વાતવાતમાં ખોટું લાગે...


વ હેલી પરોઢે વીજીબા ઢોરની ગમાણમાં ગોમતી ગાયને ઘાસ પહેલું નાખે અને પછી ભૂરી ભેંસને... તો એમાં ભૂરીનો તોબરો ચઢી ગયો કે ખોટું લાગ્યું હશે એવા ન્યુઝ કદાપિ દાદા-દાદીની બાલકથાઓમાં ય નથી પણ... વાતવાતમાં 'ખોટું લાગે'નાં જથ્થાબંધ વેપારી-વિક્રેતા એટલે આપણો આ સમાજ !'સવારનાં મહૂરત નવને બદલે તમે પૂરી બે કલાક જાન મોડી લાવ્યા...' ખલ્લાસ, છોકરીવાળા વેવાઇને ખોટું લાગ્યું એવું તો લાગ્યું (કે પછી વાગ્યું ?) કે છેક રીસેપ્સશન સુધી એમનો એકપણ ફોટો હસતો જોવા મળે તો 'ટીકટોક' (બસ છેલ્લી વાર)ના સમ ! માંડમાંડ ડેટ મળી, સમારંભમાં સ્ટેજ પર મુખ્ય દાતાને ચીફગેસ્ટની બાજુના બદલે છે...ક વાઇસ પ્રીન્સીપાલની સોડમાં બેઠક આપી પત્યું ? દાતાને લાગ્યું ખોટું ! પરિણામ ? મૂળ રકમનાં ચેકમાંથી એક મીંડું ઓછું થઇ ગયું (હાશ... એકડો બચી ગયો !)

'રસીલાનું રસોડું - વાનગી રેસીપી' કડકડાટ મોઢે કરનાર નવી વહુએ 'મેકસીકન ઢોંસા'  નણંદ.. જેઠાણી અને હાઇકમાન્ડ (સાસુ) માટે હોંશેહોંશે ઉતાર્યા... 'સ્હેજ વધુ કડક છે.. ગાજર બફાયા નથી.. ચટણી બહુ સોલ્ટી... ને જૂઓ એ નવોઢાનો સાસરિયામાં પહેલો દા'ડો... ખોટું તો એવું લાગ્યું જાણે ૪૮૦ વોલ્ટના કરંટનો ઝટકો ! પરિણામ રાત્રે બેડરૂમમાં... 'તમે ૬ મહિનામાં ભલે ભાડેથી વન મ્લ્લણ ફલેટ મળે... હું અહિ નહિ રહું ! ખોટું લાગવું એય પાછું વાતવાતમાં એ સામાજિક એલર્જી છે. કોને, ક્યારે, ક્યાં ખોટું લાગશે એની આગાહી તો હવામાનખાતું ય ના કરી શકે. દિવસે સરસ મજાનો ઉઘાડ હોય ને અચાનક માવઠું થઇ જાય એવું આ 'ખોટું લાગવાનું' રિસામણું પડીકું છે. એમાંય ઉંમરલાયક, વડીલ-વૃધ્ધો પ્રસંગોને અતિસૂક્ષ્મ માઇક્રોસ્કોપીક નિરીક્ષણ હેઠળ પોસ્ટમોર્ટમ કરી પછી... 'અમે ટેબલ પર નહિ જમીએ.... પલાઠીવાળી નીચે જ... કાંસાની થાળીમાં જ પીરસશો તો જ નહિ તો... પત્યું ?' માન જાઈએ.. માન જોઈએનાં મનામણા વારાફરતી લાઈનમાં અન્ય સભ્યોનાં શરૂ ? (યાદ આવ્યા ફોઇ-ફૂઆ... વડ સાસુનાં નખરા... નાટકો ?)

હવે તો મનમાં ધ્રાસ્કો છે કે વહેલું મોડું 'બ્રેકીંગ ન્યુઝ'માં આવે ય ખરું

* ભર વસંતે નવા પાન સહેજ સીઝનમાં મોડા ફૂટયા તો થડ.. ડાળીને ખોટું લાગ્યું !

* વાદળનો ગર્જના... ઘૂઘવાટ વીજળીનાં ઝબકારાથી વધારે ડરાવે છે એવી વૈજ્ઞાાનિક જાહેરાત પછી કદાચ વીજળીનો ઇગો ઘવાય અને ખોટું ય લાગે (બાદલ કયું ગરજતા હૈ...)

* મોટાસાહેબને લાઇક ઓછી મળી... એકાઉન્ટ હેક... વિચારો કેટકેટલાને ખોટું લાગે ?

* ભગવાનનો પાડ માંડો કે રામનવમી વાળા પ્રભુશ્રીરામનું મંદિર અયોધ્યામાં નિર્માણ પામશે ત્યારે કૈલાસ-નિવાસી ભોળાનાથને ખોટું ક્યારેય નથી લાગતું.

મરીમસાલા : અરે ! લેખમાં શબ્દ-મર્યાદા ચૂકી જતા પૂર્તિ સંપાદકે ખાલી છેલ્લી લાઇન કાપી એમાં તો કટારલેખકને ખોટું લાગ્યું !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kMGLIz
Previous
Next Post »