'૨૦૦૫માં અમે અરૂણાચલના જંગલોમાં સજીવોનો અભ્યાસ કરી રહ્યા હતા. વન્યજીવોના અભ્યાસ માટે સર્વોત્તમ ગણાતા સવારના પાંચ વાગ્યામાં ઉઠીને અમે નીકળી પડયા હતા. રસ્તામાં એક ઝરણું આવ્યું. અમારી ટીમ વહેતા પાણીને ધીમે ધીમે ક્રોસ કરી રહ્યી હતી. વરસાદ પણ ચાલુ હતો. ગાઢ જંગલમાં હજુ તો પૂરતો સૂર્યપ્રકાશ પહોંચ્યો ન હતો. અરૂણાચલના જંગલમાં આવા વાતાવરણની કોઈ નવાઈ ન હતી.
એ વખતે મારું ધ્યાન અચાનક ઝરણાના કાંઠે થઈ રહેલા સળવળાટ પર પડયું. મેં એ તરફ જોયું. પાણીના કાંઠે ભીની જમીન પર પાંદડા વચ્ચે સળવળી રહેલા સાપને મેં પકડી લીધો. થોડે દૂર સપાટ-સરખી જમીન પર મુકી તેનો ફોટો પાડી લીધો. ત્યારે મારી પાસે ડિજિટલ કેમેરા હતો નહીં એટલે સંખ્યાબંધ ફોટા પાડવાને બદલે રોલવાળા કેમેરામાં એક જ ફોટો લીધો. પછી સાપ એના રસ્તે ગયો.. અમે અમારા રસ્તે પડયા...'
આ બયાન ડૉ.અભિજિત દાસનું છે. અભિજિત દાસ દહેરાદુનમાં આવેલી ભારતની અગ્રણી વન્યજીવ સંશોધન સંસ્થા 'વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટ ઑફ ઈન્ડિયા (ડબલ્યુઆઈઆઈ)' સાથે સંકળાયેલા હર્પેટોલોજિસ્ટ (સર્પવિદ્વાન) છે. વન્યજીવ સંશોધકો જંગલમાં ફરતા હોય ત્યારે કોઈ અજાણ્યુ સજીવ નજરે પડે તો એનો ફોટો પાડયા વગર રહે નહીં. અભિજિતે પણ એમ જ કર્યું. એ વખતે તેમને ખબર ન હતી કે જાણે-અજાણે તેમણે અનોખી સર્પ પ્રજાતિની ખોજ કરી હતી અને વન્યજીવ સંશોધનનું નવું પ્રકરણ પણ આરંભી દીધું હતું.
પૃથ્વી પરથી વિવિધ સજીવો મોટી સંખ્યામાં નષ્ટ થઈ રહ્યાં છે, તો સામે પક્ષે નાની સંખ્યામાં નવાં નવાં પ્રાણી-પક્ષી-સરિસૃપો પણ મળતાં જ રહે છે. દુનિયાભરના પ્રકૃત્તિ અભ્યાસકારો વિવિધ જંગલ, રણ, જળાશયો, પર્વતો ખુંદતા રહી નવાં નવાં સજીવોની નોંધ કરતા રહે છે. કેમ કે નવાં સજીવોનો અભ્યાસ થાય ત્યારે જ આપણે જેના પર રહીએ છીએ એ ધરતી વિશેની આપણી જાણકારીમાં થોડો વધારો થાય.
અભિજિત દાસ અને તેમના સાથીદારો એ જ કામગીરી કરી રહ્યાં હતા.
પણ આ સાપની શોધનો કિસ્સો જરા અનોખો છે. કેમ કે સાપ મળ્યો છતાં નથી મળ્યો!
