જ્યા રે આપણા સમાજમાં ધર્મની માફક લાજ-મલાજાનું પાલન થતું હતું ત્યારે પાલન કરનારને બીજાઓ પણ આડકતરી રીતે મદદરૂપ થતા હતા! વહુવારોએ ઘૂંઘટમાં રહેવાની પ્રથા હતી ત્યારે એ પ્રથાને ઘૂંઘટમાં રહેનાર જ નહિ ઘૂંઘટમાં રાખનારને પણ પાલન કરવું પડતું હતું. ઘરની બહાર ગયેલા વડીલ ઘર ભણી પાછા વળે ત્યારે ઘરના આગણે પગ મૂકતાની સાથે જ એને ખાંસી ચડે અને વડીલને જોરદાર ખોંખારો ખાવો પડે! એ ખોંખારો ખાંસીનો ખોંખારો નહોતો!
પોતાના આગમનની આલબેલ પોકારતો એ ખોખાંરો હતો જેને સાંભળીને ખભા નીચે સરકી ગયેલી વહુની સાડી દોટ મેલીને માથા પર પહોંચી જતી અને નાક સુધી ઢંકાય એવા ઘૂંઘટનું રૂપ ધારણ કરી લેતી હતી. આ રીતે વહુઓને લાજમલાજાનું પાલન કરવામાં વડીલો પણ સગવડ કરી આપતા હતા! વહુઓ ઘૂંઘટમાં જ રહે એવું ઇચ્છનારે એમને ઘૂંઘટમાં રહેવાની સુવિધા અને તક પૂરી પાડવી પડે!
તમારા દીકરાને બીડી પીવાની ટેવ છે. પણ એ બહુ વિવેકી દીકરો છે! તમારી અદબ કરે છે. તમારા દેખતાં એ બીડી પીતો નથી! તમારા દેખતાં તમારો દીકરો બીડી ન પીએ એવું જો તમે પણ ઇચ્છતા હો તો એ તમારો વિવેક કરે છે અને તમારે એના વિવેકની કદર કરીને એને બીડી પીતો જોઇને તમારે પણ મોઢું ફેરવી લેવું પડશે! તમારે એને વિવેક જાળવવાની તક આપવી પડશે! એ બીડી પીતો હશે ને તમે એની છાતી પર જઇને ઊભા થઇ જશો તો એની બીડીનો છેલ્લો ધુમાડો તમારા દેખતાં જ એના મોઢામાંથી ઠલવાશે, બીડી જલ્દી જલ્દી એ બુઝાવી નાખશે પણ તમારા દેખતાંજ એ બીડી બૂઝાવશે.
ત્યારે માત્ર એણે બીડી જ નથી હોલવી, એ સાથે એણે જાળવી રાખેલો તમારો વિવેક પણ હોલવાઇ ગયો જ સમજવો. આજે એણે તમારા દેખતા બીડી બૂઝાવી છે. કાલે એ તમારા દેખતાં બીડી સળગાવશે! માનમોભો જળવાય એવું ઇચ્છતા માણશે પોતે પણ પોતાના માનમોભાની કાળજી રાખવી જોઇએ!
આ વાત કોઇ એક ઘર અથવા કોઇક પરિવાર પૂરતી સીમિત નથી. એની વ્યાપકતામાં સમગ્ર સમાજ સમેટાઇ જતો હોય છે. સમાજમાં પણ પ્રતિષ્ઠિત વ્યક્તિની પ્રતિષ્ઠા અને માનમોભાં જાળવવાનો શિરસ્તો છે જ! ત્યારે પ્રતિષ્ઠિત વ્યક્તિએ પણ પોતાની પ્રતિષ્ઠાને છાજે એવું વર્તન કરવું જોઇએ! આપણે ઘણીવાર ગામના જમીનદાર અથવા જાગીરદારને જ પ્રતિષ્ઠિત વ્યક્તિ માની લેવાની ભૂલ કરી બેસતા હોઇએ છીએ! પ્રતિષ્ઠા કોઇની જાગીર નથી. જમીનદારી અને જાગીરદારીને પચાવીને પ્રતિષ્ઠિત થનાર બહુ ઓછા હોય છે. આવા લોકો સમાજને ઉપયોગી થવાને બદલે અડચણરૂપ જ પુરવાર થતા હોય છે.
