આપણી ટુકડી ઝિંદાબાદ .


કો રોના... કોરોના... કોરોના... દેશ-વિદેશમાં બૂમરાણ મચી આપણા ભારતમાં જ નહિ, પરદેશમાં પણ.

અમેરિકા, ઈટલી, રશિયા, ચીન, કેનેડા, પાકિસ્તાન, બ્રાઝિલ વગેરેમાં પણ. માર્ચ, એપ્રિલ, મે મહિના. ઉનાળાના દિવસો. ટી.વી. પર સમાચાર આવતા ગયા. કોરોનાનો કહેર ચારે બાજુ. દરદીઓની સંખ્યા વધતી ગઈ... વધતી જ ગઈ. હોસ્પિટલોમાં જગા ના રહી... ઘણા દરદીઓ સાજા થયા, ઘણા મરણ પામ્યા. ભારતમાં લોકડાઉનનો અમલ થયો. એક સૂત્ર. 'ઘરમાં રહો, સુરક્ષિત રહો.' સૌ દેશબાંધવો પોતપોતાના ઘરોમાં ભરાઈને બેઠા.

પર્વ, સમર્થ, માનવ, કિર્તન, શ્લોક, મિતાંશુ, નિત્ય વગેરે સોસાયટીના બાળકો. આમ તો તોફાની ટોળી સાથે રમે, ઝઘડે, છૂટા પડે ને અંતે ભેગા થાય...

પણ હવે શું ?

ઘરમાં જ રહેવાનું, ઘરમાં જ સમય પસાર કરવાનો.

ટી.વી. પર કોરોના માટે નિયમો આવે.

માસ્ક પહેરવું, બીજા સાથે હાથ મિલાવવા નહિ. વારંવાર હાથ ધોવા... કોઈ મળે તો બે વ્યક્તિઓ વચ્ચે અંતર રાખવું વગેરે.

સોસાયટીના કાર્યકરોએ નિયમ ફરજીયાત કર્યો : બાળકો અને વૃદ્ધોએ સોસાયટી બહાર જવું નહિ. ખૂબ જરૂરી હોય તો જ બહાર જવું... સોસાયટીનો ગેટ બંધ... છાપાવાળા, ફેરિયા, દૂધવાળા, શાકભાજીવાળાને સોસાયટીમાં પ્રવેશ બંધ... ખૂબ જ કાળજી છતાંય કોરોનાનો એક કેસ થયો.

સોસાયટીના લીલાબાને કોરોના... હોસ્પિટલમાં દાખલ કર્યા.

આખી સોસાયટી ગંભીર થઈ ગઈ.

પર્વની ઉંમર માંડ પાંચ વર્ષની.

ઘણું ઘણું વિચારે... સારું સારું વિચારે.

તેના મિત્રોને ફોન કર્યા. 'આપણે લીલાબાને માટે પ્રાર્થના કરીશું. તેઓ જલ્દી જલ્દી સાજા થઈ જાય. ને થયું પણ એમ જ. ભગવાને પ્રાર્થના સાંભળી. થોડા જ દિવસોમાં લીલાબાને સારું થઈ ગયું. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.'

પેલી તોફાની ટોળીએ જાણ્યું. બધાને આનંદ થયો.

સોસાયટીના કાર્યકર યુવાનો... કેયુરભાઈ, જયભાઈ, જિગરભાઈ, હાર્દિકભાઈ, ચિંતનભાઈ, આદિત્યભાઈ વગેરેને પણ ખુશી થઈ.

પૂજ્ય શંકરદાદા, કિર્તિકાકા, રમણકાકા, અશોકકાકા, વિજયકાકા, ભરતકાકા જેવા વડીલો પણ ખુશ થયા. તેઓ સોસાયટીની ખૂબ જ કાળજી લેતા.

બીજી પણ એક ઘટના.

સોસાયટીમાં પિનલ નામની યુવતી. વિનયી અને વિવેકી. તે રમેશભાઈ - શકુબેનની દીકરી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી. સતત દસ દિવસ કોરોના દર્દીઓની સેવા કરી. હોસ્પિટલમાં જ રહી. અગિયારમાં દિવસે હેમખેમ પાર ઉતરી. સોસાયટીમાં પ્રવેશી. સોસાયટીના સભ્યોએ ફૂલોથી સ્વાગત કર્યું. સૌ કોઈએ જાણ્યું. કોને આનંદ ના થાય ?

પેલી તોફાની ટોળી તો ઘરમાં જ ભરાઈ રહી હતી. છૂટકો જ ક્યાં હતો ? ક્યારેક એકબીજા ફોન કરી કરીને મળી લેતા. સોસાયટીના નિયમો કડક પણ બધાના કલ્યાણ માટે જ. સંપ-સહકાર વખાણવા જેવા.

બીજા જ દિવસે છાપામાં સોસાયટીની વિગત છપાઈ. તોફાની ટોળીને ખબર પડી જ ગઈ હતી. પેલો દૈવિક તેના મિત્રોને ફોન કરતો ને કહેતો, 'આપણી ટુકડી ઝિંદાબાદ.' સાંભળનાર ટેનીયા પણ સામે એવું જ કહેતા, 'આપણી ટુકડી ઝિંદાબાદ.' 

- ગોવિંદ દરજી 'દેવાંશુ'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31DhdWz
Previous
Next Post »