પહેલી વાર (અને છેલ્લી વાર) ૨૦૦૫માં જ્યારે આ સાપને જોયો ત્યારે અભિજિત વિદ્યાર્થી હતા. સાપના અભ્યાસ માટે જંગલમાં રખડપટ્ટી કરવા પાસેે તેમની પાસે પુરતું ફંડ ન હતું. પણ ત્યારે વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટની એક ટીમ અરૂણાચલના જંગલોમાં વાનરોના અભ્યાસ માટે જઈ રહી હતી. વિદ્યાર્થી અભિજિત તેની સાથે જ જોડાઈ ગયા. વાનરોના અભ્યાસ માટે તેઓ વહેલી સવારે રવાના થઈને જંગલ ખુંદી રહ્યા હતા. એ દરમિયાન વાનર જોવા મળે એ પહેલા તેમના ધ્યાને આ સાપ આવ્યો. દૂરથી દેખાવે 'કોમન ક્રેટ' જેવો લાગતો હતો. પણ તેનો કલર ભારે આકર્ષક હતો. વળી મેઘાલય-મિઝોરમમાં આવો દેખાવ ધરાવતા સાપ જોવા મળે જ છે. એવો જ કોઈ સાપ હશે એવી ત્યારે એમણે ધારણા બાંધી હતી.
૨૦૦૫ના એ પ્રવાસેથી પરત આવ્યા પછી આ સાપ ક્યા પ્રકારનો તેની શોધખોળ આદરી. સજીવને ઓળખવામાં વળી મહેનત શું કરવાની! એ તો જોઈને જ ઓળખાઈ જાય ને...! એવો વિચાર આવે તો તેને જરા બ્રેક મારવી પડે. કેમ કે ભારતમાં વ્યાપક જોવા મળતા દીપડા અને ભારતમાં ક્યાંય ન જોવા મળતા ચિત્તા વચ્ચેય લોકો ભેદ પાડી શકતા નથી. તો પછી જંગલમાં જોવા મળતાં અજાણ્યા સજીવોને તેના વૈજ્ઞાાનિક બાયોટેડા વગર ઓળખી શકાય એ વાતમાં કોઈ માલ નથી. ધારો કે કોઈ અજાણ્યા લાગતા સજીવને વન્યજીવના નિષ્ણાતો ઓળખી કાઢે તો પણ શંકા દૂર કરવા ખાતરી કરવાનું પસંદ કરે છે.
અભિજિતને જોવા મળેલો સાપ કોમન ક્રેટ તરીકે ઓળખાતા સાપ જેવો હતો, પણ એ ન હતો. કાળું ભમ્મર ચમકદાર શરીર અને માથે ત્રિકોણાકાર પીળા પટ્ટા તેને અલગ પાડી દેતા હતા. વળી કદ માંડ બે-સવા બે ફીટનું જ હતું. એટલે પહેલી નજરે તો સાપનું બચ્ચું જ લાગે. કોઈ સજીવની અગાઉ શોધ થઈ હોય તો ક્યાંક તેની નોંધ થઈ હોય. શક્ય હોય તો તેના શરીરના અંગો (સ્પેસિમેન) પણ રાખવામાં આવ્યા હોય.
અભિજિત સાથે આ સંશોધન કાર્યમાં પછી તો સર્પવિજ્ઞાાનીઓ દીપક વીરપ્પન, એડવર્ડ વાડ, ડેવિડ ગ્રોવર અને અશોક કેપ્ટન પણ જોડાયા. બધાએ પોતપોતાની રીતેે તપાસ આદરી. એમાં લંડનના 'નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ', અરૂણાચલના સ્થાનિક સંગ્રહાલય અને 'ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા' પાસેથી આ સાપના સચવાયેલા અંગો (સ્પેસિમેન) મળ્યાં. સ્પેસિમેન મળ્યા એટલે એ સાપ અગાઉ ક્યારે જોવા મળ્યો હતો, કોણે શોધી કાઢ્યો હતો, તેની શારીરિક રચના, કૂળ-મૂળ, રહેણાંક વિસ્તાર વગેરે પણ મળી આવે. સ્પેસિમેન પ્રમાણે સાપ વિવિધ સંશોધકોએ ૧૯૩૫થી ૧૯૯૫ વચ્ચે જોયો હતો.
