હું ૧૯ વરસની છું. મને એક યુવક સાથે પ્રેમ છે. તે પણ મને પ્રેમ કરતો હોય એમ મને લાગે છે. પરંતુ મારા કરતા તેની સામાજિક પરિસ્થિતિ ઊંચી હોવાથી હું તેને મારા મનની વાત જણાવતા ડરું છું. તે મારી સમક્ષ લગ્નની માગણી કરે તો મારે શું કરવું?
એક યુવતી (ભાવનગર)
* એ તમારી સમક્ષ માગણી કરે તો તમે એનો સ્વીકાર કરજો. તેને ના પાડવા માટે તમારી પાસે કોઈ ચોક્કસ કારણ છે ખરું? અને આમ પણ તે બધી પરિસ્થિતિનો વિચાર કરીને જ તમને પ્રપોઝ કરશે. પરંતુ તે તમારા પ્રેમમાં છે એ તમે હજુ જાણતા નથી અને તમે આગળના વિચાર કરવા માંડયા છો. સૌ પ્રથમ તે તમારા પ્રેમમાં છે કે નહીં એ જાણવાની જરૂર છે. તે તમને પ્રેમ કરે છે એમ તમને લાગે છે. પરંતુ એ હકીકત ન પણ હોઈ શકે છે. આથી અત્યારથી આવા સપના જોવાને બદલે હમણા અભ્યાસમાં ધ્યાન આપો અને સમયને સમયનું કામ કરવા દો.
હું ૨૦ વરસની છું. ટૂંક સમયમાં જ મારા લગ્ન થવાના છે. પરંતુ મારું વજન માત્ર ૪૦ કિલો જ છે અને મને એનિમિયા છે. મારા ભાવિ પતિ આ વાત જાણે છે. શું મારા લગ્ન પર આની અસર પડી શકે છે? શું હું સ્વસ્થ સંતાનોને જન્મ આપી શકીશ?
એક યુવતી (વલસાડ)
* એક વાત સ્પષ્ટ રીતે સમજી લો કે એનિમિયા એ રોગ નથી. આ પરિસ્થિતિમાં લોહીમાં હેમોગ્લોબિનની ઉણપ હોય છે જે યોગ્ય સારવારથી દૂર થઈ શકે છે. આ કારણે નબળાઈ આવે છે. અને તાકાત રહેતી નથી. ભારતની મહિલાઓમાં આ સમસ્યા સામાન્ય છે. તમે કોઈ સારા ડૉક્ટરની સલાહ લઈ દવા કરાવો. એનિમિયાને કારણે તમને સુખી લગ્ન જીવન માણવામાં અને ગર્ભવતી બનવામાં કોઈ સમસ્યા આડે આવશે નહીં. પરંતુ, તમારે દવા કરાવવાની જરૂર છે. જેથી ભવિષ્યમાં તમે સ્વસ્થ બાળકને જન્મ આપી શકો અને તમને વધુ નબળાઈનો અનુભવ થાય નહીં.
હું ૨૪ વરસની છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. હવે મને ખબર પડી છે કે લગ્ન પૂર્વે મારા પતિને એક યુવતી સાથે પ્રેમ હતો પરંતુ જ્ઞાાતિ જુદી હોવાથી તેઓ લગ્ન કરી શક્યા નહોતા. હવે એ છોકરી પણ પરણી ગઈ છે. પરંતુ મારા પતિનો એની સાથે સંપર્ક ચાલુ છે. તેઓ પત્ર અને ફોન દ્વારા સંપર્કમાં રહે છે. મારા પતિને આમ કરતા હું કેવી રીતે રોકી શકું?
