હમ પરોં સે નહીં, હૌંસલો સે ઉડતે હૈ


કોઈ વિસ્તરતા જતા 

રણની ઉદાસી આપણે,

ઝાંઝવાને શોધતી એ 

આંખ પ્યાસી આપણે.

ઘર બનાવીશું કિનારાની ય રેતીમાં હવે?

દોસ્ત, ઘૂઘવતાં જ 

દરિયાના ખલાસી આપણે.

આપણે તો બસ અરીસામાં 

જ ખોવાઈ ગયા,

પારખી જુઓ, 

હતા ખુદ પારદર્શી આપણે.

અહીં ચણીશું જો દીવાલો ને 

દીવાલો ક્યાં સુધી?

- છાયા ત્રિવેદી

પેરાલિમ્પિક રમતોમાં રાજીવ ગાંધી ખેલરત્નનો સર્વોચ્ચ એવોર્ડ જીતનાર દીપા માલિકે એક બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો ત્યારે જજે કહ્યું કે 'તમને નથી લાગતું કે તમારો પગ ડગમગી રહ્યો છે?' ત્યારે દીપાએ ખુમારીથી જવાબ આપેલો કે ''કોઈ પણ મેડિકલ પ્રોબ્લેમ મને ખુદને સુંદર સમજવાથી રોકી ન શકે.'' તેના આ જવાબે તેને વિજેતા બનાવી. અપંગ હોવાથી કોઈ વ્યક્તિનો સુંદર દેખાવાનો અધિકાર કોઈ છીનવી શકતું નથી. દીપા મલિક ૫૦ વર્ષની હરિયાણાની પેરાલિમ્પિક એથ્લેટ છે. જેણે સાબિત કર્યું કે અક્ષમતા માણસના મનમાં હોય છે. શરીરમાં નહીં. પેરાલિમ્પિક માણસો ખરેખર અપંગ નથી હોતા. તેઓ સુપર શક્તિમાન હોય છે. સામાન્ય માનવી જે નથી કરી શકતો એ કામ આ લોકો કરે છે. ઓલિમ્પિક જેવી ઇવેન્ટ્સ મહાનાયકોને જન્મ આપે છે જે ચમત્કારરૂપ હોય છે. ઈશ્વર આપણને કોઈ કામમાંથી અટકાવવા નહીં પરંતુ આપણી ભીતર પડેલી શક્યતાઓને, સત્વને બહાર લાવવા વિઘ્નો આપે છે. દીપાના ચહેરા પર સતત વિલસતું સ્મિત સામી વ્યક્તિને આશ્ચર્યચકિત કરે છે. એ જ્ઞાાનપીઠ વિજેતા રાજેન્દ્ર શાહના કાવ્યની યાદ આપે છે કે.. ''ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર? નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર!''

