વાર્તા : ઘર-સંસાર .


''જો મને દીદી જ કહે છે તો દિલ ખોલીને મારી સાથે સાચી વાત કહેવાની ટેવ પણ પાડ, વંદના. જો આ લલિત એક સમયે મારો સહપાઠી હતો. આજે પાડોશી અને સારો મિત્ર છે એનાથી વધુ પ્રેમી કે એવું કશું નહીં બને, એટલો વિશ્વાસ મારા પર તું જરૂર રાખજે.'' નિશાએ કહ્યું.

હું મારી નોકરી વિશે નિશા સામે કશી ચર્ચા કરવા ઇચ્છતી નહોતી, પરંતુ લલિતે ખોટા અને આક્રમક ઢંગથી આ વિશે વાત છેડી હતી, ''નિશા, તું આજકાલ શા માટે મારી સામે નવી મુસીબત ઊભી કરવાની કોશિશ કરતી રહે છે?'' નિશાએ ઘરમાં પગ મૂક્યો તે સાથે જ લલિત નિશા પર વરસી પડયો. 

લલિત અને મારા જીવનમાં નિશાનો પ્રવેશ એક સરસ મજાના હવાનાં મોજાં જેવો થયો. તેના આગમનની સાથે સાધારણ રીતે નિશ્ચિત રીતે ચાલતા મારા સંસારમાં ઘણો બધો બદલાવ આવ્યો.

કોલેજમાં તે લલિત સાથે ભણી હતી. અભ્યાસ પૂરો થયા પછી બંને વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો.

તેમની વચ્ચેની ફરી મુલાકાત ૧૦ વર્ષ પછી થઈ, જ્યારે નિશાએ અમારી સોસાયટીમાં ફ્લેટ ખરીદ્યો અને રહેવા આવી. 'વાહ! શું  શાનદાર વ્યક્તિત્વ છે તેનું!' નિશાના પ્રભાવશાળી અને આકર્ષક વ્યક્તિત્વથી હું પહેલી મુલાકાતમાં ઘણી પ્રભાવિત થઈ.

''કોલેજના દિવસોમાં તેનું વ્યક્તિત્વ ઘણું સૂકું અને નીરસ હતું. ત્યારે ચશ્મા, તેલ નાખેલા વાળ, સ્થૂળ શરીર અને ઢીલા એવા સલવારકમીઝ તેની ઓળક હતી.'' લલિતના મોંમાંથી બહાર આવેલા શબ્દો સાંભળી મને ખરેખર ઘણું આશ્ચર્ય થયું.

ત્યારની નિશા અને આજની નિશામાં આભજમીનનું અંતર આવી ગયું હતું. ભૂરું જિન્સ, લાલ ટોપ, શાનદાર ફિગર, ખભા પર કાપેલા રેશમી વાળ, કુશળતાપૂર્વક કરેલો મેકઅપ, ૪૦ હજાર રૂપિયાનો પગાર મેળવનારી, ઇન્ટરનેશનલ કંપનીમાં નોકરી કરતી નિશામાં ગજબનાક આત્મવિશ્વાસની ઝલક અને મારા પ્રત્યેનું તેનું મિત્રતાભર્યું વર્તન મારું મન મોહી લેતું હતું.

પોતાના ફ્લેટમાં એકલી રહેતી હતી. દર બીજા-ત્રીજા દિવસે, ઓફિસેથી પાછી આવતી ત્યારે સીધી અમારે ત્યાં આવતી. અમારા ૩ વર્ષના પુત્ર રાહુલ સાથે તેને ઘણું બનતું. ખાવાપીવાની ચીજવસ્તુ અને રમકડાં આપીને નિશાએ તેનું મન પણ જીતી લીધું હતું.

આશરે ૩ વર્ષ પહેલાં તેણે તેના પતિથી છૂટાછેડા લીધા હતા. પોતાના ભૂતકાળ વિશે જ નહીં, કોઈ પણ વિષયની ચર્ચા કરવામાં તે અચકાતી નહોતી.

''આખરે એવી તે કેવી સમસ્યા પેદા થઈ કે છૂટાછેડા  લેવાનું પગલું ભરવું પડયું?'' લલિતનો આ સવાલ સાંભળી નિશાનો પારો ચડી ગયો.

