દક્ષિણ ગુજરાતનાં આદિવાસીઓની સર્જનશક્તિ


સ ર્જનાત્મકતા એટલે કલ્પના અને વિચારશક્તિ દ્વારા નવસર્જન કરવું. વિજ્ઞાાન, ટેકનોલોજી, મેનેજમેન્ટ, સાહિત્ય, ચિત્રકલા, સ્થાપત્યકલા, સંગીત અને ગૃહઉદ્યોગ જેવી સંખ્યાબંધ વસ્તુઓને વધારે સમૃદ્ધ અને ઉપયોગી બનાવવા માટે સર્જનશક્તિની જરૂર પડે છે. આદિવાસીઓમાં પણ સર્જનશક્તિ હોવા અંગેના અભ્યાસો થયા છે. હવે એવું પૂરવાર થયું છે કે આઈ.ક્યુ. અને સર્જનશક્તિ વચ્ચે બહુ સંબંધ નથી.

આદિવાસીઓની સર્જનશક્તિને કાઈ ન્યુટન, આઈન્સ્ટાઇન, બીલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ, વિક્રમ સારાભાઈ, ટાગોર, ઉમાશંકર, ભીમસેન જોશી કે બીસમીલ્લાખાનની સર્જકતા સાથે સરખાવી ના શકાય. તેનું મુખ્ય કારણ એ છે કે આદિવાસીઓનું એન્વાયરમેન્ટ અને અનુભવો જુદા છે.

બહારની દુનિયાથી આદિવાસીઓ અલીપ્ત રહેતા હતા. તેઓ ગાઢ જંગલો, ડુંગરાઓ અને પર્વતમાળાઓમાં ઝુંપડા બાંધીને રહેતા હતા. તેમ છતાં તેમણે ચિત્રકલા, સંગીત, નૃત્યકલા, વાદ્યો, ખેતીનાં ઓજારો, ઔષધો તથા લોકગીતો અને કથાવારતાઓ ખીલવ્યા હતા. આજે હવે આદિવાસીઓમાં રહેલી સર્જનાત્મકતાને નવો વૈજ્ઞાાનિક ઓપ આપીને તેમને વધારે શક્તિશાળી બનાવવા માટે ગુજરાત અને દેશમાં સેમિનારોનું આયોજન થાય છે. આ વાત દક્ષિણ ગુજરાતના આદિવાસી વિદ્યાર્થીઓને ખાસ લાગુ પડે છે.

દક્ષિણ ગુજરાતનાં આદિવાસીઓમાં ભીલ, કુકણા, વાટલી, ગામીત, દૂબળા, વાયકા, વસાવા અને ઘોડાયાનો સમાવેશ થાય છે. આર્યોનાં આગમન પહેલાં, પાષણયુગમાં પણ તેઓ આ વિસ્તારમાં રહેતા હતા. એમની ક્રિએટિવિટીનો વ્યાપ નાનો હતો. કારણ કે તેઓ બાહ્ય સમાજથી અલીપ્ત જંગલો, ડુંગરો અને પર્વત માળાઓમાં વસતા હતા. તેમ છતાં તેમણે ખેત ઉત્પાદનનાં ઓજારો, તીરકામઠાં અને ગોફણ જેવા હથિયારોથી માંડીને નૃત્ય, લોકસંગીત તથા વાદ્યો શોધ્યા હતા.

ભગવાન રામ અને સીતાના સમયમાં તેઓ હતા. રામાયણ, મહાભારત અને પુરાણોમાં દંડકારણ્યનાં ઉલ્લેખો આવે છે જે મુજબ રામ, સીતા અને લક્ષ્મણ ચૌદ વર્ષનાં વનવાસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આવેલા ગાઢ જંગલોમાં આદિવાસીઓ સાથે રહ્યા હતા. તે સમયે ભીલો શિકાર, ખેતી અને પશુપાલન કરતા હતા. એમનું સાહિત્ય કંઠસ્થ સાહિત્ય છે.