દીપાને ૧૯૯૯માં ૨૯ વર્ષની હતી ત્યારે પેરેલિસિસ થયો. તેનો કમરથી નીચેનો આખો ભાગ પેરેલાઈઝ્ડ છે. ચાલી ન શકવાને કારણે ૨૧ વર્ષથી વ્હીલચેર પર છે. તેમના સ્વાસ્થ્યની ગાડી પાટા પર લાવવા માટે તેમના પર કુલ ૩૧ નાની-મોટી સર્જરીઓ કરવામાં આવી ચૂકી છે. એમાંનાં મેજર ઓપરેશન કેવાં હશે એનો ખ્યાલ એ વાત પરથી જ આવી જાય છે કે દરેક ઓપરેશન વીસ-બાવીસ કલાક ચાલ્યું હતું. તેના પર ત્રણ મેજર સ્પાઈન સર્જરી થઈ ચૂકી છે. તેના ખભા પર ૧૮૩ ટાંકા છે. ૧૯૯૯ પછીથી તે પોતાના પગ પર ઊભી નથી થઈ શકી. પરંતુ દીપાએ આવી વિકટ સ્થિતિને માત આપીને ઓલમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. વિકલાંગ વર્ગમાં બાઈકિંગ, સ્વિમિંગ, કાર રેલી, શોટ પુટલ, ચક્ર ફેંક અને ભાલા ફેંક જેવી રમતોમાં દીપા માલિક ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે જેમાં તેણીએ ૫૪ નેશનલ ગોલ્ડ મેડલ્સ અને ૧૩ ઇન્ટરનેશનલ મેડલ્સ હાંસલ કર્યા છે. ભાલાફેંક કે ચક્રફેન્કમાં એથ્લેટનાહાથ અને કાંડામાં પૂરી તાકાત હોવી જોઈએ જેથી ભાલા કે ચક્રમાં ગતિ આવે. તેમના પેટથી નીચલા ભાગમાં તો કોઈ તાકાત હોતી જ નથી. તેમણે વ્હીલચેરમાં બેસીને જ સ્પર્ધામાં ભાગ લેવાનો હોય છે. પણ દીપા આ બધી જ વિકટ સ્થિતિને મનોબળથી જીતી. પેરાલિમ્પિક ગેમ્સમાં નોંધનીય સિદ્ધિઓનાં કારણે તેમને ભારત સરકારે તેને પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ પણ એનાયત કર્યો છે. રમતોમાં વિશિષ્ટ સિદ્ધિઓ માટે દીપા મલિકનું નામ ચાર વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાઈ ચૂક્યું છે.

એ પાંચ વર્ષની હતી ત્યારે જ તેની કરોડરજ્જુમાં એક ગાંઠનું નિદાન થયેલું. ખબર પડી કે હાડકામાં ટયુમર છે. ત્યારે સર્જરી પણ થયેલી. એ પછી નવમાં વર્ષે દીપા ચાલતી થયેલી. દીપાને નાનપણથી જ બાઈક ચલાવવાનો અતિ ક્રેઝ. લાઇસન્સ નહોતું છતાં માતા-પિતાથી છાની મોટર સાઇકલ ચલાવતી હતી. એકવાર તેના પપ્પાની ઓફિસના એક યુવાન પાસે નવી બાઇક જોઈ દીપાએ ફેરવવા માગી, થોડી અનાકાની બાદ તેણે હા પાડી. ખૂબ ચલાવીને પાછી આપી. બીજા દિવસે એ યુવાન તેના પપ્પા પાસે ગયો, નવી મોટરસાઇકલની ચાવી આપી અને કહ્યું કે ''આ મોટરસાઇકલ તમારી દીકરી માટે છે અને હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માગું છું.'' પછી મોટી પુત્રીનો જન્મ થયો. પુત્રી ત્રણ વર્ષની થઈ ત્યાં સુધી અખૂટ સુખ હતું. પરંતુ એક દિવસ પુત્રી ઘરમાંથી દોડતી બહાર નીકળી અને કોઈની મોટર સાઇકલ સાથે અથડાઈ. તેને હોસ્પિટલમાં લઈ ગયા. તેના માથામાં ઈજા હતી અને શરીરનો ડાબો ભાગ પેરેલાઈઝ્ડ થઈ ગયો હતો. આખી દુનિયાતૂટી પડી કે 'માતા-પુત્રી બંને એક સરખા જ છે. અપંગ માતાને આવું જ બાળક જન્મે.'

દીપાની તકલીફો વધતા તપાસ કરાવી તો બેકમાં ટયુમર હોવાનું નિદાન થયું. પતિ આર્મીમાં હોવાને લીધે કારગીલમાં બદલી થઈ. ડોક્ટરે ઓપરેશનનું કહ્યું. પણ એ પછી તે ક્યારે ચાલી શકવાની નહોતી. પતિ સાથે સંપર્ક શક્ય ન હતો. અંતે ઓપરેશનના દિવસે ડોક્ટરે કહ્યું ''તું છેલ્લી વાર મોજ પડે તેટલું ચાલી લે.'' તો દીપા દાદર ચઢીને ઓપરેશન થીએટર સુધી ગઈ. પતિ સાથે વાયરલેસ કોન્ટેક્ટ થયો અને પતિ-પત્ની વચ્ચે એક અનોખો સંવાદ થયો જે બંને વચ્ચેના અદ્ભુત સાયુજ્ય અને નોખી સમજણ દર્શાવે છે.

