દોસ્તી કે મિત્રતા કરવા માટેની કોઈ ચોક્કસ વ્યાખ્યા કે નિશ્ચિત માપદંડ નથી હોતા. ફ્રેન્ડશિપ તો બસ થઈ જતી હોય છે. પડોશીઓ સાથે, ઓફિસના સહકર્મચારીઓ સાથે, રોજિંદા બસ કે ટ્રેન પ્રવાસમાં મળતાં સહપ્રવાસીઓ સાથે, નિયમિત રીતે મંદિરમાં મળતાં અન્ય શ્રદ્ધાળુઓ સાથે પછી કૌટુંબિક સંબંધીઓ સાથે. પરંતુ તમે જેની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખો છો તે પણ તમારી સાથે ખરેખર મિત્રતાભર્યો સંબંધ રાખે છે? કે પછી બહારથી મિત્ર હોવાનો દેખાવ કરીને અંદરથી તે તમારી ઇર્ષ્યા કરે છે? આવી વ્યક્તિને માત્ર અનુભવે જ ઓળખી શકાય.
ઘણાં લોકો અત્યંત દંભી હોય છે. તેઓ વાત કરે ત્યારે તેમના મોઢામાંથી મધ ઝરતું હોય એમ લાગે. પણ અંદરથી તેઓ ઝેરના પડીકાં જેવા હોય છે. તમારી સાથે મીઠું મીઠું બોલવા છતાં તમારા પગ ખેંચીને તમને પાડવાની તક તેઓ જતી નહીં કરે. તમને જ્યારે આવો કોઈ અનુભવ થશે ત્યારે તમને ભારે આઘાત લાગશે. પણ એક વખત પડયા પછી ચેતી જજો. તેને બીજી વાર તમારા પગ ખેંચવાનો મોકો નહીં આપતાં.
જ્યારે મોટાભાગના લોકો ત્યારે જ મિત્રતા જાળવે છે જ્યારે તમારો સમય સારો હોય. 'સુખ કે સબ સાથી, દુ:ખ મેં ન કોઈ'ની જેમ તમારી પડતીના સમયમાં તે તમારી પડખે નહીં ઊભા રહે. તેના ખરાબ સમયમાં તમે તેને મદદ કરી હોય તો તમે ચોક્કસપણે એવી અપેક્ષા રાખો કે તે પણ તમારી તકલીફ વખતે તમારો હાથ ઝાલે. પણ મોટાભાગે આવું બનતું નથી હોતું. મુશ્કેલ સમયમાં સ્વાર્થી મિત્રો સાથ છોડી જાય છે. પરંતુ આવાવખતે જ પોતીકું કોણ અને પારકું કોણ તેના પારખાં થાય છે.
કેટલાંક લોકોને દોસ્તીનો હાથ લંબાવીને સામી વ્યક્તિનો ગેરફાયદો લેવાની ટેવ હોય છે. તેઓ તમારી સાથે મૈત્રી કરશે. મધઝરતી ભાષામાં વાત કરશે, અને જ્યારે તમે તેનાથી ભરમાઈ જશો ત્યારે તે વારંવાર મિત્રતાના દાવે તમારી પાસેથી કોઈને કોઈ વસ્તુ માગ્યા કરશે. ઘણીવાર એમ પણ જોવામાં આવ્યું છે કે આવા લોકોની આર્થિક સ્થિતિ નબળી નથી હોતી. પણ તેમને માગવાની ટેવ પડી ગઈ હોય છે. એકાદ-બે અનુભવ પછી તમે આવી વ્યક્તિને સારી રીતે ઓળખી ન જાઓ તો તે તમારી ભૂલ કહેવાય.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/384kD8U
ConversionConversion EmoticonEmoticon