આદિવાસીઓએ પોતે તેમનાં અનુભવો પર આધારિત રામાયણની કથાઓ યુગે યુગે ખીલવી છે જે વાલ્મીકી અને સંત તુલસીદાસથી માંડીને કથાકાર મોરારી બાપુ અને સાહિત્યકાર શીરીષભાઈ પંચાલની વાતો તથા અર્થઘટનો કરતાં જુદી પડે છે કારણ કે આદિવાસીઓનો સંદર્ભ નગરીય સંસ્કૃતિમાંથી નહીં પણ જંગલો અને ડુંગરો, વૃક્ષો, નદીઓ, નાગ, વાઘ, વીંછી, ચકલી, પોપટ, ગાય અને ભેંસ જેવા પશુપક્ષીઓનાં સંસર્ગમાંથી નિષ્પન્ન થાય છે.

તેમાંથી આદિવાસીઓની પોતાની આઈડેન્ટિટી પ્રગટ થાય છે. તેમાં વાલીયા, વાલી, સુગ્રીવ, જટાયુ, શબરી જેવા પાત્રો મુખ્ય છે. તેમાં ખેતરો, વનવગડા અને ભૂખમરાનાં વર્ણનો આવે છે. કશું જ લિખિત તો છે જ નહીં ! નથી ભાષા, કે નથી સાહિત્ય. માત્ર જીભ દ્વારા બોલાયેલું ''ઓરલ કોમ્યુનિકેશન'' હજારો વર્ષથી ચાલી આવ્યું છે. જેમ કે રામ, સીતા અને લક્ષ્મણ પણ તે તો કેમે કર્યો આવતો જ નથી. તેથી સીતા અવારનવાર લક્ષ્મણને ટોક્યા કરે છે કે ''દિયર, હું રાજમહેલમાં રહેનારી ! કોઈ દિવસ આટલું ચાલી નથી. ક્યારે પહોંચીશું.'' લક્ષ્મણ બહાનાં કાઢે છે તેથી સીતા કંટાળીને કહે છે : ''તારા ભાઈને સમજાવ કે એ માળા રટવાને બદલે વનફળ લઈને આવે.

આદિવાસીઓમાં રામ કોદાળી લઈને કુવો ખોદે છે, લક્ષ્મણ કુવામાંથી ટોપલા ભરે છે અને સીતા ભરેલાં ટોપલાં માથે લઈને કુવાની બહાર ઠાલવે છે. ત્યાર બાદ સીતા આદીવાસી ખેડૂતો પાસે આવે છે. તે સમયે આ જંગલવાસીઓ 'નિષાદ''' તરીકે ઓળખાતા હતા. સીતા માથા પરનું ભાથું નીચે મૂકે છે અને ખેડૂતોને કહે છે : ''તમને ભૂખ નથી લાગી. જાવ, કેસુડાનાં પાંદડા લઈ આવો અને તેનાં પતરાળાં બનાવો જેથી હું તમને જુવારનો અને નાગલીનાં રોટલા તથા ભાજી ખવડાવું. હું તો ચુરમું પણ લાવી છું.'' રામ, સીતા, લક્ષ્મણ અને નિષાદો એક પંગતમાં બેસે છે. ''શબરીના બોર''ની વાત તો આર્ય સંસ્કૃતિને અનુરૂપ છે. અહીં ભક્તિભાવથી 'ચાખેલા બોર' સાથે જોડાયેલા સાહિત્યની વાત નથી. ભીલોની રામાયણ કથાઓમાં ''ઈક્વૉલિટી''ની ભાવના છે અને રામ પોતે ''શ્રમજીવી'' છે. આદિવાસી સર્જનાત્મકતા આપણાં નગરીય જીવન સાથે સંકળાયેલા કથાકારો તથા સાહિત્યકારો કરતાં તદ્દન ભીન્ન છે. આ બાબતમાં થોડુંક ડોકીયું કરવા જેવું છે.

