ચિઠ્ઠી આઈ હૈ.. આઈ હૈ.. ચિઠ્ઠી આઈ હૈ


મિલાવું હાથ તો એમાં 

મિલાવટ હું નથી કરતો,

સંબંદોમાં સમય વર્તી 

સજાવટ હું નથી કરતો.

નથી હું માફ કરતો તે 

છતાં બૂરું નહીં ચાહું,

ઉપેક્ષાથી વધારે દુશ્મનાવટ હું નથી કરતો.

વલોવાઈને જ્યારે આછરે 

ત્યારે ભરી લઉં છું,

ગઝલમાં શબ્દની જૂઠી જમાવટ

 હું નથી કરતો.

હશે ત્યાંથી જ રસ્તો ટોચ 

પર પહોંચી જવાનો, પણ -

ચરણમાં સ્થાન લેવાની બનાવટ 

હું નથી કરતો.

- હરીશ ઠક્કર

પત્રકલાનો સમાવેશ આપણી ૬૪ કલાઓમાં થયેલો છે. પત્ર એ રસાનંદનો વિષય હોવાથી એ લલિત સાહિત્યનો દરજ્જો ભોગવે છે. આજે પણ આમન્યાને લીધે માણસ અમુક વાત મોંએથી બોલી નથી શકતો ત્યારે એને ચિઠ્ઠી કે પત્ર મદદે આવે છે. પત્ર એટલે 'માણસ-માણસ વચ્ચેના વિચારો અને લાગણીઓના પરિવહન માટેનું એક સામાન્ય માધ્યમ એટલે પત્ર. જે એક સંદેશાવ્યવહારની પદ્ધતિ છે. એક સમય હતો જ્યારે ટપાલીનું સ્થાન સમાજમાં બહુ માનભર્યું ગણાતું. એક સમય હતો જ્યારે ખભે ટપાલનો થેલો લઈ ટપાલી શેરીઓમાં સાયકલ પર નીકળે અને શેરી જાણે ચેતનવંતી બનતી.

પ્રેમીઓનું હૈયું કૂદક કરતુ ઉછળીને બહાર આવી જતું, ઘરડી માની આંખોમાં પુત્રએ મોકલેલ મનીઓર્ડરની કલ્પનાથી ચમક આવી જતી. અર્ધું લખેલું કોરું પોસ્ટકાર્ડ જોઈ કંઈક 'અશુભ' બન્યાની આશંકાથી હૃદય ફફડી ઉઠતું તો કોઈ તાર આવ્યાનું સાંભળતા જ હૃદય ધબકારા ચૂકી જતું. ટપાલી ક્યારેક કોઇ વડીલ કે અભણ ગામલોકની ટપાલ વાંચી દેવાની જવાબદારી સુદ્ધા સંભાળતો. ક્યારેક ગરબડિયા અક્ષરો હોય કે કોઈ કરકસરિયા જણે જો ટપાલમાં આડી જગ્યાનો પૂરેપૂરો ઉપયોગ કર્યો હોય તો આંખો ગોળમટા પણ ખાય શકે અને પત્ર લખનાર થોડી સરસ્વતી.

એમ તો ભગવાનની ટપાલ અનેક સ્વરૂપે માણસ પર આવતી રહે છે જેને ઉકેલતા માણસ શીખી જાય તો એ આખો ભવ તરી જાય. પણ માણસ એ ટપાલ રૂપી ટકોર કે કૃપાની અવગણના કરે છે. પ્રકૃતિમાં પણ ઋતુઓ બદલાય ત્યારે એ પોતાના આગમન પહેલા એક યા બીજી રીતે ટપાલ મોકલે છે. વાયરો ફૂલોની ગંધને વહેતી મૂકી વસંતનાં આગમનની છડી પોકારે છે. દિવસ ટૂંકો થાય અને હવા સુક્કી થાય એ ઘટના એલાન કરે છે કે શિયાળો આવ્યો. ઘનશ્યામ વાદળો આભમાં ગોરંભાય અને માટીની મહેકથી હવા ગંધવતી બને 'ને થાય કે ચોમાસું આવ્યું.

