આ જે ઉપવાસનો ચોથો દિવસ હતો. નાનજીભાઈએ ચોરને પકડવા માટે અને ચોર જાતે ચોરી કબૂલ કરી લે તે માટે તેઓ ઉપવાસ પર ઉતર્યા હતા.
ચાર દિવસ થયા છતાંય પાંચસો રૂપિયાની ચોરી કરનાર પકડાતો નથી. ઘરમાં ચિંતાનું વાતાવરણ હતું. ચોર પકડાતો નથી. અને દાદાજીના ઉપવાસ ચાલુ છે. સૌ દાદાજીને સમજાવે છે. પાંચસો રૂપિયાની ચોરી થઈ તેમાં તમે ઉપવાસ પર ઉતર્યા ? તમારી તબિયત તો જુઓ.
દાદાજીએ કહ્યું : સવાલ પૈસાનો નથી, ચોર ઘરમાં ચોરી કરી જાય અને હજુ સુધી ચોર ના પકડાય તે શરમજનક બાબત કહેવાય.
સુધીરભાઈએ ઘરના નોકર રામુની ઉલટ સુલટ સવાલો પૂછ્યા. પણ રામુએ કહ્યું, મેં પૈસા ચોર્યા નથી. રામુ વિશ્વાસુ અને ઘણા વરસોથી ઘરમાં કામ કરે છે. રામુ નિર્દોષ છે તો પછી ચોરી થઈ કેમ ? ક્યારેય ઘરમાંથી પૈસા ગયા નથી. ઘરમાં ચોરી થઈ આથી સૌને નવાઈ લાગી.
રાત પડીને સુલોચનાએ કહ્યું, 'બાપુજી દૂધ પીલો. થોડો ટેકો થશે.'
દાદાજીએ કહ્યું, 'ના. મારો નિયમ એટલે નિયમ. જ્યાં સુધી ચોર ના પકડાય ત્યાં સુધી મારા ઉપવાસ ચાલુ રહેશે. મારે કોઈ જબરજસ્તી નથી કરવી. મારે ચોરનું હૃદય પરિવર્તન કરવું છે. એને શા માટે ચોરી કરી તે મારે જાણવું છે.'
સુબોધભાઈ બોલ્યા, 'પિતાજી. ચોર તો ચોરી કરીને ભાગી ગયો તેને શી રીતે ખબર પડે કે નાનજીભાઈએ ચોરને પકડવા ઉપવાસ કરી રહ્યા છે. જમવા માટે થાળી પીરસવાનું હું કહું છું.'
ના, હું ચોરનું હૃદય પરિવર્તન કરાવીને રહીશ. મારી વાત જરૂર એના સુધી પહોંચશે. તે ચોરી કબૂલ કરશે. ચોર જરૂર પકડાશે. મને વિશ્વાસ છે.
રાત્રે દાદાજીએ ગાંધીજીનું પ્રિય ભજન ગાયું. વૈષ્ણવ જન તો... બધા દાદાજી. સાથે ભજનમાં જોડાયા. ઘરનું વાતાવરણ ગંભીર હતું. મોન્ટુ પણ ભજનમાં જોડાયો. તે ખૂબ ઉદાસ હતો.
દાદાજી બોલ્યા, 'મોન્ટુ, તું કેમ ઉદાસ છે ? તું કેમ કાંઈ બોલતો નથી ? શું થયું છે તને.'
દાદાજી.. દાદાજી.. તે રડવા લાગ્યો. દાદાજી બોલ્યા, અરે મોન્ટુ, તું કેમ રડે છે ? રામુ, સુલોચના અને સુધીરભાઈએ પૂછ્યું, 'બેટા, તને શું થયું ?'
રડતાં રડતાં મોન્ટુ બોલ્યો. દાદાજી, પાંચસો રૂપિયાની ચોરી મેં કરી હતી.
'તેં ચોરી કરી ? બધા એકી સાથે બોલ્યા. ચોરી કરવાનું કારણ શું ? તું અમારા ઘર માટે કલંક છે. મારો દિકરો ચોરી કરે તે મેં ક્યારેય ન હતું વિચાર્યું. સુબોધભાઈએ દુ:ખી થઈને કહ્યું.'
દાદાજી, મને માફ કરો. મારે લીધે તમારે ચાર દિવસના ઉપવાસ થયા. મને બહુ દુ:ખ થયું છે.
દાદાજીએ પ્રેમથી મોન્ટુના માથે હાથ ફેરવ્યો. મોન્ટુ દિકરા, તે ચોરી કેમ કરી ?
દાદાજી, હું સાચું કહું તો મને મારશો નહીં
ને ?
દાદાજીએ કહ્યું, ના બેટા તને કોઈ નહીં મારે.
સુધીરભાઈએ કહ્યું, તને કોઈ વઢશે નહીં ને મારશે પણ નહીં. જે હોય તે સાચે સાચું કહી દે.
