કોલેજમાંથી બહાર નીકળીને સીધી જ એ પબ્લિક ટેલિફોન બૂથમાં ઘૂસી ગઈ અને હથેળીમાં લખેલો નંબર ફરી એકવાર જોયો. હથેળીઓ પરસેવાથી ભીની થઈ ગઈ હતી છતાં નંબર હજી વંચાતો હતો. અસ્થિર આંગળીએ તેણે ડાયલ ઘુમાવીને નંબર મેળવ્યો. સામા છેડેથી આવતા 'હલો... હલો' અવાજથી તેના વિચારોની ગતિ અટકી.
''ગાંધી મેમોરિયલ હોસ્પિટલ....! બોલો, શું કામ છે?'' સામા છેડેથી આવતા કોઈ મહિલાના સ્વરને લીધે તે થોડી વધારે નાસીપાસ થઈ, છતાં મન મક્કમ કરીને તે બોલી, ''મારે ડૉ.સુદીપ સાથે વાત કરવી છે.''
''શું કામ છે? અત્યારે તેમને ફોન પર બોલાવવાનું શક્ય નથી તમારે જે મેસેજ આપવો હોય તે આપી દો.''
''પણ મારે મોઢામોઢ વાત કર્યા વિના ચાલે તેમ નથી.'' નિધિએ ભારપૂર્વક કહ્યું.
''તેમની કેબિન બહાર દર્દીઓની લાઈન લાગેલી છે.''
''પ્લીઝ, તમે માત્ર એટલું જ તેમને કહી દો કે નિધિ જરૂરી વાત કરવા માગે છે.''
''ભલે, પ્રયત્ન કરું છું.'' સામેથી જવાબ આપ્યો, ''લોકો સમજતાં જ નથી. ઘેરથી ફોન આવે તો પણ ડો. સુદીપ સ્પષ્ટ ના પાડી દે છે.'' ફોન પર જવાબ દેનારી મહિલાનો બડબડાટ નિધિને સંભળાયો ત્યારે રિસીવર પછાડીને ચાલ્યા જવાની તેને ઈચ્છા થઈ, પરંતુ એ પોતાની ઈચ્છા અમલમાં મૂકે તે પહેલાં જ સામે છેડેથી ડૉ.સુદીપનો મધુર ધ્વનિ કાને પડયો.
''હલો...''
''નમસ્તે, હું નિધિ બોલું છું. મારે તમારી સાથે ખૂબ મહત્ત્વની વાત કરવી છે તેથી તમને રૂબરૂ મળવું છે.''
''જરૂર, એટલું જરૂરી હોય તો ફોન પર જ કહી દો, એવું શું મહત્ત્વનું કામ આવી પડયું છે?''
''તમને એક ખાસ વાત કહેવી છે... અને ફોન પર કહી શકાય તેમ નથી માટે જો ....'' નિધિ સહેજ ખમચાતાં બોલી.
''ખરું કહું? જો મારું ચાલે તો હું અત્યારે જ બધું એમનું એમ પડી રહેવા દઈને તમારી પાસે આવું, પણ મારી કેબિન પાસે દર્દીઓની લાંબી લાઈન છે. તેથી અત્યારે કોઈપણ રીતે નીકળી શકાય તેમ નથી. કાલે બપોરે એક વાગ્યે ફાવશે?''
''ચાલશે. કાલે બપોર પછી મારે પણ કોઈ લેક્ચર નથી ભરવાનું. હું કોલેજની બહાર તમારી રાહ જોતી ઊભી રહીશ...''
ઘર તરફ જતાં તેના મનમાં અનેક સવાલો ઘૂમરાતા હતા. એ વિચારવા લાગી, ''પોતે જે પગલું ભરવા તૈયાર થઈ છે, તેનું પરિણામ માઠું આવશે કે મીઠું, તે અનિશ્ચિત છે. તેણે તો મોટી બહેન, બા, બાપુજી બધાંને કહ્યું હતું કે સુદીપને બધું સાચું જણાવી દેવું જોઈએ. તેને અંધારામાં રાખવો યોગ્ય નથી. પણ એ વખતે બધાંએ તેને ઝાટકી નાખી હતી.
