સુ શાંત સિંહ રાજપૂત હત્યા કેસની આડપેદાશ જેવા ડ્રગ્સ સ્કેન્ડલને કારણે એક નવી વાત બહાર આવી છે તે એ કે બોલીવૂડ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી અનેક વ્યક્તિઓને નશાની લત લાગી છે. કલ્પના ન કરી શકીએ તેવા કલાકારોના નામ નશાખોરોની જમાતમાં ઉછળ્યા છે. આથી સમાજમાં ચકચાર મચી ગઈ છે. પણ એથી ગંભીર વાત તો એ છે કે દેશનું યુવાધન પણ નશાની ચુંગાલમાં ફસાયું છે તે પણ એટલી હદે કે માન્યતામાં ન આવે.
યુવાનો તો ઠીક નાના બાળકો, ટીનએજરો પણ નશાના બંધાણી બનતા જાય છે. અને તેમની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. વધુ ચિંતાજનક વાત તો એ છે કે ડ્રગ્સના રવાડે ચઢી હોય તેવી તરુણીઓની સંખ્યા પણ ચોંકાવનારી છે.
ગયા વર્ષે એક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે શહેરના વિદ્યાર્થીઓમા વ્હાઇટનર સુંઘીને નશો કરવાનું ચલણ ભયજનક રીતે વધી રહ્યું છે. હકીકતમાં વ્હાઇટનરની બોટલ ૨૫ રૂપિયા જેટલી મામુલી કિંમતે અત્યંત સહેલાઈથી મળી શકતી હોવાના કારણે નશા માટે આ વિકલ્પ લોકપ્રિય બન્યો છે.
વ્હાઇટનર સુંઘીને નશો કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતા દસમા ધોરણનો એક વિદ્યાર્થી કહે છે કે ''મારા મિત્રો આ પ્રકારના નશાથી માહિતગાર હતા અને તેમણે જ મને આ અનુભવ લેવાનું દબાણ કર્યું હતું. આ દબાણને કારણે મેં થોડા સમય સુધી આ નશો કર્યો હતો. મારા મોટાભાગના મિત્રોને નશો કરવાની આ ટેકનીકની ખબર છે અને ઘણા લોકો આ આદતના બંધાણી થઈ ગયા છે. વ્હાઇટનરથી વ્યક્તિને કીક નથી લાગતી, પણ તમારી પ્રતિભાવ આપવાની ઝડપ ચોક્કસપણે મંદ પડી જાય છે.''
ગયા માર્ચ મહિનામાં નોઇડાની એક જાણીતી સ્કૂલના સીસીટીવી કેમેરામાં સ્કૂલના જ પરિસરમાં કેટલાક વિદ્યાર્થી આ પ્રકારને નશો કરતા ઝડપાઈ ગયા હતા. દિલ્હીની જેમ મુંબઈના વિદ્યાર્થીઓમાં પણ આ રીતે નશો કરવાનું ભારે ચલણ છે. આ પ્રકારના નશાની સારવાર કરતા મનોચિકિત્સક એવા એક ડોક્ટર કહે છે કે હાલમાં આ પ્રમાણ કેટલું છે એનો અંદાજ મેળવવો તો મુશ્કેલ છે, પણ સમાજનો જે ઉચ્ચ મધ્યમવર્ગ સહેલાઈથી આ બધી વસ્તુઓ મેળવી શકે છે તેમનામાં એની મદદથી નશો કરવાનું ચલણ વધ્યું છે.
શ્રેણિકની માતા તેને મનોચિકિત્સક પાસે લઈ ગઈ ત્યારે તેને એક જ વાતની ચિંતા સતાવતી હતી કે તેના તેજસ્વી પુત્રના ઉત્તરોત્તર બગડી રહેલા પરિણામોનું કારણ ઝટ પકડાશે કે નહીં. મનોચિકિત્સકે શ્રેણિકને જે પ્રશ્નો પૂછ્યા તેમાંથી જે તારણ નીકળ્યું તે સાંભળીને તેની માતા ડઘાઈ ગઈ હતી.