''કોઈ બેવકૂફ, શંકાશીલ, કાનના કાચા અને હિંસક માનવી સાથે આખી જિંદગી ગાળવી એ અસંભવ હતું.'' નિશા ગુસ્સામાં બોલી, ''મારી કશી ઊણપ કે ભૂલના કારણે નહીં, પરંતુ મને દબાણમાં રાખવા માટે એ માણસ રાતદિવસ મારી સાથે ઝઘડતો રહેતો હતો. મારા સુખ, મારી ઇચ્છાઓ અને મારી કારકિર્દી સાથે તેને કસી લેવાદેવા નહોતી. તેની સાથે નરક કરતાં પણ બદતર જિંદગી પસાર કરવા કરતાં, મેં છૂટાછેડા લઈ જીવન વિતાવવાનું યોગ્ય માન્યું, છૂટાછેડાનો થપ્પો લાગે તે બહેતર સમજ્યું.''

ખરેખર તે કોઈના ડર નીચે કે દબાઈને જીવનારી સ્ત્રી નહોતી, તેની વિચારસરણી અને વ્યવહારથી તે અમને સ્પષ્ટ અને ઝડપથી સમજાઈ ગયું. આજની આધુનિક સ્ત્રીએ મસ્તક ઊંચું કરીને જીવવું જોઈએ. આ સિદ્ધાંતનાં મૂળ ઘણાં ઊંડે સુધી તેના મનમગજમાં ઊતરી ચૂક્યાં હતાં.

તે સંવેદનશીલ, સમજદાર અને દિલથી સાફ હોવાનો એક વધુ પુરાવો મને મળ્યો.

એક સાંજે લલિતની સામે જ હસીને તેણે મને કહ્યું, ''વંદના, હું એક છૂટાછેડા લઈને જીવનારી અને આકર્ષક લાગતી સ્ત્રી છું. લલિત સાથે મુક્ત રીતે હસુંબોલું છું. સાચેસાચું કહેજે કે શું ક્યારેય મારા અને લલિતના વ્યવહારને લઈને તારા મનમાં ડર અને શંકા પેદા થયાં છે?''

''ના, એવી કશી ખોટી વાત મારા મનમાં ક્યારેય ઊભી થઈ નથી, નિશાદીદી.'' બેચેની અને ગભરાટભર્યા અંદાજમાં એવું જૂઠાણું બોલ્યા સિવાય મારી પાસે બીજો રસ્તો પણ નહોતો.

''જો મને દીદી જ કહે છે તો દિલ ખોલીને મારી સાથે સાચી વાત કહેવાની ટેવ પણ પાડ, વંદના. જો આ લલિત એક સમયે મારો સહપાઠી હતો. આજે પાડોશી અને સારો મિત્ર છે એનાથી વધુ પ્રેમી કે એવું કશું નહીં બને, એટલો વિશ્વાસ મારા પર તું જરૂર રાખજે.'' નિશાએ કહ્યું.

''મને તમારા બંને પર વિશ્વાસ છે.'' વંદનાએ જવાબ આપ્યો.

''મારા તરફનો તારો વિશ્વાસ ક્યારે પણ ડગમગે, તો મને માત્ર ઈશરો કરજે. તે દિવસને રક્ષાબંધનનો દિવસ સમજી હું તેને રાખડી બાંધી દઈશ.'' તેણે મજાકમાં કહ્યું અને પૂરી ગંભીરતા સાથે મારી નજર સાથે નજર મેળવી કહ્યું.

''યાર, મેં તારા પર લાઈન મારવાનું શરૂ પણ નથી કર્યું અને તેં રાખડી બાંધવાની વાત કરીને તારો બચાવ શરૂ કરી દીધો. પોતાની કોલેજની સાહેલી તરફથી મને આવી આશા તો નહોતી.'' પોતાના દિલ પર હાથ મૂકી લલિતે એવો દયાભર્યો ચહેરો બનાવ્યો કે અમે બંને હસી હસીને બેવડ વળી ગયાં.