સૌથી પહેલા જોકે સાપ ૧૮૯૧માં જોવા મળ્યો હતો. બ્રિટિશ જીવશાસ્ત્રી વિલિયમ સ્કેલ્ટર ત્યારે કલકતાના 'ઈન્ડિયન મ્યુઝિયમ'ના ડિરેક્ટર હતા. સાપ કરતાં પણ વધુ તો એ પક્ષીની શોધ-ખોળ માટે જાણીતા હતા. તો પણ ૧૮૯૧માં તેમણે સર્પની ચાર પ્રજાતિ શોધી કાઢી હતી, જેમાંનો એક અરૂણાચલ રેઈન સ્નેક પણ હતો.
સાપ અગાઉ જોવા મળ્યો હોય તો પછી તેની નવેસરથી શોધ કરવાનો સવાલ જ ક્યાં રહ્યો! સવાલ શોધનો નહીં, સવાલ ઓળખનો હતો! વાત જાણે એમ હતી કે આ સાપને અગાઉ બીજું નામ આપી દેવાયું હતું અનેે ઓળખમાં ભેળસેળ થઈ ગઈ હતી. હવે નવી ઓળખ આપવી પડે અને એ માટે ફરી જોવો જોઈએ. ઓળખ ત્યારે જ થઈ શકે જ્યારે સાપને પકડીને તેનું કદ-માપ બરાબર માપી, તેના અંગોનો અભ્યાસ કરી, કલર વગેરેની નોંધ તૈયાર થાય. સૌથી મહત્ત્વનું કામ તો તેના ડીએનએના અભ્યાસનું કરવું પડે. જેનાથી ખબર પડે કે આ સાપ ધરતી પર કેટલા હજાર કે લાખ વર્ષથી વિચરે છે.
૨૦૦૫માં અભિજિતને જોવા મળ્યો. એ પછી આજ સુધી ફરીથી એ નાગરાજે દર્શન દીધા નથી. સવાલ એ થાય કે અગાઉ આ સાપ જોવા મળ્યો, તેના અંગોને સાચવીને રખાયા. તો ત્યારેે વૈજ્ઞાાનિક અભ્યાસ નહીં થયો હોય? થયો હતો, પણ આજના જેટલો નહીં. જે-તે સમયે આ સાપના સ્પેસિમેન લેવાયા હશે ત્યારે તેનો ડીએનએ અભ્યાસ થયો ન હતો, કેમ કે ડીએનએ અભ્યાસ હવે પ્રચલિત બન્યો છે. સ્પેસિમેનને રાસાયણીક પ્રવાહીમાં રાખ્યા હોવાથી તેને નુકસાન થઈ ચૂક્યુ છે એટલે તેના આધારે તો સાપનું કૂળ-મૂળ શોધી શકાય એમ જ નથી. પ્રવાહીમાં રાખ્યા પછી તેનો અસલ કલર પણ જતો રહે. સાપ જંગલમાં જોવા મળે અને તેના કુદરતી આવાસમાં જ તેનો અભ્યાસ થાય એ એકમાત્ર ઉપાય છે. અભિજિત અને તેમના સાથીદારો દોઢ દાયકાથી એ પ્રયાસ કરે છે.
અભિજિત કહે છે કે અમે જ્યાં સાપને જોયો હતો એ વિસ્તારમાં ચાર વખત જઈ આવ્યા છીએ. આ પ્રકારનો સાપ સામાન્ય રીતે સોએક ચોરસ કિલોમીટરમાં ફરતો હોય છે. અમે એ જંગલનો એટલો વિસ્તાર ખુંદી વળ્યા છીએ. પણ બીજી વાર જોવામાં આવ્યો નથી. આ વર્ષે વધુ એક શોધઅભિયાન માટે અરૂણાચલ પ્રદેશમાં આવેલા નામદાફા જંગલ વિસ્તારને ખુંદવાનો હતો. પણ કોરોનાને કારણે એ સફર હવે આગામી વર્ષે શક્ય બનશે. શક્ય છે કે ત્યારે આ સાપ તો મળે સાથે નવો કોઈ સાપ કે દેડકા કે અન્ય સજીવો પણ મળી આવે. કેમ કે ઉત્તર-પૂર્વના ગાઢ જંગલોમાંથી દર વર્ષેે નીત-નવાં સજીવો મળતાં જ રહે છે. એક તરફ અનેક પ્રકારના સજીવો ખતમ થઈ રહ્યાં છે, ત્યારે નવાં સજીવોની ઓળખાય થાય એ પ્રકૃત્તિ માટે આશાવાદ પણ ખરો.