''બધી વિગત જાણી લીધા પછી તો કોઈ આંધળો જ તારો હાથ પકડશે.'' મમ્મી તો ગુસ્સાથી જ ફાટી પડયાં હતાં. નિધિ ઓચિંતા જે ધર્મસંકટમાં ફસાઈ હતી, ત્યારથી તેનાં મમ્મી વાતવાતમાં ઉશ્કેરાઈ જતાં હતાં.
''ભલે, તો પછી મારે લગ્ન નથી કરવા.'' નિધિએ હતાશ સ્વરે કહ્યું.
''આવી રીતે ત્રાગું ન કરાય, નિધિ! ક્યારેક તો વ્યવહારું બનતા શીખ. બાપુજી હવે સાઈઠ વર્ષે પહોંચવા આવ્યા છે. તેમની નજર સામે જ તું ઠીરઠામ થઈ જાય એવી તેમની ભાવના છે.'' મોટી બહેને દરમિયાનગીરી કરીને તેને શાંત પાડતાં કહ્યું.
''ઠરીઠામ થવાનું તમે કોેને ગણો છો?
છેલ્લાં પાંચેક વર્ષથી હું નોકરી કરીને પગભર થઈ શકી છું.'' નિધિએ મોટી બહેનને જવાબ દીધો.
''કોઈ વહેમમાં ન રહીશ. તારી સાથેના બનાવની વાત જાહેરમાં આવતાં જ તારી નોકરી, સૌંદર્ય-બધું એના ઠેકાણે રહી જશે. અને સુદીપ પણ તરછોડીને ચાલ્યો જશે.'' મોટી બહેને પોતાનો મત જણાવ્યો.
''આ બનાવટના પાયા પર ઊભી કરેલી લગ્નની ઈમારત ક્યારે ડગમગી ઉઠશે, એનોે કોઈ અણસાર મળશે ખરો? જો લગ્ન પછી સુદીપને જાણ થશે તો?
''જો દીકરી, એક વાત સમજ... અમે તારી વેદના સમજીએ છીએ. પણ અમારા અનુભવ પ્રમાણે સુદીપને આ વાત કહેતાંની સાથે જ સગાઈ ફોક તો થશે, જ ઉપરાંત અહીંની આપણી જ્ઞાાતિમાં નાક કપાશે તે જુદું. .... તને તો ખબર છે કે લોકોની વાંકી નજર અને વાંકા વેણથી પીછો છોડાવવા માટે ગામ બદલીને અહીં આવ્યાં છીએ.... ધંધો ..... રોજગાર અહીં નવેસરથી ગોઠવવો પડયો.... માટે જે કંઈ બન્યું તેને એક સપનું ગણીને ભૂલી જા... સુદીપને જણાવવાનું તો એક તરફ પરંતુ તારે પોતાને પણ એ અકસ્માત યાદ રાખવાની જરૂર નથી....'' બાપુજીનો અવાજ એટલો ધીરગંભીર હતો કે નિધિ તેનો વિરોેધ પ્રગટ ન કરી શકી.
ડોક્ટર સુદીપ એક વખત તેમનાં માતા-પિતા સાથે આવ્યાં હતાં. પછી બધું અચાનક જ ગોઠવાઈ ગયું એ ત્યાં સુધી કે સગાઈની ઔપચારિક્તા પણ બહુ જલદી આટોપી દેવામાં આવી.
ત્યાર પછીથી નિધિની અકળામણ વધી ગઈ હતી. વારંવાર સુદીપનો સ્નેહભર્યા ચહેરો તેની સામે આવી જતો અને તેની બેચેની વધી જતી. એ વિચારતી કે, 'એમ પણ બને કે સુદીપને ક્યારેય જાણ ન થાય એ સાચું પરંતુ પોતાના મનની ચોરી કયાં સુધી છાની રાખવી?
છેવટે તેણે નિર્ણય લઈ જ લીધો કે હવે હિંમતરાખીને સુદીપને બધું કહી દેવું. આ ગૂંગળામણથી ઊગરવાનો એ જ એક રસ્તો છે. ત્યાર પછી જે કંઈ વિચારવાનું હોય તે સુદીપે વિચારવાનું રહેશે. મારી બધી ભલાઈ કે બુરાઈ સહિત સ્વીકારવાની રહેશે. નહીં તો એને માટે સગાઈ ફોક કરવાનો વિકલ્પ ખુલ્લો જ છે....
