પ્રા ચીન કાળમાં માનવીઓની પ્રવૃત્તિઓ સીમિત હતી. ખેતી, વ્યાવસાયિક કામ કે જરૂરી ખરીદી સિવાય ભાગ્યે જ લોકો ઘર બહાર નીકળતાં. સીધા, સાદો, સરળ જીવનક્રમમાં જેમ જેમ નવા આયામો ઉમેરાતા ગયા તેમ તેમ લોકોના 'જીવવા' માટેના હેતુની વ્યાખ્યામાં પણ ધરખમ ફેરફારો થતા ગયા. તાલીમ, શિક્ષણ, ભ્રમણ, ગતિ, પ્રગતિ આદિ પ્રવૃત્તિ સૂચક શબ્દો જાણ્યે અજાણ્યે ભેગા થઈને કોશાકારે સાર્થક થવા લાગ્યા અને એનું વજૂદ જ્યારે સૌને સમજાયું ત્યારે જીવનની ગતિ-વિધિ જ બદલાઈ ગઈ. ઝડપથી બદલાતી સદીઓએ આપણા મનમાં વિશ્વસ્તરે પ્રસરાયેલી સમૂળી ક્રાંતિનાં બીજ રોપ્યાં અને ખૂબ જ ત્વરાથી આપણી જિંદગી બદલાતી ચાલી. સાંપ્રત સમયમાં તો ટેકનોલોજીના થયેલા વિસ્ફોટના આપણે સક્રિય સાક્ષી બની ગયાં છીએ. હજારો વર્ષોની આ યાત્રાએ આપણને ધર્મ, ભક્તિ, સર્વેકળા અને ઉત્સવોની ઓળખ કરાવી છે.
એક સમે આ ચારેય શબ્દો એક સંપુટ બનીને આપણાં મન અને જીવન પર રાજ કરતા. ત્યારે એ ચારેય તત્ત્વો એકબીજાનાં પૂરક પણ હતાં તે આપણાં પ્રાચીન ધર્મસ્થાનોએ સાબિત કરી બતાવ્યું છે. અલબત્ત, આજે પણ આપણી એ ધરોહર અને પરંપરા આપણા દેશનો પરચમ લહેરાવી રહી છે ત્યારે ચાલો, હવે ઓડીશા કહેવાતા ઉત્કલ દેશે સ્થિત અગિયારમી સદીના 'લિંગરાજ મંદિર'ની સુવાંગ ઓળખ કરીએ, જેની નોંધ પુરાતત્ત્વ ખાતાએ લીધી છે.
૧૧મી સદીમાં ભુવનેશ્વર 'સિટી ઓફ થાઉઝન્ડ ટેમ્પલ્સ' તરીકે ઓળખાતું નૃત્યાંગના સુપ્રવા મિશ્રા
અગિયારમી સદીમાં રાજા અનંગ ભીમદેવા વખતે અહીં વાસુદેવનું મંદિર હતું. રાજકુમારી ચંદ્રિકાને લીધે એ સમયે લોકો વિષ્ણુ પરંપરા તરફ પણ વળ્યા. વળી, આ જ સમયે કોણાર્કનો પણ ઉદય થયો અને બીજી તરફ જયદેવે ગીત ગોવિંદ લખ્યું. જગન્નાથ મંદિરમાં તો ગોવિંદ પરંપરા હતી જ - તેથી લિંગરાજ મંદિરમાં સમાંતરે બન્ને પરંપરાઓ કોળી. આવું 'ન ભૂતો ન ભવિષ્યતિ' મિશ્રણ ભારતમાં બીજે ક્યાંય હશે ? એકામ્ર પ્રભુ તરીકે સત્યુગ અને ત્રેતાયુગમાં ઓળખાતા આ લિંગને લોકોએ દ્વાપર અને કલિયુગમાં લિંગરાજ કહ્યા. તે સ્વયંભૂ છે. બારમી સદીમાં મૂર્તિરૂપે આ મંદિરમાં કૃષ્ણ, બલરામ, વૈષ્ણવ દ્વારપાળો જય અને પ્રચંડ પદાર્યા. જગન્નાથ, લક્ષ્મીનારાયણ અને ગરૂડના શિલ્પો પર વૈષ્ણવ છાંટ વરતાય છે. શિવનાં બિલિપત્રો અને વિષ્ણુનાં તુલસી પત્રોનો અહીં સુભગ સંગમ છે માટે જ તેઓ 'હરિહર' કહેવાયા. મંદિર ઉપર ધ્વજ પિનાક ધનુષ પર છે - ત્રિશૂલ પર નહિ. પૂજારીઓ ભાલે આડ (-) ને બદલે તિલક (ેં) કરે છે. શિવરાત્રી અને શ્રાવણના ઝૂલા, રથયાત્રા-શિવયાત્રા આદિને કારણે બહુસંસ્કૃતિનું બાહુલ્ય દેખાય છે.
