વૉશિંગ્ટન, તા. 02 નવેમ્બર 2020 સોમવાર
વર્ષ 2016ની અમેરિકન પ્રમુખ પદની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન ડોનાલ્ડ ટ્રમ્પ સામે નહી પરંતુ રશિયા સામે લડી રહ્યાં હતાં, એ હવે લગભગ સાબિત થઈ ચૂક્યું છે. પરંતુ આ જંગમાં એક ત્રીજો ખૂણો પણ હતો, જેમાં બ્રિટનની કન્સલ્ટિંગ ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાએ મોટો ભાગ ભજવ્યો અને હિલેરી ક્લિન્ટનને પછાડ આપી.
કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનો બિઝનેસ નાના-મોટા લોકશાહી દેશોમાં, મતદારોના ડેટાનો ઉપયોગ કરીને ચૂંટણીનાં પરિણામો બદલી નાખવાનો હતો. આ કંપનીએ 2010ના અરસામાં ભારતમાં પણ કામ કર્યું હોવાનું કહેવાય છે.
તેના સીઇઓ એલેકઝાન્ડર નિક્સ સેલ્સ પ્રેઝન્ટેશનમાં કંપનીને ‘ડેટા-ડ્રીવન કમ્યુનિકેશન્સ કંપની’ ગણાવતા હતા. તેના મતે, લોકોનું જેવું વ્યક્તિત્વ હોય તેવું તેમનું વર્તન હોય અને આ વર્તનને આધારે જ લોકો કોને મત આપશે તે નક્કી થતું હોય છે. નાના મોટા દેશોની ચૂંટણીમાં ધાર્યાં પરિણામ મેળવ્યા પછી કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીએ મોટો મીર મારવાનું નક્કી કર્યું અને તેણે ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇનનો કોન્ટ્રેક્ટ મેળવ્યો.
કંપનીની બિઝનેસમંત્ર અનુસાર જો અમેરિકન વોટર્સની પર્સનાલિટી જાણી શકાય તો તેમનું વર્તન બદલી શકાય અને એ મુજબ એ કોને મત આપશે એ પણ બદલી શકાય. આ માટે કંપનીએ ફેસબુક પર ‘પર્સનાલિટી ક્વિઝ’ની એક નાની એપ લોન્ચ કરી. એ ક્વિઝમાં તો ગણ્યાગાંઠ્યા સવાલો હતા પણ ક્વિઝમાં ભાગ લેનારા ફેસબુક યૂઝર્સે અજાણપણે ફેસબુક પરનો પોતાનો તમામ ડેટા કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીને આપી દીધો.
એટલું જ નહીં તે યૂઝર્સના ફ્રેન્ડસ અને તેમના ફ્રેન્ડસ એમ આખાં મોટાં જાળાંનો તમામ ડેટા કંપનીને મળ્યો. આમ આ કંપનીએ માંડ હજારો કે લાખો યૂઝર્સને પર્સનાલિટી ક્વિઝ એપમાં પરોવીને આખેઆખા અમેરિકાના તમામ મતદારોનો પાર વગરનો ડેટા એકઠો કર્યો. કંપનીના દાવા મુજબ તેણે દરેકેદરેક નાગરિકના પાંચ હજાર ડેટા પોઇન્ટ (તેનું નામ એટલે એક ડેટા પોઇન્ટ, ઇ-મેઇલ એડ્રેસ એટલે બીજું ડેટા પોઇન્ટ એ રીત)નો અત્યંત ઝીણવટભર્યો ડેટા એકઠો કર્યો.
બીજી તરફ ચૂંટણીમાં ક્યાં રાજ્યોના મતદાનમાં થોડા ઘણા ઝૂકાવથી આખા રાજ્યનું પરિણામ બદલી શકાય છે તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું. એ પછી એ રાજ્યોના મતદારોના ડેટાનું વિશ્લેષણ કરીને કઈ વ્યક્તિની રાજકીય વિચારધારા કેવી છે અને કોણ કઈ તરફ જવું એ નક્કી કરી શકતા નથી એ તપાસવામાં આવ્યું. આ પછી જે મતદારો હજી અનિર્ણાયક હતા તેમને અત્યંત ધારદાર રીતે ફોકસ કરીને તેમના પર ફેસબુક એડ, ફેસબુક પોસ્ટ, ટ્વીટર, યુ-ટ્યૂબ વીડિયો અને બીજી ઘણી બધી રીતે હિલેરી ક્લિન્ટન વિરુદ્ધના પ્રચાર અને ફેક ન્યૂઝનો મારો ચલાવવામાં આવ્યો.