''મિસ્ટર જોકર, કોલેજમાં હું ક્યારેક તારી મિત્ર હતી, પરંતુ તેના કરતાં વંદના આજે મારા દિલથી વધુ નજીક છે. હું તેની હિતેચ્છુ પહેલાં છું, તારો તો પછી નંબર આવે છે.'' મજાકભર્યા શબ્દોમાં કહેલી આ વાત મારા મનઅંતરમાં ઊંડે સુધી ઊતરી ગઈ.

નિશાએ ખરેખર મારા વ્યક્તિત્વને મઠારવાનું અને મારા ઘરને વ્યવસ્થિત કરવાનું શરૂ કરી દીધું. તે મને ચુસ્ત, સ્માર્ટ અને આત્મવિશ્વાસથી ભરપૂર સ્ત્રીના રૂપમાં જોવા ઇચ્છતી હતી.

મને સમજાવવાનો, સાજશણગારવાનો અને શીખવવાનો કોઈ મોકો તે ચૂકતી નહોતી. તેના માટે તે પ્રેમ, ગુસ્સો બંનેનો પ્રયોગ કરતી. લલિતની હાજરીમાં મારામાં સુધારો લાવવાના તેના પ્રયાસમાં કોઈ ફેરફાર થતો નહોતો.

મારા વ્યક્તિત્વના લગભગ દરેક પાસા પર તેના પ્રયાસોની અસર દેખાવા લાગી હતી.

મેં સવારે નિયમિત રીતે તેની સાથે ફરવા જવાનું શરૂ કર્યું ત્યારે મારું સ્થૂળ શરીર ઓછું થયું. ચહેરા પર તાજગી અને નિખાર લાવવા માટે તેના તરફથી અનેક ટિપ્સ મળી. કુશળતાપૂર્વક હું મેકઅપ કરવાનું શીખી. દિવસે દિવસે હું વધુ ને વધુ સુંદર દેખાવા લાગી. 

લલિતની હાજરીમાં તે મને ચેતવણી આપતી, ''આ પુરુષોની નીયત પર કદી વિશ્વાસ કરીશ નહીં, વંદના. સુંદર પત્નીઓના પતિઓની નીયત  ડગમગવામાં વાર લાગતી નથી. જો પત્ની બેડોળ અને અનાકર્ષક હોય, ત્યારે તો તેના સ્માર્ટ, સપળ પતિને પોતાની રૂપજાલમાં ફસાવવા તે આજકાલની તિતલીઓનો તો ડાબા હાથનો ખેલ છે.''

''તમારા જીવનમાં તો કોઈ તિતલી નથી ને?'' મેં અદા સાથે લલિતને પૂછ્યું.

''જો તું નિશાની શાગિર્દ બની જશે તો તું પણ એક દિવસ તિતલી બની જશે.'' મારા ગાલ પર હળવી ટપલી મારી તેણે નિશાને કહ્યું, ''તેં તો સાચોસાચ વંદનાનો કાયાકલ્પ કરી દીધો છે, જે લગ્ન પછીનાં ૫ વરસ પછી હું સામ, દામ, દંડથી પણ નથી કરી શક્યો, તેને તેં થોડા અઠવાડિયામાં કરી બતાવ્યું છે. મારે તને દિલથી શાબાશી આપવી જોઈએ, નિશા.''

''હજુ તું 'આગે આગે હોતા હૈ ક્યા' એ તો જોતો જા.'' નિશાએ ગર્વભર્યા શબ્દોથી મારા પતિને કહ્યું, ''મારો જીવનસાથી જો સમજદાર હોત, તો મારું ઘર જમીન પર સ્વર્ગ જેવું સુંદર હોત. હાલમાં તો મારી દરેક પ્રકારની કુશળતાનો ફાયદો તમારા બંનેનાં લગ્નજીવનને સુખી કરવામાં જ ઉઠાવો.''

એમાં કશી શંકા નહોતી કે નિશામાં ઘરગૃહસ્થી ચલાવવાના અનેક ગુણ હતા. રસોઈમાં તે કેક, આઈસક્રીમ, ચાઈનીઝ અને સાઉથ ઇન્ડિયન વાનગી બનાવવા ઉપરાંત સામાન્ય રસોઈ પણ એટલી જ સ્વાદિષ્ટ બનાવતી કે ખાનારાં આંગળીઓ ચાટતાં રહી જાય.

