'દિવાળીના દિવસમાં ઘરઘર દિવા થાય, ફટાકડાં ફૂટે બાળક બહુ હરખાય.'' રૂમઝૂમ કરતી નવરાત્રી પૂરી થઈ અને દિવાળી આંગણે આવીને ઊભી રહી છે. દિવાળી પ્રકાશનો તહેવાર ગણાય છે. ઉમંગ અને ઉત્સાહથી દિવાળીની ઊજવણી કરવાનો ઉલ્લાસ સહુના મનમાં હોય છે. દિવાળી એટલે રજાઓ, ફટાકડા, મિઠાઈ, શુભેચ્છા અને એકમેકના ઘરે જવાનો તહેવાર. આ શુકનવંતા તહેવારને વધાવવા માટે કેટલીક આગોતરી તૈયારી કરવી પડે છે. આ તહેવારમાં પહેરવા નવા વસ્ત્રો ખરીદવામાં આવે છે તે રીતે જ ઘરને પણ નવેસરથી સજાવવાની ઈચ્છા પ્રત્યેક ગૃહિણીને હોય છે.
દિવાળી માટે ઘરને શણગારવાની વાત આવે એટલે સૌથી પહેલાં દિવા અને રંગોળી યાદ આવે છે. વર્ષોથી આપણે ત્યાં દિવાળીમાં રંગોળી કરવાની તથા માટીના નાના નાના કોડિયામાં દીપ પ્રગટાવીને મૂકવાની પ્રથા છે. આ સિવાય પણ ઘણી નવી નવી રીતે ઘરને દૈદીપ્યમાન કરી શકાય છે.
ઘરમાં પ્રવેશતાં જ સહુ પ્રથમ ધ્યાન ઘરની દીવાલો પર જાય છે. જો ઘરને ઘરેખર નવું 'લુક' આપવાની ઈચ્છા હોય તો ઘરમાં રંગકામ કરાવવું. ઘરને એકદમ તેજસ્વી દેખાડવાનો આ ઉત્તમ ઉપાય છે. આજકાલ ઑફ વ્હાઈટ અને પેસ્ટલ રંગને જ આધુનિક નારીઓ પસંદ કરે છે. તહેવારને ધ્યાનમાં રાખીને લાલ, કેસરી, પીળા જેવા રંગોેને પણ પસંદ કરવા જોઈએ. બને તો બ્રાઈટ અને લાઈટ રંગોનું ઉત્તમ મિશ્રણ કરવું. જેથી ઘર એકદમ આકર્ષક દેખાય.
જો કે, ક્યારેક એવું પણ બને છે કે ગયા વર્ષે જ ઘરને રંગ કરાવ્યો હોય તો આ વર્ષે આટલો ખર્ચો કરવાની ઈચ્છા ન હોય. તે ઉપરાંત સામાનની હેરફેર તથા આખું ઘર આઘું પાછું કરવાની ઈચ્છા ન હોય તો ઘરની અમુક દિવાલો અને મોટા સ્તંભ કે થાંભલા પર નવો રંગ કરવો, જેથી ઓછી મહેનતે દેખાવ બદલાઈ જશે. છત ઉપર પણ આ રીતે રંગ કરીને ડ્રામેટીક ઈફેક્ટ લાવી શકાય છે. દિવાલ પર કે છત પર બોર્ડર કરીને તેમાં થોડાં થોડાં અંતરે મોટીફ મૂકવાથી પણ સરસ લાગે છે. તહેવારને લક્ષમાં રાખીને ઘેરા રંગનો ઉપયોગ કરવાનું ન ભૂલવું.
જો આ પ્રમાણેની કોઈ ઝંઝટમાં ન પડવું હોય, નોકરીના હિસાબે સમય ઓછો હોય તથા કયો રંગ પસંદ કરવો તેનો નિર્ણય ન લઈ શકતાં હો તો વોલ પેપર ઉત્તમ વિકલ્પ સાબિત થશે. જ્યારે તમે વૉલ પેપરની એક ડિઝાઈનથી કંટાળી જશો તો ખૂબ જ ઓછા ખર્ચે અને ઓછી મહેનતે નવા વૉલ-પેપર લગાડી શકાય છે. પરંતુ તે માટે પ્રોફેશનલની જરૂર પડે છે.
રંગ કે વૉલ પેપરની બદલે તમારે જાતે જ કંઈક નવું કરવું હોય તો નીચેની વાત ધ્યાનમાં રાખો.