આમ નિર્ધાર કરીને નિધિએ સુદીપને ફોેન કર્યો હતો. હવે રૂબરૂ મળવાની વાત નક્કી થતાં તેને મનમાં એક પ્રકારનો ગભરાટ અનુભવાતો હતો.
પરિસ્થિતિએ તેને વિચિત્ર સ્થિતિમાં લાવીને મૂકી દીધી હતી. એમાં બેમત નથી. સુંદરતામાં નિધિની તોલે ભાગ્યે જ કોઈ આવે .... એમ અભ્યાસમાં પણ એ તેજસ્વી હતી. તેથી તેનાં માતા-પિતા તેના માટે ગૌરવ લેતાં થાકતાં નહોતાં, પંરતુ 'એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી...' એ ન્યાયે એક ભયાનક સાંજે એક જ ઝાટકે બધું વેરવિખેર થઈ ગયું અને નિધિના જીવનની સઘળી આશા-આકાંક્ષાઓ પર જાણે હિમપાત થઈ ગયો નહોય તેવી પરિસ્થિતિ બની ગઈ હતી.
માતા-પિતાની સંમતિ લઈને જ નિધિ તેની બહેનપણીઓ સાથે છ વાગ્યાના શોમાં સિનેમા જોવા ગઈ હતી. ફિલ્મ તો ખૂબ સારી હતી, પણ ફિલ્મ પૂરી થઈ ત્યારે થિયેટરમાંથી બહાર આવતાં જ બધો ઉલ્લાસ જાણે ઓસરી ગયો. રાતના હજી સાડા નવ જ વાગ્યા હતા, પણ શિયાળાની એ સાંજ આકાશમાં ઘેરાઈ ગયેલાં કાળાં ડિબાંગ વાદળોને કારણે તેમ જ સૂસવાટા મારીને વહેતી હવાને લીધે વધારે બિહામણી અને રહસ્યમય લાગતી હતી.
ત્રણે બહેનપણીઓ ટાઢથી થરથરતી હતી, પરંતુ તેમને વધારે ડર તો ચારે બાજુ પ્રસરી ગયેલી નીરવતાને લીધે લાગતો હતો. થિયેટરની નજીકના મુખ્ય બસસ્ટેન્ડ પર જ્યાં અનેક રૂટની બસોની અવર-જવર રહેતી અને પેસેન્જરોની ભીડ પણ મોડી રાત સુધી રહેતી, એ સ્ટેન્ડ ઉપર આજે પેસેન્જર પણ નહોતા અને બસની અવરજવર પણ નહોતી લાગતી.
આજુબાજુમાં પૂછપરછ કરતાં ખબર પડી કે બસડ્રાઈવરોએ ઓચિંતી હડતાળ પાડી દીધી હતી.
''બસ ના આવવાની હોય તો કંઈ નહીં. રિક્ષામાં જતાં રહીએ.'' ત્રણમાંથી એક બહેનપણીએ વચલો માર્ગ કાઢ્યો.
ઘણી કોશિશ કર્યા બાદ માંડ એક રિક્ષા મળી ત્યારે ત્રણેયે રાહત અનુભવી સહજતાથી રિક્ષામાં બેસીને ત્રણે પોતાની કોલેજ, ફિલ્મ અન્ય સાહેલીઓની વાતોએ ચડી ગઈ. એ જ દિવસે તેમની બીજા વર્ષની પરીક્ષા પૂરી થઈ હતી, એટલે ત્રણે તેમની ભાવિ યોજનાઓની ચર્ચામાં ગૂંચવાયેલી હતી. એટલામાં નિધિનું ધ્યાન અચાનક સડક પર ગયું અને તે બોલી ઊઠી, ''અરે ભઈ, તમે અમને ક્યાં ઘસડી જાવ છો? અમારે તો ભઠ્ઠા જવું છે.''
''આ રસ્તો પણ ભઠ્ઠા જાય છે.''
રિક્ષા ડ્રાઈવરે સહેજ કુટિલતાથી કહ્યું.