મનોચિકિત્સકે તેની સાથેની વાતચીતમાં શોધી કાઢ્યું હતું કે શ્રેણિકને વાઈટ ઈંક એટલે કે કરેકશન ફલુઈડ સુંઘવાની લત લાગી ગઈ છે. બજારમાં આસાનીથી મળતી આ શાહી બોલપેન અથવા પેનથી લખેલું ખોટું લખાણ ભૂંસવા માટે વપરાય છે. પણ ચિંતાજનક વાત એ છે કે આ વાઈટ ઇંકમાં હાનિકારક પેટ્રોકેમિકલ્સ હોય છે, જે સુંઘવાથી સંબંધિત વ્યક્તિને તાત્કાલિક નશો ચડે છે.
થોડાં દાયકાઓ પહેલાં શેરીના બાળકોમાં આ ફલુઈડ સુંઘવાની લત મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. પણ હવે સારા પરિવારના બાળકોમાં પણ આ બંધાણ ઝડપથી પ્રસરી રહ્યું છે.
એક મનોચિકિત્સક જણાવે છે કે છેલ્લા બે વર્ષમાં આ નશાનો શિકાર બનેલા વિદ્યાર્થીઓના સંખ્યાબંધ માતાપિતા અમારી પાસે તેમની આ લત છોડાવવા આવ્યાં છે. શહેરમાં આવા કેસમાં ઝપાટાભેર વૃદ્ધિ થઈ રહી છે. અન્ય એક મનોચિકિત્સકે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં જ મેં વાઈટ ઈંકની લતે ચડેલા બે બાળકોને હોસ્પિટલમાં મોકલ્યા હતાં, જેથી તેઓ આ બંધાણમાંથી છૂટી શકે અને તેમનું પુનર્વસન થઈ શકે. વિડંબણા એ છે કે વાઈટ ઇંકની બોટલ પર સૂચના લખેલી હોય છે કે તે ૧૮ વર્ષથી નીચેના બાળકોને વેચવામાં ન આવે. આમ છતાં દુકાનદારો આ સૂચના વાંચવાની કે તેનો અમલ કરવાની તસ્દી લેતાં નથી. પરિણામે મોટા ભાગે ૧૪થી ૨૦ વર્ષની વયના કિશોરો તેના બંધાણમાં સપડાય છે.
નશો ચડાવવા છોકરાઓ ઇંકને થીનર/પ્રવાહી સાથે પોલીથીન બેગમાં મિક્સ કરે છે. આ પ્રવાહી તેઓ પોતાની સાથે લઈ જાય છે અને કીક મેળવવા થોડી પળ માટે સુંઘી લે છે.
વાઈટ ઇંકની લતનો શિકાર બનેલો રમણીક કહે છે કે તેનાથી હું કોઈક નવી જ દુનિયામાં પહોંચી જાઉં છું. ૨૦ વર્ષનો રમણીક ૧૬ વર્ષનો હતો ત્યારથી તે આ નશાનો બંધાણી બની ગયો છે. તે કહે છે કે આરંભના તબક્કામાં મને એ જાણવાની જિજ્ઞાાસા હતી કે તેનાથી થતો નશો કેવો હોય. અને પછી મને તેની લત લાગી ગઈ. વળી આ ડ્રગનો વિકલ્પ સૌથી સસ્તું પણ છે.
મનોચિકિત્સકો કહે છે કે આ બંધાણનો શિકાર બનેલાઓની આરંભના તબક્કામાં ભૂખ મરી જાય છે. પણ લાંબા ગાળે તેની આડઅસરો અત્યંત જોખમી હોય છે. તેમાં રહેલા જોખમી રસાયણોથી હૃદય, ફેફસાં, રક્તવાહિની અને કોઈક કેસમાં મગજને સુધ્ધાં અસર થાય છે. આ ઉપરાંત આ નશાના બંધાણી બનેલા છોકરા આગળ જતાં કેનેબી કે પછી કોકેનની લતે પણ ચડી શકે છે.
