ન રેશ કનોડિયા : એક પ્રેરણામૂર્તિ. ચોખલિયાઓ ભડકી શકે. બરાબર છે કે દિવંગત થયેલા મહેશ- નરેશની બંધુ બેલડીને વખાણ કરો, એમના યોગદાનની વાત કરો. એમને સુપરસ્ટાર કહો પણ 'ફિલમવાળા'માંથી મોટીવેશન શું લેવાનું ?
બસ, આ જ વાત કરવી છે, નાના- નાના દુઃખોમાં હારી જતી, નાની નાની વાતોમાં હર્ટ થઈ જતી, ફેઇલ્યોર ને ફ્રસ્ટ્રેશનમાં ડિજીટલ માસ્ક પહેરીને રિયાલિટીમાં આપઘાતના કે ભાગી છૂટવાના વિચારોનો ઘૂંઘવાટ અનુભવે એવી પોલીપોપટી જનરેશનને. નરેશ કનોડિયા એના મોટા ભાઈ મહેશભાઈ જોડે આવી જ જાય. કારણ કે જીવ્યા જોડે, કામ કર્યું જોડે અને વિદાય પણ લીધી જોડે. મોટાભાઈ પાછળ નાનાભાઈ પણ ચાલી નીકળ્યા. એક ઇન્ટરવ્યૂમાં વર્ષો પહેલા એમણે કહેલું કે, એકને તાવ આવે તો બીજાને આવે, એકને બાયપાસ થાય તો બીજાને થાય. મહેશભાઈ લાંબી બીમારી બાદ ગયા અને નરેશભાઈએ કદાચ કોરોના સામેનો જંગ પડતો મૂક્યો. ભાઈની જોડે સથવારો કરવા.
આ બધું જીવન ઝરમર, ફિલ્મોની વાતો વિગતો, રાજકીય કારકિર્દીનો ઇતિહાસ બધું તો સમાચારોમાં આવી ગયું ને મેસેજમાં ફોરવર્ડ થઈ ગયું પણ એ ઇતિહાસનું રિવિઝન આ પ્રેમાંજલિમાં ખાસ કરવું છે. જેમાં 'હિસ્ટ્રી' સાથે હિઝ સ્ટોરી છે. થોડી કાળની ધૂળ બાઝી હોય સોનેરી પાનાઓને ભૂખરા કરતી, એ ખંખેરવી છે. રીલ નહિ, રિયલ લાઇફના રિયલ હીરો નરેશ કનોડિયા પાસેથી લાઇફ લેસન્સ લેવા છે. આપણા જ નાયક- નાયિકાઓનેે સરખા આપણે જ ન ઓળખીએ, તો દુનિયા ક્યાંથી ઓળખે.
અને જરાક જાણો કે વાત ગુજરાતી મૂવીના સ્ટારની પછી છે. ગુજરાતના ગરવા માણસની પહેલા છે. જેણે એક ફિલ્મી કહાની આખી જીવી પણ લીધી, પણ એમાં કમ્પોઝ થયેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક નહોતું, એમાં દ્રશ્યો કંડારવા માટે કેમેરા નહોતો. તાળીઓ, સીટીઓ, લાઇક્સ એવોર્ડ નહોતા.
હતો જીવતરનો ભાર, નિયતિનો માર!
અમિતાભની મૂળ અટક જેમ 'બચ્ચન' નથી, પણ પિતાનું અપનાવેલું કવિ તરીકેનું ઉપનામ હવે અભિષેક પુત્રી આરાધ્યા સુધી સત્તાવાર સરનેમ થઈ ગયું, એમ મહેશ- નરેશની મૂળ અટક ખોવાઈ ગઈ છે અને ઉત્તર ગુજરાતના એમના વતન કનોડા ગામને એમણે સરનેમ તરીકે અપનાવી લીધું. જે એમના જેવા નમ્ર, સરળ એવા ખાનદાન પુત્ર હિતુની પણ અટક થઈ ગઈ. મહેશભાઈની સિંગર ડોટર પૂજા કે હિતુભાઈના કમ્પોઝર ભાઈ સૂરજ બધા કનોડિયા અટકથી જ ઓળખાય.