''ના, અમને આશ્રમરોડ ઉપરથી જ લઈ જાવ. તમે રિક્ષા જલદી પાછી વાળી લો...'' એમ નિધિએ કહ્યું તો ખરું પણ ડ્રાઈવરે તેની વાત ધ્યાનમાં ન લીધી. દરવાજા પાસે બેઠેલી સોનુએ તો રિક્ષામાંથી કૂદી પડવાનો પ્રયાસ પણ કર્યો. ત્રણે છોકરીઓ ભારે ગભરાટથી ચીસાચીસ કરવા લાગી, પરંતુ આસપાસનો વિસ્તાર છૂટાછવાયાં રહેઠાણોવાળો હતો એટલે તેમની મદદે કોઈ આવ્યું નહીં. થોડીવાર પછી રિક્ષા અટકી ત્યારે કોણ જાણે ક્યાંથી અંધારામાં ત્રણેક જણ પ્રગટ થયા... ત્યાર પછી શું થયું એ નિધિને બિલકુલ યાદ નહોતું....
બીજા દિવસે જ્યારે આંખો ખૂલી ત્યારે એ હોસ્પિટલમાં હતી. સોનુ અને કેતકીની હાલતથી તે તદ્ન બેખબર હતી. માથા પર ભારે મૂઢમાર વાગવાથી એ બેભાન થઈ ગઈ હતી. નિધિના મમ્મી તો આ બનાવ પછી આઘાતને લીધે સખત માંદગીમાં પટકાઈ ગયાં હતાં. તેમની વાતો ઉપરથી જાણવા મળ્યું હતું કે એ બનાવમાં કેતકીનું મૃત્યુ થયું હતું અને સોનુના પિતા સરકારી અમલદાર હતા એટલે તાત્કાલિક બદલી કરાવીને દૂરના શહેરમાં પહોંચી ગયા હતા. નિધિ પોતે છાપામાં છપાયેલા એક સમાચાર બનીને રહી ગઈ હતી. એ સમાચાર ઉપર નિધિને પોતાને પણ ભરોસો નહોતો પડતો.
લોકો ખબર પૂછવા અને સહાનુભૂતિ વ્યક્ત કરવા આવતા, પણ ઊલટા પોતાની મર્મભેદી વાતથી વધારે દુ:ખી કરી જતા હતા. મોટી બહેનના ચાર-પાંચ મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. એ પોતાના સાસરિયાનાં મહેણા-ટોણાથી ત્રાસ પામીને એક દિવસ ઘેર આવીને છૂટ્ટા મોંએ રડી પડી હતી.
તેના પિતાએ આવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની ધીરજ ગુમાવી નહોેતી. તેઓ સતત વિચારોમાં ડૂબેલા રહેતા હતા. એ બધું નિધિ ઝીણવટથી જોતી હતી. તેમની આંખોના ઊંડાણમાં છુપાયેલી ગાઢ વેદના પણ તે પોતે અનુભવતી હતી, પણ દૂર કરવાનો ઉપાય કે શક્તિનો તેનામાં અભાવ હતો.
એવામાં અચાનક પિતાએ શહેર છોડી દેવાની વાત જણાવીને સહુને ચમકાવી મૂક્યાં. તેમ છતાં સહુ તે સાંભળીને રાજી થઈ ગયાં. જગ્યા બદલાવાથી અને સમય વીતવાની સાથે હૃદયના જખમો ધીમે ધીમે રૂઝાવા લાગ્યાં. હવે તો આખી ઘટના એક બિહામણા સપનાની જેમ ક્યારેક જ યાદ આવી જતી હતી.
હવે તો ડૉ.સુદીપ સાથે નિધિની સગાઈની વાત ચાલવાને લીધે આખી બાબત એક નવા દ્રષ્ટિકોણ સામે આવીને ઊભી રહી ગઈ હતી. નિધિને ક્યારેક વિચાર આવતો કે કેદી પેલા રિક્ષાડ્રાઈવરે વિચાર કર્યો હશે કે તેણે કયા ગુનાની સજારૂપે હસતાં રમતાં ત્રણ કુટુંબો પર કાળો કેર વર્તાવી દીધો છે?'
''શું કરે છે, નિધિ?
