ચાલો દશેરા ઉજવીએ... આપણા વિકારોનું દહન કરીને

- રાવણ કથામાંથી પણ બોધ લઇ શકાય છે

- રાવણ અહંકાર હેઠળ કૈલાસ પર્વતને હચમચાવવા નિકળ્યા અને પર્વત નીચે શિવજીએ ધરબી દીધા એટલે આક્રંદ કરી હજાર વર્ષ તપ કર્યું. મુક્ત થયા, ગરજ પતી એટલે ફરી મદના માલિક બની ત્રાસ ગુજારવા માંડયા


આ જે દશેરા. રાવણના દસ માથા એટલે કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, ઇર્ષા, તામસી મન, તેવી જ બુધ્ધિ, ચિત્ત અને અહંકાર. રાવણના દેવ તુલ્ય પિતા ઋષિ વિર્શ્વા અને માતા દૈત્ય એવી કૈકશી હતા. રાવણને તમામ ૬૪ કળાઓ હસ્તગત હતી. યોધ્ધા તરીકે ક્ષત્રિયના તમામ ગુણો પર તેમનું પ્રભુત્વ હતુ અને બ્રાહ્મણ જ્ઞાાની જેમ વેદો અને ઉપનિષદો તેને કંઠસ્થ હતા પણ હૃદયસ્થ ન હતા. રાવણ શ્રેષ્ઠ જ્યોતિષિ પણ હતો. હિન્દુ જ્યોતિષશાસ્ત્ર પરનો દુર્લભ કહી શકાય તેવું 'રાવણ સંહિતા' ગ્રંથ તેણે લખ્યો હતો. એટલું જ નહીં તેને આયુર્વેદ અને રાજનીતિ વિજ્ઞાાનમાં ઉંડી સમજ હતી.

ભગવાન શિવનો તેના જેવો સાધક કદાચ તે જમાનામાં કોઈ દેવ પણ નહીં હોય. તે સંગીતશાસ્ત્રમાં નિપૂણ હતો અને અચ્છો વીણાવાદક પણ ખરો.

બ્રહ્માના માનસપુત્ર જેવા સાત ઋષિઓ (સપ્તર્ષિ) મનાય છે તેમાં ઋષિ પુલાસત્ય તેના દાદા થાય. તેના પરથી પણ રાવણની પ્રતિભાનો અંદાજ મળે.

રાવણે સિતાનું હરણ કર્યું પણ તેને સ્પર્શ સુધ્ધા નહોતો કર્યો. રાવણ જ્યોતિષનો પ્રખર જ્ઞાાની હતો ત્યારે એ પ્રશ્ન જરૂર થાય કે શું તેને પોતાને તો તેની કુંડળી અને ગ્રહો જોઇને ખબર હોવી જ જોઇએ ને કે તેની મતિ ભ્રષ્ટ બની શકે છે અને તેની નગરીના દહન અને તેનો અંત આવશે. તેનામાં દશાનન જેવા દસ પતન રાક્ષસો ઘર કરી ગયા છે તેનું આત્મદર્શન તે કેમ ન કરી શક્યા ?

જો કે અત્યારે આપણામાંના મહત્તમ નાગરિકો અને નેતાઓ રાવણ કરતા પણ નિમ્ન કોટિના છે અને તેઓને રાવણદહન કરવાનો કોઈ હક્ક નથી. રાવણ જેવી સાક્ષરતા, સમર્થતા અને શિવસાનિધ્યમાં સંગાથ આપણામાંથી કેટલામાં છે ? રાવણના પૂતાળામાં દહન માટે મુકેલા ફટાકડાને ફોડવા માટેનું અગનતીર ખરેખર આપણા  મન, ચિત્ત, મતિ અને હૃદય પર છોડવા જેવું છે.

તમે આગળથી ગમે તેટલું તમારા ભાવિ વિશે જાણતા હો કે કોઇએ તમને ચેતવ્યા પણ હોય તો પણ ખરો સાધક અને સાધુ એ છે કે તે સતત તેની ઇન્દ્રિયો અને વૃત્તિ પર ક્ષણ ક્ષણની નજર રાખે.

રાવણ 'વિનાશ કાળે વિપરીત બુધ્ધિ'નું ઉત્તમ ઉદાહરણ છે. રાવણને  સીતાનું હરણ કરવાનો જે વિચાર આવ્યો ત્યારે તેણે વેદ-ઉપનિષદો કે ગ્રંથોનું જ્ઞાાન કામે ન લગાડયું તો પછી તેવા પોથી પંડિતનું શું કામ ? રાવણ દહન કરવા કરતા રાવણના ચરિત્ર પર ચિંતન કરીને રાવણ કથા માંડીએ તો પણ રામનું મિલન થઇ શકે. રામ કહે તેનો બોધ ન ઉતારી શકીએ તો રાવણ જેવા સિધ્ધહસ્ત રાવણના પણ રજસ અને તમસના આવરણ સાથેના આત્માના  કેવા હાલ થઇ શકે છે તે જ્ઞાાન મેળવી જ શકાય. સારા કે નરસા જે અનુભવમાંથી બોધપાઠ લઇએ તે ગુરુ કે જ્ઞાાન.