અટક તો આપણે ત્યાં જ્ઞાાતિભેદના ખાના પાડવાનું લેબલ નહિ તો ! મહેશ- નરેશને તો સમાજની વાડાબંધીનો બેવડો માર ઝીલવાનો. દલિત અને દરિદ્ર ! જગતભરમાં ગરીબી જ એક ગુનો ગણાય છે, ચોપડે ચડયા વિનાનો. અને ભારતમાં પછાત વર્ગમાં જન્મ લેવાને આજે ય ઘણા નાકનું ટીચકું ચડાવી સૂગથી જુએ છે. એમને સેકન્ડરી સિટિઝન સમજીને આજની તારીખે અમુક ભણેલા લોકો અંતર રાખે છે. અંગત, પંગત કે સંગતમાં જોડે રાખતા નથી. બેટી તો દૂર, રોટીના વ્યવહારો કરતા નથી. શારીરિક અસ્પૃશ્યતા ગઈ હશે, પણ માનસિક આભડછેટ અમુક કહેવાતા ઉચ્ચ વર્ગના ઉઠેલપાનિયાઓની જતી નથી. એના સમાચારો કંઈ ઓછા નથી.
એટલે પછાત ગણાતા વર્ગમાં જન્મ ને આર્થિક રીતે ય પછાતની બેવડી ભીંસ. આવા રિજેક્શનના બે જ રિએક્શન આવે. કાં મરી જવું કાં મારી નાખવું. બેઉ એસ્કેપ રૃટ. ડિપ્રેશન ઓર ક્રાઇમ. પૈસા હોય નહિ, પ્રતિષ્ઠા હોય નહિ. પદ કે પ્રભાવ ન હોય ને પ્રેમ પણ ન મળે સમાજનો તો પ્રભુ ય ભુલાઈ જાય !
આમ તો ખુદ નરેશભાઈએ જ કહેલી, પણ આજકાલ તો દસકા જૂના ગીતો ય રેટ્રો થઈ જાય, એવો ઝડપથી ભૂલી જવાનો જાલિમ ઝડપી જમાનો છે એટલે યાદ કરીએ. નરેશ કનોડિયા માનો ચહેરો ય યાદ ન રાખી શકે એવું છ મહિનાનું ધાવણું બાળક હતા, ત્યારે એમને ધવડાવતા જ માતાનો દેહાંત થયો. એ સમયે બાળક માટે માના દૂધના વિકલ્પો નહિ ને મેડિકલ બિલ તો પોષાય નહિ. બેન નાનકડા ભાઈને તેડીને કોઈ ધાવણ આવતી મા હોય તો ધવડાવીને બાળક જીવાડવા માટે ટહેલ નાખતી ગલીએ ગલીએ ભટકે ! આ હતી જિંદગીની શરૃઆત.
અને બાળપણમાં ય કંઈ મીઠપના ઘૂંટડા નહોતા કડવાશના કોગળા હતા. મોટા ભાઈ (ત્યારે છએક વર્ષના બાળક જ) મહેશભાઈને કુદરતી જ એ ઉંમરે ય સંગીતનું આકર્ષણ. ભણવાના ય કાવડિયા ન હોય, ત્યાં સંગીતની તાલીમ તો શું મળે ? ગામના એક માસ્તરની ઘેર ત્યારે તો 'લક્ઝરી' ગણાય એ રેડિયો. એ ચોરીછૂપીથી સાંભળવા જાય. ને નૂરજહાં હોય કે સાયગલ જે અવાજો કાને પડે એ યાદ રાખી એ જ સુરમાં આખું ગીત ગાય !
રહેતા રહેતા ગીત- સંગીતના નાદનો છંદ લાગ્યો. તરૃણ ઉંમરે મહેશભાઈ દરેક ફિલ્મી સપના આંખમાં આંજતા યુવાનની માફક મુંબઈ આવ્યા, નસીબ અજમાવવા, સ્ટુડિયોમાં તો એન્ટ્રી ન મળી, પણ દાદર સ્ટેશનના પુલ નીચે ભિખારીઓ સાથે સૂવાનો વારો આવ્યો ને ભિક્ષુકોએ ભીખમાં મળેલું ભોજન જમાડયું, એનાથી પેટ ભર્યું. એ વખતે છોકરડા એવા નરેશભાઈ અમદાવાદમાં સફાઈકામ કરતા અને બુટપોલિશ શીખી લીધેલું. એટલે સાહેબ લોકોના જૂતા પાલિશ કરતા !
