લોગઇનઃ
મંદિર બ્હાર
ભિક્ષુક,ભીતર હું,
ફર્ક કેટલો?
-વિપિન પરીખ
સુરેશ દલાલે માણસના મનમાં રહેલી ભીક્ષાવૃત્તિ પર સરસ વાત કરેલી. ઘણી વાર ટ્રાફિકમાં ચાર રસ્તે ઊભા રહેવાનું થાય, ત્યારે અનેક ભિખારીઓ માગવા આવી જતા હોય છે. આવા ભિખારીઓને જોઈને ઘણા લોકો ચિડાઈને પોતાની ગાડીના કાચ ચડાવવા લાગે છે. આ જોઈને સુરેશ દલાલને થયું કે માણસ જ્યારે મંદિરમાં ઈશ્વર પાસે ભીખ માગતા હશે ત્યારે ઈશ્વરને પોતાની બારીના કાચ નહીં ચડાવવા પડતા હોય? આ પ્રસંગ સાથે જ ભાવેશ ભટ્ટનો શેર પણ યાદ આવી જાય,
માગનારાઓથી જે પિડાય છે,
બહુ સમય પૂજામાં એનો જાય છે.
ભીખારીઓને જોઈને પોતાની કારના કાચ ચડાવી લેતા લોકો મંદિરમાં ભીખારીથી ય નીચા સ્તરે હોય છે. જેની પાસે સામાન્ય માણસની મદદ માટે બે મિનિટ પણ નથી હોતી, તે મંદિરમાં કલાકોના કલાકો પૂજામાં ગાળતા હોય છે, ના, ના શ્રદ્ધામાં નહીં, પોતાની માગણીઓ સ્વીકૃત થાય એવી આશામાં જ તો! બાકી જરૂર ન હોય તો એ ભગવાનને ય વેચી મારે.
ઓશો રજનીશે મુલ્લા નસરુદ્દીનના નામે એક સરસ પ્રસંગ કહેલો. એક વાર મુલ્લા નસરુદ્દીને એક મોટો બંગલો ખરીદ્યો. આ બંગલો તેમને બહુ જ વહાલો. બંગલો ખરીદીને તે હજ કરવા ઊપડયા. થયું એવું કે હજ કરીને પાછા ફરતા હતા ત્યારે વચ્ચે દરિયામાં તોફાન આવ્યું. જહાજ ડૂબવા લાગ્યું. મુલ્લા તો અલ્લાને આજીજી કરવા લાગ્યા કે,'હે અલ્લા મને બચાવી લો તો હું મારો આખો બંગલો વેચીને તેમાંથી જે રકમ આવે તેનું દાન કરી દઈશ.' તેમની વાત સાંભળીને સાથીદારો ચમક્યા. તેમને ખબર હતી કે મુલ્લા બંગલો કોઈ કાળે ન છોડે, તે તો તેમને જીવ કરતાંય પ્યારો હતો.
વાત જીવ પર આવી હતી એટલે મુલ્લાએ અલ્લા સાથે બંગલાનો સોદો કરી નાખ્યો. અલ્લાએ તેમની દુઆ સાંભળી, તોફાન શમી ગયું. નસરુદ્દીન અને બધા સાથીદારો બચી ગયા. ઘરે આવ્યા પછી બધા મિત્રો કહેવા લાગ્યા કે હવે બંગલો દાનમાં આપી દો. મુલ્લા મુંઝાયા, થયું કે આની કરતા તો મરી ગયો હોત તો સારું હતું! માણસને પોતાનું કંઈ પણ છોડવાનું હોય તો જલદી છૂટતું નથી. પણ તેમણે તો જહાજમાં પોકારી પોકારીને અલ્લાને કહ્યું હતું. એટલે વચનથી ફરાય નહીં. બધા કાફિર ગણે! હવે કરવું શું?
આખરે તેમણે બંગલો વેચવાની જાહેરાત કરી, અચ્છા અચ્છા શેઠિયાઓ આવ્યા ખરીદવા. પણ મુલ્લાજીએ એક શરત રાખી. બંગલા સાથે એક બિલાડી ખરીદવી ફરજિયાત હતી. બધાને થયું કે બંગલો ખરીદીએ છીએ તો સાથે એક નાની બિલાડી ખરીદી લેવામાં શું વાંધો?
એક જણે પૂછયું, બંગલાની કિંમત શું? મુલ્લા કહે, એક રૂપિયો. આ સાંભળીને બધાને ખૂબ નવાઈ લાગી. તરત મુલ્લાએ કહ્યું, બંગલાની કિંમત એક રૂપિયો છે, પણ બિલાડીની કિંમત એક કરોડ રૂપિયા છે, જે બિલાડી ખરીદે તેને જ બંગલો આપવાનો છે. ખરીદનારને થયું કે આપણે તો બંગલો જ લેવાનો છેને, ભલેને બિલાડીના નામે રકમ આપીએ.
આખરે એક માણસે બિલાડી અને બંગલો ખરીદી લીધો. મુલ્લાએ તરત એક રૂપિયો દાનમાં આપી કરોડ રૂપિયા પોતાની પાસે રાખ્યા, પછી કહ્યું, 'હે અલ્લા, મારા વચન પ્રમાણે બંગલાની રકમ હું દાનમાં આપું છું, પણ બિલાડીની રકમ તો મારા હકની છે. એટલે મારી પાસે રાખું છું.'
માણસો પોતાના સ્વાર્થ માટે ભગવાનને છેતરતા પણ અચકાતા નથી. વિપિન પરીખે નાનકડા હાઇકુમાં બહુ મોટી વાત કરી નાખી છે. પોતે મંદિરમાં પોતાની ઇચ્છિત વસ્તુઓ માગવા ઈશ્વરને કરગર્યા કરે છે. ભિખારી મંદિરની બહાર પોતાનું ગુજરાન ચલાવવા માગે છે, આ બે ઘટનામાં વધારે ફર્ક નથી.
આવી જ એક નાની વાર્તા પણ હતી. નાનકડા છોકરાને થયું કે રાજા પાસે જઈને બધું મગાય તેની પાસે બધું જ હોય, તે રાજાને મળવા ગયો ત્યારે રાજા પોતે મંદિરમાં ઈશ્વર પાસે ધનવૈભવ માગી રહ્યો હતો. છોકરાને થયું કે રાજા જેની પાસે માગે છે તેની પાસે જ ન માગી લઉં? ઉમાશંકર જોશીની સુપ્રસિદ્ધ પંક્તિઓ છે,
ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું મસ્તક હાથ,
બહુ દીધું નાથ, જા ચોથું નથી માગવું.
પ્રામાણિક અને નિષ્ઠાવાન માણસ માટે આટલું પૂરતું છે, આનાથી તે આરામથી જીવન વિતાવી શકે. માણસ પાસે કોમળ હૃદય, ઉન્નત વિચારો ધરાવતું મસ્તિષ્ક અને પરિશ્રમ કરતાં હાથ હોય તો બીજું શું જોઈએ?
આવી ઈશ્વર કને કરાતી માગણી સંદર્ભે વિપિન પરીખે જ સુંદર પંક્તિઓ લખી છે, તેનાથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટઃ
માંગવાનું કહે છે તો માંગી રહું છું આ પ્રભુ!
દઈ દે મન એવું કે માંગે એ કશું નહી!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TkFhsX
ConversionConversion EmoticonEmoticon