વસ્ત્રોની પસંદગીમાં નિશાની રંગોની સમજણ સરસ હતી. ફેશન વિશે તેની જાણકારી સારી હતી. ઘરસજાવટનો તેને શોખ હતો. તેણે તેનો ફ્લેટ ઘણો આકર્ષક રીતે સજાવ્યો હતો. પોતાના ગુણો અને કુશળતાને તે મારી સાથે ખચકાટ વિના વહેંચતી. મારા રસોડામાંથી રોજ ને રોજ કોઈ નવી વાનગીની સુગંધ આવતી હતી.

તેના ભારે આગ્રહ પછી લલિતે ફ્લેટમાં દિવાળી પહેલાં રંગરોગાન કરાવ્યા. તેની સલાહ મુજબ દરેક રૂમની કાયાપલટ કરી કાઢી. ફર્નિચરની જગ્યા બદલી, નવા પડદા ખરીદ્યા અને ઘરનો આખો નકશો જ બદલાઈ ગયો.

લલિત મુક્ત કંઠે દરેક જંતાઆવતાંની સામે મારી અને નિશાની દિલ ખોલીને પ્રશંસા કરતો. આવા અવસરો પર હું ખુદ નિશાની ઘણી નજીક હોવાનો અનુભવ કરતી.

માનવીના જીવનમાં બધું જ પરિવર્તનશીલ છે. નિશાથી પ્રભાવિત હોવાના કારણે લલિત અને મારી વચ્ચે અણબનાવ પેદા થવા લાગ્યો. 

''વંદના, તું તારી જાતને વધુ આકર્ષક બનાવવા ઇચ્છે છે, તો રોજ રોજ સાડી પહેરવાની આદત બદલ. તારે તરત જ નવો ડ્રેસ ખરીદવો જોઈએ.'' નિશાની આ સલાહ મને ઘણી ગમી અને મેં તેનો તરત અમલ કરવાનો નિર્ણય કર્યો.

સાંજના લલિતે મારી ફરમાઈશ સાંભળી મોં મચકોડયું અને સપાટ સ્વરમાં કહ્યું, ''છેલ્લા દિવસોમાં ઘણો ખર્ચ થઈ ગયો છે. તો  પછી તારે નિશાની નકલ કરવાની કશી જરૂર નથી.''

''હું કોઈની નકલ માટે નહીં, પરંતુ મારા આનંદ અને શોખને ધ્યાનમાં રાખી થોડો ખર્ચ મારા પર કરવા ઇચ્છું છું.'' મેં અચાનક રડમસ અવાજે કહ્યું.

''જ્યારે હાથમાં પૈસાની છૂટ થશે ત્યારે જોઈશું.'' નારાજગીભર્યા સ્વરમાં, વણદેખ્યું કરી લલિતે કહ્યું અને અખબાર વાંચવા લાગ્યો. 

મેં આજ દિવસ સુધી કદાચ ભાગ્યે જ મારા માટે કોઈ ખર્ચ, લલિત પાસે કરાવ્યો હશે. મારી માગણીને કોઈ મહત્ત્વ આપ્યા વિના, જે રીતે રસહીન અંદાજમાં તેને ટાળી હતી, તેનાથી મને ઘણું દુ:ખ થયું હતું. થોડીવાર પછી નિશા મને મળવા આવી. મારો રડેલો ચહેરો અને સૂજેલી આંખો જોઈ તેનાં ભવાં ખેંચાયાં. મારા મનની સાચી વાત ઓકાવવામાં તેને વાર ન લાગી. એ પછી હાથ પકડી તે મને રસોડામાંથી ડ્રોઈંગરૂમમાં લલિત પાસે લઈ ગઈ.

''જેટલું કામ વંદના ઘરમાં કરે છે, જો એ કામનો પગાર નક્કી કરશો, તો દર મહિને તમારે હજારો રૂપિયા રોકડા પાણીની જેમ વહી જશે. તો પછી તેના માટે ૫-૭ હજારનો ખર્ચ કરવાની શા માટે ના પાડો છો, લલિત?'' નિશાએ આક્રમક ઢંગથી સવાલ કર્યો.

''કારણ કે તેને નવાં વસ્ત્રોની જરૂર નથી અને મારો હાથ તંગ છે.'' લલિતે ચિડાઈને જવાબ આપ્યો.