પરિસ્થિતિ એવી દારુણ કે એ વખતે સવારમાં દાતણનું ચલણ વધું એમાં 'મોટા' લોકોએ દાતણ ચાવી, ઉલ ઉતારી જે સાંઠીકડા એક છેડેથી એંઠા કૂચ્ચાવાળા ફેંક્યા હોય એ એકઠા કરી નરેશ કનોડિયા એને તડકે સૂકવે ને સાંજ પડે પેટની આગ ઠારવા માટીના ચુલામાં એ બળતણ તરીકે નાખીને આગ પેટાવે ! જોયું છે આવું દ્રશ્ય ફિલ્મોમાં એમની ? આ એમની લાઇફ સ્ટોરી હતી. ઝેર તો રોજ મળે પણ એમણે એ અંદર ઉતાર્યું નહિ, નિતાર્યું અને આપણા ચહેરા પર સ્મિતનું કારણ બન્યા. આપણે રેસ્ટોરાંમાં બીમાર મા ખાતર કોમેડી કરતા ચાર્લી ચેપ્લીનની સ્ટોરીઝ વાંચીએ છીએ, જાણવી જ જોઈએ. પણ આપણા મહેશનરેશની સફળતા પાછળની અથાગ કરૃણ કહાણી ખબર છે ?
મજાની વાત એ કે આફતો મુસીબતોના ડુંગરા સામે આ વીર નાયકો થાક્યા નહિ, ડગ્યા નહિ. ત્યારે આશાની જગ્યાએ અંધારું હતું પણ સંઘર્ષ ચાલુ રાખ્યો. મહેશભાઈને હિન્દી ફિલ્મોમાં તો કોઈ ઓળખાણ નહિ એટલે તક ન મળી. પણ એ અલગ અલગ અવાજમાં ગાઈ શકતા. ભગવાનની ભેટને એમણે કસબથી કળા બનાવેલી. લતાનો એ જમાનો અને વૉઇસ ઑફ લતા તરીકે મુંબઈ નવરાત્રિ અને ગણેશ મંડળોમાં ગાવા મળતું ગયું. તમારો ચહેરો કે પરિવારનું નામ નહિ, આવડત એ તમારી ખરી આઇડેન્ટિટી છે 'સ્કિલ'ના જોરે એમણે નાની ઉંમરે ઘણાં દિલ જીત્યા અને એ વખતે બીજી કોઈ હતી જ નહી એવી - 'મહેશકુમાર એન્ડ પાર્ટી' સ્થાપીને મનોરંજક કાર્યક્રમો શરૃ કર્યા. એમાં ટ્રેન્ડસેટર. ફિલ્મો તો મહેશકુમાર એન્ડ પાર્ટીની બાયપ્રોડક્ટ. મ્યુઝિકલ પાર્ટીનો નવો ચીલો ચાતરવામાં ઘણા સમય પહેલા ગુજરી ગયેલા દિનેશભાઈની જેમ નાની ઉંમરે નરેશભાઈ જોડાયા. એ વખતે એ અચ્છા મિમિક્રી આર્ટિસ્ટ. બધાના અવાજ કાઢે. ગુજરાતી સ્ટેજ પર કદાચ એ શરૃઆત એમણે કરી હિન્દી ફિલ્મોના હીરોઝના અવાજમાં રજૂ થતી 'આઈટેન'ની. જોની વોકરની ફાંકડી મિમિક્રી કરતા હોઈને જોની જુનિયર તરીકે નરેશકુમાર ફેમસ (ત્યાર કુમાર લગાડી જાતિવાદી ચોકઠાંથી પીછો છોડાવેલો, પછી કનોડિયા અપનાવ્યું).
શાહરૃખખાને એકવાર કહેલું કે, ''બેસ્ટ એક્ટર એ થઈ શકે, જે બેસ્ટ મિમિક્રી આર્ટિસ્ટ હોય. અભિનય મૂળ તો નકલની કળા છે. જે જોયું-સાંભળ્યું હોય એ બખૂબી રજૂ કરી શકવા માટે પરકાયાપ્રવેશ કરવો પડે પાત્રમાં.'' એમ જ મહેશકુમાર એન્ડ પાર્ટી ચાલી નીકળી અને ફિલ્મની ઓફર આવી ઃ વેણીને આવ્યા ફૂલ.
