રશિયન હેકર્સે કેવી રીતે અમેરિકાની ચૂંટણીનાં પરિણામ પલટાવ્યાં?

અમદાવાદ, તા.2 નવેમ્બર 2020, સોમવાર

અમેરિકાના પ્રમુખની ચૂંટણી દર ચાર વર્ષે, નવેમ્બર મહિનાના પહેલા સોમવાર પછીના મંગળવારે યોજાય છે. આવતી કાલે, 59મી ચૂંટણીમાં અમેરિકન નાગરિકો પોતાના પ્રમુખ માટે મતદાન કરશે. અમેરિકન તપાસ સંસ્થાઓને હવે એ વાતની ખાતરી થઈ ગઈ છે કે ગઈ ચૂંટણીમાં રશિયન હેકર્સે અમેરિકન ચૂંટણી વ્યવસ્થા પર બહુ સુવ્યસ્થિત રીતે સાયબરએટેક કર્યો હતો. આ વર્ષે રશિયા ઉપરાંત, ચીન અને ઇરાન પણ અમેરિકન ચૂંટણીમાં ગરબડ કરવા પ્રયત્નશીલ હોવાનું કહેવાય છે.

હેકિંગ અને સોશિયલ મીડિયાના ડેટાથી ટાર્ગેટેડ પ્રોપેગેન્ડા (તરકટી પ્રચાર) આ બે અત્યંત ધારદાર હથિયારથી અમેરિકા જેવા ટેક્નોલોજિકલી એડવાન્સ્ડ દેશના પ્રમુખની ચૂંટણીનાંપરિણામ તદ્દન પલટી શકાતાં હોય તો બીજું શું શું થઈ શકે એ વિચારવા જેવું છે (આ વર્ષે, રશિયન હેકર્સ અમેરિકાનાં રાજ્યોની પાવર ગ્રિડ, ન્યૂક્લીયર પ્લાન્ટસ અને એરપોર્ટ્સની સિસ્ટમ પણ હેક કરી ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે). ચાર વર્ષ પહેલાંની ચૂંટણીની બાજી પલટવા, પાંચેક વર્ષ પહેલાંથી શું શું થયું એની સિલસિલાબંધ વિગતો વાંચો...

તમારી ઓફિસના એક કમ્પ્યૂટરને રશિયન હેકર્સે હેક કરી લીધું છે…’’ અમેરિકાની FBIએ એ સમયના અમેરિકાના સત્તાધારી પક્ષ ડેમોક્રેટિક પાર્ટીની નેશનલ કમિટીને આ માહિતી આપી, ત્યારથી પૂરા 14 મહિના પછી યોજાનારી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીનું પરિણામ અમેરિકાના મતદારો નહીં પરંતુ રશિયાના હેકર્સ નક્કી કરે એવી સ્થિતિ સર્જાવાની શરૂઆત થઈ ગઈ.

એ સમયે ડેમોક્રેટિક પાર્ટીના બરાક ઓબામા અમેરિકાના પ્રમુખ હતા. ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનનાં પત્ની હિલેરી ક્લિન્ટને તેઓ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રમુખપદની ચૂંટણી લડશે તેવી જાહેરાત એપ્રિલ 2015માં કરી દીધી હતી. હિલેરી ક્લિન્ટનના હરીફ, રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જૂન 2015માં પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.

FBIએ સપ્ટેમ્બર 2015માં ડેમોક્રેટિક પાર્ટીની નેશનલ કમિટીને તેનું કમ્પ્યૂટર હેક થયું હોવાની માહિતી આપી પછી કમ્પ્યૂટર એક્સપર્ટે ઓફિસની બધી સિસ્ટમ તપાસી, પણ તેને ક્યાંય કશું શંકાસ્પદ લાગ્યું નહીં. બે મહિના પછી આ જ વાતનું પુનરાવર્તન થયું, પણ વાતને ગંભીરતાથી લેવામાં આવી નહીં.

