આણંદ જિલ્લામાં વધુ બે બાળકોના શંકાસ્પદ ડિપ્થેરિયાથી મોત નિપજ્યા


- સોજિત્રાના કાસોરના પાંચલીપુરાના વિસ્તારમાં છ વર્ષની બાળકી અને પાંચ વર્ષના બાળકના મોતથી તંત્રએ સર્વે શરૂ કર્યો

આણંદ, તા. 29 ઓક્ટોબર 2020, ગુરુવાર

આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના બાલીન્ટા ગામે આશરે ૨૦ દિવસ અગાઉ ૧૧ વર્ષીય કિશોરીનું શંકાસ્પદ ડીપ્થેરીયા રોગને કારણે મૃત્યુ નીપજ્યા બાદ તાજેતરમાં સોજિત્રા તાલુકાના જ કાસોરના પાંચલીપુરા વિસ્તારમાં છ વર્ષીય બાળકી અને પાંચ વર્ષીય બાળકનું શંકાસ્પદ ડીપ્થેરીયાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ આ વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હોવાના અહેવાલ સાંપડયા છે.

કોરોના વાયરસની મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યમાં ડીપ્થેરીયાના રોગે પણ દેખા દીધી છે અને કેટલાક સ્થળોએ ડીપ્થેરીયાના કારણે આશરે સાત જેટલા બાળકોના મૃત્યુ પણ નીપજ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આણંદ જિલ્લાના બાલીન્ટા ગામે ૧૧ વર્ષીય કિશોરીનું અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન શંકાસ્પદ ડીપ્થેરીયાના કારણે મૃત્યુ નીપજ્યા બાદ સોજિત્રા તાલુકાના કાસોર ગામના પાંચલીપુરા વિસ્તારમાં પણ શંકાસ્પદ ડીપ્થેરીયાએ દેખા દેતા ગ્રામજનોમાં ચિંતાની લાગણી વ્યાપી છે. પાંચલીપુરા વિસ્તારના એક પાંચ વર્ષીય બાળકને ગત તા.૧૪ ઓક્ટોબરના રોજ સામાન્ય તાવ સાથે મ્હોમાં ચાંદા પડતા પરિવારજનો દેથલી ખાતે ધાર્મિક સ્થળે લઈ ગયા હતા. જો કે બાળકની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો અને આખરે તા.૨૩ ઓક્ટોબરના રોજ આ બાળકનુ મૃત્યું નીપજ્યું હતું. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બાળકનું મૃત્યું શંકાસ્પદ ડીપ્થેરીયાના કારણે થયું છે. રીપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.

બીજી તરફ આ જ વિસ્તારમાં રહેતી એક છ વર્ષીય બાળકીને પણ ગત તા.૧૪ ઓક્ટોબરના રોજ સામાન્ય તાવ સાથે મ્હોમાં ફોલ્લા પડતા તેને પણ દેથલી ગામે ધાર્મિક સ્થળે લઈ જવાઈ હતી. જો કે બાદમાં બાળકીની તબિયતમાં કોઈ સુધારો ન થતા તેને પરિવારજનો બોરસદની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી બાળકીને વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જો કે તા.૨૪ ઓક્ટોબરના રોજ રાત્રિના સુમારે બાળકીને તબિયત વધુ લથડતા તેણીને ગોત્રી હોસ્પિટલ રીફર કરાઈ હતી. જ્યાં બાળકીનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. બાળકીના મૃત્યુનું કારણ ડીપ્થેરીયા હોવાની વાતને લઈ તંત્ર દ્વારા આ વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરી વેકસીનની કામગીરી તેજ કરવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/380xp8e
Previous
Next Post »