એ વખતે ગુજરાતી ફિલ્મોમાં કાઠિયાવાડી લોકવાર્તા અને બહારવટિયાઓની ફિલ્મો બુલંદી પર હતી, જેમાંથી અભિનય સમ્રાટ અને અચ્છા વાચકવિચારક ઉપેન્દ્ર ત્રિવેદી સુપર સ્ટાર થયા. મહેશ-નરેશે એ યુગની જરા હટકે 'અર્બન' ફિલ્મો શરૃ કરી. સામાજીક વાર્તાઓ અને સુમધુર સંગીત. જોકે, ગુજરાતમાં સાંસ્કૃતિક રીતે લોકવાર્તાઓનું તો ધર્મની જેમ આકર્ષણ છે. એટલે એ રંગે ય રંગાયા. ભાથીજી મહારાજ હોય કે ઢોલા મારૃ.
દુઃખ પડી શકે એટલા ખમી લીધા હતા, એટલે સ્ટોક તો વિધાતા પાસે હવે કેવળ સુખનો જ પડયો હતો. આવડત લિમિટેડ હોય પણ જો કમિટમેન્ટ અનલિમિટેડ હોય તો ટેલન્ટના ગંજા ઉપરવટ સક્સેસ મળે જ. અહીં તો સિનેમા અને સંગીતની સમજ પણ હતી. મુંબઈનો મેજીક ટચ હતો. મહેશકુમાર એન્ડ પાર્ટી આફ્રિકામાં ધમધોકાર ચાલે. વચ્ચે વચ્ચે ફિલ્મો આવે. સંજીવકુમાર હીરો હતા એવી - ચંદ્રકાંત સાંગાણીની 'જીગર અને અમી' ફિલ્મ મળી. સજન મારી પ્રીતડી ગીતથી પાર્ટીના સ્ટેજ શોથી આગળ ફિલ્મસંગીતમાં ય અવિનાશ વ્યાસનો વિકલ્પ આવી ગયો એ એંધાણી હતી. નરેશ કનોડિયા તો સાઈડ કેરેક્ટરમાં હતા.
ત્યારે બજેટના ઠેકાણા નહોતા. ગીતો શૂટ કરવા ફોરેન શું, ભારતના હિલ સ્ટેશન પર પણ ન જઈ શકાય. ખેતર ને ખડક પર સોંગ આવે. ત્રણ ડિફરન્ટ સિંગરના પૈસા ન હોવાથી 'તમે રે ચંપો ને અમે કેળ' જેવા હોરર રોમાન્સમાં એક ગીત બે હીરોઈન, એક હીરો ત્રણે અવાજ બત્રીસ જાતના અવાજ કાઢી શકતા મહેશભાઈએ એકલા જ ગાઈ લીધું ! પણ ફિલ્મો આવતી ગઈ, લોકોને ગમતી ગઈ. વણઝારી વાવ હોય કે મેરૃ માલણ. ઉજળી મેરામણ હોય કે જોગસંજોગ.
આ ય મહત્વની વાત. નરેશ કનોડિયાએ પહેલી વાર ગુજરાતી હીરોને સરખી રીતે નાચતો કર્યો ! ત્યારે હીરોઈનો બીજા રાજ્યોની આવતી અને રંગભૂમિના છટાદાર અભિનેતાઓ ખાસ રૃડું નાચી ન શકતા. સ્ટેજ પર ડાન્સ કરતા નરેશ કનોડિયા શમ્મી કપૂર-જીતેન્દ્ર સ્ટાઇલના સ્ટેપ કરી શકે એટલે મહેશ કનોડિયાએ 'યાઆઆહૂ' સ્ટાઇલમાં પસાકાકા સોંગ એમની પાસે કરાવેલું, ને '૮૦ના દાયકામાં મિથુન-ગોવિંદાયુગ વખતે ડિસ્કો પણ ! ફોકની ટયુન્સ સાથે મોડર્ન બીટ્સ મિક્સ કરવાની મહેશ-નરેશની આવડત કલ્યાણજી-આણંદજી કે લક્ષ્મીકાંત-પ્યારેલાલ જેવી. પણ 'તાનારીરી' ફિલ્મમાં તો લાજવાબ શાસ્ત્રીય બંદિશો પણ આપી.