''તેની શું જરૂર છે, તે હવે તું નક્કી કરીશ કે વંદના?'' નિશાએ કહ્યું.

''નિશા, તું આવી ખોટી વાત વંદનાના મગજમાં નાખી  તેનું મગજ ખરાબ ના કર. પ્લીઝ.'' લલિતે નિશાને રોકવાની વિનંતી કરી.

''હું તેને ખોટી વાત નહીં, પરંતુ જીવવાની યોગ્ય રીત શીખવી રહી છું.'' નિશાએ દલીલ કરી.

''શું તારા આ યોગ્ય અંદાજમાં ઘરની સુખશાંતિ અને સમજણ નથી આવતાં? અરે, જો આર્થિક સગવડ નથી ત્યારે નકામો ખર્ચ શા માટે કરવો જોઈએ?'' લલિતે ફરી તેને સમજાવવાની ઇચ્છાથી કહ્યું.

''સારું, હાલ તો હું વંદનાને નવો ડ્રેસ અપાવવા માટે ખર્ચ કરું છું. તારી સગવડ થાય ત્યારે મને એ રકમ આપજે.'' નિશાએ પોતાના પર્સમાંથી ૫૦૦ રૂપિયાની ૧૦ નોટ લલિત તરફ લંબાવી.

લલિતે એ નોટો હાથમાં ન લીધી. બંને વચ્ચે લાંબી દલીલબાજી ચાલતી રહી.

'નિશા મને બગાડી રહી છે.' એવી લલિતની વાત નિશાએ ન સ્વીકારી.

''લલિત, તું નકામી હઠ અને અહંને કારણે વંદનાની ઇચ્છા પૂરી નથી કરી રહ્યો.'' નિશાએ  કટાક્ષનો વરસાદ વરસાવ્યો. લલિત સાથે એ વારે વારે ઝઘડતી.

આખરે નિશા લલિતને પૈસા આપીને જ જંપી. તેને હસી કાઢવી અથવા નારાજ થઈ હોઠ સીવી લેવા તે લલિતના હાથની વાત નહોતી.

નિશા સાથે જઈને મેં નવો ડ્રેસ ખરીદ્યો. બહારથી હું આનંદિત દેખાતી હતી, પરંતુ મારું મન અંદરથી દુ:ખી હતું. ખર્ચ લલિતને બદલે નિશાના પૈસાથી થયો છે. આ વાત મને મનમાં દુ:ખ આપી રહી હતી.

હું બી.એડ્. પાસ છું. લલિતને પસંદ નથી એટલે શિક્ષકની નોકરી મેં ક્યારેય કરી નથી, પરંતુ હવે મારા વ્યક્તિગત ખર્ચા અને શોખ પૂરા કરવાને માટે હું નોકરી કરીશ. માનસિક ઊથલપાથલમાં તે દિવસે મેં વિચાર કર્યો, જે મારા મગજમાં ઘર બનાવી ગયો હતો.

જે દિવસે મેં નવું જિન્સ અને ટોપ પહેલીવાર પહેર્યાં, તે દિવસે લલિતની આંખો જાણે ફાટી ગઈ. ''તું તો સાવ અલગ દેખાય છે.  ઘણી સેક્સી દેખાય છે.'' તેનો રોમેન્ટિક સ્વર મારા દિલને ગલગલિયાં કરાવી ગયો.

સાંજના નિશા અમારા ઘરે આવી. તે આનંદથી ઊછળી પડી. તેના મોંમાંથી મારા માટે થયેલી પ્રશંસા મને ઘણી સારી લાગી.

લલિતે બહુ જોશીલા અંદાજમાં નિશા સાથે હાથ મિલાવ્યો અને કહ્યું, ''તું ખરેખર જાદુગરણી  છે, નિશા. વંદનાને નવા જમાનાનાં રંગરૂપ શીખવી આટલી સ્માર્ટ બનાવવા માટે તને ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ આપું છું.''

''થેન્ક્યૂ, સર.'' નિશાએ સરસ અદા સાથે ઝૂકીને પોતાની પ્રશંસા સ્વીકારી.

''જે ઈનામમાં જોઈએ તે માગી લે. નિશા.'' લલિતે કહ્યું ત્યારે નિશા બોલી, ''સરસ મજાનું શાનદાર ડિનર કરાવી દે.''