એ જમીનદાર કે જાગીરદાર છે, એ જ સૌથી મોટું દુષણ છે. એ ગમે તેવું ખોટું કામ કરે તો પણ એમની સામે આંગળી ચીંધવાની કોઇ હિંમત કરી શકતા નથી. આવા લોકો માટે જ 'વાઘને કોણ કહે કે તારૂં મોઢું ગંધાય છે!' વાળી કહેવત પ્રાચિન કાળથી ચાલી આવી છે. આજે સમાજમાં આવા કુલક્ષણાઓની સંખ્યા વધી ગઇ છે, એ લોકો દ્વારા ગુનાહિતકૃત્ય કહેવાય એવું ઘણું બધું થતું હોય છે અને કેટલીક ઘટનાઓમાં તો ઘણું બધું ખુલ્લમખુલ્લી રીતે થતું હોય છે. એમાનું કશું જ લોકોની જાણ બહાર નથી હોતું છતાં એમની સામે આંગળી ચીંધવાની કોઇ ગુસ્તાખી કરી શકતું નથી!
ધનવાન હોવું સહેલું છે. પ્રતિષ્ઠિત થવું બહું અઘરૂં છે! બહુ ઓછા લોકોને સાચા અર્થમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થતી હોય છે! પ્રતિષ્ઠાનું મૂલ્યાંકન કરવા માટેનાં ગજ અથવા કાટલા આપણી પાસે નથી! ગજ, કાટલાં કે ફુટપટ્ટીથી પ્રતિષ્ઠા માપવાની જયાં પ્રથા છે ત્યાં વખણાયા કરતાં વગોવાયેલા વધુ જાણીતા હોવાનું પુરવાર થયું છે! 'નામચીન' એ આપણી ભાષાનો સુંદર મઝાનો શબ્દ છે અને એ પ્રતિષ્ઠાનો પર્યાય ગણાય. એવા શબ્દને ગુંડાઓ અને મવાલીઓના વિશેષણમાં વાપરી નાખવાની નાદાનિયત આપણે કરી છે, હવે એ શબ્દ અસામાજિક તત્વોની જ મોનોપોલી ગણાય છે. નામચીન ડોન, નામચીન ગુંડો, નામચીન ઠગ! નામચીન ડાકુ! આ નામચીન શબ્દ પ્રતિષ્ઠાનો પર્યાય હોવા છતાં પ્રતિષ્ઠિત વ્યક્તિના વિશેષણમાં વાપરી શકાય તેવો રહ્યો નથી!
આપણી પાસે ચિક્કાર ધનવાનો છે, ઉચ્ચ સત્તાધીશો છે, પણ આદર્શ પુરૂષ આપણા સમાજમાં શોધવો પડે એ સ્થિતિ છે. આદર્શરૂપ બનવા માટે ઉદ્યોગપતિ કે સત્તાધિશ હોવું જરૂરી નથી! ઇન્દુલાલ યાજ્ઞિાક જેવા ફકીર શિફ્ત માણસ જ સાચો આદર્શ પુરૂષ ગણાય. એ ધનવાન નહોતા. સત્તાધિશ પણ નહોતા એમના ગજવામાં પડેલા ચપટી ચણા જ એમની કુલ અસ્કયામત હતી. અને એ ચપટી ચણા ફાકીને ગુજારતને મહારાષ્ટ્રનાં પંજામાંથી છોડાવીને અલગ અને આગવા ગુજરાત રાજ્યની સ્થાપના કરવા માટેની લડત આદરી બેઠા! એની સામે ગુજરાતી જ આડે આવીને ઊભા થઇ ગયા.
હું ગુજરાતને મહારાષ્ટ્રથી અલગ નહીં થવા દઉં કહેતાં દિગ્ગજ રાજકીય મહામાનવ મોરારજીભાઈ દેસાઈએ અલ્ટીમેટમ સંભળાવ્યું. ' ગુજરાતના અલગ રાજય માટે તમારે મારી લાશ પરથી પસાર થવું પડશે. !' મોરારજીભાઈ પીઢ, અનુભવી અને શક્તિશાળી રાજકીય નેતા હતા. એમના હાથમાં સત્તા હતી, એમના હાથમાં પાવર હતો અને ઈન્દુલાલ યાજ્ઞિાકના હાથમાં ચપટી ચણા હતા ! પણ એ ચપટી ચણા મોરારજીભાઈ માટે લોઢાના ચણા પુરવાર થયા.