અહીં દક્ષિણભારતમાંથી કલાવતી રાણી દેવદાસીપ્રથા લાવેલાં જે હવે નથી. લિંગરાજનાં નૃત્યોત્સવો નથી થતા પરંતુ મુક્તેશ્વર મંદિરે કોણાર્ક, ખજૂરાહો અને મોઢેરા જેવો મોટો નૃત્ય મહોત્સવ સરકાર યોજે છે. લિંગરાજ મંદિરમાં મધ્યયુગીન સ્થાપત્ય પરંપરા 'કલિંગ શૈલી' છવાયેલી છે. સોમવંશી રાજાઓ, રાજાયયાતિ કેસરી આદિના રાજ્યાશ્રયમાં દેઉલા સ્થાપત્ય શૈલીનો પણ અણસાર આવે છે. મંદિર પરિસર વિશાળ છે જેમાં ૧૮૦ ફિટ ઉંચો ટાવર છે જેમાં કલિંગ શૈલીનું સારતત્ત્વ સમાયેલું છે. અન્ય ૧૫૦ મંદિરો પણ ભવ્ય છે જે મુખ્ય ભવ્ય મંદિરની ગરિમા વધારે છે.
ખુર્દા જિલ્લાનું ભુવનેશ્વર તે ઓડીશાની રાજધાની
તેરમી સદીના એકામ્ર પુરાણની નોંધ મુજબ લિંગરાજ તરીકે ઓળખાતા આ લિંગને આરંભે 'કીર્તિવાસા' તરીકેની કીર્તિ પ્રાપ્ત થયેલી
ઉત્કલ, ઓડીશા, ઓરિસ્સા અને ફરી પાછું ઓડીશા નામ ધારણ કરે છે પૂર્વ ભારતનું આ રાજ્ય. જગન્નાથ પુરિ અને કોણાર્ક સૂર્યમંદિર ઓરિસ્સાને જેટલો જશ અપાવ્યો છે એટલો જ એની રાજધાની ભુવનેશ્વરના 'ઓલ્ડ ટાઉન' કહેવાતા વિસ્તારમાં આવેલ મંદિર 'લિંગરાજે' એમાં પોતાનો ફાળો નોંધાવ્યો છે. હા, વિશાળ, સુંદર અને સ્વચ્છ દરિયાકિનારાનો લાભ પણ ઓડીશાને મળે છે. અહીંના અભયારણ્યો અને ચિલકા લેઇક તેની યશ કલગી છે.
દેશના અન્ય અનેક રાજ્યોની જેમ આ રાજ્ય પણ ધર્મ અને કલાના સંયોજનની છડી પોકારે છે તેથી અહીંના પ્રાચીન મંદિરો આજે પણ લોકહૈયે વસેલાં છે. ઓડિસી શાસ્ત્રીય નૃત્યના પ્રસિધ્ધ નૃત્યાંગના સુપ્રવા મિશ્રાના મતે ઓરિસ્સામાં શૈવ પરંપરા પહેલેથી હતી. લિંગરાજ મંદિર ઉપરાંત અહીં ભરતેશ્વર, પરશુરામેશ્વર, મુક્તેશ્વર, લક્ષ્મણેશ્વર, બ્રહ્મેશ્વર, કેદારેશ્વર, સિધ્ધૈશ્વર, ભાસ્કરેશ્વર આદિ અતિ કલાત્મક મંદિરો પૂર્વ દિશાએ આશરે છઠ્ઠી-સાતમી સદીમાં બનેલાં. આ મંદિરો કલિંગ અને દ્રાવિડ શૈલીના મિશ્રણના અદ્ભુત બેજોડ નમૂના છે.