એકલી બેઠી બેઠી કોણ જાણે શુંય વિચાર્યા કરતી હશે? કેટલાં કામ પતાવવાનાં બાકી છે એ તને ખ્યાલ છે? હજી બજારમાં પણ જવાનું છે.....'' મોટી બહેને ઓચિંતી આવીને ટપારી ન હોત તો કોણ જાણે ક્યાં સુધી એ એમને એમ બેસીને વિચાર્યા કરત.... મોટી બહેને આવીને તેના વિચારોમાં ભંગ પાડયો હતો.
બીજા દિવસની સવારથી જ તેનું મન અસંમજસમાં હતું કે શું કરવું અને શું ન કરવું?
ડો.સુદીપની કાર જેવી કોલેજ કમ્પાઉન્ડની સામે આવીને અટકી કે તરત તેની મૂંઝવણ આપોઆપ દૂર થઈ ગઈ. નિધિએ મનોમન નક્કી કર્યું કે તેણે હવે બધું જણાવી દેવું જ પડશે. નહીં તો જૂઠાણાના ભારણથી તે પોતે ગૂંગળાઈ મરશે.
''મોડો તો નથી પડયો ને?'' સુદીપે જ વાતની શરૂઆત કરી.
''ના, તમે સમયસર જ છો....'' નિધિએ જવાબ આપ્યો.
''મને થતું હતું કે દોઢ વાગી ગયો છે, એટલે તું કદાચ ગુસ્સે થઈને જતી ન રહી હોય તો સારું... અત્યારે પણ મહામુશ્કેલીથી નીકળી શક્યો છું....''
''કંઈ વાંધો નહીં.... હું પણ હજી દસેક મિનિટ પહેલાં જ આવી છું....'' નિધિ એ સ્મિત કરતાં કહ્યું.
''ચાલો ત્યારે, એ પણ સારું જ થયું છે. લગ્ન પછી તો રાહ જોવાની ટેવ પાડવી જ પડશે. શરૂઆત ભલે અત્યારથી થઈ જાય! હા, તારે કંઈ મહત્ત્વની વાત કરવાની છે, તો .... ચાલો કોઈ સારા રેસ્ટોરાંમાં જોઈએ.''
''કોઈ સારા ગાર્ડનમાં જઈએ તો કેમ?''
નિધિએ સૂચન કર્યું.
''ગાર્ડનમાં તો અત્યારે ખૂબ તડકો લાગશે....' સુદીપને અચંબો થયો.
''કોઈ ઘટાદાર ઝાડની છાયામાં પવનની હરો ખાતા નહીં બેસાય? સારા રેસ્ટોરાંમાં અત્યારે લંચબ્રેકનો રશ હશે....''
''જેવી તારી મરજી.'' કહીને સુદીપે કાર નજીકના ગાર્ડન બાજુ વાળી.
''જુઓ, હું તમારો વધારે સમય નહીં લઉં મારી વાત સાંભળ્યા પછી મારી સાથે લગ્ન કરવાં કે ન કરવાં તેનો નિર્ણય લેવા માટે તમે પૂરેપૂરા સ્વતંત્ર છો, એટલી સ્પષ્ટતા કરી લઉં છું. આ પણ એક વિનંતી જ છે.''
ડૉ.સુદીપે ધ્યાનપૂર્વક નિધિના ચહેરાના હાવભાવ જોયા. નિધિના શબ્દોથી તેની ઉત્સુકતા અને જિજ્ઞાાસા વધી ગઈ હતી. અત્યાર સુધી તે મળવાનું બહાનું જ સમજતો હતો, પણ નિધિનો ગંભીર ચહેરો જોઈને તેને લાગ્યું કે કોઈ વિકટ સમસ્યા હોવી જોઈએ. તેણે શાંતિથી કહ્યું, ''ઓ કે બાબા ઓકે..... તારે જે કહેવું હોય તે કહે.''
''આજે હું તમને જે કંઈ કહું, તેની તમારા સિવાય બીજા કોઈનેય જાણ ન થવી જોઈએ. મારા માતા-પિતા, ભાઈ-બહેન કે તમારા કુટુંબના કોઈપણ સભ્યને આ અકસ્માત બાબત કશી જાણ ન થવી જોઈએ... હું આ બનાવને એક અનિચ્છનીય અકસ્માત જ ગણું છું. તેથી વિશેષ કશું જ નહીં. મારા જેવી અન્ય કોઈપણ યુવતી આવા અકસ્માતનો ગમે ત્યારે, ગમે ત્યાં એને ગમે તે રીતે ભોગ બની શકે છે.'