ટપાલમાં ક્યારેક પત્ર નીચે તા.ક. (તાજા કલમ) લખીને કોઈ ખાસ સમાચાર કે વાતની નોંધ કરવામાં આવતી. પત્ર જેને લખાયો હોય તે જવાબ આપવામાંથી છટકી જ ન શકે એવી પ્રયુક્તિ એટલે જવાબી કવર કે પોસ્ટકાર્ડ. જેમાં પત્ર લખનાર પોતાના જ સરનામાં સાથેનું કવર કે પોસ્ટકાર્ડ સાથે મોકલે છે અને એ રીતે સામેવાળાને જવાબ આપવા મજબૂર કરે છે. આને તમે લુખ્ખી દાદાગીરી પણ કહી શકો.

'સરસ્વતીચંદ્ર' ફિલ્મનું અતિ કર્ણપ્રિય ગીત 'ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં' ને ભૂલવાડી દે એવો એક રમૂજી કિસ્સો યાદ આવે છે. મારી એક સખીનું વેવિશાળ થયેલું જે તૂટી જવાના આરે હતું કારણ કે છોકરો થોડો મંદ બુદ્ધિનો હતો. તો સંબંધ બચાવવા એ છોકરાએ કવરમાં સત્યનારાયણનો પ્રસાદ મોકલ્યો હતો. છોકરી બિચારી ટપાલી પાસેથી ચોખ્ખાઘીથી (?) લથબથ કવર લેતા ય શરમતી કોકડું વળી ગઈ. પછીથી સારું થયું કે તેણે રમેશ પારેખના શબ્દોમાં ખીજાઈને જવાબ ન લખ્યો કે..

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને આપણા સાહિત્યમાં પત્રોનું એક આગવું સ્થાન અને મહત્ત્વ છે. મહાપુરુષોના જીવનમાં પત્ર એક અવિભાજ્ય અંગ જેવા હતા. સંવેદનાની અભિવ્યક્તિ માટે પત્ર એ હાથવગું માધ્યમ હતું. પત્રોએ અનેક મહાપુરુષોના જીવનમાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. મેઘાણી, કલાપી, કાન્ત, મુનશી જેવા સાહિત્યકારો ઉપરાંત સ્વામી વિવેકાનંદ, ટાગોર, વિનોબાજી, જવાહરલાલ કે ગાંધીજીના પત્રો ઉત્તમ કક્ષાના હતા જે એમના મહાન અને ઉદ્દાત વ્યક્તિત્વને ઉજાગર કરતા.

જેમાં એમની લાગણીઓની સંકુલતા અને સર્જકતા સુપેરે દેખાઈ આવે છે. એટલે જ એમના પત્રોને ઉત્તમ સાહિત્યમાં ગણવા પડે. આવા પત્રો સાહિત્યના મહત્ત્વના દસ્તાવેજ રૂપે નોંધપાત્ર છે. શ્રીમદ્ રાજચંદ્રે ગાંધીજીને લગભગ ૨૦૦ જેટલા પત્રો લખ્યાની નોંધ મળે છે. જેમાં ગાંધીજીની ધર્મજિજ્ઞાાસાને સંતોષવા શ્રીમદે વિસ્તૃત જવાબો આપેલા છે. ટપાલની સાથે ટપાલટિકિટનું પણ મહત્ત્વનું સ્થાન હતું. મહાન વ્યક્તિઓને સન્માન આપવા માટે સરકાર દ્વારા તેમના ફોટા સાથેની ટિકિટ બહાર પાડે છે. આ જે તે વ્યક્તિ માટે ગૌરવપ્રદ ગણી શકાય.