જોકે તબીબો કહે છે કે માતાપિતાએ પોતાના સંતાનો પર ચાંપતી નજર રાખવી જોઈએ. તેમનું વર્તન કોઈપણ રીતે બદલાય તો માતાપિતાએ ચેતી જવું જોઈએ. જો બાળકની ભૂખ મરતી જાય, તેના વર્તનમાં દેખીતા ફેરફાર જોવા મળે, બાળક ઘરમાંથી નાણાંની ચોરી કરે, તેની પરીક્ષાનું પરિણામ નબળું થતું જાય, તેની આંખો લાલ થઈ જાય, તમે તેની પાસે વાઈટ ઇંકની ખાલી બોટલ વારંવાર જુઓ, તેના વસ્ત્રો અથવા શરીર પર વાઈટ ઈંકની વાસ આવે તો તરત જ સાવધાન થઈ જાઓ. છેલ્લા છ મહિનામાં આ પ્રકારના ૧૪ જેટલા કેસમાં સારવાર આપનારા ક્લિનિકલ સાયકલોજિસ્ટ કહે છે કે પરિવારમાં તણાવ હોય ત્યારે અથવા તો મિત્રોના દબાણને કારણે બાળકો જ્યારે હતાશા અનુભવે ત્યારે ક્ષણિક નશો મેળવવા માટે બાળકો વ્હાઇટનર અને એના જેવા બીજા નશાકારક દ્રવ્યો સુંઘતા હોય છે. જો બાળક આ પ્રકારે નશો કરવાની આદતનું બંધાણી બની ગયું હોય તો એના વર્તનમાં ભારે ફેરફાર દેખાય છે અને વર્તનમાં ફેરફાર, કામમાં ઢીલાશ, ભુખ મરી જવી અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવવી જેવા લક્ષણો જોવા મળે છે.
આ સમસ્યા વિશે વાત કરતા જુનિયર કોલેજનો એક વિદ્યાર્થી કહે છે કે મારા ખ્યાલથી મોટાભાગના વિદ્યાર્થીઓ આ પ્રકારે નશો કરે છે. હું આ પ્રકારનો નશો કરતા વીસેક મિત્રોને ઓળખું છું અને એમાંથી કોઈની પણ સારવાર કરવામાં નથી આવી. એક ચોંકાવનારી માહિતી પ્રમાણે એક સ્કૂલના વિદ્યાર્થીઓએ તો કાઉન્સેલર સાથે પણ આ મુદ્દાની ચર્ચા કરી છે. આ સમસ્યા આટલી બધી વ્યાપક હોવા છતાં મોટાભાગની શાળાઓના પ્રિન્સિપાલોને આ મુદ્દાની ખબર જ નથી.
આમ કેફી પદાર્થોનું ઝેર સમાજના સર્વ સ્તરે ઝડપથી પ્રસરી રહ્યું છે. તરુણો આ કેફી દ્રવ્યોના બંધાણી બની ગયાછે, ત્યારે હવે આમાં તરુણીઓની સંખ્યા વધી રહી હોવાનું સ્પષ્ટ થાય છે. પાર્ટીઓમાં થતાં કેફી દ્રવ્યના વ્યસનમાં શ્રીમંત વર્ગની તરુણીઓનું પ્રમાણ વધુ છે. વિશેષમાં તેઓ કયા કેફી પદાર્થનું સેવન કરે છે, એની માહિતી પણ તરુણીઓને હોતી નથી જેના ગંભીર પરિણામ આવે છે.
રૂપલ મહેતા (૨૨) (નામ બદલવામાં આવ્યું છે) તેના કોલેજિયન મિત્રો સાથે પાર્ટી અને પબમાં જવાની શોખીન. કૌટંબિક અને અન્ય વ્યક્તિગત સમસ્યાઓને કારણે તાણ અનુભવતી હોવાથી મિત્રોએ તેની તાણ દૂર કરવા એક કેફી દ્રવ્ય આપ્યું હતં. કોઈ નુૂકસાન નહીં થશે. તારુ ટેન્શન દૂર થઈ જશે એમ કહીને મિત્રોએ તેને કેફી પદાર્થ આપ્યો હતો. પોતે કેફી પદાર્થનું સેવન કરે છે, પણ તે કયું છે એની માહિતી રૂપલને ન હતી. પોલીસોને આની માહિતી મળતાં કેફી પદાર્થ વિરોધી શાખાના આઝાદ મેદાન યુનિટે રૂપલને તાબામાં લઈ તેની તપાસ શરૂ કરી હતી. રૂપલે સેવન કરેલો કેફી પદાર્થ ક્રિસ્ટલ હોવાનું તેણે જણાવ્યું હતું. પરંતુ આ કેફી પદાર્થ સૌથી ઘાતક મનાતું એમડી હોવાનું પોલીસે તેને જણાવતાં તે સ્તબ્ધ થઈ ગઈ હતી. આ કેફી પદાર્થના સેવનથી વર્ષભરમાં જ તું દુનિયા છોડી દેશે એમ પોલીસોએ તેને જણાવતાં તે તૂટી પડી હતી. તેના પર કોઈ કાર્યવાહી ન કરતા પોલીસોએ તેને કેફી પદાર્થના વ્યસનથી બહાર કાઢવા માટે તેનું પુનર્વસન કરવાનો નિર્ણય લીધો છે. રૂપલને કેફી પદાર્થના ભીષણ પરિણામની કલ્પના થતાં એને પોતાની ભૂલ સમજાઈ છે. આ જંજાળમાંથી બહાર નીકળવા તે પ્રયત્ન કરી રહી છે.