''તેં વંદનાને એક થી એક ચડિયાતી ખાસ ડિશિઝ શીખવી છે, ઉત્તમ ડિનર તને તે જ ખવડાવશે.'' લલિતે કહ્યું.

''કંજૂસ. અરે, ઘર અને હોટલના માહોલમાં ફરક હોય છે.'' નિશા હોટલમાં ડિનર અપાવવા માટે અડી ગઈ હતી.

''નિશા મેડમ, પહેલાં અમારું ઘર સાધારણ જેવું હતું, પરંતુ હવે તે તારા માર્ગદર્શનના કારણે કોઈ સરસ હોટલની જેમ સજાવટવાળું દેખાય છે. તને ઉત્તમ કેન્ડલ લાઈટ ડિનરની મજા અહીં જ મળશે.''

તેઓ બંને આ પ્રકારની વાતો કરતાં હસતા હતા. લલિત દ્વારા પોતાની પ્રશંસા સાંભળી નિશા ફૂલી સમાતી નહોતી.

મને એક રીતે તેઓ બંને ભૂલી જ ગયા હતા. મારો નવો ડ્રેસ અને આકર્ષણ તથા સુંદરતા બહુ ગૌણ બની ગયાં હતાં. હું ઝંખવાઈને ચા બનાવવા માટે રસોડામાં ચાલી ગઈ. અચાનક  જ મારો મૂડ ખરાબ જેવો થઈ ગયો.

હવે નિશામાં મને રસ ઓછો થવા લાગ્યો. જ્યારે તે ઘરે આવતી ત્યારે મને તેની સાથે વાત કરવાનું મન થતું નહોતું. તે મને જે કાંઈ સમજાવતી, તે માનવા માટે મારું મન ના પાડતું, પરંતુ હું તેને મોંએ કશું નહોતી કહેતી. યોગ્ય રીતે પરિસ્થિતિ પહેલાંના જેવી બનવા લાગી, પરંતુ મનમાં તે મનમાં ચિડાયેલી અને તાણગ્રસ્ત રહેવા લાગી. 

આસપાસની સ્કૂલોમાં નવા સત્ર માટે જ્યારે શિક્ષિકાઓની ભરતી કરવાનો સમય આવ્યો ત્યારે મેં પણ નોકરી કરવાનો પાકો ઈરાદો મનમાં કર્યો. કોણ જાણે કેમ પણ આર્થિક રીતે પગભર બનવાનું મને મહત્ત્વપૂર્ણ લાગતું હતું. 

''હું શિક્ષિકાની નોકરી કરવાની ઇચ્છા રાખું છું.'' એક રવિવારે સવારે મેં લલિતની સામે મારા મનની ઇચ્છા પ્રગટ કરી.

''શા માટે?'' લલિતના ભવાં ચડી ગયાં.

મારી પાસે બી. એડ્.ની ડિગ્રી છે. મારે તેનો લાભ લેવો જોઈએ.

''નોકરી કરવાનો વિચાર છોડી દે, કારણ કે રાહુલની દેખરેખ પર તેની ખરાબ અસર થશે.'' તેણે જરા તીખા સ્વરમાં કહ્યું.

''એવું કશું નહીં થાય. રાહુલને પણ સ્કૂલે જવાનો સમય આવી ગયો છે. જો તેની સ્કૂલમાં મને કામ મળી જશે, તો મુશ્કેલી ઊભી થવાની જ નથી. જો એમ નહીં પણ થાય તો આપણે એડજસ્ટ કરી લઈશું. કશો ને કશો રસ્તો મળી જ આવશે.'' મેં મારી હઠ પકડી રાખી.

''હું સમજીવિચારીને મારો નિર્ણય તને કહીશ.'' ઘણો નારાજ થઈ લલિત ફરી અખબાર વાંચવા લાગ્યો.

થોડીવાર પછી આ વાત અમે નિશાની સામે મૂકી. તે અમારે ત્યાં વાતો કરવા માટે આવી હતી.

