દાવત : દિવાળીમાં બનાવો અવનવી મિઠાઈ


ડ્રાયફ્રૂટ ઘૂઘરા

 સામગ્રી : 

૨૫૦ ગ્રામ મેંદો, ૨ ટેબલસ્પૂન ઘી મોણ માટે, તળવા માટે ઘી.

સ્ટફિંગ : ૧૦૦ ગ્રામ બદામ, ૧૦૦ ગ્રામ કાજુ, ૨૫ ગ્રામ પિસ્તા, ૨૫ ગ્રામ કિસમિસ, એલચી, કેસર તથા જાયફળ પાઉડર પ્રમાણસર, ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ.

રીત : 

  મેંદામાં ઘીનું મોણ નાખી મિડિયમ કઠણ લોટ  બાંધવો. પિસ્તાના બારીક ટુકડા કરવા. હવે કાજુનો ભૂકો, બદામનો ભૂકો, પિસ્તા, કિસમિસ, એલચી જાયફળ, કેસર તથા ખાંડ બધું મિક્સ કરી પૂરણ તૈયાર કરવું. મેંદાના લોટમાંથી નાનો ગોરણો લઈ પૂરી વણવી. પૂરીને હાથમાં લઈ વચ્ચે એક ટેબલસ્પૂન સ્ટફિંગ મૂકી પૂરીને ડબલ વાળી કિનારને જરાક પાણીવાળી આંગળી કરીને દબાવીને નખીયા વાળવા.

 નખીયા વાળવા ન ફાવે તો કિનારને દબાવીને પટ્ટી વાળી દેવી. આવી રીતે બધા ઘૂઘરા વાળી લ્યો. પછી લોયામાં ઘી ગરમ મૂકી મધ્યમ ધીમા તાપે આછી ગુલાબી ઝાંય પડે તેવા ઘૂઘરા નાખવા. ઠંડા થાય એટલે એરટાઈટ ડબામાં પેક કરીને રાખી દેવા. 

અનાર દિલરુબા

સામગ્રી : 

મોટી સાઈઝનાં  લાલ દાણાવાળાં બે દાડમ, ૧ પ્યાલો ઠંડુ દૂધ, (ચાના કપનું માપ) ૮ થી ૧૦ ટુકડા પાંઉ, ત્રણ ચમચા ખાંડ, ત્રણથી ચાર ટીપાં લાલ રંગ, થોડુંક ગુલાબજળ, ૮ થી ૧૦ પેપરકપ.

સૌપ્રથમ દાડમની છાલ કાઢીને  દાણા કાઢી લો. એક પ્યાલો દાણા અલગ રાખી બાકીના દાણાનો રસ કાઢી લો. એ રસમાં થોડાક લાલ રંગના ટીપાં નાખી ખાંડ ભેળવીને ફ્રિજમાં ઠંડુ થવા દો. ધારદાર ચાકુથી બ્રેડની સ્લાઈસની કિનારીઓ કાપી નાખો.

દાડમના રસમાં થોડુંક ગુલાબજળ તથા ઠંડુ દૂધ ભેળવો. ત્યારબાદ બ્રેડની સ્લાઈસને એ રસમાં ડૂબાડી બંને હથેળીઓ વચ્ચે રાખી સહેજ દબાવી રસ નિચોવી દો. પછી એ પાઉંની સ્લાઈસમાં થોડાંક દાડમના દાણા મૂકી બીજા હાથ વડ ેહળવા હાથે દબાવીને ગોળ ટિક્કીઓ જેવા આકારનો બનાવો. આ રીતે બધી જ દાડમ (અનાર) દિલરુબા બનાવો,  પછી એક એક કરીને પેપર કપમાં ગોઠવી, ઉપર દાડમના દાણા છૂટા છૂટા નાંખી સુશોભિત કરી પીરસો.

રવા કોકોનટ ઘૂઘરા 

સામગ્રી 

પડ માટે : ૨૫૦ ગ્રામ મેંદો, ૨ ટેબલસ્પૂન ઘી મોણ માટે, તળવા માટે ઘી.

સ્ટફિંગ : ૧ વાટકી બારીક રવો, ૧ વાટકી સૂકા કોપરાનું ખમણ, ૧ વાટકી દળેલી ખાંડ, ૧ ટી.સ્પૂન એલચી પાઉડર, કિસમિસ, થોડા કાજુ-બદામના ટુકડા (નાખવા હોય તો) 

મેંદામાં ઘીનું મોણ નાખી સાધારણ કઠણ લોટ બાંધવો. રવાને ગુલાબી શેકવો. કોપરું પણ થોડું શેકી લેવું. ઠંડુ થાય એટલે ખાંડ, એલચી, કિસમિસ તથા કાજુ-બદામ નાખી બધું બરાબર મિક્સ કરવું. હવે મેંદાના લોટમાંથી થોડો લોટ લઈ નાની પૂરી વણી તેમાં વચમાં ૧ ટે.સ્પૂન તૈયાર પૂરણ મૂકી, પૂરીને ડબલવાળી કિનારને દબાવીને નખીયા વાળીને પછી  બન્ને છેડાને પકડીને જોઈન્ટ કરી દેવા એટલે ગોળ રીંગ જેવા ઘૂઘરા તૈયાર થશે.  તેમાં વચ્ચોવચ એક લવિંગ ભરાવીને મધ્યમ તાપે ઘીમાં આછા ગુલાબી તળવા.

