આ દિવાળીએ ઘર- ઓફિસને આપો કુદરતી કે અલંકારિક લુક


હિન્દુઓના મહાપર્વ દિવાળીના આગમનને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે અને આ ઉત્સવમાં ઘરના રાચરચીલા, રંગરોગાન, લાઈટિંગ કે અન્ય કોઈ ઈન્ટરિયરમાં કોઈક નાવીન્ય લાવવામાં આવે એવું બને ખરું? એક સમય એવો હતો જ્યારે લોકો દર દિવાળીને ઘરની દિવાલો પર ચૂનો ધોળતા, પરંપરાગત આર્ટ વર્કમાં કાંઈક નવું ઉમેરતા. પણ હવે આર્ટ વર્ક તેમજ ઘરની સજાવટમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. આધુનિક વસ્તુઓથી ગૃહ સજાવટને નવો ઓપ આપવામાં આવે છે. મોટા મોટા શહેરોના નાના નાના ઘરો અને ઓફિસોમાં થોડામાં ઝાઝું સમાઈ જાય એવી રીતે ઈન્ટિરિયર ડિઝાઈનિંગ કરવામાં આવે છે.

ઈન્ટિરિયર ડિઝાઈનરો કહે છે કે કોઈપણ ઘર અથવા ઓફિસને મોકળાશવાળી દર્શાવવા વર્તમાન રાચરચીલાને વ્યવસ્થિત કરવું જરૂરી બની જાય છે અને તેનો સૌથી સરળ માર્ગ છે. મલ્ટીપરપઝ ફર્નિચર. બહુઆયામી રાચરચીલું ઘરને વ્યવસ્થિત, જોતાવેંત ગમી જાય એવું દર્શાવે છે. મલ્ટીપરપઝ ફર્નિચરમાં ચાર્જિંગ પોઈન્ટ્સ, હિડન સ્ટોરેજ (દેખાય નહીં એવા ખાના ઈત્યાદિ) અને અડેપ્ટેબલ પાર્ટસ ઈત્યાદિનો સ્માર્ટ સમાવેશ કરવામાં આવે છે તેમ ન ફલોટિંગ સ્ટોરેજને પણ ખૂબીપૂર્વક નાના નાના ભાગમાં વહેંચી નાખવામાં આવે છે.

તેઓ વધુમાં કહે છે કે તમારા ઘર કે ઓફિસના વર્તમાન ઈન્ટિરિયરમાં ફેરફાર કરીને તેને બે ભાગમાં વહેંચી નાખી શકાય. જેથી મહેમાનો- મુલાકાતીઓને એક હિસ્સામાં મળી શકાય અને બીજો ભાગ તમારા અંગ કામ માટે બાકી રહે. આ વ્યવસ્થાથી તમારા કામની ગોપનીયતા પણ  જળવાઈ રહે. અલબત્ત, આ વ્યવસ્થા ગોઠવતી વખતે હવાઉજાસ ન રુંધાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

ગૃહ- ઓફિસ સજાવટમાં પ્રાકૃતિક તેમજ હાથેથી બનાવેલી વસ્તુઓ ખૂબ જચે છે. પ્રકૃતિથી પ્રેરિત રાચરચીલું અથવા આર્ટપીસ, ઈનડોર પ્લાન્ટ, કાષ્ટ- વેજિટેબલ ફાઈબર- જૂથ- પત્થર- ટેરાકોટા જેવી કુદરતી વસ્તુઓમાંથી બનાવેલી વસ્તુઓ આપણને પ્રકૃતિ સાથે જોડાયેલા હોવાની અનુભૂતિ કરાવે છે.

ઘર કે ઓફિસના ખૂણાઓમાં પુરાણા સિરામિક્સ કે કાચના જારમાં ઉગાડેલા નાના નાના છોડ અત્યંત આકર્ષક લાગવા સાથે આંખોને ટાઢક આપે છે અને વાતાવરણને શુધ્ધ બનાવે છે. સેંટર ટેબલ, કોફી ટેબલ પર ફૂલદાનીમાં તાજાં ફૂલોની સજાવટ પણ આહલાદક લાગે છે. ખાસ કરીને કુદરતી કે અલંકારિક લુક તહેવારના સમયમાં મહેમાનો અને મુલાકાતીઓની આવવાની શક્યતા વધારે  હોય ત્યારે તેમને આવા મનમોહક વાતાવરણમાં આવકારવાનું કેવું મઝાનું બની રહે.

ઘર- ઓફિસને શાનદાર લુક આપવા વિવિધ રંગો અને ટેક્સચરનો ઉપયોગ બખૂબી કરી શકાય. ઘેરા અને હળવા, એમ બંને પ્રકારના રંગોથી રંગેલી દિવાલો- છત- ફર્નિચરનું સંયોજન આકર્ષક દેખાશે. જ્યારે કલાસિક બ્લુ અને પ્રાકૃતિક રંગોનું સંયોજન ભવ્ય લુક આપશે. ગ્લેમરસ લુક માટે ગુલાબી અને ગ્રીન જેવા પેસ્ટલ શેડ અચ્છા વિકલ્પ ગણાશે.

ઘેરા રંગની દિવાલ પર લગાવેલું હળવા રંગનું આર્ટ પીસ કે પ્રાકૃતિક ચિત્રોથી શોભતી ફોટોફ્રેમ, લિનન અને સિલ્કના સંયુક્ત ફેબ્રિકમાંથી બનાવેલા કલરફુલ પડદા, સોફા સુંદર રીતે ગોઠવવામાં આવેલા વિવિધરંગી કુશન, ઓર્ગેનિક લાઈટિંગ, આકર્ષક સ્ટેન્ડ પર પ્રગટાવેલી ખૂશ્બોદાર મીણબત્તીઓ, દરવાજે ઝૂલતા રંગબેરંગી સ્ટોન જડેલા ગોલ્ડન લટકણીયા જેવી સજાવટ તો તમારા ઘરને અલંકારિક જ બનાવી દેશે.

- વૈશાલી ઠક્કર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HYPER1
Previous
Next Post »