રંગીન પથ્થર અને શિલ્પોથી ઘરની સજાવટ


ચાર દિવાલને સુંદર ઘર બનાવવાની કલામાં પ્રત્યેક ગૃહિણી પારંગત હોય છે. રાચરચીલાની ગોઠવણી દ્વારા ઘરને એક નવું રૂપ પ્રાપ્ત થાય છે. આજકાલ શિક્ષિત ગૃહિણીઓ દર થોડા સમયે ઘરને જુદી જુદી રીતે સજાવીને તેને આકર્ષક બનાવે છે. હવે તો આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ પ્રમાણે ઘરને સજાવવાની ફેશન ચાલે છે. થોડા સમય પહેલાં રંગીન કાચ અને અન્ય પ્રકારના શો-પીસથી ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવામાં આવતી હતી. પરંતુ આજકાલ રંગીન પથ્થર અને પથ્થરના શિલ્પોથી  ઘર સજાવવામાં  આવે છે.

આધુનિક બનાવટથી તૈયાર કરવામાં આવેલા ઘરમાં કુદરતની હાજરીનો અનુભવ કરવા વિવિધ રંગ, ફિનિશ અને સ્ટાઈલના પથ્થરનો ઉપયોગ ઈન્ટિરીયર ડિઝાઈનીંગમાં કરવામાં આવે છે. આવા પથ્થરના આકાર કે રંગમાં ફરક કર્યા વગર પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઘણી વખત ફ્લોરીંગ, પીલર્સ કે અન્ય રીતે ઉપયોગમાં લેવા પોલીશ પણ કરવામાં આવે છે.

પથ્થરમાં અનોખું કુદરતી તત્વ હોય છે. તેના કારણે તેની હાજરીથી શાંતિનો અનુભવ થાય છે. એમ ઘણા લોકોનું માનવું છે અને પુરાતત્ત્વવિદે પણ આ વાત સાથે સહમત થાય છે. ઈતિહાસમાં ડોકિયું કરતાં જાણવા મળે છે કે રાજા-મહારાજાઓના મહેલ તથા કિલ્લાઓ પથ્થરના બનેલા હતા.  તે સમયે સામાન્ય માણસોના ઘર પણ પથ્થરના બનેલા જ હતા. આજે પણ આપણે રાજસ્થાનના મહેલોની મુલાકાત લઈએ ત્યારે તેમાં પ્રવેશ્યા બાદ શાંતિનો અનુભવ કરીએ છીએ. પહેલાંની સરખામણીએ આધુનિક જમાનામાં તો પથ્થરના ઉપયોગમાં ઘણી નવી શોધ કરવામાં આવી છે.

જેમ કે, કોઈક જગ્યાએ દિવાલ તોડવી કે  બનાવવી શક્ય ન હોય ત્યારે પથ્થરનું પાર્ટીશન બનાવવામાં આવે છે. લાકડાને બદલે પથ્થરના બ્રેકેટ્સ તથા પથ્થરનું ફ્લોરીંગ સુંદર દેખાય છે. આજકાલ મોટા મોટા ઘરમાં પથ્થરની ઉર્લીમાં પાણી ભરીને તેમાં રંગીન ફૂલ અને પ્રગટતી મીણબત્તી મૂકવાની ફેશન છે. તે જ પ્રમાણે પથ્થરની ફૂલદાની, મ્યૂરલ અને લેમ્પથી પણ ઘરની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે. પથ્થરના સોફા,  બગીચાનું ફર્નીચર, સ્તંભ અને શિલ્પ ક્લાસીક અને સમકાલીનના ઉત્તમ ફ્યૂઝન તરીકે લોકપ્રિય થતા જાય છે.

પથ્થરની બનાવટોથી ઘરની શોેભા વધે છે પરંતુ તેનો ઉપયોગ મર્યાદિત છે. તે ઉપરાંત આ શોભા ડિઝાઈનરની સર્જનક્ષમતા તથા બજેટ પર પણ આધાર રાખે છે. પથ્થરની કિંમત વધારે નથી હોતી. પરંતુ  તેમાં કરવામાં આવતી કલાકૃતિ બહુમૂલ્ય હોય છે અને તેની મજૂરી વધારે હોય છે. ઘણી વ્યક્તિઓને કુદરતી રંગના જ પથ્થર ગમે છે.