આ મતદારોને તેઓ કોઈ સ્માર્ટ એડવર્ટાઇઝિંગ કેમ્પેઇનનું નિશાન બની રહ્યા છે એવો અંદાજ પણ નહોતો. આ ઓનલાઇન કેમ્પેઇનની સાથોસાથ હિલેરી ક્લિન્ટનને જેલના યુનિફોર્મમાં બતાવતાં પોસ્ટર્સ અને મોડેલ સાથેના વાસ્તવિક દેખાવો પણ ઘણાં રાજ્યોમાં યોજવામાં આવ્યા. પરિણામે ચૂંટણી પહેલાં જેની જીત નિશ્ચિત મનાતી હતી એ હિલેરી ક્લિન્ટન ચૂંટણી હાર્યાં.
ફેસબુકના ડેટા કૌભાંડનો આપણી સાથે શો સંબંધ?
ફેસબુક પર સક્રિય લોકો અવારનવાર ફેસબુક પર દેખાતી વિવિધ કોન્ટેસ્ટ કે ગેમ્સમાં ભાગ લેતા હોય છે. આ બધું ફેસબુકનું પોતાનું હોતું નથી, પણ થર્ડ પાર્ટી એપ્સ દ્વારા ચાલતું હોય છે. ફેસબુક પોતાના લાભ ખાતર થર્ડ પાર્ટી એપ્સને યૂઝર્સનો ડેટા કલેક્ટ કરવા દે છે. કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીએ ચલાવેલી પર્સનાલિટી ટેસ્ટ એપ આવી જ એક થર્ડ પાર્ટી એપ હતી.
આપણે ફેસબુકમાં થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરીએ ત્યારે બતાવવામાં આવતી ચેતવણીઓ તરફ મોટા ભાગે ધ્યાન આપતા નથી. એ કારણે પર્સનાલિટી ટેસ્ટ આપનારા યૂઝર્સે પોતાનો અને સાથોસાથ પોતાના ફ્રેન્ડ્ઝનો તમામ ડેટા પણ કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીને આપી દીધો. મતલબ કે તમે પોતે આ ટેસ્ટ એપનો ઉપયોગ ન કર્યો હોય, પણ અમેરિકામાંના તમારા કોઈ ફ્રેન્ડે તેનો ઉપયોગ કર્યો હશે તો તમારો ડેટા પણ કેમ્બ્રિજ એનાલિટિકા કંપની પાસે પહોંચી ગયો હશે.
આ બધો હોબાળો બહાર આવ્યા પછી ફેસબુકે તો પોતે નિર્દોષ હોવાની વાતો કરી અને કેમ્બ્રિજ એનાલિટિકા કંપની ફડચામાં ગઈ, પરંતુ આપણો ડેટા છેવટે ક્યાં ગયો એની કોઈ સ્પષ્ટતા નથી (ફેસબુકના માર્ક ઝકરબર્ગે અમેરિકન સેનેટર્સને કહ્યું કે ‘અમને તો એમ કે કેમ્બ્રિજ એનાલિટિકાએ ડેટા ડિલીટ કરી દીધો હશે’!) મતલબ કે આવી રીતે ડેટા આધારિત કેમ્પેઇન કરતી કોઈ પણ કંપની પાસે આ ડેટા પહોંચ્યો હોય તો ભારતની ચૂંટણીઓમાં પણ મતદારોનું મન ફેરવવા માટે તેનો ઉપયોગ થઈ શકે.
આખી વાતમાંથી આપણે માટે બે-ત્રણ મહત્ત્વના બોધપાઠ છે :
(1) ફેસબુક પરની થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરતી વખતે એ એપ આપણો કેટલો ડેટા વાંચી શકશે એ ચોક્કસ તપાસીએ,
(2) ફેસબુક કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા પર આપણને જે કંઈ બતાવવામાં આવે એ સાચું જ હોવાનું ક્યારેય ન માનીએ,
(3) ફેસબુક અને ગૂગલ જેવા આપણા મુખ્ય એકાઉન્ટ સાથે આપણે કોઈ થર્ડ પાર્ટી એપને કનેક્ટ કરી હોય તો ફેસબુક/ગૂગલના સેટિંગ્સમાં જઇને આવી એપ્સ તપાસીએ અને બિનજરૂરી લાગે તેને દૂર કરીએ (એ માટેની વિગતવાર માહિતી ‘ટેકનોવર્લ્ડ’માં જાણી ચૂક્યા છીએ).
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3274D22
ConversionConversion EmoticonEmoticon