આજે કેટલાયે દામ્પત્ય જીવન, પરિવારો, મિત્રો છે કે જેઓએ અહંકાર, ક્રોધ, અભિમાન, મોહ અને લોભ સહિતના દસ અવગુણોમાંથી કોઈ એક અવગુણ તેમના મન અને મતિ પર સવાર થવા દીધો હોવાને કારણે તેઓનો નંદનવન જેવો સંસાર ઉજ્જડ બની ગયો છે. કેટલાક એવા છે જેને પૈસાનો મોહ નથી પણ પરસ્ત્રી તેમની નબળાઈ છે. કોઇને પરસ્ત્રીમાં સહેજે દિલચશ્પી નથી પણ સત્તા માટે તે કોઈપણ હદે જઇ શકે છે. કોઇને બંનેમાં આકર્ષણ નથી પણ સાક્ષરતા દેખાડવાનો અને મંચનો મોહ છે. યશ, પ્રાપ્તિ, કિર્તી ખરીદીને પણ મળતી હોય તે માટે નાણાં વેડફે. જુગારી હોય પણ પ્રમાણિકતામાં અવ્વલ નંબર હોય. જ્ઞાાની હોય પણ શરાબી પણ છે એટલે ગૃહલક્ષ્મીનું સન્માન ઠેબે ચઢાવે છે.

એટલે જ તમે જોઈ શકો છે કે સમાજમાં અમુક ગુણવત્તા ધરાવતા માનવીઓમાં ચાર ગુણો હોય પણ ત્રણ છીંડા તેનું પતન કરાવી દે. ખરેખર તો એક કાણુ પણ વિરાટ જહાજ ડુબાડી દેવા કાફી હોય છે. જાણવું અને તેને અનુસરી જીવવું તે જુદા જ ધુ્રવો છે. એવા કેટલાયે આમ આદમી આપણા દેશમાં છે જેઓએ નથી કંઇ મહાગ્રંથો, શાસ્ત્રો, ગીતા કે રામાયણનું પાન કર્યું નથી તેઓએ ઇશ્વરની સાધના કરી. સંસ્કૃતમાં પારંગત હોવું તો દૂરની વાત પણ અભણથી માંડી બે પાંચ ચોપડી ભણ્યા હોય છતા તેઓ બે-ચાર લોક સાહિત્યના દૂહા કે ભજનો થકી સાક્ષાત્કારની કક્ષાએ પહોંચી શક્યા હોય.

પરસ્ત્રી પર નજર ન નાંખે અને વખત આવ્યે કોઇ રંજાડનાર આવ્યો હોય તેવી મહિલાને રંજાડનારને અધમૂઓ કરી નાંખે. તેના રોટલામાંથી અડધો રોટલો બીજા ગરીબને કે છેલ્લે કૂતરાને પણ આપે. વફાદારીથી માલિકની તિજોરી છલકાવે. કોઈના હૃદયમાં રામ વસે અને કોઇના હૃદયમાં રાવણ. રાવણનું ચરિત્ર વિશેષ કરીને સત્તાધીશો, બૌધ્ધિકો, સાધકો અને પંડીતને ચેતવે છે કે મદ, મોહ અને અહંકાર એટલે કાણાવાળી નાવમાં સફર કરો છો તેનો સંકેત. રાવણ વેદો-ઉપનિષદોનો જ્ઞાાની હતા તો આજે બૌધ્ધિકો, નેતાઓ રામ-કૃષ્ણ, ગાંધીજી, સરદાર પટેલ, વિનેબા ભાવે, સ્વામી વિવેકાનંદથી માંડી ડૉ. અબ્દુલ કલામ પર લખતા જ રહે છે.