ચાર મહિના પછી, હિલેરી ક્લિન્ટનની કેમ્પેઇન કમિટીના ચેરમેનનું ઈ-મેઇલ એકાઉન્ટ હેક થયું

એ પછી એપ્રિલ 2016માં હેકર્સે એક બનાવટી ઇ-મેઇલ એકાઉન્ટ ખોલ્યું અને હિલેરીના સ્ટાફમાંના મહત્ત્વના 30થી ઓફિસર્સને મેઇલ્સ મોકલ્યા. તેમાં હિલેરીને સંબંધિત એક ફાઇલ મોકલી ‘હિલેરી ક્લિન્ટન ફેવરેબલ રેટિંગ’એવા નામવાળી ફાઇલને ઓફિસર્સે ઓપન કરી (હેકર્સ માટે મેદાન કેટલું મોકળું હતું એ જુઓ!). આ બધી મહત્ત્વની વ્યક્તિઓના કમ્પ્યૂટરના પાસવર્ડ હેકર્સ પાસે પહોંચ્યા.

હેકર્સે ડેમોક્રેટિક પાર્ટીનાં કમ્પ્યૂટર્સમાંથી ડેટા ચોરવાનું શરૂ કર્યું અને ‘ડીસીલિક્સ’ નામની એક વેબસાઇટ ઊભી કરી તેના પર ડેટા મૂકવાનું શરૂ કર્યું. પછીના ત્રણ મહિના સુધી હેકર્સ ડેમોક્રેટિક પાર્ટીના સર્વરમાંથી હજારો ઇ-મેઇલ્સ ચોરતા રહ્યા.

જૂન 2016માં વોશિંગ્ટન પોસ્ટ અખબારે ધડાકો કર્યો કે રશિયા માટે કામ કરતા હેકર્સે ડેમોક્રેટિક પાર્ટીની સિસ્ટમ હેક કરીને તેમાંથી માહિતી ચોરી હતી. રશિયાએ જોકે આ રીપોર્ટને નકારી કાઢ્યો.

દરમિયાન ડેમોક્રેટિક પાર્ટીએ એક સાયબર સિક્યોરિટી કંપનીને કામે લગાડી. જૂન 2016માં ડેમોક્રેટિક પાર્ટીએ પોતાની વેબસાઇટ પર જાહેર કર્યું કે તેના કમ્પ્યૂટર નેટવર્ક પર રશિયન જાસૂસી સંસ્થા સાથે સંકળાયેલ બે હેકર્સ ગ્રૂપે સાયબર એટેક કર્યો હતો. એ પછી, પોતાને રોમાનિયાનો હેકર ગણાવતા અને ‘ગુસીફર 2.0’ નામ ધરાવતા એક બ્લોગરે દાવો કર્યો કે આ ડેટા ચોરી તેણે કરી હતી. પાછળથી બહાર આવ્યું કે તપાસ સંસ્થાઓને ગેરમાર્ગે દોરવા રશિયન હેકર્સે જ આ તરકટ રચ્યું હતું.

જુલાઈ 2016માં વિકિલિક્સ પર ડેમોક્રેટિક પાર્ટીના સર્વરમાંથી હેક થયેલા 20,000 જેટલા ઇ-મેઇલ્સ પબ્લિશ થયા. હિલેરી ક્લિન્ટન અને ડેમોક્રેટિક પાર્ટીને નુકસાન થાય એવો ઘણો બધો મસાલો આ ઇ-મેઇલ્સમાં હતો.

આટલું થયા પછી ટ્રમ્પે હિલેરી પર સીધા હુમલા કરવાનું શરૂ કર્યું. હિલેરી સેક્રેટરી ઓફ સ્ટેટ હતાં ત્યારે ‘પ્રાઇવેટ ઇ-મેઇલ સર્વરનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય સલામતી જોખમાવી હતી’ એવા આક્ષેપોનો મારો શરૂ થયો. સાથોસાથ હિલેરી વ્હાઇટ હાઉસમાં નહીં, જેલમાં જવાં જોઈએ એવા મેસેજ સોશિયલ મીડિયા પર ફરતા થયા (વાંચો નીચેનું બોક્સ).