એમને માત્ર ચપટી ચણા જ દેખાયા ! પણ અહીં ચપટી ચણા સાથે કરેંગે યા મરેંગેનો ધ્યેય હતો. એ ધ્યેયને પાર પાડવા માટે મજબૂત મનોબળ હતુ. ફૌલાદી સંકલ્પ હતો અને દરિયાની લહેરોની માફક ફૂંફાડા મારતી ઈચ્છાશક્તિ હતી ! અને એ ઈચ્છાશક્તિ સાથે ઈન્દુચાચાએ મુઠ્ઠી ચણાનો છેલ્લો ફાકો એવો માર્યો કે ચણાની ભેળા મોરારજીભાઈ દેસાઈને પણ ચાવી નાખ્યા, અને ગુજરાતને અલગ રાજયનો દરજ્જો પ્રાપ્ત થયો ! આવા આદર્શ પુરૂષની આપણાં સમાજને જરૂર છે !
આ ઘટના સાઠના દાયકામાં સર્જાઈ તો સિત્તેરના દાયકામાં બિહારમાંથી કેન્દ્રની સત્તાને પડકાર તો અવાજ સંભળાય છે. એ અવાજ હતો જયપ્રકાશ નારાયણનો ! એમણે ઈન્દિરા ગાંધીનાં એક હથ્થુ શાસનને ઉથલાવવાની ઝુંબેશ શરૂ કરી ! અને એ ઝુંબેશની સાથે જ ઈન્દિરાગાંધીની સરકારના પાયા ડગમગી જતાં એમણે છેલ્લા ઉપાય તરીકે તાત્કાલિક ઈમરજન્સી જાહેર કરી દીધી અને જયપ્રકાશ નારાયણ સહિત દેશભરમાંથી પાંચસો આગેવાનોને રાતોરાત જેલમાં પૂરી દીધા ! દેશભરમાં સન્નાટો વ્યાપી ગયો ! બોલે તેના બાર વાગી જાય એવી સ્થિતિમાં દરેકનાં હોઠ સિવાઈ ગયા હતા.
પણ પ્રજાનું એ મૌન ભારેલા અગ્નિ જેવું હતું, છેવટે ચૂંટણી આપવી પડી. એમાં ઈન્દિરા સહિત સમગ્ર કોંગ્રેસનો પરાજય થયો અને જયપ્રકાશ નારાયણે મોરચા સરકારની રચના કરીને મોરારજી દેસાઈ અને વાજપાયી જેવા દિગ્ગજોના હાથમાં સત્તા સોંપી. સત્તામાં આવતા જ આ લોકોએ જયપ્રકાશ નારાયણની જ અવગણનાં કરવા માંડી. પરિણામે અઢી વર્ષમાં જ મોરચા સરકાર વેરવિખેર થઈ ગઈ અને અઢી વર્ષમાં જ ફરી ચૂંટણી આવી તો કોંગ્રેસને પરાજિત કરનાર પ્રજાએજ ઈન્દિરા ગાંધીને જ વ્યાજ સાથે બમણા વોટ આપીને સત્તા પર બેસાડયા !
ઉપર મુજબની આ બંને ઘટનાઓ બહુ અઘરી હતી. ગુજરાતને મહારાષ્ટ્રનાં પંજામાંથી છોડાવવું કંઈ સહેલું કામ નહોતુ. તો કેન્દ્રમાં સત્તાપલ્ટો પણ કંઈ આસાન કામ નહોતુ. આ કામ ઈન્દુલાલ યાજ્ઞિાક અથવા જયપ્રકાશ નારાયણ જેવા નિઃસ્વાર્થ આદર્શ પુરૂષો જ કરી શકે છે. એ બંનેને અંગત કોઈ સ્વાર્થ ન હોતો. ગુજરાતના અલગ રાજયની સ્થાપના થઈ પણ યાજ્ઞિાક સત્તાથી વેગળા રહ્યા. કેન્દ્રમાં મોરચા સરકાર રચી આપી પણ જયપ્રકાશ નારાયણ સત્તાથી દૂર જ રહ્યા. આ બે ઘટનાઓ પરથી સાબિત થાય છે કે નિઃસ્વાર્થ ધ્યેય મનોબળ અને ઈચ્છાશક્તિ હોય તો ગમે તેવી શક્તિને પરાજિત કરી શકે છે.