આજના વોટ્સઅપ, મેસેન્જર અને ઇમેઈલના જમાનામાં પત્રલેખન વિસરાતું જાય છે. હવે તો વિડીયો કોલિંગ પણ સામાન્ય થઈ ગયું છે ત્યાં 'પોસ્ટઓફિસ' શબ્દ માત્ર ડીક્ષનેરીનો શબ્દ બની ગયો છે. પરંતુ પહેલાના સમયમાં પત્ર દ્વારા વ્યક્ત થતો આનંદ, પ્રેમ, પીડા, ઠપકો, વાત્સલ્ય કે રીસ જેવી લાગણીઓની અબિવ્યક્તિમાં એક ગરિમા હતી. એનો સંતોષ કે આનંદ કૈંક નોખા જ હતા. 'ત્રિશુલ' ફિલ્મના 'હમને સનમ કો ખત લિખા'માં નાયિકા કહે છે કે આ પત્ર એ માત્ર કાગળનો ટુકડો નથી પણ એમાં પોતાના પ્રાણ છે.

'વ્હાલમનો વારવાર કાગળ વાંચુ' સુગમગીતમાં કવિ વ્હાલમના સોનેરી અક્ષરોની શાહીમાં રાચતી પ્રિયાના મનને અણભાળી આંગળીના મીઠા મરોડમાં મરડાતું બતાવે છે. પત્રના મૂંગા બોલમાં એને મંતર લાગે છે જે કાનમાં વાંસળી વગાડી જાય છે અને લાગણીના કમખાને ધીરેથી ખોલે છે. રાધાની તો વાત જ સાવ નિરાળી છે. એ તો કહે છે કે 'મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો, શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો?'

પહેલાના સમયમાં તો શાળા દ્વારા વિદ્યાર્થીઓને ખાસ પોસ્ટઓફિસની મુલાકાતે લઈ જવાતા. જેથી તેઓ તેની કાર્યપદ્ધતિ અને મહત્ત્વ સમજે. ગામની શેરીએ શેરીએ તાળા વાળી ટપાલપેટી રાખવામાં આવતી જેમાં લોકો ટપાલ નાખતા. ટપાલી રોજ એ ટપાલોને ઓફિસ લઈ જતો. ટપાલ સાથે સંકલાયેલા બધા કામો ખૂબ ચીવટ, શિસ્ત અને કાળજી માગી લે તેવા છે. કારણ કે લોકોની અત્યંત મહત્ત્વની, ધબકતી, ધુ્રજતી, હરખઘેલી સંવેદનાઓ આમાં જોડાયેલી હોય છે. એક માત્ર ટપાલના માધ્યમ દ્વારા જ લોકો સગા-સંબંધીઓના સારા-માઠા સમાચારોથી વાકેફ રહેતા.

નોબેલ પારિતોષિક કવિવર રવીન્દ્રનાથ ટાગોર કેવળ મહાન કવિ જ નહીં પણ એક મોટા ગજાના નાટયકાર પણ હતા. તેમણે લખેલું ટ્રેજેડી નાટક 'ડાકઘર' તેની કથાવસ્તુ, પાત્રસૃષ્ટિ, ભાષાકીય સંરચના તેમજ રજૂઆતથી શૈલીને લીધે તેમનાં બધાં નાટકોમાં નોખું તરી આવે છે. આ સમગ્ર નાટક જાણે 'મૃત્યુના મહોત્સવ'નું નાટક છે. ઇન્દુલાલ ગાંધીનું કાવ્ય 'આંધળી માનો કાગળ' તો સૌ કોઈની આંખોમાં પાણી લાવી દે તેવું છે.

જે સાહિત્યમાં અવિસ્મરણીય છે. ધૂમકેતુની જાણીતી વાર્તા 'પોસ્ટઓફિસ'માં મરિયમનો કાગળ આવે છે ત્યારે આખી પોસ્ટઓફિસને આશ્ચર્ય થાય છે. એમ આજે પણ કોઈનો હસ્તલિખિત કાગળ આવે તો આનંદ આશ્ચર્ય થાય છે. ચેટિંગની ભ્રામક દુનિયા છોડીને ચાલો, આપણે આપણી ગમતી વ્યક્તિને હવેથી પત્ર લખીએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mociAS
Previous
Next Post »