તેઓ તેને કુદરતી આકાર અને રંગમાં જ ઘરમાં પ્રવેશદ્વાર પાસે કે ડ્રોઈંગરૂમમાં મૂકે છે જ્યારે ઘણા લોકોે તેને જુદા આકાર કે ડિઝાઈન આપે છે. અથવા અન્ય રંગીન પથ્થર સાથે તેને મિક્સ કરીને તેને નવી જ શોભા આપે છે. પથ્થરમાં કાચ જડવામાં આવે છે અથવા રફ જ રાખવામાં આવે છે. કોઈપણ બે પથ્થર એકસરખા ન હોવાથી પ્રત્યેક પથ્થરમાંથી નવી ડિઝાઈન બનાવવામાં આવે છે. આજકાલ પથ્થરની ગોકળગાય કે કાચબાને પ્રવેશદ્વાર પાસે છોડના કુંડાઓ સાથે મૂકવાની ફેશન છે.

આજે દેશ-વિદેશમાં પથ્થરથી ઈન્ટિરીયર ડેકોરેશન કરવાની ફેશન વધી રહી છે. વર્ષો પૂર્વે પથ્થરની ગણેશ કે શંકરની મૂર્તિઓ જ રાખવાની ફેશન હતી. પરંતુ હવે તો ગાર્ડન સ્કલ્પચર બારીક કોતરણી કરેલી પથ્થરની માછલી, વિવિધ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓ તથા પથ્થરની વિવિધ આકારની પાણી ભરવાની મોટી ઉર્લીઓ પણ બનાવવામાં આવે છે.

પથ્થરના સુશોભનમાં ગ્રેનાઈટનો સૌથી  વધુ ઉપયોગ કરવામાં આવે છે. ઘર-ઑફિસ, હોટલ કે રિસોર્ટના આંગણા તથા બાથરૂમમાં ગ્રેનાઈટનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે.  ઘણીવખત તો ધાતુની ચમકને ઓછી કરવા માટે ધાતુની પેનલની વચ્ચે પથ્થરને મૂકવામાં આવે છે.

ગ્રેનાઈટ પથ્થરને વિવિધ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય છે. કોઈક જગ્યાની વધુ પડતી ચમકને ઓછી કરવા અથવા તે સ્થળની ચમક સામે કોન્ટ્રાસ્ટ લુક માટે ગ્રેનાઈટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે. ભારે અવરજવરવાળી જગ્યાએ ગ્રેનાઈટનું ફ્લોરીંગ ટકાઉ સાબિત થાય છે. બારીબારણાની ઉપર દીવાલમાં મૂકવામાં આવતા પથ્થર તરીકે ગ્રેનાઈટની જ પસંદગી કરવામાં આવે છે. તે ઉપરાંત લાકડાના દરવાજાને ગ્રેનાઈટની ફ્રેમ લગાડવાથી પણ દેખાવ બદલાઈ જાય છે.

ઘણી વ્યક્તિઓ પ્રવેશદ્વારના પગથિયે ગ્રેનાઈટ પથ્થર જ વાપરવાનો આગ્રહ રાખે છે. અને  થાંભલીઓની હાર તથા દાદરના કઠેડામાં ગ્રેનાઈટનો જ ઉપયોગ કરવામાં  આવે છે. બગીચાની શોભા વધારવામાં તથા લતામંડપના સુશોેભન માટે રફ ગ્રેનાઈટનો ઉપયોગ થાય છે. લતામંડપની શોેભા માટે ગ્રેનાઈટ પર બારીક કોતરણી કરવામાં  આવે છે. બગીચામાં ટેબલ અને ખુરશી બનાવવામાં પણ ગ્રેનાઈટનો વપરાશ થાય છે. સરોવર કે તળાવમાં ખાડા પડી જતાં રોકવા માટે પણ નીચે ગ્રેનાઈટ પથ્થર મૂકવામાં આવે છે.

ભારતમાં ઘણા રંગીન અને અસામાન્ય પથ્થર મળે છે. તેમાંય રાજસ્થાનમાં જેસલમેર, જોધપૂર, રાજસમન્દ વગેરે અનેક જગ્યાએ રંગીન અને ડિઝાઈનવાળા ગ્રેનાઈટ મળે છે. તથા આરસપહાણ પણ મળે છે. મધ્યપ્રદેશમાં ડોલસી નામનો ચૂનાનો પથ્થર પિસ્તા, સ્ટ્રોબેરી, ગ્રે અને જાંબુડી જેવા રંગમાં મળે છે. મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ, અને  કર્ણાટકમાં મળતા કાળા કડપ્પાના પથ્થરો પણ ખૂબ જ મશહૂર છે.  

થોડી સુઝ અને કલાત્મક દ્દષ્ટિકોણ અપનાવવાથી પથ્થર દ્વારા ઘરને સુંદરતાની સાથે કુદરતી શાંતિ પણ મળશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Glavgv
Previous
Next Post »