આ બાબતે માહિતી આપતાં કેફી પદાર્થ વિરોધી શાખાના પોલીસ નિરીક્ષકે જણાવ્યુ ંહતું કે, કેફી પદાર્થના સેવનમાં તરુણીઓનું વધતું જતું પ્રમાણ ચિતાજનક છે. જો કોઈ વ્યક્તિ કેફી પદાર્થોનું સેવન કરતાં પકડાઈ તો તેઓ વિરુદ્ધ કેફી પદાર્થ વિરોધી કાયદો (એનડીએપીએસ એક્ટ) હેઠળ કાર્યવાહી કરવાની જોગવાઈ છે. પણ તરુણીઓી બાબતે તેઓ પર કાર્યવાહી કરવી એ એકમાત્ર ઉપાય નથી. તેમને કેફી પદાર્થના વ્યસનથી મુક્તિ અપાવવા માટે તેઓનું પુનર્વસન કરવામાં આવે છે તે માટે કલમ ૬૪ (અ) નો આધાર લેવામાં આવે છે. કોલેજ સ્ટુડન્ટોને કેફી પદાર્થના વ્યસનથી મુક્તિ અપાવવા માટે ગયા વર્ષે ડ્રગ્સ ફ્રી કેમ્પસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
કેફી પદાર્થના વ્યસની બનેલા તરુણોને શોધી તેમને આ આદતથી છૂટકારો અપાવવો આ ઝુંબેશનો ઉદ્દેશ છે.
એ માટે શિક્ષક અને વાલીઓની પણ મદદ લેવામાં આવે છે.
આપણે સૌ જાણીએ છીએ કે માનવીનું સામાજીક જીવન અનેક ચિંતાઓથી ઘેરાયેલું રહે છે. આજની વધતી જતી મેોંઘવારીની ભીંસમાં જતી મોંઘવારીની ભીંસમાં ભીંસાતો માનવી સતત એક યા બીજા પ્રકારની ચિંતાથી વ્યગ્ર રહે છે. પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા મથતો માનવી સતત તણાવગ્રસ્ત રહે છે. તેમના બાળકો પણ અભાવથી પીડાવાને કારણે તણાવ અનુભવે છે. કેટલાક લોકો ગુસ્સા દ્વારા પોતાનો તણાવ ઓછો કરવા પ્રયત્ન કરેછે. પણ સતત આવા તણાવથી અકળાઈને તેઓ નશાના રવાડે ચડી જાય છે. કેટલાક લોકો ઊંઘની ગોળીઓનો પ ણ આશરો લેતા હોય છે. બાળકો પણ આવા નશીલા પદાર્થોનું સવન કરતા થઈ ગયા છે. જે અત્યંત ચિંતાજનક બાબત છે. જો કે બાળકોને પૂછવામાં આવે તો તેઓ સ્પષ્ટ કારણો જણાવી શકતા નથી.
ગયા માર્ચમાં બાહોશ અધિકારી ની ભત્રીજી પરીક્ષામાં સારા માર્ક્સ ન મળવાને કારણે ઘર છોડીને ચાલી ગઈ હતી. કોઈને કીધા વિના એ તેના દાદાના ઘરે ગઈ હતી. નવમા ધોરણમાં અભ્યાસ કરતો લતાબેનનો હેમંત છમાસિક પરીક્ષામાં નાપાસ થયો. છેલ્લા એકાદ વર્ષથી તેનું વર્તન સાવજ વિચિત્ર થઈ ગયું હતું. રાત્રે ખૂબ જ મોડો ઘરે આવતો. પપ્પાની સામે આવતાં કતરાતો. નાના ભાઈ-બેનનો અને મમ્મી સાથે વારંવાર ઝઘડી પડતો. હેમંત હવે મોટો થયો હોવાથી પણ ઝાઝુ કંઈ જ કહેતા નહિ પોતાના કેટલાક કારણોસર અકળાયેલો હેમંત ગરદ (બ્રાઉન સુગર) ની બૂરી લતે ચડી ગયો. જો કે હેમંતના પપ્પાના ધ્યાનમાં આવતાની સાથે જ તેમણે જતન પૂર્વકની માવજત અને તબીબી સારવાર દ્વારા હેમંતને આ લતમાંથી ઊગારી લીધો.