બીજી બાજુ અમેરિકાના પ્રમુખની ચૂંટણીનાં પરિણામો પોતાની તરફેણમાં પલટાવવા માટે રશિયન સરકારે હેકિંગ શરૂ કર્યું હોવાનો અમેરિકામાં હોબાળો મચવા લાગ્યો હતો. 

ડોનાલ્ડ ટ્રમ્પે તેના ચૂંટણી પ્રચાર દરમિયાન તેની તરંગી સ્ટાઇલમાં આ આક્ષેપોને ફગાવી દીધા. રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટિને પણ રશિયન સરકારને આ હેકિંગ સાથે કોઈ લેવા દેવા ન હોવાનું રટણ ચાલુ રાખ્યું.

છેવટે નવેમ્બર 2016માં પ્રમુખપદની ચૂંટણી યોજાઈ તેની પહેલાંના એક જ મહિનામાં વિકિલિક્સે હિલેરી ક્લિન્ટનના કેમ્પેઇન ચેરમેન જોહ્ન પોડેસ્ટાના એકાઉન્ટમાંથી હેક થયેલા 58,000 મેસેજ લિક કર્યા. હિલેરીના કથિત ભ્રષ્ટાચારની સામે ડોનાલ્ડ ટ્રમ્પ ઓછા બદનામ નહોતા. પરંતુ હોલીવૂડ એક્ટ્રેસીસને સંડોવતી ટ્રમ્પની ઓડિયો ટેપ્સ રીલિઝ થઈ તેના થોડા જ સમયમાં વિકિલિક્સ અને સોશિયલ મીડિયા પર હિલેરીને બદનામ કરતા મેસેજિસનો જબરજસ્ત મારો ચાલ્યો હતો. 

નવેમ્બર 2016માં અમેરિકન મતદારોએ પ્રમુખ ચૂંટવા માટે મતદાન કરી લીધું, પણ ત્યાં સુધીમાં રશિયાએ અમેરિકન ચૂંટણી પર ઘેરી અસર કરી લીધી હતી અને મતદારો રશિયાની મરજી મુજબ મત આપે એ રીતે તેમનું બ્રેઇન વોશિંગ કરી નાખ્યું હતું.

રશિયાએ આ ચૂંટણીમાં પોતાનું ધાર્યું પરિણામ મેળવવા માટે, અમેરિકા પર અનેક પાંખિયો સાયબર હુમલો કરવામાં કોઈ કસર છોડી નહોતી.

રશિયાએ ચૂંટણી દરમિયાન મતદારોના વાસ્તવિક મતમાં કોઈ ઘાલમેલ કરી નહોતી પરંતુ બીજી ઘણી રીતે આખી સિસ્ટમમાં પગપેસારો કર્યો હતો. જેમ કે ચૂંટણીના પહેલાં રશિયાએ અમેરિકાનાં ઓછામાં ઓછાં 21 રાજ્યોની વેબસાઇટ્સ કે વોટર્સ રજિસ્ટ્રેશન સિસ્ટમને નિશાન બનાવી હતી અને લાખો મતદારોની અંગત માહિતી ચોરી હતી. આ હેકર્સે વોટરનું રજિસ્ટ્રેશન કરતા સોફ્ટવેર બનાવતી કંપનીની સિસ્ટમમાં પણ ઘૂસણખોરી કરી હતી અને તેની તરફથી બનાવટી મેઇલ્સ ચૂંટણી અધિકારીઓને મોકલ્યા હતા. 

ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટણી જીત્યા તેના એક-બે વર્ષ પહેલાંથી ટ્રમ્પની કન્સ્ટ્રક્શન કંપનીને રશિયાના મોસ્કોમાં એક વિશાળ સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગ બાંધવાના બિઝનેસનું ગાજર પણ આપવામાં આવ્યું હતું.

મતદાન થયું લગભગ ત્યાર સુધી હિલેરી ક્લિન્ટન એ સમયના પ્રમુખ બરાક ઓબામા કરતાં પણ વધુ સરસાઈથી ડોનાલ્ડ ટ્રમ્પને હરાવશે એવું ભવિષ્ય સૌ કોઈ જોઈ રહ્યા હતા, પરંતુ ચૂંટણી પહેલાંના થોડા દિવસોમાં આખી બાજી બિલકુલ પલટાઈ ગઈ અને છેવટે, આપણે જાણીએ છીએ તેમ, ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી.

એક 'ગફલતે' અમેરિકાનું ભાવિ બદલ્યું

ચૂંટણીના વર્ષે, માર્ચ 2016માં, હિલેરી ક્લિન્ટનનો ચૂંટણી પ્રચાર સંભાળતી કમિટીના ચેરમેન જોહ્ન પોડેસ્ટાને ગૂગલ તરફથી આવ્યો હોય એવો એક એલર્ટ ઈ-મેઇલ મળ્યો. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેમના ગૂગલ એકાઉન્ટને બીજા કોઈએ એક્સેસ કરવાની કોશિશ કરી હતી. એ મેઇલમાં જોહ્ન પોડેસ્ટાને તેનો પાસવર્ડ બદલી નાખવાની સલાહ આપવામાં આવી હતી. જોહ્ન પોડેસ્ટાએ ખાતરી કરવા માટે આ ઇ-મેઇલ પોતાના એક સ્ટાફરને મોકલ્યો અને આગળ શું પગલાં લેવાં એ તેને પૂછ્યું.

સ્ટાફની પેલી વ્યક્તિએ વળતો જવાબ આપ્યો, પરંતુ એમાં તેણે સ્પેલિંગની એક ભૂલ કરી જેણે અમેરિકાનું ભાવિ બદલી નાખ્યું. એ સ્ટાફરે જોહ્નને ‘આ ઇ-મેઇલ બનાવટી (illegitimate) લાગે છે’ એવું લખવું હતું, પણ તેણે ‘ઇ-મેઇલ યોગ્ય (legitimate)’ હોવાનું લખ્યું. તેણે ખરેખર ભૂલ કરી કે પછી ઇરાદાપૂર્વક જોહ્ન પોડેસ્ટાને ગેરમાર્ગે દોર્યા એ સત્ય કદાચ ક્યારેય બહાર નહીં આવે, પરંતુ પોતાના આઇટી સ્ટાફરની સલાહ માનીને તેમને ‘ગૂગલ તરફથી આવેલા’ ઇ-મેઇલમાં આપેલી લિન્ક પર ક્લિક કર્યું, જે પેજ ખૂલ્યું તેના પર પોતાના ગૂગલ એકાઉન્ટ માટે નવો પાસવર્ડ આપ્યો. એ સાથે રશિયન હેકર્સને અમેરિકાના પ્રમુખપદના એ સમયે સૌથી મજબૂત ગણાતા ઉમેદવારના ચૂંટણી પ્રચારનો બધો આધાર જેના પર હતો એ વ્યક્તિના ઇ-મેઇલ એકાઉન્ટની એક્સેસ મળી ગઈ (માત્ર ભારતના વડીલો ઈ-મેઇલ ફિશિંગમાં સપડાઈ જાય છે એવું નથી, જોહ્ન પોડેસ્ટા એ વખતે 67 વર્ષના હતા, બિલ ક્લિન્ટન પ્રમુખ હતા ત્યારે તેઓ વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ પણ હતા).



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GofbCu
Previous
Next Post »