સામાન્ય વ્યક્તિને સાપ મળે નહીં એ તો સમજ્યા, પણ વિદ્વાનોના ધ્યાનમાં કેમ નહીં આવતો હોય? અભિજિત કહે છે કેે 'આ સાપને જોનારો હું એકલો સાક્ષી છું (અગાઉ જોયો હોય એ કોઈ હયાત નથી, સ્થાનિક લોકોએ કદાચ જોયો હોય તો પણ તેનો પ્રાણીશાસ્ત્રની દૃષ્ટિએ અભ્યાસ ન થયો હોય). પંદર વર્ષ પહેલા જ્યારે જોયો ત્યારે મને તો એ પણ ખબર ન હતી કે ઝેરી છે કેે બિનઝેરી. એટલે મેં તો પકડી લીધો હતો. હવે એટલી ખબર પડી કે એ બિનઝેરી છે.
પણ ચાર વખત જંગલમાં દિવસો સુધી ખાંખાખોળાં કર્યાં પછીય નથી મળતો તેની પાછળ વિવિધ કારણ હોઈ શકે. જેમ કે એ સાપ ક્યારે બહાર નીકળે તેે ખબર નથી, એ સાપ પાણીના કાંઠે જ રહે કે દૂર રહે તેની ખબર નથી, એ સાપ વરસાદ ચાલુ હોય ત્યારે જોવા મળે કે સુક્કા વાતાવરણમાં એ કશી જ ખબર નથી'. એટલે દર વખતે અંધારામાં તીર ચલાવવાનું રહે છે. જોકે તેમણેે તીર ચલાવવાનું બંધ નથી કર્યું, કરવાના પણ નથી.
એટલું તો સૌ કોઈ સમજે કે ધરતી પર જેટલું મનુષ્યનું મહત્ત્વ એટલું જ અન્ય સજીવોનું છે. એટલે સંશોધકો સાપ હોય કે સાવ સુક્ષ્મ કીડા તેના સંશોધન પાછળ વર્ષો ખર્ચી નાખે છે. વળી કોરોનાએ આખા જગતને સમજાવી દીધું છે કે માથાના વાળ કરતાં હજારોગણો નાનો વાઈરસ આખા જગતને ભારે પડી શકે છે. અને એટલા માટે ભારે પડે છે કે આપણે તેને પૂરેપૂરો ઓળખતા નથી. પૂરેપૂરો ઓળખતા હોત તો ક્યાકની રસી-દવા શોધાઈ હોત. એટલે જ કોઈ પણ નવાં સજીવો ધ્યાને ચડે ત્યારે તેનો પુરો બાયોડેટા તૈયાર કરવો અનિવાર્ય છે.
આ વિસ્તારમાં ઉપરવાસમાં કદાવર ડેમ બનાવવાનું સરકારનું આયોજન છે. સ્થાનિક આદિવાસીઓ સહિત સૌ કોઈ ડેમનો વિરોધ કરે છે. તો પણ સરકાર મક્કમ હશે તો બનાવશે જ. ડેમ બનશે એટલે હેઠવાસમાં વહેતા ઝરણા સુકાઈ જશે. એ વખતે પાણી પર આધારિત રહેતા અનેક સજીવો પૈકી થોડા સ્થળાંતરિત થશે, બાકીના નષ્ટ થશે.
ડેમ પાણી માટે બનશે, પણ ત્યાર પછી અનેક સંશોધકોએ વર્ષોવરસ સુધી જંગલો ખુંદીને અહીંથી શોધી કાઢેલા અનેક સજીવો અને વિજ્ઞાાનીઓની મહેનત બધું જ કદાચ પાણીમાં જશે!
સજીવોની વૈજ્ઞાાનિક ઓળખ જરૂરી છે કેમ કે?
સાપ હોય કે અન્ય કોઈ પણ સજીવ હોય તેની વૈજ્ઞાાનિક ઓળખ જરૂરી છે. સામાન્ય માણસોને બોલતા ન ફાવે એવા લાંબા અને વિચિત્ર નામો પણ સજીવોને આપવામાં આવે છે.