એક યુવતી (નવસારી)
* તમારે પરિસ્થિતિ સમજી ધીરજથી કામ લેવાની જરૂર છે. આ મામલામાં બળથી નહીં કળથી કામ લેવું જરૂરી છે. જેથી, વાત વણસી જાય નહીં. તમારા પતિ સાથે આ બાબતે ચર્ચા કરો અને એ યુવતી સાથે મૈત્રી બાંધવાના પ્રયાસ કરો. એ સાથે સાથે તમારા પતિને એ પણ સમજાવો કે આ કારણે તમારા લગ્નજીવન પર અવળી અસર પડી શકે છે અને તમે એમને સ્થાને હોત તો તેમને કેવી લાગણી થાત? એ પણ તેમને સમજાવો. આ કારણે તમારા અને એ યુવતીના લગ્નજીવનમાં પણ સમસ્યા ઊભી થઈ શકે છે. એમ સમજાવી તેમને ભૂતકાળ ભૂલી જઈ વર્તમાન અને ભવિષ્યનો વિચાર કરવાનું કહો.
હું ૨૭ વરસની છું. મારા પતિ ૩૩ વર્ષના છે. અમારા લગ્નને આઠ વર્ષ થયા હોવા છતાં અમને સંતાન નથી. છેલ્લા ચાર વર્ષથી સમાગમ દરમિયાન મને ઘણું દુ:ખે છે. તેમજ અમને બંનેને ગુપ્તાંગોમાં ખંજવાળ આવે છે અને મને પીળાશ પડતા પ્રવાહીનો સ્ત્રાવ થાય છે. ડૉક્ટરની દવાથી થોડા દિવસ સારું લાગે છે. આ સમસ્યા દૂર કરવા શું કરવું?
એક બહેન (જામનગર)
* લાગે છે કે તમને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થયું હશે જેનો તમારા પતિને ચેપ લાગ્યો છે. ડૉક્ટરની દવા કરાવ્યા પછી પાછો ચેપ લાગ્યો હોવો જોઈએ. મારે મતે તમારે કોઈ સારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવાની જરૂર છે. તમારે બંનેએ સાથે ટ્રીટમેન્ટ લેવાની જરૂર છે. આ ઉપરાંત ડાયાબિટિસની શંકા પણ દૂર કરી લો. તેમજ હર્પિસની ટેસ્ટ કરાવો. ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય સારવારથી ઠીક થઈ જશે. આ પછી સંતાનને લગતી ટેસ્ટ પણ કરાવો. આ બાબતે પણ તમને કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ જ મદદરૂપ થઈ શકશે.
હું ૧૮ વરસની છું. એક યુવક સાથે મને છેલ્લા એક વર્ષથી પ્રેમ છે. અમે સ્કૂલમાં સાથે ભણતા હતા. હું ૧૨મીમાં હતી ત્યારે તેણે મારી સમક્ષ પ્રેમની માગણી કરી હતી જે મેં સ્વીકારી હતી. એ પછી અમે માંડ પાંચ-છ વાર મળ્યા હતા. એ પછી તે બીજા શહેરમાં એન્જિનિયરિંગનું ભણવા ગયો હતો. એ પછી પણ તે મને કાર્ડસ અને પત્રો મોકલતો હતો. અચાનક જ તેણે બધા સંપર્કો કાપી નાખ્યા છે. હું તેને ઘણો પ્રેમ કરું છું. શું કરવું તે મને સમજાતું નથી. યોગ્ય સલાહ આપશો.
એક યુવતી (રાજપીપળા)
* તેને ભૂલી જાવ. તેણે પણ આ જ નિર્ણય કર્યો હોય તેમ તેની વર્તમાન વર્તણુક પરથી લાગે છે. લાંબા અંતરનો પ્રેમ ટકાવી રાખવાનું કામ ઘણું મુશ્કેલ છે. આ ઉંમરે તમારી સમક્ષ આખી જિંદગી પડી છે. આથી પ્રેમમાં મળેલી આ એક નિષ્ફળતા પર આંસુ સારીને બેસી રહો નહીં. તમારી જિંદગીમાં આગળ વધો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oYMUE7
ConversionConversion EmoticonEmoticon