ટી-શર્ટના વરણાગી રૂપ


આપણે ટી-શર્ટને સાદુ, સરળ, સમરવેર એટલે કે ઉનાળામાં પહેરવાનો પોશાક સમજીએ છીએ. પણ હાલમાં તે અત્યંત ગ્લેમરસ રીતે ફેશનપરસ્તોમાં પ્રિય થઈ રહ્યું છે અને ફોર્મલવેર તરીકે પસંદ કરવામાં આવે છે. હવે ટી-શર્ટ પર થોડું વર્ક કરવામાં આવે છે, તેને ડિજિટલી પ્રિન્ટ કરવામાં આવે છે તથા સ્ટોન્સ અને ક્રિસ્ટલ લગાડી તેને વધુ આકર્ષક બનાવવામાં આવે છે. કોલેજીયનોમાં ફની મેસેજ ધરાવતાં પોલોનેક ટી-શર્ટની બોલબાલા જોવા મળે છે. સાદાથી લઈને અનોખી ડિઝાઈન ધરાવતાં ટી-શર્ટ રૂા. ૧૨૫થી ૧૦ હજાર સુધીની કિંમતના મળે છે.

ટી-શર્ટ એક એવો પોશાક છે જેને સ્ત્રી-પુરુષનો ભેદ નડતો નથી. વળી ટી-શર્ટ સ્કર્ટ, ટ્રાઉઝર્સ, ફોર્મલ પેન્ટ અને જિન્સ એમ બધા પર શોભે છે. તેને ફોર્મલ જેકેટની નીચે પહેરી શકાય અને સાડી નીચે બ્લાઉઝ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય.

એક સમયે પ્લેન ટી-શર્ટ અથવા ડાબા ખભા નીચે એકાદ નાનકડું મોટીફ ધરાવતાં ટી-શર્ટની ફેશન હતી. પરંતુ આજે ક્રિસ્ટલ લગાડેલા કે ભારે એમ્બ્રોઈડરી કરેલા ટી-શર્ટની માગ વધી રહી છે. થોડા સમય પહેલાં એક અગ્રણી ફેશન ડિઝાઈનરે આવા ટી-શર્ટ બનાવ્યા હતા. આજે અનેક ડિઝાઈનરો અને રેડીમેડ વસ્ત્રોના ઉત્પાદકો ક્રિસ્ટલ લગાડેલા કે એમ્બ્રોઈડરી કરેલા ટી-શર્ટનું ઉત્પાદન કરી રહ્યા છે.

તાજેતરમાં મનીષ અરોડાએ સ્વરોસ્કી અને ટી-શર્ટનો સમન્વય કર્યો હતો. કાળા રંગના ટી-શર્ટમાં લક્ષ્મી માતા, ગણપતિ, નંદી જેવા ભારતીય દેવી-દેવતાના ચિત્રોમાં સ્વરોસ્કી જડવામાં આવ્યા હતા. ભારતીય પોપ સંસ્કૃતિમાં હિંદુ દેવતાઓના ચિત્રોનંુ ખાસ આકર્ષણ જોવા મળે છે. આથી મનીષે તેમને ડિઝાઈન તરીકે પસંદ કરી તેમાં સ્વરોસ્કી લગાડયા જેથી તે રાતની પાર્ટીમાં પહેરી શકાય.

ક્રિસ્ટલ ઉપરાંત મેટલની ચેન અને ઝીપ લગાડીને પણ ટી-શર્ટની ડિઝાઈનને આગવી બનાવવામાં આવે છે. માનુનીઓ માટેના ટી-શર્ટમાં મેટલ ચેન લગાડવામાં આવે છે જ્યારે યુવકોના ટી-શર્ટ પર ઝીપ લગાડવામાં આવે છે. મેટલ ચેન અને ઝીપ લગાડેલા ટી-શર્ટ રૂા. ૧૫૦૦થી ત્રણ હજાર સુધીમાં મળે છે.

કેટલાક ડિઝોઈનરોએ ભારતીયોની પસંદને ધ્યાનમાં રાખી બાંધણી પ્રિન્ટના મેઘયા સ્લીવના ટીશર્ટ તથા ડિજીટલ પ્રિન્ટના પફ સ્લીવના લાયક્રા ટી-શર્ટ બનાવ્યા છે. વળી આજકાલ પ્રવર્તતી ડ્રેપની સ્ટાઈલથી ટી-શર્ટ પણ મુક્ત રહ્યા નથી. અત્યારે ડ્રેપ્ડ ટી-શર્ટની હૉટ ફેશન જોવા મળે છે. મહિલાઓ માટે તૈયાર કરવામાં આવેલા ડ્રેપ્ડ ટી-શર્ટની બન્ને બાજુ કાઉલ હોય છે અને તેને કારણે ટી-શર્ટનો દેખાવ વધુ સુંદર બને છે. લાયક્રા, કોટન-સિલ્ક અને સિલ્ક-જર્સીમાં મળતાં ડ્રેપ્ડ ટી-શર્ટમાં સિકવન્સનું એમ્બેલીશમેન્ટ પણ હોય છે. યુવતીઓ માટે લાઈમગ્રીન, કોરલ અને ફ્યુશીયા અને યુવકો માટે ગળા અને બાંય પર ઘેરા રંગની પાઈપીંગ લગાડેલા સફેદ રંગના લુઝ-ફિટીંગના આ ટી-શર્ટ મનમોહક દેખાય છે.

હવે તો ડિઝાઈનરો ટી-શર્ટ પર હિન્દી-ફિલ્મના ચોટદાર સંવાદને પણ લખે છે. 'મુઝે ભગવાન કે લિયે', 'રોક ઓન', 'ડિસ્કો ડાન્સર', 'મેરે પાસ મા હૈ' જેવું લખાણ ધરાવતાં ટી-શર્ટ રૂા. ૩૦૦થી ૬૦૦ની રેન્જમાં મળે છે. આ પ્રકારના વનલાઈનર્સથી ફેશનેબલ ક્રાઉડને આકર્ષવાનો હેતુ યુવાપેઢી ધરાવતી હોય છે. ઘણા ડિઝાઈનર આવા લખાણને નોન-ટોકસીક રંગ દ્વારા હાથેથી પેન્ટ કરાવડાવે છે. બોલીવૂડના પોસ્ટરો તૈયાર કરનારા આવું લખાણ સરસ રીતે લખી આપે છે. અને ટી-શર્ટને વધુ ફંકી બનાવવા સાથે પર્યાવરણ સંબંધિત સંદેશ આપવા 'મેરે પાસ ધરતી મા હૈ', 'કાગઝ કે ફુલ', 'દો અન્જાને' જેવા લખાણ લખવામાં આવે છે. પોલોનેક અને હાફ સ્લીવના ઓકર, ચીલીગ્રીન, યલો, બ્લુ કે પર્પલ જેવા ઘેરા રંગના ટી-શર્ટની ફેશન પણ વધતી જાય છે. આ ઉપરાંત ટી-શર્ટ પર ગ્રાફિટી આર્ટ પણ જોવા મળે છે. એટલે જો તમારે ભીડમાં અલગ દેખાવું હોય તો જુદી જુદી સ્ટાઈલના ટી-શર્ટ મદદરૂપ સાબિત થશે.

-કેતકી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mPb95o
Previous
Next Post »