હેમંતના કેસનું વિશ્લેષણ કરતાં માલુમ પડયું કે હેમંત કદમાં ઠીંગણો, દુબળો, પાતળો હતો. શાળામાં સહુ તેને ચીડવતા. હેમંતે પોતાની ઊંચાઈ વધારવા અનેક પ્રયત્નો કરેલા. પણ કંઈ જ ફરકન પડતાં હતાશ થયેલો હેમંત છેવટે બ્રાઉન સુગરનો બંધાણી બની ગયો.
વીસ વર્ષનો મયુરનો આનાથી કંઈક જુદો કેસ છે. શ્રીમંત બાપનો એકમાત્ર પુત્ર મયુર છેલ્લા બે વર્ષથી બ્રાઉન સુગર લેતો હતો. મયુરના પપ્પા મોટા વેપારી મમ્મી અને પપ્પા વચ્ચે અણબનાવને કારણે વારંવાર બંને ઝઘડી પડતા. મયુર માતા-પિતાની પ્રેમભરી હૂંફ માટે સતત તડપતો રહેતો. પણ આ બંનેમાંથી એકેયને મયુર માટે સમય ન હતો અને સતત એકલો પડી ગયેલો મયુર છેવટે નશાના રવાડે ચડી ગયો.
મનોચિકિત્સક ડો. હંસા પરીક્ષ જણાવે છે કે, દર વર્ષે મુંબઈમાં ૬૦ થી પણ વધારે બાળકો નશા મુક્તિ અંગેની સારવાર માટે દાખલ કરાય છે. આવા બાળકોના કેસ તપાસતા માલુમ પડયું છે કે, બાળક નશાની ચુંગાલમાં ફસાવાનું મુખ્ય કારણ મા-બાપનું બાળક પ્રત્યે દુર્લક્ષ જ છે. પિતા વ્યવસાયમાં અને માતા ઘર, બાળકો તથા અન્ય પ્રવૃત્તિઓમાં રચીપચી રહતી હોવાને કારણે તેઓ બાળકો માટે બિલકુલ સમય ફાળવી શકતા નથી અને તેથી ખાસ તેમનું ધ્યાન ખેંચાય તે માટે બાળકો ચોરી કરવી, જૂઠું બોલવું શાળામાં તોફાનો કરવા જેવી વિચિત્ર પ્રવૃત્તિઓ દ્વારા પોતાનો આક્રોશ ઠાલવવાનો પ્રયત્ન કરે છે અને ખોટા રસ્તે દેખાય છે.
બાળકોની જિજ્ઞાાસા ન સંતોષાય અથવા અચાનક માતા-પિતાનું મૃત્યુ થાય અને એવા સમયે એકલા અટુલા પડી ગયેલા બાળકોને સાંભળી લેનાર કોઈ ન હોય ત્યારે બાળક દિશાહિન બની જાય છે અને છેવટે નશાના રવાડે ચડી જાય છે.
અનેક પ્રકારની સામાજિક, તથા આર્થિક સમસ્યાઓ, ભણતરનો અભાવ, ગરીબીને કારણે મનમાં પેદા થતાં અસંતોષ અને કુસંગત પણ બાળકને નશાના સેવન તરફ દોરી જાય છે. મોટે ભાગે નાની ઉંમરના છોકરાઓ હેરોઈનનો નશો કરતા માલુમ પડયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં લોકો ગાંજો અને ચરસ પીએ છે. હેરોઈન સીગારેટમાં ભરીને પીવાય છે અથવા ઈન્જેક્શન દ્વારા નસમાં અપાય છે.
છોકરો કે છોકરી નશો કરતાં થઈ ગયો છે એ શી રીતે માલુમ પડે....?