હું મારી નોકરી વિશે નિશા સામે કશી ચર્ચા કરવા ઇચ્છતી નહોતી, પરંતુ લલિતે ખોટા અને આક્રમક ઢંગથી આ વિશે વાત છેડી હતી, ''નિશા, તું આજકાલ શા માટે મારી સામે નવી મુસીબત ઊભી કરવાની કોશિશ કરતી રહે છે?'' નિશાએ ઘરમાં પગ મૂક્યો તે સાથે જ લલિત નિશા પર વરસી પડયો.

''મેં શું કર્યું છે? કઈ વાત માટે લાલપીળો થઈ રહ્યો છે?'' નિશાએ સામે તીખા શબ્દોમાં સવાલ કર્યો.

''વંદનાને 'જોબ' કરવા માટે શા માટે ઉશ્કેરે છે?'' લલિતે સવાલ કર્યો.

નિશા જવાબ આપે તે પહેલાં જ મેં વચ્ચે કહ્યું, ''નિશા દાદીને આ મામલા સાથે કશી લેવાદેવા નથી. આ અંગે તમે તેમને કશું ના કહેતા.''

''હું જાણતો નહોતો કે તારી બુદ્ધિની લગામ નિશાના હાથમાં છે.'' લલિતે ગુસ્સામાં કહ્યું, ''કોઈની નકલ કરીને ક્યારેય સુખી થવાતું નથી.''

''નોકરી કરવાની વાતમાં પણ મેં મારા આનંદ અને સંતોષનો ખ્યાલ રાખેલો છે. કોઈની નકલ કરવાની વાત નથી.'' મેં લલિતને જવાબ આપ્યો.

''૧ મિનિટ, વંદના.'' નિશાએ મને આગળ બોલતાં રોકી અને પછી લલિતને ઉત્તેજિત સ્વરમાં કહેવા લાગી, ''વંદના સાચું કહે છે. તેને નોકરી કરવાની ઇચ્છા છે એ વિશે મેં એક પણ શબ્દ કહ્યો નથી, છતાં હું તને પૂછું છું કે તે નોકરી કરે તેમાં ખોટું શું છે? તે આગળ વધે અને વિકાસ થાય તેમાં તમે વચ્ચે પથ્થર કેમ નાખો છો?''

નિશાનો ગુસ્સાભર્યો અવાજ સાંભળી મારા શરીરમાં આગ લાગી ગઈ. હું આગળ વધીને નિશા અને લલિત વચ્ચે જઈને ઊભી રહી.

મારા ચહેરા પર નજર પડતાં જ બંને ચમકી ગયાં. મારા હાવભાવથી ગુસ્સો જાણતો હતો. કદાચ એના કારણે જ તેમની જીભ સિવાઈ ગઈ.

''નિશા દીદી, હવે આ મામલામાં કશું ન બોલો, પ્લીઝ.'' મારા સ્વરમાં રહેલી દ્રઢતાને અનુભવીને હું પણ આશ્ચર્યમાં પડી ગઈ.

''હું તો તારા પક્ષમાં બોલું છું વંદના. છતાં તું મને શા માટે રોકે છે?'' તેણે મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું.

''કારણ કે આ મામલાને હું એકલી જ  મારી રીતે ઉકેલવા ઇચ્છું છું.'' મેં નિશાને પાછો જવાબ આપ્યો.

''મતલબ મને પારકી સમજીને એવું કહે છે કે આ મામલામાં મને બોલવાનો કશો અધિકાર નથી?'' નિશાએ આક્રોશમાં સવાલ કર્યો.

''પ્લીઝ, મારી આ વાતનો ખોટો અર્થ ન સમજો.'' મેં ફરી વિનંતી કરતાં કહ્યું.

''શા માટે ન સમજું?'' તે અચાનક ભડકી ઊઠી, ''શું છેલ્લાં ઘણાં અઠવાડિયાંથી હું મારા પ્રત્યેના તારા વ્યવહારમાં રુક્ષતા અને ચીડ નથી અનુભવતી? શું હું જાણી શકું કે તું આજકાલ મારાથી દૂર દૂર શા માટે રહે છે વંદના?''

''નિશા, તને કશી ગેરસમજ થઈ છે. વંદનાને ભલા કેમ તારું અહીં આવવાનું અને તારી સાથે વાત કરવાનું ખરાબ લાગે?'' લલિતે તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો.