પ્રવચનો અને વેબિનારોના વાવાઝોડા ફરી વળે છે પણ તેનો આશય માત્ર તેઓની કેટલી ઉંચાઈ હતી તે જ બતાવતા રહેવાનો છે ? ઇષ્ટ દેવો સંતો, મહાપુરૂષો આવા અદ્વિતીય અને અસાધારણ હતા તેવી આરતી ઉતારતા રહેવાની અને પછી મંદિરોમાંથી બહાર નીકળી ચંપલ પહેરીને જેવા હતા તેવા બની જવાનું હોય તો આ પણ એક પ્રકારનો ક્રિયાકાંડ જ કહેવાય, પ્રત્યેક શ્રોતાને ચાલુ સભાએ સંતો, નેતા, બુધ્ધિજીવીઓ અને સાક્ષર, વક્તાઓને ચાલુ કાર્યક્રમે એ પૂછવાનો અધિકાર હોવો જોઇએ કે તમે આ શ્લોક, તત્ત્વજ્ઞાાન કે ચરિત્રમાંથી શું ગ્રહણ કર્યું છે ? તમારા પર કયા પાસાનો વિશેષ પ્રભાવ પડયો છે. બુધ્ધિજીવીઓની નિષ્ક્રિયતા નહીં પણ દંભીઓ અને ઢમઢોલ માહે પોલ જેવા 'મેડિયોકેર' થી અંજાઈ જનારા નાગરિકો દેશને માટે ચિંતાનું કારણ છે.

દસ માથા તો પ્રતિક પણ હોઈ શકે છે. રાવણ કંઇ આપણે ચિત્રકામમાં દોરીએ છીએ કે દહન માટે પૂતળા બનાવીએ છીએ તેમ દશ માથા ન પણ ધરાવતો હોય. રાવણ એક માથાનો જ હોય પણ દશાનન એટલે કહેવાયો કે આપણને તેના થકી ચેતવણી મળી શકે કે માનવ માત્રના એક માથામાં મુખ્ય દસ પ્રકારના વિકાર હોઈ શકે. જે પ્રત્યેક વિકાર એક-એક અલાયદા એવા દસ દૈત્યને જન્મ આપી શકે છે. અથવા તો આપણે આવા દસ દૈત્યમાંથી એક કે વધુ દૈત્યનું માથું લઇને વર્તમાનમાં ફરતા જ હોઈ શકીએ. 

રામાયણના ઉત્તરાખંડમાં રાવણનુગ્રહનો પ્રસંગ છે. લંકાના રાજા રાવણે તેના ઓરમાન ભાઈ કુબેરની નગરી અલાકાને લૂંટી અને તેના સૈન્યને હરાવી તેના પર કબ્જો મેળવ્યો. કૂબેરના જ લૂંટેલા પુષ્પક વિમાન પર સવાર થઇને તે લંકા પરત આવી રહ્યો હતો. ત્યારે અલૌકિક દ્રશ્ય ખડુ કરતો કૈલાસ પર્વત તેના વિમાન માર્ગે આવ્યો. ઉત્તુંગ શિખરો ધરાવતા કૈલાસ પર્વતને વિમાન પસાર કરી શક્તું જ ન હતું. કોઈ બળ વિમાનને પાછળની દિશામાં ધકેલતું હતું. તેના અથાગ પ્રયત્નથી પણ કંઇ ન વળતા રાવણ ક્રોધે ભરાયો. તેવામાં જ નંદીએ આવીને રાવણને કહ્યું કે 'હાલ શિવ અને પાર્વતી કૈલાસમાં તેમના પ્રેમાલાપમાં મગ્ન હોઈ તમે કૈલાસ પર્વત પસાર નહીં કરી શકો.' રાવણનો અહંકાર આસમાને પહોંચ્યો.

તેણે તેના દસ માથા અને વિરાટ વીસ હાથની બાહુપાશમાં કૈલાશ પર્વતને હચમચાવાનું શરૂ કર્યુ. નંદીએ આ જોઇને રાવણને શાપ આપ્યો કે એક અવતાર સ્વરૂપ તેની વાનર સેનાની મદદ લઇ પતન આણશે. રાવણે અટ્ટહાસ્ય કરતા કૈલાસ પર્વત જાણે ઝાડને બાથ ભીડી જમીનદોસ્ત કરતો હોય તેમ બળ એકઠુ કર્યું. પર્વત સ્હેજ હલવા માંડતા જ ભગવાન શિવને ખબર પડી કે આ રાવણ જ હોઈ શકે. તેણે કૈલાસની ટોચથી તેના અંગુઠાથી સ્હેજ વજન આપ્યું તે સાથે રાવણ કૈલાસ પર્વત હેઠળ ધરબાઈ ગયો. તેણે હિમાલયમાં પડઘા પડે તેમ બૂમ પાડી, આક્રંદ કર્યો, ત્યારે તેના મંત્રીએ સલાહ આપી કે ભગવાન શિવની પ્રચંડ આરાધના કરો અને તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી આપણે મુક્ત બની શકીશું.