એ સાથે રમેશ મહેતા - રજનીબાળા ય આવ્યા. ને પછી સફળતાનો સ્વાદ ચાખેલી ઈન્ડસ્ટ્રીમાં 'ઢગલે ધિંગાણા' શરૃ થયા. એક જ સંચામાંથી નીકળેલી સંઘેડાઉતાર ફિલ્મો વધતી ગઈ. ફોર્મ્યુલાની બોલબાલા થઈ ગઈ. ફૂવડ કોમેડી અને ''ગાડું, ગરબો, ગોકીરો''ના
લેબલથી હાસ્યાસ્પદ રેઢિયાળ કૃતિઓ વધવા લાગી. આખા એક શિક્ષિત - શહેરી વર્ગે મોં ફેરવી લીધું પોતાની જ ભાષાની ફિલ્મોથી જે માંડ નવી અર્બન ફિલ્મોનો 'અભિષેક' શરૃ થયો, ત્યારે ફરી આવ્યા.
પણ ચાર દસકાથી સિંગલ સ્ક્રીન થિએટરની દુનિયા સાથે જોડાયેલા કોઈ પરાગ સોલંકી જેવા ભીની આંખે સોશ્યલ મીડિયા પર યાદ કરે કે આ કનોડિયા બ્રધર્સને લીધે કેટલાય નાના સેન્ટર્સમાં થિએટરો અને એની જોડે સંકળાયેલા નાના માણસોની દોઢ દસકા સુધી રોજી સચવાઈ ગઈ. એમની ફિલ્મો જ ચાલતી. જેમ એમણે ભેદની ભીંતો ભૂલી ભાવ મોટો કર્યો, એમ ઉત્તર-દક્ષિણ ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર બધા જ ભેદ એમની ચાહતમાં ભૂલાઈ ગયા. જાગ રે માલણ જાગ હોય કે મારો સોનાનો ઘડૂલો હોય - એ આખી ગુજરાતી પ્રજાની પ્રીતની રીત શોભાવતા ગમતા ગીતો બની ગયા. આજે ય ગુજરાતી ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં મોટા શહેરોમાં જ ચાલે છે. નરેશ કનોડિયાની ફિલ્મો અમદાવાદ- રાજકોટ કે વડોદરા - સુરતની લકઝરી વોલ્વો નહોતી. પણ થોડાક પેસેન્જર માટે ય ધૂળ ખૂંદતી ગામડે ગામડે ફરતી એસટી બસ હતી. ફેડેક્સ કુરિયર નહિ પણ પંદર પૈસાનું પોસ્ટકાર્ડ હતી. એણે કનેકશન બનાવ્યું.
એ ગીતો લોકોએ મેળાઓ અને ગરબાઓમાં ગાયા ને આજે ય ગાય છે. એ મૂછની સ્ટાઇલ કેશકર્તનાલયોમાં ચાલી અને એ અદાથી ઝૂલફો ઉડાડી મસ્તીથી 'વટનો કટ્ટકો' એવો ગુજરાતી મરદ નરેશભાઈએ ઉભો કર્યો, જેની અદાઓ પર હજુ ય ઢોલની રમઝટ સંભળાય. રજનીકાંત જો તમિલ થલાઈવા હોય તો નરેશ કનોડિયા ગુજરાતી વાલીડાઢોલીડા હતા, જેના ત્રાજવા(ટેટૂઝ) ગુજરાતની એ વખતની ફિલ્મઘેલી જનતાએ પોતાના કાળજડે ગોફાવ્યા !
