શેરડીના ખેતરોમાં કામ કરતી મહિલાઓનું થાય છે, ગર્ભાશય-છેદન!!


અનંત મહાદેવને બનાવી ફિલ્મ 'બિટરસ્વીટ' 

શેરડી કાપવાની મોસમમાં મહિલા-મજૂર કામ કરતી રહે એ માટે થાય છે નિઘૃણ કૃત્ય

ખાંડ જેટલી મીઠી છે, તેનાથીય વધુ એ કડવી અને કાતિલ છે. ખાંડથી ડાયાબિટિસ થાય એ વાત તો વર્ષો જૂની થઈ ગઈ છે, પણ આ ખાંડને કારણે જ શેરડીના ખેતરોમાં કામ કરતી મહિલા-મજૂરોએ તો તેમને માતા બનાવતાં ગર્ભાયનું છેદન કરવું પડે છે. આ એક કડવી હકીકત તો છે સાથે જ મહિલા-મજૂરોના ગર્ભાશયનું છેદન એ માટે કરવામાં આવે છે કે જ્યારે શેરડીની કાપણી કરી ગાડા-ટ્રકોમાં ભરવામાં આવે એ કામમાં તે કોઈ બ્રેક ન પાડે અને આખી સિઝન સતત કામ કરતી રહે એ માટે આ નિર્ઘૃણ કૃત્ય કરવામાં આવે છે. આટલું જ નહીં, આ કૃત્ય પ્રત્યે લાલચુ ડોક્ટરો અને કોન્ટ્રાક્ટરો સુધ્ધાં આંખ આડા કાન કરે છે.

આખા વિશ્વમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન ભારતમાં થાય છે. ભારતે બ્રાઝિલને શિકસ્ત આપી આ સ્થાન મેળવ્યું છે, પણ તે માટે માનવતા ગિરવે મૂકી છે. ભારતમાં સૌથી વધુ શેરડી મહારાષ્ટ્રમાં થાય છે અને મહારાષ્ટ્રના ગામડાંમાં જ આવા કૃત્ય થતાં હોવાનું બહાર આવ્યું છે અને આવા દિલ ધડકાવી દે એવી ઘટના પર જાણીતા અભિનેતા અનંત મહાદેવને મરાઠી ફિલ્મ 'બિટરસ્વીટ' બનાવી છે. આ સાથે જ તેમણે ખાંડ ઉદ્યોગના માંધાતાઓના ચહેરા પરનો મુખવટો દૂર કરી તેનો સાચો -કાતિલ નિષ્ઠુર ચહેરો દાખવ્યો છે. આ ફિલ્મ ભૂષણ ફિલ્મ  ફેસ્ટમાં તો દાખવવામાં આવશે જ, પણ તેને વધુ ને વધુ લોકો જોઈ શકે એટલે શક્ય એટલા વધુ થિયેટરોમાં પણ આ મરાઠી ફિલ્મ રિલિઝ કરાશે. ચાલો, અહીં વાત કરી અનંત મહાદેવન સાથે 'બિટરસ્વીટ'ની અને જાણીએ ફિલ્મની વધુ માહિતી.

* ૈગર્ભાશય વિનાનું ગામ- તમે દિગ્દર્શિત કરેલી આ આગામી ફિલ્મ છે, જેના મૂળમાં જ બિટર-સ્વીટ છે, શું આ સત્ય છે?

અનંત મહાદેવન : મારું પ્રથમ રિએક્શન પણ આ જ હતું. આ કઈ રીતે શક્યા છે? ઇન્ટરનેટ પર મને એક રાઈટઅપ મળ્યો ત્યારે મને આ વાતની જાણ થઈ. મેં વિચાર્યું કે આ કંઈક બાયોલોજિકલ માલ્ફંક્શન (જૈવિક કાર્યમાં કોઈ ક્ષતિ) હશે, પણ પછી જાણવા મળ્યું કે મહારાષ્ટ્રની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કાર્ય કરતી મહિલાઓના ગર્ભાશયનું છેદન કરવામાં આવે છે અને તે પ્રત્યે પણ કોન્ટ્રાક્ટરો અને લાલચુ તબીબો આંખ આડા કાન કરે છે. આનું કારણ એ છે કે શેરડીને ખેતરમાંથી કાપવાની સિઝન આવે ત્યારે એ મહિલાઓ કોઈ પ્રકારના બ્રેક વિના કામ કરી શકે એ હોય છે. કોઈ પ્રકારના બ્રેક વિના કામ કરી શકે એ હોય છે.

