બે અક્ષરી શબ્દો જેવા કે સુખ, શુભ, લાભ, કીર્તિ...ની પંગતમાં ક્ષમા (માફી) મેચ થઇ જાય એવો છે. 'માફી' શબ્દનું મોંઘેરું મૂલ્ય ફાંસીની સજા પામેલો કેદી જ્યારે રાષ્ટ્રપતિને દયાની અરજી (અને તેમની મરજી) માટે મોકલે ત્યારે એના સમગ્ર પરિવારની જન્મકુંડળી દાવ પર લાગી જાય છે. કંસને માફીનો બેનીફીટ સૌથી વધુ મળ્યો હોય એવું રેકોર્ડ-બુકમાં નોંધાયું પણ હોય. વર્ગમાં મોટા અવાજે કે નાની સાઇઝની ગુપચુપ વખતે મેડમે 'ટીચર્સ ડે' હોઈ માફી આપી પણ હોય એવું તોફાની બારકસો આત્મકથામાં લખે ય ખરા ! સરહદ પર અવારનવાર છમકલા કરતા અવળચંડા પડોશીઓને કાગળ પર ધમકાવી... છેવટે તો માફી આપવાનું કામ યુનોએ ૧૯૪૫થી સંભાળી લીધું છે. (તો ય પડોશી સુધર્યા ?)
દાંપત્યજીવનમાં માફી માંગવાની સ્પર્ધામાં બોલો કોણ આગળ હશે ? (સીક્રેટ કહી દઉ તો પીડિત વર્ગ ધબડકે લઇ પણ લે...)
યુધ્ધમાં ચક્રવર્તી રાજા જીત પછી ખંડિયા રાજાઓને 'ક્ષમા-દાન' કરી લોકપ્રિય-પ્રજાપ્રેમી રાજવી. શાસકની બિરાદરીમાં ખપી જતા !
બોલ્યું ચાલ્યું માફ, ચાલો દીલ કરીએ સાફ, વિશ્વમાનવ થવું છે ? કરજો આ ઇન્સાફ કવિ હૃદય તો સુંવાળા શબ્દોથી ફિલસૂફી ઘસડી મારે... પણ આ જ કવિ જ્યારે વિવેચક બને ત્યારે કેવા છોતરાં ઉખાડી નાંખે છે ?
ક્રોસિંગે હેલમેટ/માસ્ક વગર ઝલાયા હોઈએ ત્યારે કાકલૂદી સામે એ નઠોર અને કઠોર દયા...ક્ષમા...માફી આપશે કે નહિ એ તો નજીકનો પાનવાળો જાણે ! રાજકારણમાં પક્ષપલટુઓને માફી આપવાનું શુધ્ધિકરણ-અભિયાન આઝાદી પછી રૂટિન ગણાય છે. 'છોડ દિયા જાય... યા માર દિયા જાય... માફી અંગેનું જાહેરનામું લાગે છે.'
ભણતરમાં ફીમા મળતી માફી યાદ આવી ? (વડીલ...માફીને ઉલટું વાંચો તો ?) ભણતરની આ ફીમા માફી કારકિર્દી ઘડવામાં ઉદ્દીપકનું કામ કરે છે. મનુષ્ય માત્ર, ભૂલને પાત્ર... 'ક્ષમા વીરસ્ય ભૂષણમ્...' સાથે સાથે દયા ડાકણને ખાય એય પાછું યાદ રાખવાનું ને ? લૂંટારા વાલિયાનાં ગુના માફ કર્યા તો વાલ્મીકિ દ્વારા રચિત રામાયણથી સૌ તર્યા. માફીનું આ સર્વોચ્ચ સરવૈયું છે. ભગવાનનાં સ્થાનકે સાચ્ચું કહેજો કરેલી ભૂલોને માફ કરવા કેટલી બધી વાર રીમાઇન્ડર મોકલ્યા હશે ?
આમ છતાંય સવારથી સાંજ નાના...મોટા, આડા...અવળા છૂટક નહિ પણ જથ્થાબંધ પોસ્ટ દે ધનાધન શૅર કરનાર વોટ્સઅપ્ વીરો/વીરાંગનાને બોલો માફી અપાય ? (ડીલીટથી સંબંધો કપાય !) લેખ મર્યાદાની લીમીટનું ચાલો પાલન કરીએ નહિ તો પાછી...!!
મરી મસાલા:
બોલો ફરી પાછો ઝઘડો થયો. ઘરની વહુએ ના છૂટકે સસરાની માફી પહેલી માંગી... પછી સાસુની અને સાસુનો તોબરો ચડી ગયો !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35zIhao
ConversionConversion EmoticonEmoticon