શક્તિ પૂજાનું પર્વ : નવરાત્રિ


આપણે વર્ષો વર્ષે જે મહાન શક્તિની આરાધના કરીએ છીએ, તે મોક્ષ પ્રદાયિની, અસુર સંહારિણી અને ભક્તો માટે અભયદાયિની છે શ્રી અંબેમા આપણે જોઈએ છીએ કે,  આ ચૈતન્યમયી મહાશક્તિ એજ મહાસરસ્વતી છે. મેધસ મુનિના આશ્રમમાં દેવી મહાત્મ્યનું શ્રવણ કરીને પણ જેનું સમસ્ત રાજ્ય છીનવાઈ ગયું હતું એવા સુરથ રાજાએ પોતાનું રાજ્ય પાછું માંગ્યું હતું અને સ્વાર્થ વૃત્તિપરાયણ સગાવહાલાંઓથી તર છોડાયેલા એવા સમાધિ નામના વણિકે અપવર્ગ અથવા મુક્તિની પ્રાર્થના કરી હતી. તેમની બંનેની આરાધનાથી પ્રસન્ન થઈને માતાજીએ બંનેને ઈચ્છિત વરદાન આપ્યું હતું.

નવરાત્રિ એ શક્તિ પૂજાનું પર્વ છે. આસો સુદ પડવાને દિવસે કેટલાંક ઘરોમાં ઘટ સ્થાપના કે કુંભની સ્થાપના કરવામાં આવે છે. કેટલાક લોકો જ્વારા પણ વાવે છે. આ નવે નવ દિવસે દેવી ભક્તો શ્રદ્ધાપૂર્વક માતાજીની પૂજા કરે છે. કોઈ ખોડિયાર માતાને, કોઈ મહાકાળીને, કોઈ અંબાજીને તો કોઈ માતાજીનાં જુદાં જુદાં સ્વરૂપની પૂજા કરે છે.

નવરાત્રિના આ દિવસો ગુજરાતમાં 'નોરતા' તરીકે પણ ઓળખાય છે. બંગાળમાં આ નવ દિવસ 'દુર્ગા પૂજા'ના દિવસો તરીકે ઓળખાય છે. બંગાળ ઉપરાંત ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મૈસુરમાં પણ નવરાત્રિનું પર્વ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.

'દુર્ગા સ્પશતી'માં દેવી દુર્ગાના મહાત્મયનું વર્ણન ટૂંકમાં આ રીતે થયેલું છે.

''પુરાણા કાળમાં શમ્ભ, નિશુમ્ભ અને મહિષાસુર રાક્ષસોનો ત્રાસ ખૂબ જ વધી ગયો હતો.  આથી ભયભીત થયેલા દેવોએ આદિશક્તિ મહામાયાની આરાધના કરી. દેવીએ પ્રગટ થઈને દેવતાઓનું સંરક્ષણ કરવાની ખાતરી આપી અને એમને આસોવદ એકમને દિવસે ઘટસ્થાપન કરી નવ દિવસ સુધી દેવપૂજા કરવાનો આદેશ આપ્યો. દેવોએ આ પ્રમાણે ભક્તિ કરી એટલે માભગવતીએ દુષ્ટ રાક્ષસોનો વધ કરીને ત્રિલોકને દાનવોના ભયમાંથી મુક્ત કરી દધા હતા. ત્યારથી જ નવરાત્રિનાં પર્વનો આરંભ થયો.

દક્ષિણ ભારત અને બંગાળમાં નવરાત્રિનું પર્વ બહુ મોટા પાયા ઉપર ઉજવાય છે. બંગાળમાં 'પૂજા'નું પર્વ દિવાળી કરતાં પણ વધારે આનંદથી ઉજવાય છે. ભારતના મોટાભાગના પ્રદેશોમાં નવરાત્રી આસો માસના પહેલા નવદિવસ આનંદથી ઉજવાય છે. જ્યારે કેટલાક ભાગોમાં ચૈત્ર માસના પ્રથમ નવ દિવસ પણ નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રિ ઉત્સવ સેંકડો વર્ષ થયા ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે નવદિવસો સુધી કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. પરંતુ કેટલાક સ્થળોએ દશેરા સુધી તો કેટલાંક સ્થળોએ શરદ પૂર્ણિમાં સુધી ઉત્સવ ઉજવવામાં આવે છે. આઠમને દિવસે માતાજીને પ્રસન્ન કરવા યજ્ઞા કરવામાં આવે છે. જેને આપણે 'હોમ' કહીએ છીએ. ગામડાં અને શહેરોમાં કોઈ એક મુખ્ય વિસ્તાર કે ચોકમાં ગરબો સજાવીને માતાજીની સ્થાપના કરવામાં આવે છે. પ્રજાપતિ ભાઈઓ માટીના છિદ્રોવાળા ગરબા તૈયાર કરે છે. આ ગરબામાં પવિત્ર દીપક મૂકવામાં આવે છે. આ ગરબીની આસપાસ વર્તુળાકારમાં બહેનો માતાજીના ગુણગાન ગાવા અને સ્તુતિ કરવા તાળી પાડીને કે દાંડિયાથી રાસલે છે જેને આપણે ગરબો કે રંગતાલી કહીએ છીએ.