* મશીનનો યુગ આવ્યો છે ત્યારે આવી યાતના મહિલાઓ પર શા માટે ગુજારવામાં આવે છે?

અનંત મહાદેવન : શેરડી કાપવાના મશીનની કિંમત લગભગ રૂા.૨.૫૦ કરોડ જેટલી છે અને તેના પર ૩૦ ટકા એક્સાઈઝ ડયૂટી લાગે છે અને ખાંડના બેતાજ બાદશાહો માટે આ મશીન ખરીદવું પોસાતું નથી અને આથી તેઓ તેમના ખેતરમાં ચ મહિના કામ કરવા માટે અગાઉથી જ જોડી દીઠ રૂા.૮૦ હજારથી રૂા.૧.૨૫ લાખ એડવાન્સમાં આપી દે છે. ઓક્ટોબરથી ફેબુ્રઆરી સુધીનો સમય શેરડી કાપવાનો છે, પણ ગયા વર્ષે બેમોસમ વરસાદ પડતા શેરડી કાપવાનું કામ છેક નવેમ્બર-ડિસેમ્બરમાં શરૂ થયું અને આ માટે મજૂરોએ પણ ઘણી ઉતાવળ કરવી પડી. સેટલમેન્ટના મધ્યમાં જ જબરદસ્ત ઉશ્કેરાટ શરૂ થઈ ગયો અને અમે જોયું છે કે તેમનું જીવન વહેલી સવારે ૪.૩૦ થી ૫ વચ્ચે શરૂ થઈ જતું. આ પછી ઉતાવળે નાસ્તો કરી આ બધા જ મજૂરો કાપેલી શેરડીને બળદ ગાડાંમાં ભરતા જે લાઈનબધ્ધ ઊભા હોય આકો દિવસ પ્લાન્ટેશનમાં વિતાવ્યા પછી તેઓ કાપેલી શેરડીના બંડલ બાંધે છે જેમાં તેમનાં શરીર અને માથા પર શેરડીના ધારદાર પાંદડા લાગતા તે લોહી નીગળતા થઈ ગયા હોય. આ કામ ખરેખર કમર તોડી નાખે એવું, આંચકાજનક, સંવેદનશીલ અને માનસિક રીતે ખતમ કરી નાખે એવું હોય છે. અમે આ બધુ નજરોનજર નિહાળ્યું છે અને કલાકારો પણ આ જ ખેતરોમાં કામ કર્યું છે.

* ફિલ્મ માટે નવોદિતોની પસંદગી કેવી રીતે કરી?

અનંત મહાદેવન : મેં વાસ્તવિક-જીવનની પીડા અંગે ઉષા જાધવ સાથે વાત કરી. તેને આ વાત ઘણી ગમી ગઈ. પણ એક વખત સ્ક્રીપ્ટ તૈયાર થઈ ગયા પછી મને લાગ્યું કે અમને એક છોકરી સ્પોર્ટર તરીકે જોઈએ છે. જોકે નેરેશન પછી મેં જોયું કે અક્ષયા ગૌરવ ઓચિંતી તેના ઓરડામાંથી બહાર આવી. તેની આંખો અશ્રુભીની હતી. મને એ વાતનું આશ્ચર્ય થયું કે મેં તેની સંવેદનશીલતાને જફા તો નથી પહોંચાડીને. આથી, મેં તેની માફી માગી. પણ થોડા દિવસમાં કંઈક જુદું જ જોવા મળ્યું. તે શુટિંગના ચાર દિવસ વહેલી લોકેશન્સ પર પહોંચી ગઈ. કેમ કે તે ડાબોડી હતી, તેથી તેને શેરડી કાપતાં ખૂબ મુશ્કેલી પડતી હતી. તેને આ માટે પ્રેક્ટિસની જરૂર હતી. આ સમય દરમિયાન, તેણે ત્યાંની મહિલાઓ સાથે વાતચીત કરી, જેને કારણે તેનો આત્મવિશ્વાસ વધ્યો. અને દરમિયાન અમે શુટિંગ શરૂ કર્યું. તે આ રોલ જીવી ગઈ છે.