''આ 'કેમ'નો જવાબ જ તો હું તને પૂછું છું, વંદના. શું તને મારું લલિત સાથે બોલવાનું, હસવાનું પસંદ નથી? અમારી વચ્ચે ખરાબ સંબંધ છે, એવું તું વિચારીને મારાથી ઉખડેલી રહે છે?'' લલિત તરફ જરા સરખું ધ્યાન આપ્યા વિના નિશાએ મારા ચહેરા પર તેની નજર નોંધી પૂછ્યું.

પૂરી વાત જરા જુદા અને ખોટા રસ્તે જઈ રહી હતી. એ જોઈ મેં સાચી વાત કહેવાનો નિશ્ચય કર્યો.

''દીદી, તમારી શંકા સાવ ખોટી છે. મને તમારા ચારિત્ર પર રતીભાર પણ શંકા ક્યારેય થઈ નથી.'' મેં મારા સ્વરને શાંત રાખવાનો પ્રયાસ કર્યો.

''મને સ્પષ્ટ અનુભવાય છે કે મારી વિરુદ્ધ તારા મનમાં કશું ને કશું જરૂર છે અને હું એ વાત જાણવા માગું છું, વંદના.''

મેં એક ઊંડો શ્વાસ લઈ જાતને સંચાલિત કરી અને કહ્યું, ''નિશા દીદી, મારી વાતથી ખોટું ન લાગડશો, પરંતુ ભવિષ્યમાં તમારો પડછાયો બનીને હું જીવવા ઇચ્છતી નથી. મારી ઓળખ, સારી કે ખરાબ હું જાતે જ ઊભી કરીશ.

એ સત્ય છે કે મેં તમારી પાસેથી ઘણું શીખ્યું છે, પરંતુ લલિતને માટે હું મારી અલગ ઓળખ ગુમાવી બેઠી છું. મને પ્રશંસા મળે કે તે મારી ટીકા કરે, આખરે દરેક વાતનું શ્રેય અથવા દોષ તમને જ મળે છે અને આ સ્થિતિ હવે મારા માટે અસહ્ય બની ગઈ છે.

એટલે મારી હાથ જોડીને વિનંતી છે કે મને મારા ઘરના પ્રશ્નોને જાતે જ ઉકેલવા દો. તમારી આંગળી પકડી, તમારા ખભાનો ટેકો લઈને હવે ચાલવાની મારી ઇચ્છા નથી. તમને મારી વાત ખરાબ લાગે તો મને માફ કરશો, પરંતુ સાચી વાત કહેતાં આજે હું મારી જાતને રોકી નહીં શકું.''  બોલતાં બોલતાં મારો કંઠ ભરાઈ આવ્યો. વાત પૂરી કરી ત્યારે હું ડૂસકાં ભરી રડતી હતી. હું એક વિચિત્ર અપરાધબોધ, એક કૃતઘ્નતાનો ભાવ અનુભવતી નિશા સામે નજર પણ મેળવી શકતી નહોતી.

નિશા ઘણી વાર સુધી પોતાની જગ્યાએ મૂંગી ઊભી રહી. પછી તે બે ડગલાં આગળ વધી મારી પાસે આવી. મારા ગાલ પર હાથ રાખી તેણે મારા માથાને ચૂમ્યું. પછી કહેવા લાગી, ''મને એ વાતો આનંદ થાય છે કે દિલ ખોલીને વાત કહેવાની તારામાં હિંમત આવી ગઈ છે. મારી વચ્ચે પડવાની ટેવ હું બદલી કાઢીશ. સારું હું જાઉં છું.''

પોતાની આંખનાં આંસુ છુપાવવા માટે નિશા અમારા ઘરમાંથી તરત ચાલી ગઈ. મેં લલિતની છાતી પર માથું મૂક્યું અને રડવા લાગી. નિશા દીદીના મનને આઘાત પહોંચાડવા માટેનું મને દુ:ખ હતું, પરંતુ મારાં માનસિક સુખશાંતિ અને મારા સંસાર-ઘરને સાચવવા માટે તેમને મારા દિલની સ્પષ્ટ વાત કહેવા સિવાય મારી પાસે બીજો કશો માર્ગ પણ નહોતો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ouYExF
Previous
Next Post »