં લીમડાનાં પાન નાંખી તેલને બરાબર ગરમ કરો. ઠંડુ થયા બાદ તેને ભરી લો. એક એક દિવસના અંતરે આ તેલની વાળમાં માલીશ કરો. વાળમાં શેમ્પૂ કર્યા બાદ કંડીશનર અવશ્ય કરો. દહીં, ઈંડા, કોફી અને લીંબુના રસનું મિશ્રણ બનાવી થોડીવાર સુધી વાળમાં લગાવી રાખી મુકો ત્યારબાદ વાળને ધુઓ. વાળને અધિક ગરમ પાણી વડે ધોવા ન જોઈએ. બ્યુટીપાર્લરમાં જઈને અઠવાડીયામાં એકવાર 'હોટ ટોવેલ' ટ્રીટમેન્ટ લો.

શિયાળામાં મેક-અપ

ત્વચા શુષ્ક થઈ જવાથી મેકઅપ ખૂબ ડ્રાય થઈ જાય છે અને દેખાઈ આવે છે. આથી ફાઉન્ડેશન લગાવતા પહેલાં ચહેરા પર કોલ્ડક્રીમ લગાવો. ત્યારબાદ ઓઈલ બેઝ ફાઉન્ડેશન લગાવી સ્પંજ વડે બરાબર કરો. ફાઉન્ડેશન બાદ કોમ્પેક્ટ પાવડર લગાવો. ફરી સ્પંજની મદદથી ચહેરા પરનો પાવડર સરખું કરો. ત્યારબાદ બ્લશઓન, આઈ- મેકઅપ, અને ચાંદલો કરો. હોઠ પર પહેલાં કોલ્ડ ક્રીમ લગાવી પછી લીપસ્ટીક લગાવો. શિયાળામાં મેક-અપ ઓઈલ બેઝવાળું જ ખરીદો.

શિયાળામાં ડાર્ક રંગના કપડાં પહેરવા જોઈએ. ઘાટો રંગ સૂર્યના કિરણોનું શોષણ કરી ત્વચાને વીટામિન ડી આપે છે. હૂંફ વધારે છે. પુરુષો પણ આમાંની માફક આવે એ ટીપની અજમાયશ કરી શકે છે.

- અવન્તિકા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hapEzl
Previous
Next Post »