કારણ?
કારણ કે એક જ પ્રકારના સાપ (કે અન્ય સજીવ) પ્રદેશ-ભાષા પ્રમાણે અલગ અલગ નામે ઓળખાતા હોય છે. એક જ પૂર્વ ભારતમાં અલ નામે અને પશ્ચિમ ભારતમાં બીજા નામે ઓળખાતો હોય. એવુ બધા સજીવો સાથે બનતું હોય છે. એ સંજોગોમાં તેને વૈજ્ઞાાનિક નામ આપી દેવામાં આવે જે આખા જગતમાં એક જ સરખું રહે.
વન્યજીવ સંરક્ષણમાં બિગર ઈઝ બેટર!
વન્યજીવ સંરક્ષણની બાબતમાં બીજો એક પ્રશ્ન સજીવો સાથે થતાં ભેદભાવનો છે. વન્યજીવ સંરક્ષણની વાત આવે ત્યારે મોટા ભાગના લોકો કદાવર સજીવો (સિંહ-હાથી-ઘૂડખર-પક્ષી)ને જ ધ્યાનમાં રાખે છે. એ સજીવોની સુરક્ષા બેશક મહત્ત્વની છે. પણ સંરક્ષણ પાછળનો ખર્ચ અને અને મહેનત મોટેે ભાગે એ મોટા સજીવો પાછળ ખર્ચાઈ જાય. સાપ કે દેડકા કે એવા નાના સજીવો પાછળ ખાસ ધ્યાન અપાતું નથી. ક્યારેય સાંભળવા મળે કેે સાપ-દેડકાનું અભયારણ્ય બન્યું! બાકી તો વધુ સંરક્ષણની જરૂર એમને છે. અંગ્રેજી કહેવત બિગર ઈઝ બેટર (મોટું એટલું શ્રેષ્ઠ) વન્યજીવ સંરક્ષણમાં ખાસ (પણ ખોટી રીતે) લાગુ પડેે છે.
વર્ષો પછી ગુજરાતમાંથી મળેલો નવો સાપ
ગુજરાત પાસે અરૂણાચલ કે વેસ્ટર્ન ઘાટ જેવા ગાઢ જંગલ નથી. એટલે ડગલે પગલે નવી પ્રજાતીના સજીવો અહીંથી મળતા પણ નથી. પરંતુ ૨૦૧૬માં ગુજરાતમાંથી નવા પ્રકારનો સાપ મળ્યો હતો. એ સાપને બાદમાં સંશોધકોએ 'ગુજરાતએન્સિસ' નામ આપ્યું હતું અને સાપને વૈજ્ઞાાનિક રીતેે અલગ પાડતા વર્ગ (કૂળ)ને મહાન બ્રિટિશ પ્રકૃતિશાસ્ત્રી (ડાર્વિનના મિત્ર) આલ્ફ્રેડ રસેલ વાલેસ પરથી 'વાલેસોફિસ' નામ અપાયું છે. સોનેરી, કાળો, પીળો કલર ધરાવતા આ સાપની હાજરી ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર, અમરેલી.. એમ વિવિધ વિસ્તારોમાં ડઝનેક સ્થળે જોવા મળી હતી. ગુજરાત જેવા સુક્કા પ્રદેશમાં આ સાપ મળ્યો એ નવાઈની અને ગુજરાતના વન્યજીવ માટે ગૌરવની વાત હતી. સાપની શોધ અંગે સંશોધકો ઝીશાન મીર્ઝા, રાજેશ સનાપ, રાજેશ વ્યાસ, હર્ષીલ પટેલ અને જયદીપ મહેતાએ જગવિખ્યાત વન્યજીવ જર્નલ 'પ્લોસ વન'માં રિસર્ચ પેપર રજૂ કર્યું હતું. આ સાપની પ્રજાતિ ખરેખર નવી છે એ સાબિત કરતા આ ટીમને નવ વર્ષ લાગ્યા હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31WY3ew
ConversionConversion EmoticonEmoticon