જી પ્રકાશ : દિવાળીમાં ઘર સજાવતી વખતે ઘર પ્રકાશિત લાગવું જોઈએ, તે વાત ન ભૂલવી જોઈએ. એટલે દિવાઓ અત્યંત જરૂરી છે. આધુનીક જમાના પ્રમાણે રંગીન, સુગંધિત મીણબત્તીઓ પણ વાપરી શકાય છે. જો કે કોેડિયાના દિવાનું સ્થાન અને પ્રકાશ અન્ય કોઈ વસ્તુ ન લઈ શકે. એટલે ઘરની દીવાલની બહારની બાજુ પર દીવડાઓ પ્રગટાવીને મૂકો. તમને મનગમતી પ્રત્યેક જગ્યાએ દીપ મુકીને ઘરને પ્રકાશિત કરી શકાય છે. હા, ઘરમાં નાના બાળકો હોય તો જમીન પર દિવા મૂકવાને બદલે બારી ઉપર જ મૂકવાનો આગ્રહ રાખવો. કારણ કે સુશોભન સાથે સુરક્ષાનો વિચાર કરવો પણ જરૂરી છે.
આજકાલ બજારમાં જાતજાતના લાઈટના તોરણો મળે છે. આનાથી પણ તમે ઘરને સજાવી શકો છો. લેમ્પશેડ પર રંગીન કપડું ઢાંકી દેવાથી પણ રૂમની પ્રકાશ વ્યવસ્થા બદલાઈ જશે. બગીચામાં છોડ અને વૃક્ષો પર પણ લાઈટના તોરણ લટકાવીને સુશોભિત કરી શકાય છે. રૂમની દીવાલો પર તથા બારીઓની બારસાખ પર પણ આવા ઝગમગતાં તોરણ સારા લાગે છે. હા, પણ આ તોરણ સાથે માટીના કોડિયામાં દિવા મૂકવાનું ચૂકવું નહીં.
અન્ય એક ઉત્તમ વિકલ્પ પણ આપણી પાસે છે. એક મોટું પહોળું પિત્તળનું વાસણ લેવું. દક્ષિણ ભારતીય વાસણો વેચતી દુકાનમાંથી તે મળી રહેશે. અથવા તેના બદલે મોટો ટેરાકોટાનો પોટ લેવો. તેમાં પાણી ભરવું. લાલ-ગુલાબની છૂટી પાંદડીઓ નાંખવી અને તેમાં તરતી મીણબત્તી મૂકવી. તેને ઘરના મહત્ત્વના ખૂણે મૂકવું.
આ પાણી ભરેલા વાસણની બાજુમાં નાની ગણેશ પ્રતિમા મૂકીને સુગંધિત અગરબત્તી મૂકવી. કેટલાક લોકો આને બારી પર ટીંગાડે છે. પરંતુ બને ત્યાં સુધી આવા વાસણને જમીન પર જ રાખવું. ઘરના પ્રવેશદ્વાર પાસે માટીના કુંડામાં ઉગાડેલી તુલસીનો છોડ મૂકવો અને તેની આસપાસ પણ દીપ પ્રગટાવવા.
માટીના કોડિયા પણ વિવિધ રંગ, આકાર અને ડિઝાઈનના મળે છે. જો ઘરમાં માટીના કોડિયા પડયા હોય તો તેને નવું લુક આપવા ફેબ્રિક લગાડવું અથવા ઓઈલ પેન્ટથી રંગવા. તેને નાના બીડ્સ, કાચ તથા અન્ય સુશોભનની સામગ્રીથી સજાવવા. ઝગમગાટ કરતાં દીવડાં જ દીવાળીની ખાસિયત છે.
જીઅપહાલ્ટરી : ઘરને નવું લુક આપવા માટે અપહોલ્ટરી બદલાવી નાંખવી. એટલે કે, ગાદી-તકિયા, ટેબલ, ખુરશી ઈત્યાદી પર નવા ગલેફ ચડાવવાના દીવાળી રંગોનો તહેવાર ગણવામાં આવે છે. એટલે લાલ, પીળો, કેસરી, સોેનેરી વગેરે ઘેરો રંગોને યાદ રાખવા.
સોફા પર બ્રાઈટ કુશન મુકવા. જો કુશન આકર્ષકના ન હોય તો જુની સાડીની બોર્ડર લગાડવી અથવા તેમાં થોડો ગોલ્ડન રંગ કરવો અથવા સોનેરી ફૂલો લગાડવા. તે જ પ્રમાણે આ તકિયાના કવર પર બીડ્સ અને કાચ લગાડીને થોડું ભરતકામ પણ કરી શકાય છે. સોફા રંગીન દેખાવો જરૂરી છે.