રબડી પૂરી

સામગ્રી :  

૨૫૦ ગ્રામ મેંદો, ૧ પાકું કેળું, એક ચમચો ઘી મોણ માટે, ૧૫૦ ગ્રામ ખાંડ, ૨૫૦ ગ્રામ દૂધની રબડી, ૧/૪ ચમચી વાટેલી એલચી, ૨૦૦ ગ્રામ ગળ્યા પેઠા, ૮ થી ૧૦ રાસબરી, ઘી તળવા માટે.

રીત : 

સર્વ પ્રથમ ખાંડને એક કપ પાણીમાં ઓગાળી મેલ દૂર કરો. કેળાને છોલી એને છૂંદી લુગદી બનાવી દો. ત્યારબાદ મેંદામાં ઘીનું મોણ નાંખી કેળું ભેળવી ખાંડના ઓગળેલા પાણીથી કઠણ લોટ બાંધો. ૧૦-૧૫ મિનિટ સુધી રાખીને નાના નાના લૂઆ પાડી પૂરીની માફક વણી લો. ત્યારબાદ ઘી ગરમ કરી આછા તાપે સોનેરી લાલાશ પડતી પૂરી તળી લો. રબડીમાં (બાસુંદી પણ વાપરી શકાય). પિરસતાં પહેલાં ઊંડી ડિશમાં એક એક પૂરી ગોઠવી તેમાં એક એક ચમચી રબડી રેડો, ત્યાર પછી પેઠાની છીણ ભભરાવો સૌથી ઉપર રાસબરી મૂકો અથવા કોઈપણ ઋતુ અનુસાર  ફળના ટુકડાથી પણ સજાવી શકાય. આમ તૈયાર થયેલ રબડી-પૂરી સજીધજીને મોંમાં પાણી લાવશે.

નવરત્ન ઘૂઘરા

સામગ્રી

 પડ માટે :  ૨૫૦ ગ્રામ મેંદો, ૨ ટેબલસ્પૂન ઘી મોણ માટે, તળવા માટે તેલ તથા પ્રમાણસર મીઠું. સ્ટફિંગ માટે :  ૧ વાટકી સૂકા કોપરાનું સળી ખમણ, ૧ વાટકી સફેદ તલ, લાલ મરચંું, હીંગ, હળદર, ગરમ મસાલો, ૧ ટેબલસ્પૂન વરિયાળી, ૧ ટેબલસ્પૂન ધાણા, દળેલી ખાંડ, આમચૂર પાઉડર તથા મીઠું, બધું પ્રમાણસર લેવું, પણ ચડિયાતો મસાલો કરવો. તો જ ચટાકેદાર લાગશે.

મેંદાના લોટમાં ઘીનું મોણ નાખી, મીઠું નાખી  સાધારણ કઠણ લોટ બાંધવો. હવે કોપરાના સળી ખમણને જરાક શેકવું. તલને પણ શેકીલેવા. હવે તેમાં બાકીનો બધો જ મસાલો નાખવો. બધું બરાબર મિક્સ કરવું. મેંદાના લોટમાંથી થોડો લોટ લઈ પૂરી વણી  તેમાં ૧ ટેબલસ્પૂન સ્ટફિંગ ભરી પૂરીને ડબલવાળી કિનારને દબાવીને નખીયા વાળવા. આવી રીતે બધા જ ઘૂઘરા તૈયાર કરવા.  પછી તેલમાં ધીમા તાપે  ગુલાબી તળવા. આ ઘૂઘરા ૮-૧૦ દિવસ સુધી બગડતા નથી. વળી દિવાળીમાં ગળ્યા ઘૂઘરા ખાઈ ખાઈને કંટાળો આવે તો આ ચટાકેદાર ઘૂઘરા તમારા મહેમાનને ખુશખુશાલ કરી દેશે.

માવા મગજના ઘૂઘરા 

સામગ્રી : 

૨૫૦ ગ્રામ મેંદો, ૨ ટેબલસ્પૂન ઘી મોણ માટે, તળવા માટે ઘી.

સ્ટફિંગ સામગ્રી : ૨૫૦ ગ્રામ માવો, ૧૨૫ ગ્રામ દળેલી ખાંડ, ૧૦૪ ગ્રામ મગજતરીનાં બી, એલચી પાઉડર.

રીત : 

 મેંદામાં ઘીનું મોણ નાખી મધ્યમ કઠણ લોટ બાંધવો. માવાને ખમણીને એક વાસણમાં લઈ ગેસ પર ગુલાબી શેકવો. પછી ઉતારી લેવો. ઠંડો થાય એટલે તેમાં ખાંડ નાખવી. મગજતરીનાં બીને ધીમા તાપે શેકીને તેમાં નાખવા. બધું બરાબર મિક્સ કરી એલચી પાઉડર નાખી બરાબર મિક્સ કરવું. હવે તૈયાર લોટમાંથી થોડો થોડો લોટ લઈ નાની નાની પૂરી વણવી. હવે એક પૂરી લઈ તેમાં વચ્ચે એક ટેબલસ્પૂન સ્ટફિંગ મૂકી ઉપર બીજી પૂરી મૂકી કિનારીને દબાવીને બંધ કરી નખીયા વાળવા. આ રીતે બધા ઘૂઘરા તૈયાર થાય એટલે મધ્યમ તાપે આછા ગુલાબી તળવા. બે-ત્રણ દિવસ બહાર રહેશે, વધારે દિવસ રાખવા હોય તો ફ્રિઝમાં રાખવા.  

-હિમાની



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34OlPLI
Previous
Next Post »