ગરબા કે રાસ માટે લોકવાયકા એવી છે કે વ્રજમાં ભગવાન શ્રીકૃષ્ણ, ગોપીઓ જોડે અત્યંત નિર્મળ રાસલીધેલ ભગવાન કૃષ્ણ વૃંદાવનમાંથી સૌરાષ્ટ્રમાં પધારેલા તેમના આગમન સાથે રાસ પણ લોકપ્રિય થયા હતા. આમ વ્રજની પવિત્ર ભૂમિનો રાસ એ ગુજરાતમાં ગરબા, ગરબી કે રાસના નામે જાણીતો થયો છે. વૃંદાવનની રાસલીલામાં ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓને પજવી હોય, નટખટ કાનુડે તોફાન મસ્તી કર્યા હોય. ભલીભળી ગોપીઓના મન મોહયા હોય, વાંસળીએ વહેતા કરેલા સૂરના જાદુ હોય કે માખણચોર કાનુડાના પરાક્રમોના વર્ણનો માટેના રાસ જાણીતા છે. ઉપરાંત રાસમાં રાધા અને કૃષ્ણ અને રાધાના વહાલનું, જમાનાના પવિત્ર જળ જેવું વર્ણન હોય છે.

નવરાત્રિના પ્રારંભમાં આદ્યશક્તિ અંબામાતાની સ્તુતિ કરવામાં આવે છે. અને ત્યાર પછી જ નિયમિત કાર્યક્રમો શરૂ કરવામાં આવે છે. ઢોલક, તબલા, ઝાંઝ હારમોનીયમ, શરણાઈ વગેરે વાજિંત્રોના સૂરથી ગરબાના ગૌરવમાં વધારો થાય છે. વાદ્યોના જોશભર્યા ધ્વનિથી રાસ લેનારાઓની ઝડપમાં વિજય શક્તિનો સંચાર થતો હોય છે.

નવરાત્રિના આ નવ દિવસ ખૂબ જ પવિત્ર ગણાય છે. એવું કહેવાય છે કે આ નવ દિવસ સુધી દેવી પૂજા કરવાથી ઓછામાં ઓછી મહેનતે દેવી પ્રસન્ન થાય છે. મનોવાંચિત ફળ આપે છે. એટલે જ ભારતભરમાં હિંદુઓ નવરાત્રીનો ઉત્સવ ઘણા ઉત્સાહપૂર્વક ઉજવે છે. પ્રાચીન ભારતમાં નારીનું મહત્ત્વ કેટલું હતું તે દેવી સાથે સંકળાયેલી કથાઓ પરથી સમજાય છે. તે જમાનામાં સ્ત્રી અબળા નહિ પણ શક્તિ હતી. નવરાત્રિએ શક્તિપૂજાનું વર્ષ છે. માત્ર હિંદુ ધર્મમાં જ શક્તિની પૂજા થાય છે એવું નથી, જૈનોના ધર્મગ્રંથોમાં પણ એક અથવા બીજા સ્વરૂપે શક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે. ઉર્મી તારા પંચાગ 'તારા કલ્પના' 'તારાતત્વ' વગેરે બૌધ્ધ ગ્રંથોમાં પણ બૌધ્ધ ધર્મીઓ દેવીતારાનો મહિમા ગાતા હતા એવો સ્પષ્ટ ઉલ્લેખ મળી આવે છે. દેવી તારાનું સ્વરૂપ પણ ભારતીય પુરાણોમાં શક્તિનું જે સ્વરૂપ વર્ણવામાં આવ્યું છે તેને મળતું આવે છે. ભારત ઉપરાંત વિશ્વના બીજા દેશમાં પણ એક અથવા બીજા સ્વરૂપે શક્તિ પૂજા થતી રહી છે. ગ્રીસમાં વિદ્યા અને ધન વૃધ્ધિની અધિપલત્રી દેવી માનવા લંકા અને થાઈલેન્ડમાં દરિયાની દેવી મણિમેખવા ચીનમાં પ્રેમની અધિષ્ઠાત્રી દેવી વગેરે સ્વરૂપે બધી જ જગ્યાએ શક્તિની ઉપાસના કરવામાં આવે છે. માંહેજ્જો-દડો અને હડપાના ખોદકામોમાંથી મળી આવેલી  દેવદેવીઓની મૂર્તિઓ, પ્રાચીન સિક્કાઓ, મંદિરો વગેરે અવશેષો પરથી જણાય છે પ્રાચીન કાળથી આપણા દેશમાં પરંપરા ચાલી આવે છે.