તમારી જુની ભારે સાડી હોય જે અત્યારે આઉટ ઓફ ફેશન ગણાય અથવા એવો કોઈ દુપટ્ટો હોય તો તેને સોફા પર પાથરવો. જમીન પર ગાદલું પાથરીને એકદમ ટ્રેડીશનલ લુક પણ કરી શકાય છે. ગાદલા પર રંગીન ઓછાડ પાથરવો. તથા આજુબાજુ લાંબા ગોળ તકિયા અને વચ્ચે ચોરસ કુશન મૂકીને ગાદલાની શોભા વધારી શકાય છે.
તે જ પ્રમાણે પડદાં પણ બદલાવવા જરૂરી છે. પડદા બદલાવાથી પણ રૂમનો દેખાવ બદલાઈ જશે. જો પડદા ન બદલાવવાં હોય તો તેને જાડી સિલ્કની દોરી અથવા ટેસલ્ડવાળા દુપટ્ટાથી બાંધવા. પડદાને બદલે કાંજીવરમની સિલ્કની જુની સાડીનો ઉપયોગ કરી શકાય છે. જુની વાંસની ચટાઈને નવું રૂપ આપવા તેના પર રંગ વડે ડિઝાઈન કરવી. અને ખાસ બોર્ડર બનાવવી.
આનાથી પણ દેખાવ બદલાઈ જશે. દીવાલ પર કાચવાળા વૉલહેંગીગ લગાડો અથવા બ્રાઈટ સાડીને સરસ રીતે ગોઠવો કે જેથી દીવાલ પર આકર્ષક હેંગીગ મૂક્યું હોય તેવું લાગે છે. છત ઉપર રંગીન કપડું એવી રીતે લગાડવું જેથી ચંદરવો લગાડયો હોય એવું લાગે.
જીરંગોળી : એમ કહેવાય છે કે દરવાજા પર રંગોળી માત્ર મહેમાનોના સ્વાગત માટે નહિ પરંતુ લક્ષ્મીમાતાના સ્વાગત માટે કરવામાં આવે છે. અને દિવાળીમાં લક્ષ્મીપૂજા કરવામાં આવે છે. એટલે લક્ષ્મીજીના સ્વાગત માટે પણ રંગોળી કરવી જરૂરી છે. જો કે, આજકાલ લોકો વિવિધ રંગોથી રંગોળી પૂરવા બેસતા નથી. પરંતુ આવી રંગોળીની આસપાસ તાજા રંગીન ફૂલોની સજાવટ કરવામાં આવે તો અત્યંત આકર્ષક લાગે છે. રંગોેળીની બોર્ડરમાં કાચ મૂકવાથી પણ તે ઝગમગતી બની જશે. રંગોળીની વચ્ચે પિત્તળની દિવી મૂકીને તેમાં દીપ પ્રગટાવો. આનાથી સંપૂર્ણ પરિસર આકર્ષક બની જશે.
જો કે જેમની પાસે રંગોળી કરવાનો સમય ન હોય અથવા આવડતી ન હોય તેમના માટે તૈયાર રંગોળી સ્ટીકર મળે છે. તે જ પ્રમાણે રંગ દ્વારા કાયમી રંગોળી પણ કરી શકાય છે. તે ઉપરાંત રંગોળી કરવાના તૈયાર બીબા પણ બજારમાં મળે છે. આનાથી પણ ઝડપથી રંગોેળી કરી શકાય છે.
એવું જરૂરી નથી કે રંગોળી રંગથી જ પૂરી શકાય. વિવિધ કઠોળ, બી, મસાલા, ફૂલો, પાંદડા, બીડ્સ અને નાના દીવડાઓની સજાવટ કરીને પણ રંગોળી પૂરી શકાય છે.
જો તમે આમાંથી કંઈ ન કરી શકો તો ઘરના એક ખૂણે દીપ પ્રગટાવી, સુગંધિત ફૂલો મૂકીને, સુગંધિત અગરબત્તી પ્રગટાવો. આનાથી પણ વાતાવરણ પવિત્ર બની જશે.
જો તમને કંઈક નવું કરવાની ઈચ્છા હોય તો, ઘાસમાંથી નાની ઝૂંપડી જેવું બનાવો તો તેમાં ગણપતિ અને લક્ષ્મીજીની નાની મૂર્તિ મૂકો અને દીપ પ્રગટાવો. ઘરની રોનક બદલાઈ જશે. આમ, દીવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને તમે તમારી કલ્પના અનુસાર ઘરમાં જે કંઈ હોય તેનો ઉત્તમ ઉપયોગ કરીને ઘરને સુશોભિ કરી શકો છો.
- ઈશિતા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35SBOrm
ConversionConversion EmoticonEmoticon