મારા ગર્ભમાં રમતા બાળક સાથે મારે જીવનની દરેક ક્ષણ માણી લેવી છે : અનિતા હંસનંદાની


ટીવી એકટ્રેસ અનિતા હંસનંદાની આજકાલ ગગનવિહાર જેવી અદ્ભુત લાગણી અનુભવી રહી છે. એટલા માટે કે અનિતા અને એનો બિઝનેસમેન પતિ રોહિત રેડ્ડીના ઘરે પારણું બંધાવાનું છે. બંને મોમ-ડેડ બનવાના છે એ જાણીને એકદમ ખુશખુશાલ છે. આવતા વરસના ફેબુ્રઆરીમાં આ સુંદર જોડીના પહેલા બાળકનો જન્મ થશે.

સવાલ એ છે કે અનિતાએ પોતાના શ્રીમંતની વાત શા માટે છુપાવી રાખી? હસીને જવાબ આપતા અભિનેત્રી પોતાના બચાવમાં કહે છે, 'સર, એકચ્યઅલી મારી પ્રેગ્નન્સીની જાહેરાત માટે અમે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા. આમેય, મને લાગે છે કે ૨૦૨૧ નવજાત બાળકોનું વર્ષ જ બની રહેવાનું છે.'

અત્રે નોંધવું ઘટે કે અનિતા અને રોહિતે ૨૦૧૩માં ગોવામાં લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના છ વરસ બાદ એમણે ગયા વરસે રિયાલિટી શો 'નચ બલિયે' માં ભાગ લીધા બાદ જ બાળકનો વિચાર કર્યો હતો. એ વિશે ખુલાસા કરતા અનિતા કહે છે, 'અમારા બંનેના ફેમિલીમાંથી કોઈએ કદી અમારા પર બાળક માટે દબાણ કર્યું નથી. એ બાબતમાં હું અને રોહિત ખરેખર નસીબદાર છીએ. કોણ જાણે કેમ પણ 'નચ બલિયે' બાદ અમને બંનેને એમ લાગ્યું કે આપણે મમ્મી-ડેડી બનવા તૈયાર છીએ. એમાં કોરોનાને પગલે લોકડાઉન આવ્યો, જે એક પરફેક્ટ ટાઈમ પુરવાર થયો.

અમને બંનેને એકબીજા સાથે ઘણો બધો સમય સાથે વીતાવવા મળ્યો અને અમે દાંપત્ય જીવનની એ સુંદર પળોની ભેટરૂપે બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું. જોકે, આખરે તો બધુ ઈશ્વરની ઇચ્છા મુજબ જ થાય છે. અમારી મરજીમાં એની પણ સંમતિ ભળી એ વાતે હું અને રોહિત એકદમ ખુશ છીએ.'

અલબત્ત, પ્રસુતિ વિશેની એક બાબતે અનિતા હસ્સનંદાની - રેડ્ડીને થોડા વખત માટે ચિંતામાં પણ મુકી દીધી હતી. અનિતા ૩૫ વર્ષની વય વટાવી ચુકી હોવાથી કેટલાક આપ્તજનોએ એને ચેતવી હતી કે આ ઉંમરે બાળકને જન્મ આપવો બહુ કપરો છે. સ્ત્રીઓને  મોટીવયે પ્રસુતિમાં બહુ તકલીફ પડતી હોય છે. અનિતાએ પણ એને લઈને થોડા દિવસ ટેન્શન સહન કર્યું હતું પણ પછી ક્યાંકથી એનામાં હિંમત આવી ગઈ. એકવાર મને કુદરતી રીતે શ્રીમંત રહ્યા બાદ મને અંદરથી એવી લાગણી થઈ કે એ જ ઇઝ જસ્ટ અ નંબર ઉંમર એક આંકડાથી વિશેષ કાંઈ નથી.

બસ, સમુસુતરુ પાર ઉતરે એ માટે સ્ત્રીએ ફિજીકલી અને મેન્ટલી ફિટ રહેવું જોઈએ. જો નસીબ મેં લિખા હોતા હૈ, વો તો હોતા હી હૈ. આજે હું અને રોહિત એકદમ સેટલ છીએ. અમે આર્થિક અને માનસિક રીતે એવા મુકામ પર છીએ જ્યાં અમારા બાળકને ખુશીખુશી આવકારી શકીએ,' એમ અભિનેત્રી કહે છે.

રોહિત અને તારામાંથી પેરેન્ટ તરીકે કોણ વધુ માહિતગાર છે? કોણ પ્રેગ્નન્સી પિરીયડ વિશે વધુ જાણે છે? એવું પૂછાતા અનિતા પળના પણ વિલંબ વિના કહે છે, 'આ બાબતમાં રોહિત મારાથી ઘણો આગળ છે. એ પ્રેગ્નન્સી વિશે પુસ્તકો વાંચી રહ્યો છે અને મારા ડાયટનું પણ પુરેપુરુ ધ્યાન રાખે છે. એમ કહોને કે રોહિત પ્રેગ્નન્સી વિશે એક સ્ત્રીથી પણ વધુ જાણે છે. એ ડેડી બનવાના ખ્યાલથી એટલો બધો ઉત્સાહિત છે કે ન પૂછો વાત! મને તો લાગે છે કે મારે કોઈ ફિકર કરવાની જરૂર જ નહિ પડે. રોહિત બધુ સંભાળી લેશે.'

હવે એક છેલ્લો પ્રશ્ન : શું બાળકના જન્મ પછી તરત અનિતા ફરી ટીવી શોઝના સેટ પર પાછી ફરશે? એ બાબતમાં એનું શું પ્લાનિંગ છે? મિસીસ હસ્સનંદાની - રેડ્ડી એકદમ શાંતિથી જવાબ આપે છે, 'સર, તમે તો જાણો જ છો કે હું ૧૬ વર્ષની હતી ત્યારથી મેં એકધારુ કામ કર્યું છે. એટલે કામ મારા જીવનનો એક ભાગ બની ગયું છે. શરૂમાં મેં વિચાર્યું હતું કે બેબીના જન્મ પછી હું બને એટલી વહેલી કામ પર પાછી ફરીશ. 

પરંતુ હવે માતૃત્વ મારી અંદર ઉંડુ ઉતરી ગયું છે. મારી પ્રાયોરિટીઝ આપમેળે બદલાઈ ગઈ છે. આજે હું કામ વિશે કે હું ફરી ક્યારે શૂટીંગ શરૂ કરીશ એનો જરા પણ વિચાર નથી કરતી. મને એવી કોઈ ફિકર જ નથી. અત્યારે તો હું કુદરતની સોગાદ સમા માતૃત્વનો પુરેપુરો આનંદ માણી લેવા માગુ છું. મારા ગર્ભમાં બાળક હલનચલન કરે કે લાત મારે ત્યારે હું એક પ્રકારનું દેવી સુખ અનુભવું છું. બીજો કોઈ વિચાર કર્યા વિના હું મારા બેબી સાથે હરેક પળ માણી લેવા ઉત્સુક છું. હાલ, એકલું માતૃત્વ જ મારી એકમાત્ર પ્રાયોરટી છે.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HQj03O
Previous
Next Post »