અનિષ્ટ તત્ત્વો જેવા રાક્ષસો સાથે મનુષ્યના મનની શક્તિરૂપે દેવીના યુધ્ધનું વર્ણન એ માનવજીવનના સંગ્રામનું જ વર્ણન બની રહે છે. સ્ત્રીઓ કામવિલાસની નજરે જોનારા અને એને માલિકીનું અને વિલાસનું સાધન ગણનારા રાક્ષસોનો દેવી નાશ કરે છે. દેવીની કથા સપનું પણ ઉજળુ ઉદાહરણ પૂરું પડે છે. બધા મુખ્ય દેવો દેવીને પોતાનાં હથિયારો વગેરે આપે છે. અને એમની મદદથી દેવી રાક્ષસોને યુધ્ધોમાં હરાવે છે.

નવરાત્રિ પછી દસમાં દિવસે 'દશેરા' આવે છે તે દિવસે જ દેવી ભગવતીએ અસુરોને પરાજિત કર્યા હતા એટલે એ દિવસ 'વિજય ઉત્સવ' રૂપે વિજયાદશમી તરીકે ઉજવાય છે.

નવરાત્રિના નવ દિવસમાં ગરબે ઘુમતી ગરવી ગુજરાતણના કોકિલ કંઠમાંથી વહેતી આ સૂર સરવાણી ભલા કોને નહિ સ્પર્શી જતી હોય.

''આસોમા સો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં''

''ઘેલી ગુજરાતણ તારાં ઘેલાં ગીત નાચે, રાધિકાએ તો પાવાની પ્રિત...''

ઘેલાપણાનું ગૌરવ ગુજરાતની નારીને ગળગૂંથીમાં જ મળે જે મમતાનું મીઠું પાનતો છડીથી જ આરંભાય છે. આવી ઘેલછાને વરેલી ગુજરાતણ બહેનો નવરાત્રિના નવલા દિવસોમાં તો મન મૂકીને શક્તિની ભક્તિમાં એકાકાર થઈ જાય છે.

નવરાત્રિના નવલા દિવસો તો ગુજરાતની અસ્મિતા સમા છે એમાં મહેક છે, જીવન જીવી જવાની ઝંખના છે. કંઈક કરવાની તમન્ના છે અને આ બધાની પાછળ અંતરનો ઉમળકો અને મનનો થનગનાટ છે.

''હૈયું હૈયું ભીંસાઈ મન મોરલો થનગની ઉઠે યૌવન હિંડોળે ચડે''

અને મસ્ત બની સૂરોના સાજમાં સામેલ થાય.

નવરાત્રિને કેટલાક 'દુર્ગારાત્રિ' પણ કહે છે. દુર્ગા એ તો મા અંબા ભવાનીનું સ્વરૂપ છે. આ દિવસમાં  મા દુર્ગા બીજી દેવીઓ સાથે રાસ રમવા નીસરે છે ત્યારે આપણી ગુજરાતી ગૌરવવંતી બહેનો ગાય છે કે

મા અંબા તે રમવા નિસર્યા

મહાકાળી રે!

સાથે સહિયારોનો સાથ પાવાવાળી રે!

માને માથે તે મુગટ શોભતા મહાકાલી રે!

માએ સજીયા સોળ શણગાર પાવાવાળી રે!

આવી રીતે સોળે શણગાર સજીમા દુર્ગા ભવાની રમવા નીસરે ત્યારે બહેનોનો થનગનાટ હેલેજ ચડેને! મા એ તો શક્તિનો અવતાર છે શક્તિની દાતા છે... અને ભક્તોની માતા છે એના કેટલાંક ઓવારણાં લઈએ? માના ડુંગરા પણ કેવા મઘમઘતા છે એ ડુંગરાળાવાળા દેવીને કૃપા વિના કશું કલપી શકાય પણ ખરું માટે તો ભક્તો કહે છે.

માજી તારો ડુંગરિયા ચઢવા તે અથિ ચણા દોહ્યલારે લોલ આપો આપો શક્તિ અંબે માત ગબ્બર ગઢ ઘુમવારે લોલ

અને અખંડ શ્રધ્ધાથી ભાવિકો માનાએ દોહયલા ડુંગરોને પણ આંબી જાય છે. અને માના ચરણોમાં જઈ શીશ નમાવી માનસિક અને શારીરિક યાતનાઓમાંથી મુક્તિ મેળવે છે. અજવાળી રાતની શોભા લોક હૃદયમાં ઉર્મિઓનો રસહિલોળો જગાડે છે અને એક ગરબો ''સૈયર મોરી શરદપૂનમની રાતજો, અજવાળાં પડે રે માણેકચોકમાં રે લાલ''

અને એવી શીતળ ચાંદનૌમાં ગરવી ગુજરાતણ પોતાની સખીઓને અંગે રાધાજીને પણ ગરબે રમવા નોતરે છે.

''રાધાજીના ઉંચા મંદિર નીચા મોલ 

ઝરૂખડે દીવા બળે રે લોલ,

રાધા ગોરી ગરબે રમવા આવે

સાહેલી સૌ ટોળે મળી રે લાલ.

- નીપા 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jy22UX
Previous
Next Post »