ગુજરાત રાજય પ્રસ્થાપિત થઈ ચુક્યું છે. પણ મોરચા સરકાર પ્રસ્થાપિત ન થઈ શકી, એનું કારણ એજ જયપ્રકાશનારાયણે જે લોકોના હાથમાં સત્તાની લગામ પકડાવી એ લોકો નરદમ નગુણા પુરવાર થયા ! આવા આદર્શ પુરૂષોની હરયુગમાં જરૂર રહી છે. અને હરયુગમાં આવા એક બે આદર્શ પુરૂષો જન્મ્યા છે !' સંભવામિ યુગે યુગે ' માટે શિકાયત કરવાનું રહેતું નથી.
આંદોલનની આવશ્યકતા પ્રત્યેક ક્ષેત્રે રહી છે. આંદોલન શરૂ પણ થયા. પણ એ આંદોલન હિંસક બની જતાં સમેટાઈ ગયા. મુંબઈમાં સાઠના દાયકામાં જ દત્તા સામંત નામની વ્યક્તિએ મજદૂર આંદોલન શરૂ કરી દીધા ! મુંબઈની તમામ મિલો અને તમામ કારખાનાઓમાં જડબેસલાક હડતાળો પાડી દેવાઈ.
મહિનાઓ સુધી તાળાબંધી રહી, મજદૂરો અને કામદારોના પરિવારને ભૂખે મરવાનો વારો આવ્યો. દત્તા સામંતની નીતિ બદલાઈ ગઈ. અને કામદારોની એક આખી પેઢી ભુખમરો વેઠીને મરી ગઈ ! આંદોલનની સફળતા માટે પણ આદર્શ ભાવ હોવો જોઈએ. તોફાનો સર્જવાની નીતિ ન હોવી જોઈએ.
સ્થાપિત હિતો પણ આ વાત જાણી ગયા હોવાથી એમની સામેનાં આંદોલનને રોકવા માટે એમના જ ભાડૂતી તોફાનીઓ આંદોલનકારીઓમાં ઘુસાડી દે છે અને પછી હિંસા સર્જાય છે અને આંદોલન સમેટી લેવું પડે છે !
ભૂતકાળમાં આવા તો અનેક કિસ્સા બની ગયા છે. સમાજમાં જેની આદર્શ પુરૂષ તરીકેની છાપ હતી એ જયોર્જ ફર્નાન્ડિઝે રેલવે કર્મચારીઓ માટે લડત ઉપાડી હતી. કર્મચારીઓ તરફથી પ્રચંક સહકાર પણ પ્રાપ્ત થયો હતો. દરેક પ્રકારના અન્યાય સામે લડવૈયા તરીકેની ફર્નાન્ડીઝની છાપ હતી. એમની એક હાકથી પાટા પર દોડતી દેશભરની ટ્રેનોનાં પૈડા જ્યાં હતા ત્યાં જ થંભી ગયા હતા. આવા કદાવર લોકનેતાને પણ સત્તાની ભૂખ જાગે છે.
રાજકીય રોટલો ખાઈને વટલાઈ ગયા, સંરક્ષણમંત્રી થયા અને કોફિનકાંડનું કલંક લઇને ગયા ! ગઈકાલે જ સમાજમાં દેકારો મચાવી દેનાર પાટીદાર આંદોલનનું આજે સરનામું જડતું નથી ! પ્રજાને પરિવર્તન જોઈએ છે. પણ પ્રજા મજબૂર છે ! લડત ઉપાડનારાઓ પ્રત્યે પ્રજાને ભરોસો રહ્યો નથી ! ઘરમાં રહો, માસ્ક પહેરો, સુરક્ષિત રહો ! પ્રજા સુરક્ષિત તો સત્તાધીશો પણ સુરક્ષિત !
અડપલું
એણે જ્યારે ચાંદને જોયો હશે,
મારો ચહેરો યાદ તો આવ્યો હશે !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3osejxY
ConversionConversion EmoticonEmoticon