એમાં બૌધ્ધકલાનો પણ પ્રભાવ જોવા મળે છે. બૈતાલ મંદિરમાં ચામુંડા દેવી અને મહિષાસુર મર્દિનીની પ્રાચીન મૂર્તિઓ છે. સૂર્ય ઉપાસના સ્થળ, રથ, ઉષા, અરૂણ, સંધ્યાની પણ પ્રતિમાઓ છે. અરે...અરે...શું આ બધાંયને નરી આંખે સીધા પ્રકૃતિમાં જ ન જોઈ શકાય ?! ખેર ! એ બહાને શ્રધ્ધા અને કળા બન્ને ખીલે ! ભુવનેશ્વરને એકામ્ર ક્ષેત્ર કહેવાય છે. તેરમી સદીના એકામ્ર પુરાણની નોંધ મુજબ લિંગરાજ તરીકે ઓળખાતા આ લિંગને આરંભે 'કીર્તિવાસા' તરીકેની કીર્તિ પ્રાપ્ત થયેલી. છઠ્ઠી સદીથી આ મંદિરનું બાંધકામ શરૂ થયેલું તે પૂર્ણ સ્વરૂપે અગિયારમી બારમી સદીમાં તૈયાર થયું.
લિંગરાજ મંદિર - જાણે સ્વયમ્ એક ચૈત્રિક શિલાલેખ
મંદિરની બહારની દીવાલોએ મનુષ્ય અને હાથી, ઘોડા, સિંહ જેવા પ્રાણીઓના શિલ્પો ધ્યાન ખેંચે
મુખ્ય મંદિરનાં ચાર ઘટકો છે : વિમાન (ગર્ભગૃહને આવરે તે), જગમોહન (સભાખંડ), નટમંદિર (ઉત્સવખંડ) અને ભોગ મંડપ (સામગ્રી-પ્રસાદ). અનેક શિલાલેખો પર સમૃધ્ધ માહિતી ભંડાર છે. ગુલાબી ઝાયવાળા કથ્થઇ જેવા રંગના રેતિયા અને લેટરાઇટ પથ્થરમાંથી બનેલ આ સંકુલની દીવાલ બાવન ફિટ ઊંચી છે અને તેની જાડાઈ સાડાસાત ફિટની છે. ઉપર ટેકે બહાર તરફ ઝૂકેલી અગાશી રક્ષણ કરે છે. ટાવરના ઇંચે ઇંચ પર અદ્ભુત શિલ્પો કોતરાયેલા છે. ચંદનકાષ્ટનું મુખ્ય પ્રવેશદ્વાર ઝીણી ભાતથી શોભાયમાન છે. મંદિરની બહારની દીવાલોએ મનુષ્ય અને હાથી, ઘોડા, સિંહ જેવા પ્રાણીઓના શિલ્પો ધ્યાન ખેંચે. પિરામિડ આકારના છાપરા સુધી આડા પટે પડ ઉપર પડ ચડાવેલા સાલવેલા પ્લેટફોર્મ છે જેની ઉપર ઘંટ લટકાવ્યો છે અને શિર ઉપરે કળશ ચળકે છે.
ચારેય ગ્રહોની રચના વૈવિધ્યપૂર્ણ છે જેમાં ક્યાંક દીવાલે દંપતીઓનાં શણગારયુક્ત શિલ્પો છે, થાંભલા છે અને મોખરાનો ભાગ વીંધ પાડેલી બારીઓથી સુશોભિત છે. પાછલા પગ વાળીને બેઠેલો સિંહ છે. ગ્રે, ભૂખરા, કથ્થાઇ રંગવાળા શિખરો પર ઝરૂખા, દેવદેવીઓનાં ઊભાં શિલ્પો, આમલકી ટોચ, ફૂલ પત્તીની ભાત અને નાનાં શિખરો ગોખલા સહિત કોતરણી નકશીથી ગર્વિષ્ઠ ભાસે છે. પ્રત્યેક પાષાણ પર કોઇને કોઈ અલંકરણ ઉત્કીર્ણ છે. ઉપર ઉભા અજગરોના ભરડા જેવી વળાંકદર ડિઝાઈનો ! વળી, દેવશિલ્પના પાયે છત્રી-અને હા, ગર્ભગૃહ ચોખંડ અને લિંગ પણ ચોરસ. પરિસરમાં ગણેશ, કાર્તિકેય, ભુવનેશ્વરી (પાર્વતી) શિવજી સંગ ઉપસ્થિત !
લસરકો
સર્વાંગરૂપે ચોમેર મંદિર પર પથરાયેલા ઉભા ગજરા અને પુષ્પહારની નકશી દિવ્ય સુગંધે મહેકે
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JgWphg
ConversionConversion EmoticonEmoticon