મોન્ટુ રડતાં રડતાં બોલ્યો, હું સાચું કહું છું અમે ચાર મિત્રો-શુભ, લક્ષ, અંશ અને હું અમે વારંવાર એકબીજાને પાર્ટી આપીએ છીએ. શુભ અને લક્ષ ખૂબ પૈસાદાર છે. હું અને અંશ અમે બંને મધ્યમવર્ગના છીએ. શુભ અને લક્ષના પપ્પા તેમને વાપરવા પૈસા પુષ્કળ આપે છે. તેઓ અમને સારો નાસ્તો કરાવે છે. અંશે પણ નાસ્તો કરાવ્યો છે. હવે મારો વારો હતો. હું પણ તેમને નાસ્તો કરાવતો. આમ વારાફરતી અમે એકબીજાને નાસ્તો કરાવતા. ફરી વખત મારો વારો આવ્યો. મારી પાસે પૈસા ન હતા એટલે મેં કબાટમાંથી પાંચસો રૂપિયાની ચોરી કરી અને તે પૈસાથી મેં મિત્રને નાસ્તો કરાવ્યો. દાદાજી, મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરો. હવેથી હું ચોરી નહીં કરું.
દાદાજીએ કહ્યું, 'તમારે છોકરાનું ધ્યાન રાખવું જોઈએે. એ ક્યાં જાય છે ? શું કરે છે ? એના મિત્રો કોણ છે ? એ ધ્યાન રાખવાની મા-બાપ તરીકે તમારી ફરજ છે.'
છોકરાઓ માંગે ત્યારે પૈસા ના આપવા જોઈએ. પૈસાની કિંમત તમને સમજાવી જોઈએ. બાળક માંગે તે બધું જલ્દી નહીં. અપાવાનું બાળક જીદ્દી બની જાય છે અને તેની જીદ ના પોષાય તો તે ખોટા માર્ગે જતું રહે છે. બાળક નાદાન છે. બાળક નાદાનીમાં ભૂલ કરે છે અને તેને જો ના સુધારવામાં આવે તો ખોટા રસ્તે જઈને જીવન બરબાદ કરે છે. દરેક મા-બાપે બાળકના ઉછેરમાં ધ્યાન આપવું જોઈએ.
દાદાજી બોલ્યા, તે ચોરી કબૂલી પણ મારા હજુ બે દિવસ ઉપવાસ ચાલશે. તારી ચોરીનું પ્રાયશ્ચિત કરવા માટે.
જો દિકરા આજે તે પાંચસો રૂપિયાની ચોરી અને મોજશોખ કર્યા. તારી આ આદત તારી જીંદગી બરબાદ કરી નાંખશે. ખરાબ દોસ્તારોની સોબત નહીં કરવાની.
'દાદાજી, હું પણ મારી ચોરીનું પ્રાયશ્ચિત બે દિવસના ઉપવાસ કરીને કરીશ.' મોન્ટુ બોલ્યો.
જીવનમાં ભણતરનું મહત્વ, સારા દોસ્તોનું મહત્વ, સારી સોબતનું મહત્વ ખૂબ છે. સુધીર. તને હું કહું છું જીવનમાં પોતે પૈસાનું મહત્વ સમજે અને કરકસરથી રહેતા શીખવું જોઈએ અને બાળકને પણ શીખવું જોઈએ.
મારો પગાર પંચ્યાસી રૂપિયા હતો તેમાં મેં ચાર દીકરા, બે દીકરીઓ, હું અને તારી મા. અમે કરકસર કરી તમને ભણાવ્યા, તમને પરણાવ્યા અને મકાન બાંધ્યું. ખૂબ જરૂર હોય અને ન ચાલે તેમ હોય તોજ ખર્ચ કરો. જેના વગર ચાલે તેમ હોય તો તે વસ્તુનો ખોટો સંગ્રહ કરવો નહીં. ઘણી વખત તું બીનજરૂરી ખર્ચ કરે છે. જીવનમાં બચતનું મહત્વ સમજવું જોઈએ. ઉડાવપણું, ખર્ચાળ અને વૈભવી જીવન જીવવાની ટેવ પડી હોય તો પૈસા વગર જીવાય નહીં. દર્દ અને દેવું કયારેય ન વધારવું.
સુબોધભાઈએ પોતાની ટેવથી શરમના લીધે માથું ઝુકાવી દીધું. બાપુજી, તમારી વાત સાચી છે. મારો હાથ છુટો છે. માટે મારે અવારનવાર લોન લેવી પડે છે.
સુલોચના, તમે પણ વસ્તુ ખરીદીમાં ધ્યાન રાખવા અને અનાજનો બગાડ ના થાય તેનો ખ્યાલ રાખો. 'કાંકરે કાંકરે પાળ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય.'
મોન્ટુ બોલ્યો, 'દાદાજી, હું તમારી દરેક વાત માનીશ. ખરાબ મિત્રોની સોબત નહીં કરું. તમારા ઉપવાસથી મારું હૃદય પરિવર્તન થયું છે. અને હું ઉપવાસ કરીને મારી ચોરીનું પાપનું પ્રાયશ્ચિત કરીશ. હવે થી હું ચોરી નહીં કરું ને જુઠુંય નહીં બોલું.'
- ભરત પંચોલી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31BO6CZ
ConversionConversion EmoticonEmoticon