''બરાબર છે.... હું ખાતરી આપું છું કે તું જે કંઈ કહીશ તેની જાણ મારા સિવાય અન્ય કોઈ કરતાં કોઈને પણ ક્યારેય નહીં થવા દઉં. તું નચિંત થઈને બોલ....'' કહીને સુદીપે પોતાની નજર નિધિના ચહેરા ઉપર સ્થિર કરી.
નિધિએ ધીમે ધીમે પૂરેપૂરી સ્વસ્થતાથી સુદીપને પહેલેથી છેલ્લે સુધી તમામ વિગતો જણાવી દીધી. આ તમામ વાતચીત દરમિયાન તેની આંખો નીચે ઢળેલી જ રહી હતી. સુદીપના ચહેરા સામે જોવાની જાણે તેનામાં હિંમત ન હોય તેમ લાગતું હતું. તેને કારણે સુદીપના મનમાં શી ઉથલપાથલ થતી હશે, તેનો રજમાત્ર અંદાજ નિધિને નહોતો આવ્યો.
આ બાજુ સુદીપના મનમાં ભારે ઉથલપાથલ મચી ગઈ હતી. પૂરાં ત્રણ વર્ષ સુધી પોતાની સહપાઠિની ઋચા જોડે તેનો પ્રેમ ચાલતો હતો. પછીથી એ જાતે સુદીપને છોડીને કોઈ બીજા અમીર સાથે લગ્ન કરીને ચાલી ગઈ હતી, પણ આ વાત નિધિને જણાવવાનું તેણે કદી જરૂરી નહોતું ગણ્યું. કદાચ પુરુષ હોવાના લીધે પોેતાના અહ્મના કારણે આ વાત તેના મગજમાં જ નહોતી આવી.
વાત પૂરી કર્યા પછી નિધિ પોતાના આવેગો પર કાબૂ ન રાખી શકી, તેનો સમગ્ર ચહેરો આંસુઓથી ખરડાઈ ગયો. થોેડીવાર ચૂપચાપ આંસુ વહાવ્યા પછી માંડ એ પોતાને સંભાળી શકી. ફરી સ્વસ્થ થઈ. એણે ચહેરા પરથી આંસુ લૂછી નાંખ્યાં. પછી બોલી, ''જુઓ, તમે જે કંઈ નિર્ણય લેશો, તે હું કશી જ દલીલ વિના સ્વીકારી લઈશ. મને માઠું પણ નહીં લાગે.''
''આજે પહેલી વખત મને ખ્યાલ આવે છે કે આપણા બંનેની વિચારસરણી કેટલી મળતી આવે છે!'' સુદીપે કહ્યું.
''જીઈઈઈ....!''
''હા...... આ એક અકસ્માત જ હતો અને એ ગમે ત્યારે, ગમે ત્યાં અને ગમે તેની સાથે થઈ શકે તેમ હતો. એટલા માટે થઈને હું મારી અલભ્ય નિધિને ગુમાવવા જેવું નાદાન પગલું થોડું ભરતો હોઈશ! એવો મૂર્ખ માણસ હું નથી ... ચાલો, ક્યાંક સારી જગ્યાએ જઈને કશુંક ખાઈએ....
મને કકડીને ભૂખ લાગી છે... વળી.... મારી બાબતની પણ વાત પણ તને કરવાની છે. આમ છતાંય એક વાત તને અત્યારથી કહી દઉં છું.....'' એમ બોલતાં સુદીપે નિર્મળ સ્મિત વેર્યું.
''શું કહી દેવું છે?'' નિધિએ પોતાની આંખો ઉંચકીને સુદીપ તરફ જોતાં પૂછ્યું.
''તારા જેવી વ્યક્તિ પત્ની તરીકે મળે એ મારા માટે ગૌરવની વાત છે....'' નિધિ માટે કારનો દરવાજો ખોલતાં સુદીપે કહ્યું, ત્યારે નિધિને જાણે તેના એક એક આંસુમાં ગણ્યા ગણાય નહીં એટલા ઈન્દ્રધનુષ રચાઈ ગયાં ન હોય એવું લાગ્યું.
- અનિતા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3emxhBu
ConversionConversion EmoticonEmoticon