ફિટિંગ પરફેક્ટ ન હોય તો બધું નકામું


તમે કપડાં સીવડાવો ત્યારે ફેશનની સાથે સાથે ફિટિંગનું ધ્યાન રાખો છો કે નહીં? બરાબર માપસરના ન હોય તેવાં વસ્ત્ર શરીરને શોભાવાને બદલે હાંસીપાત્ર ઠરે છે. કપડાં તો જ સારા લાગે જો તેનું ફિટિંગ બરાબર હોય. ઘણી યુવતીઓ બ્લાઉઝ કે બીજા ડ્રેસીસ માટે ઘરથી દૂર હોવા છતાં અને સિલાઇના ઊંચા ચાર્જ લેતાં હોય તેવા દરજી પસંદ કરે છે. કારણ કે આવા ટેલરનું ફિટિંગ ફાંકડું હોય છે.

કોઇ વ્યક્તિ ભલે સાવ સાધારણ દેખાવની હોય કે સામાન્ય દેહલાલિત્ય ધરાવતી હોય, છતાં જો એના શરીર અને પોશાકનો સમજી વિચારીને સુમેળ કર્યો હોય તો એ સુંદર દેખાઇ શકે છે. આવી સ્થિતિમાં અસામાન્ય વ્યક્તિનું વ્યક્તિત્વ સુધારવામાં વેશભૂષા સારી એવી મદદ કરે છે. ખાસ કરીને સ્ત્રીઓને આ બાબત વધારે લાગુ પડે છે.

ઘાટીલું શરીર ધરાવનારને તો દરેક પ્રકારના પોશાક સારા લાગે છે, પણ જેમનું શરીર સપ્રમાણ ન હોય, એવી મહિલાઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે કેવા પ્રકારના પોશાક પહેરવાથી શારીરિક ખામીઓને ઢાંકી શકાય તથા ખૂબીઓને પ્રકટ કરી શકાય.

શારીરિક રીતે બેડોળ હોય એવી સ્ત્રીઓએ પોતાના પોશાકમાં અમુક બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઇએ.

ટૂંકી અને જાડી ગરદન :

 જે સ્ત્રીઓની ગરદન ટૂંકી અને જાડી હોય તેમણે બંધ ગળાના કે કોલરવાળા પોશાક પહેરવા નહીં. આના લીધે ગરદન વધારે જાડી લાગે છે. તેના બદલે લો કટવાળા પોશાક વધુ શોભે છે. હા, ગળામાં વધારે આભૂષણ પણ ન પહેરવાં, કેમકે તેનાથી જોનારનું ધ્યાન ટૂંકી અને જાડી ગરદન તરફ પણ દોરાય જ.

વધારે લાંબી અને પાતળી ગરદન :

 કોઇપણ પોશાક પહેરતાં અગાઉ એ વાતનો ખ્યાલ રાખવો કે પહોળા અથવા લો કટ ગળાવાળો પોશાક પહેરવાથી તે વધારે લાંબી લાગશે. આવી ગરદનવાળી યુવતીએ બંધ ગળાના, કોલરવાળા પોશાક પહેરવા, જેથી ગરદન સપ્રમાણ લાગે. આ સિવાય, ગળા પાસે ઝીણી ચપટી લીધેલા તથા કાંગરીદાર ગળાવાળા પોશાક પણ વધુ શોભે છે.

ખભા ઝૂકેલા હોય :

 પોશાક સિવડાવતી વખતે ખભાનું માપ આપવું જોઇએ. આવા ખભાવાળી યુવતીઓના પોશાકમાં ખભાની સિલાઇ સહેજ પાછળ રાખવાથી પોશાક બરાબર લાગે છે. પોશાકમાં ગળાના ભાગને આકર્ષક બનાવવાથી ઝૂકેલા ખભાની ખામીને છુપાવી શકાય છે.

ભારે વક્ષ: સ્થળ : 

સામાન્ય રીતે યોગ્ય માપની બ્રા પહેરવાથી ભારે વક્ષ: સ્થળ તરફ ધ્યાન જતું નથી પણ ઢીલી કે માપ વિનાની બ્રા પહેરવાથી વક્ષ: સ્થળ વધારે ભારે દેખાય છે. આવા શરીરવાળી યુવતીઓએ ચુસ્ત પોશાક ન પહેરવો. તેમને પટ્ટીવાળા ઊંચા ગળાના પોશાક સારા લાગે છે.

કમર પાસે પ્લેટ રાખવાથી પણ આ ખામીને છુપાવી શકાય છે. તેમને ત્રાંસી તથા વાંકીચૂકી લાઇનિંગવાળા પોશાક શોભે છે.

હાથસ્થૂળ હોય :

 બાહુ વધારે પડતા સ્થૂળ હોય, તેને સ્લીવલેસ પોશાક સારો નથી લાગતો. તેના બદલે ફુલ સ્લીવનો કે 'પફ'વાળી સ્લીવનો પોશાક આવી યુવતીને વધુ શોભે છે.

સ્થૂળ નિતંબ :

 આવા શરીરવાળી યુવતીએ નિતંબ પાસે પહેરાતાં કપડાં ઢીલાં પહેરવાથી નિતંબની સ્થૂળતાનો ખ્યાલ આવતો નથી. જોકે તેની સાથોસાથ યુવતીએ પોતાની ચાલનો પણ ખ્યાલ રાખવો જોઇએ. ચાલવાની રીત બરાબર ન હોય તો નિતંબ સ્થૂળ અને ઉપસેલા દેખાય છે.

મોટું પેટ : 

આવી યુવતીઓએ એવો પોશાક પહેરવો જોઇએ જેથી પેટ સહેજ અંદર લાગે. તેમણે ક્યારેય પાતળો અને ચુસ્ત પોશાક ન પહેરવો. બને ત્યાં સુધી પોશાકમાં ગળાનો ભાગ આકર્ષક રાખવો જેથી જોનારનું ધ્યાન પેટ તરફ ન જાય. આ સિવાય ઊભી લાઇનિંગવાળો પોશાક પહેરવાથી પણ પેટ સપ્રમાણ દેખાય છે.

ઠીંગણી યુવતી :

 આવી યુવતીએ ઝીણી ડિઝાઇન અને ઊભી લાઇનિંગવાળો પોશાક પહેરવો જોઇએ. જો સાડી પહેરવી ગમતી હોય તો તેનો પાલવ લાંબો રાખવાથી વધારે ઊંચાઇ લાગશે.

સ્થૂળ અને બેડોળ શરીર : 

આવી યુવતીઓએ સુતરાઉ, કોટા સિલ્ક અને અવરગંડીની સાડી ન પહેરવી તેમ જ વધારે પાતળો અને ચુસ્ત પોશાક ન પહેરવો. આમ કરવાથી તેમનું શરીર વધારે સ્થૂળ અને બેડોળ દેખાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/326BEM0
Previous
Next Post »