અહંકારી વ્યક્તિ મોત માથે હોય ત્યારે ડાહ્યો ડમરો થઇ જતો હોય છે પણ ભયમુક્ત થતા જ પાછો તામસી વૃત્તિ પ્રાપ્ત કરી લેતો હોય છે.

રાવણે આ જ પ્રકૃતિ બતાવી શિવની શક્તિને સ્વીકારીને તેની ખરી ભક્તિ કરી. શાસ્ત્રમાં એક હજાર વર્ષ જેટલા તપનો ઉલ્લેખ છે. તેના એક માથાની વીણા બનાવી. શિવના સ્ત્રોતથી કૈલાસ પર્વતમાળા જાણે શિવ સ્તુતિનો ગૂંજારવ કરતી હતી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને હરિફ જોઈ ન શકે તેવું શસ્ત્ર અને શિવલિંગ ભેટ આપ્યું. જાન બચી જતાં અને ગરજ પૂરી થતા જ ફરી રાવણના દુર્ગુણો સપાટી પર આવી ગયા.

આ પ્રસંગ પણ એવો બોધ આપે છે કે આપણે શક્તિશાળી છીએ તેવા મદમાં હોઈએ (કૂબેરને હરાવ્યા પછી) ત્યારે કૈલાસ પર્વતને પણ ઉથલાવી લેવાનો હૂંકાર કરીએ છીએ. પણ વધુ વિરાટ શક્તિ સામે જોઇને કે મોતનો ભય પામીને તેની તમામ શરતો સ્વીકારતા કરગરીએ છીએ અને એક વખત આપણી સલામતી અને સત્તાના કેન્દ્રીત સ્થાને પહોંચી આપણી અગાઉ જેવી પ્રકૃતિ ધારણ કરી લઇએ છીએ.

એવું પણ મનાય છે કે રાવણ એક જમાનામાં દસ એવા પ્રદેશોમાં રાજ કરતો હતો જે વર્તમાનમાં શ્રીલંકા, મલેશિયા, બાલી, સુમાત્રા, મડાગસ્કર, ઓસ્ટ્રેલિયા, ન્યુગુયાના, પશ્ચિમ ફિલિપાઇન્સ, દક્ષિણ થાઇલેન્ડ અને આંદામાન નિકોબાર છે. આજે પણ આ દેશોમાં ભગવાન શ્રીરામના મંદિરો છે. તેમના પુરાતન સ્થાપત્યમાંથી પણ આવા પૂરાવા સાંપડે છે. રાવણને પણ પૂર્વરાજા તરીકે પૂજનારી પ્રજા અને પ્રદેશો છે. પૂરાણ કથાઓમાં એવો પણ ઉલ્લખ છે કે રાવણ માયાવી પુરૂષ હતો. તે મોટે ભાગે તો સામાન્ય માનવીની જેમ એક માથા સાથે જ ફરતો હતો પણ જરૂર પડે ત્યારે શક્તિ પ્રદર્શન કરવા કે ડરાવવા તે દસ માથાનું રૂપ ધારણ કરતો હતો.

તેનામાં દસ મહાબલી જેટલી તાકાત હતી. તેનામાં ૧૦ જુદી જુદી વિકારો ધરાવતી મતિ હતી, અને તેમાં તેનું આ સામર્થ્ય ભેગુ કરી બધાને ડરાવતો. સંસ્કૃતમાં 'જે બધાને રડાવે તે રાવણ.' એક અર્થ એમ પણ નીકાળી શકાય કે જે મસ્તિષ્કમાં ચાર વેદ અને છ ઉપનિષદ રહી શકે તે જ મસ્તિકમાં દસ અવગુણો પણ વાસ કરી જ શકે.

નવી દિલ્હીના રામલીલા મેદાનમાં હિન્દુ-મુસ્લિમ અને અન્ય ધર્મી કલાકારો રામલીલા ભજવતા હોય છે. અમદાવાદમાં પણ રામલીલા ભજવવા આ મંડળી આવી હતી ત્યારે બેક સ્ટેજમાં જઇને ઝવેરીલાલ મહેતાએ યાદગાર તસવીર ખેંચી હતી. ૧૦ માથાના ગેટઅપ સાથે રાવણ સાચા માથાના હોઠથી કપ પકડીને ચા પીતો હોય છે અને બાજુમાં હનુમાન બનીને તૈયાર થયેલ કલાકાર ચાની કીટલી લઇને ઉભો હોય છે. રામનું પાત્ર ભજવનાર કલાકાર મુસ્લીમ બિરાદર હતા. રામ અને હિંદુ ધર્મી સૈનિક એક જ બીડી વારાફરતી ફૂંકતા હતા. 

ચાલો દશેરા ઉજવીએ પણ આપણા વિકારોનું દહન કરીને.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31I4JNE
Previous
Next Post »