સામાન્ય રીતે સાફ સૂથરી અને વ્યવસ્થિત કપડામાં દેખાતી વ્યક્તિ જ્યારે અસ્તવ્યસ્ત કે લઘરવઘર- કપડામાં દેખાય. તેમનું શરીર સાવ કૃષ થઈ ગયું હોય, મિત્ર મંડળ બદલાયેલું લાગે. બાથરૂમમાં નહાતા ધોતાં પહેલાં કરતા સારો એવો વધારે સમય લાગતો હોય. ઘરમાં પોતે એક રૂમમાં એકલો બેસી રહેવાનું પસંદ કરતો હોય. કોઈની જોડે હળી મળીને વાત કરતો ન હોય.
સખત ગરમીમાં પણ લાંબી બાંયનું શર્ટ અને આંખે કાળા ગોગલ્સ પહેરવાનું પસંદ કરતો હોય. આંખ અને નાકમાંથી પાણી વહેતું હોય. શરીર પીળું પડી ગયું હોય, આંખો ઊડી ઊતરી ગઈ હોય, ત્યારે સમજી લેવું કે બાળક નશાનો ગુલામ બન્યો છે.
આવા બાળકને જ્યારે નશો કરવા ન મળે ત્યારે ચાર પાંચ કલાકમાં આંખ અને નાકમાંથી સતત પાણી વહેવા માંડે છે. શરીરે પરસેવો વળે છે અને ચિડિયો બની તેના માટે તરફડે છે. અને જો વધારે કલાકો સુધી તેમને દવા ન અપાય તો તેમની માંસપેશીઓ અકડાઈ જાય છે. ઊંઘ ઊડી જાય છે અને ઊલ્ટીઓ પણ થાય છે.
આવા બાળકો સ્કૂલમાંથી ભાગતા ફરે છે. નાની મોટી ચોરીઓ કરે છે અને છોકરીઓ મજબૂરીનો વશ થઈ વેશ્યાવૃત્તિમાં શામિલ થઈ જાય છે અને છાનામાના તેઓ નશો કરે છે.
લાંબા ગાળા સુધી ભાંગ, ગાંજો કે ચરસના નશાથી માથાનો દુખાવો થાય છે. ધીરે ધીરે સ્મરણશક્તિ ઓછી થતી જાય છે. વ્યક્તિ પોતાની પ્રતિભા ગુમાવતી જાય છે. સ્વભાવે ચિડિયો થઈ જાય છે. હતાશ બની જાય છે. જીવનના કોઈ કામમાં તેને રસ રહેતો નથી. તેથી જ આવી હતપ્રભ દશામાંથી બાળકોને બચાવી લેવા જ જોઈએ અને એ માટે નશા વિરુધ્ધ અભિયાન અર્થે ઠેરઠેર નશામુક્તિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. પ્રદર્શનો દ્વારા પણ નશાથી દૂર રહેવા લોકોને સાવધ કરાય છે.
નશો કરતાં બાળકને માનસિક રોગોની હોસ્પિટલમાં પધ્ધતિસરની સારવાર અપાય છે. દવા ઉપરાંત બી કોમ્પ્લેક્સ, ગ્લુકોઝ વગેરે આપવામાં આવે છે. પણ કેટલીકવાર એવું બને છે કે બાળક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોય અને બીજી બાજુ કોઈ અન્ય વ્યક્તિ તેને છાનામાના નશીલા દ્રવ્યો પહોંચાડતો હોય, ત્યારે વ્યક્તિ જલ્દી નશાની ચૂંગાલમાંથી મુક્ત બની શકતી નથી.. તેની સારવાર સફળ થતી નથી. અને જો આવું થતું રહે તો નશામુક્તિનું અભિયાન સફળ ન થઈ શકે.
નશાના રવાડે ચડી ગયેલા બાળકને નશો છોડાવવા સૌપ્રથમ તેને તબીબી સારવાર સાથે પુષ્કળ પ્રેમઆપી તેનામાં આત્મવિશ્વાસ જગાવવા પ્રયત્ન કરવો જોઈએ. તેનું ધ્યાન તેની ગમતી પ્રવૃત્તિ જેવી કે, વાંચન, પેઈન્ટીંગમાં દોરવા પ્રયત્ન કરવો અને વડીલોએ લાડ પ્યાર સાથે તેની દરેક પ્રવૃત્તિ પર નજર રાખવી જોઈએ સ્વજનોની હૂંફ મળે તો બાળક કદી નશાખોરી ભણી વળતું જ નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FWVOQB
ConversionConversion EmoticonEmoticon