* વિશ્વભના દેશોમાં વર્ક-કલ્ચરના ભાગ રૂપે પીરિયડ લીવ આપવામાં આવે છે, પણ અહીં તો મહિલાઓએ તેમનું ગર્ભાશય આપવું પડે છે..

અનંત મહાદેવન : આવી મહિલાઓના ચહેરાં પર એક દ્રષ્ટિય નાખવાને બદલે ખાંડઉદ્યોગના શહેનશાહો અને રાજકારણીઓ ખુલ્લી રીતે એ આખી જનરેશનનો નાશ કરી રહ્યા છે. જો આ મજૂર-મહિલાઓ તેનો વિરોધ કરે તો તેમની પાસેથી એડવાન્સ આપેલી રકમ પાછી માગવામાં આવે છે. અથવા લીધેલી લોનના નાણાં પાછા માગવામાં આવે છે. આમ મહિલાઓ માટે કોઈ વિકલ્પ જ નથી રહેતો, પણ તેઓ તેમનો વર્તમાન હોમી દે છે, ભવિષ્યની ચિંતા કર્યા વિના ઘણીવાર મજૂર અને તેની પત્ની નાસી જાય છે, પણ એક મહિલાએ કહ્યું, તેઓ કોઈ પણ ભોગે નાસી ગયેલાને ઝડપી લે છે અને તેના પતિને ગળે ફાંસો લગાવી મારી નાખવામાં આવે. આ પછી મહિલા માટે કોઈ માર્ગ નથી રહેતો ત્યારે એ તેના પરિવારજનોના ચહેરા નિહાળી ફરી ખેતર જાણી વળે છે. અને ગર્ભાશયનું છેદન જ એક માત્ર સમસ્યા નથી હોતી..

* તો શું અન્ય સમસ્યા પણ હોય છે?

અનંત મહાદેવન : હા, બળાત્કારનો ભય તો માથે ઝબુબતો જ હોય છે. કોન્ટ્રાક્ટરોની નજર કાયમ યુવતીઓ પર હોય છે. તેઓ તેમને સારા જીવનની દીવાદાંડી દાખવે છે - સેટલમેન્ટ થયું હોય તે ઉપરાંત. આવી યુવતીઓને તેઓ બાઈક પર ફરવા લઈ જાય છે અને ઘણીવાર તેઓ નહાતા હોય ત્યારે યુવતીઓને બહાર ગોઠવે છે. 'બિટરસ્વીટ'માં મેં મહિલા-યુવતીઓનું આવું શોષણ દાખવ્યું નથી, પણ આવી જાણ તો વિશ્વભરને છે.

* ફિલ્મ ક્યારે થિયેટરમાં આવશે?

અનંત મહાદેવન : મેં થિયેટર માટે ફિલ્મ બનાવી છે, નહીં કે આઈફોન કે આઈપેડ માટે. હું ઇચ્છું છું કે લોકો જુએ મહિલાઓનું થતું શોષણ. તેમનું સ્થાન અનેક એકરમાં પથરાયેલા  વાવેતરમાં કેવું શોષિત થઈ રહ્યું છે. આવા રિવોલ્યુશન, ક્રાંતિ પર હજુ સુધી કોઈ ફિલ્મ બની નથી, પણ મને ખાતરી છેકે  શું બને છે એ નિહાળીને ઘણાં એનજીઓ એક્શનમાં આવશે. આથી હા, અમારી યોજના 'બિટરસ્વીટ'ને થિયેટરોમાં ડિસેમ્બરનાં અંત સુધીમાં રિલિઝ કરવી.

શું મહારાષ્ટ્રના ગામડાંના શેરડીના ખેતરોમાં થાય છે આવા નિર્ઘૃણ કૃત્યો?

ખાંડ ઉદ્યોગના શહેનશાહો, રાજકારણીઓ,  કોન્ટ્રાક્ટરોની મિલી ભગત.

- ભૂપેન્દ્ર પટેલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JwURjx
Previous
Next Post »