''દીપા : હવે હું કદી ચાલી શકીશ નહીં.

પતિ : હું તને આખી 

જિંદગી હાતમાં રાખીશ.

દીપા : ઓપરેશન પછી 

મને પેરાલિસીસ થઈ જશે.

પતિ : ખાલી જીવતી રહેજે, 

બાકી જોઈ લઈશું.''

ખુદ્દારીને લીધે પ્લેનમાં મુસાફરી કરતા દીપા પોતાને વ્હીલચેર પેશન્ટના બદલે વ્હીલચેર ગેસ્ટ ગણાવે છે. કોઈ પણ સ્ત્રીને ચાંદી કરતા સોનુ વધુ પસંદ હોય છે એ વાતને પોતાની વાતમાં હળવાશથી વણી લેતા એકવાર સિલ્વર મેડલ મળ્યો ત્યારે દીપાએ કહ્યું કે ''સિલ્વર મેડલ ક્યા આયા? બેબી કો ગોલ્ડ પસંદ હૈ.'' નકારાત્મકતાને દીપા સકારાત્મક વિચારોથી દૂર ધકેલી દે છે. એ ક્યારેક કહેતી હોય છે કે ''આ વખતે ગોલ્ડની તૈયારી છે.'' દીપાના પતિ મેજર બિક્રમ સિંહ અને બન્ને દીકરીઓનો પણ તેમને ભરપૂર સાથ રહ્યો છે. આ નવા શરીરમાં નવી રીતે જીવન જીવવા માટે દીપા મલિક ઘર ચલાવવાથી માંડીને રમતો સુધીની દરેક વસ્તુ ફરીવાર શીખી. છેલ્લા બે મહિનાથી લોકડાઉનની સ્થિતિ છે ત્યારે દીપા મલિકે પેરાસ્પોર્ટ્સની માહિતી આગળ વધારવાના નિતનવા રસ્તા શોધ્યા. તેમનો જુસ્સો હજુ પણ શિખર પર છે. રાહત ઇન્દોરીએ આ મહામાનવોને જોઈને જ લખ્યું હશે કે.. 'યે કૈંચિયા હમે ઉડને સે ખાક રોકેગી, હમ પરોં સે નહીં હોંસલો સે ઉડતે હૈ.'

દીપા મલિકે પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા (પીસીઆઈ)ના અધ્યક્ષ બનવા માટે ૧૬ સપ્ટેમ્બરે, ૨૦૧૯ના રોજ નિવૃત્તિ જાહેર કરી રમતને અલવિદા કહ્યું છે. હવે તેણી પેરા એથ્લેટ્સ માટે કામ કરી તેમને આગળ લાવવા માગે છે. નેશનલ સ્પોર્ટ્સ કોડ પ્રમાણે સક્રિય એથલીટ કોઈ પણ સંઘમાં સત્તાવાર રીતે હોદ્દો રાખી શકે નહીં. આ નિયમનું પાલન કરવા દીપા મલિક નિવૃત્ત થયા છે. દીપા એનજીઓ 'વિલિંગ હેપ્પીનેસ'ની સંસ્થાપક છે. આ સંસ્થા વિકલાંગ ખેલાડીઓ માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનું કામ કરે છે. સુંદરતા અને અપંગતાને કોઈ નિસ્બત ખરી? શારીરિક સક્ષમ હોવું એ સુંદરતાનો પ્લસ પોઇન્ટ છે? ના જી. દીપાની પ્રતિભાનું અજવાળું તો સૂર્ય સાથે પણ હરિફાઈ કરે એવું છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/325OfPB
Previous
Next Post »