દક્ષિણ ગુજરાતનાં આદિવાસીઓનું કલ્ચરલ અને નેચરલ એન્વાયરમેન્ટ તદ્દન ભિન્ન છે. એમનાં ચિત્રો, નૃત્યો, લોકસંગીતો અને વાદ્યો પણ તદ્દન નીરાળાં છે. વાઘદેવ, ડુંગરદેવ, નાગદેવ, મગરદેવ - એમ દેવદેવીઓ તથા પ્રાકૃતિક દેવોને તેઓ આજે પણ પૂજે છે. એમનાં ઘણાંખરાં વાજિંત્રોનાં તો આપણને નામની પણ ખબર નથી. પણ આદિવાસીઓએ હજારો વર્ષથી વાંસ, બદુરાં અને ઢોરનાં ચામડા, ભેંસનાં સીંગડા, દૂધી કોળુ, ચીભડા અને ગાજરનો ઉપરાંત મીણ અને ગુંદરનો ઉપયોગ કરીને જે વાજિંત્રો બનાવ્યાં છે તે તેમની ક્રિયેટીવ અને ઈનોવેટિવ શક્તિનું દ્યોતક છે. એમનાં લોકવાદ્યોમાં તાડપુ, ઢોલક, મંજિરા, થાળી, કહાણ્યા, પાવરી, વાંસળી, તુંતુણી, માદળ, નગારૂ, ઘાંઘરી, ઝાંઝવાં (કાંસીજોડાં), મંજીરા અને શરણાઈનો સમાવેશ થાય છે. બધાં જ વાજિંત્રો જંગલની પેદાશમાંથી બનાવ્યાં છે. ડાંગી ભીલોનું મુખ્ય વાજીંત્ર ''પાવટી'' છે. તે દેવવાજિંત્ર તરીકે ઓળખાય છે. એનો અવાજ જાદુઈ અસર કરે છે. જો આપણો જ ''કક્કો'' ઘૂંટયા કરવાને બદલે આપણે આદિવાસીના મનોજગતને સમજવા પ્રયત્ન કરીએ તો મઝા પડે તેવું તેમ જ નવું જાણવા જેવું છે. તેથી જ ડૉ. ડી.એચ. કુપર નામનાં તજજ્ઞો એમનાં ગ્રંથ Tribal Art of Dangs માં લખ્યું છે.

‘‘The Dangi musical instruments are powerful aids to their aesthetic sensitivity and expressions.’’

આદિવાસીઓનાં લોકનૃત્યો સ્વયંભૂ છે. તેમાં આવેગ છે. ડાંગી લોકો નૃત્યને ચાળો કહે છે અને તેનાં ૨૭ ચાળા છે. જેમ કે પિરામિડ ચાળો, મોરનો ચાળો, સિપાઈનો ચાળો, ભાયા (ડુંગરદેવ) નૃત્ય, ભવાડો અને તમાશો. દરેક નૃત્યની લઢણ અલગ છે અને તેની સાથે વાજિંત્રોનાં તાલ અને લય જોડાયા હોય છે. એવું ને એવું વિવિધ મહોરા (માસ્ક) ધરાવતી ચિત્રકળાનું છે. તાજેતરમાં ભૈરવી મોદી નામનાં યુવા ચિત્રકારે ડાંગનાં જંગલોમાં રખડીને તેમજ ડાંગનાં સંખ્યાબંધ સ્ત્રી પુરૂષો અને બાળકોને મળીને ચિત્રકલા તથા ફોટોગ્રાફી દ્વારા આદિવાસીઓની જીવનશૈલી તેમજ તેમની વિવિધ કલાઓ ઉપર નવો પ્રકાશ નાંખ્યો છે. એમણે કેન્વાસ ઉપર દોરેલા ડાંગી દરબાર ઉપરાંત સામાન્ય સ્ત્રી- પુરૂષોના રંગબેરંગી ચિત્રો રોમાંચક છે. તે અવનવો અનુભવ કરાવે છે. વડોદરાથી જુલાઈ ૨૦૧૯માં પ્રસિદ્ધ થયેલ ગ્રંથ ‘‘When the Pawari Calls by Bhairavi Modi’’ ડાંગનાં આદિવાસી સ્ત્રી-પુરૂષો, એમના હોળી જેવા તહેવારો, નૃત્યો, ચિત્રો, પશુપક્ષીઓ, એમના ગાડાં, બજારો પ્રકૃતિ અને પર્યાવરણથી સમૃદ્ધ છે અને તે આદિવાસીઓનાં રોજબરોજનાં વાસ્તવિક જીવનનો કલાત્મક નમૂનો છે. અમદાવાદની સી.એન. ફાઈન આર્ટસ તથા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાંથી ડિગ્રીઓ લીધા બાદ એમણે અમદાવાદ, સુરત, મુંબઈ, વડોદરા, હૈદરાબાદ અને દિલ્હી ઉપરાંત લંડન અને કેનેડામાં સોલો પ્રદર્શનો યોજ્યા છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jTX1X3
Previous
Next Post »