એ સમયે ટેલીવિઝનમાં ઝરમરિયાં હતા ચેનલોના નામે ને મોબાઈલ - ઈન્ટરનેટના સપના ય આવતા નહોતા. ત્યારે સામાન્ય માણસને બે ઘડી જીવનની જંજાળ ભૂલવાનો વિસામો જે કોઈ કલાકારોએ આપ્યો, એ ય કદર ન થઈ હોય એવી સમાજસેવા જ છે. ફિલ્મો હિન્દી હોય કે ગુજરાતી. પણ જેમ જ્ઞાાતિવાદી વર્ણભેદ પાળ્યા છે આપણે, એમ બુદ્ધિજીવીઓએ ઉચ્ચ 'ટેસ્ટ'ના નામે ય ઓછી આભડછેટ નથી રાખી. સિલ્કના કૂર્તા ચડાવી શાસ્ત્રીય સંગીત સાંભળવા જાય એ કુલીન સંભ્રાન્ત લોર્ડ લાટસાહેબ. ને લોકસંગીત કે ફિલ્મી એકશન કોમેડીના સહારે ઝૂમી ઉઠે - એ નિમ્ન કક્ષાના મનોરંજનિયા, નાચણીયા. 'માસ'માં જે પોપ્યુલર હોય એ ન ગમાડવું એને જ 'કલાસ' માનતો એક 'ત્રાસ' પણ છે આપણે ત્યાં. રાજકીય જાહેરજીવન પછી મહેશ-નરેશને અમુક માનપાન મળ્યા. પણ એમણે પબ્લિકમાં જે પોપ્યુલર કનેક્ટ ઉભો કર્યો, એ પીએચડી થિસિસનો સબ્જેક્ટ છે, એ વાત ઉપેક્ષિત રહી.
સામાજીક સમરસતા વાતોથી નહિ, વ્યક્તિત્વ ઘડતરને કળાથી આવશે એના નરસિંહ મહેતાના ગુજરાતે આપેલા બે શ્રેષ્ઠ આઈકોન્સ નરેશ કનોડિયા અને નરેન્દ્ર મોદી છે. એક એસસી ને એક ઓબીસી છતાં, એમને ચાહતી વખતે કોઈને આ વિચાર સુદ્ધાં ન આવે ! લાખો આજના યુવક-યુવતીઓ પણ 'છેલ્લો દિવસ'માં મયુર ચૌહાણ - બે વાર મિમિક્રી કરે એ ય વાઇરલ કરે ને મયુર કરસનદાસ પે એન્ડ યુઝનો સફાઈ કામદાર નાયક બની જાય ! આ જ રાજ વિનાનો રાજમાર્ગ છે, પેલા ખોખલા લેબલો હટાવીને સમરસ સમાજની એકતાનું લેવલિંગ કરવાનો. શબ્દ હોય કે સંગીત, વક્તૃત્વ કે અભિનય કળાની આ જીત છે !
અને ટેઈકઅવે મહેશ-નરેશના જીવનનો. પછાડવું, થાકવું, રડવું, હારવું પણ લડવું. જીવન લડને કા નામ. યાત્રા ચાલુ રાખવી. શાહબુદ્દીન રાઠોડ કહે છે એમ કોઈ એક કળાની આંગળી પકડી લો તો પછી ભવસાગર તરી શકો. બસ, જખમના બદલામાં કારણ વગર બધાને જખમ નહિ દેવાના. પણ સંઘર્ષ કરીને મલમ દેવાના. નરેશભાઈને એક વાર કહેલું કે તમે બેઉ ભાઈઓ બહુ જ વિવેકી છો, તો એમણે સાફદિલ જવાબ આપેલો કે - હવે ધાર્યું નહોતું એ સુખ મળ્યું, પછી તો એમ જ લાગે કે જગતનો ઉપકાર લઈ જીવીએ છીએ ! તો યારો, મજા કરાવી હશે એ દુનિયા યાદ રાખશે. સજા ભોગવી હોય એ નહિ !
આ તો ઉપરવાળાનું તેડું, બાકી કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે કે અમારા મહેશ-નરેશને...
હવે ટહુકે સાજણ સાંભરે ત્યારે કહીશું બે ભાઈઓને... સ્વર્ગમાં જોડે રહેજો રાજ!
ફાસ્ટ ફોરવર્ડ
'કોઈ અંત નથી. કોઈ આરંભ નથી. છે તો બસ અનંત ધગશ છે જીવનની !'
(ફેડરિકો ફેલિની)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/383hFl1
ConversionConversion EmoticonEmoticon