જરૂરિયાત પ્રમાણે કરો સ્માર્ટ ફોનની પસંદગી


સ્માર્ટફોન હવે યુવાપેઢીની પસંદગી બની ગયા છે. મોટાભાગના યુવાનો અને યુવતિઓ સામાન્ય ફોનના બદલે સ્માર્ટફોનની પસંદગી કરતા હોવાના કારણે બજારમાં અનેક પ્રકારના સ્માર્ટફોન જોવા મળે છે. આ સ્માર્ટફોનમાં અગણિત ફિચર અને એપ્લિકેશનો હોવાથી ક્યારેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પ્રમાણેના સ્માર્ટફોનની પસંદગીમાં થાપ ખાઈ જાય છે. હવે સ્માર્ટફોેનની પસંદગી કરતી વખતે યોગ્ય પસંદગી બહુ જરૂરી હોય છે કારણ કે યોગ્ય પસંદગીના સ્માર્ટફોનથી એનો પુરેપુરો લાભ મેળવી શકાય છે. 

સામાન્ય રીતે યુવાનો સોશ્યલ નેટવર્કિંગ, ઇન્ટરનેટ, મોબાઇલ ગેમિંગ અને ઓફિસનું કામ કોઈ પણ સમયે મોબાઈલ પર કરી શકવાની સવલતને કારણે સ્માર્ટફોનની પસંદગી કરતી હોય છે. જોકે આ દરેક જરૂરિયાત માટે અલગઅલગ પ્રકારના સ્માર્ટફોન ઉપલબ્ધ છે, પણ એ પસંદગી માટે આ તમામ કામમાં મદદરૂપ થતા સ્માર્ટફોનના ખાસ ફિચર્સની જાણકારી બહુ જરૂરી બની જાય છે.

સોશ્યલ નેટવર્કિંગ અને ઇન્ટરનેટનો બહોળો ઉપયોગ : જો તમે સોશ્યલ નેટવર્કિંગના રસિયા હો અને ચોવીસે કલાક ફેસબુક, ઇન્ટનેટ ચેટ અને મેઇલ એકાઉન્ટમાં ઓનલાઇન રહેતા હો તો તમારે સ્માર્ટફોનની પસંદગી એવી કરવી જોઈએ જે તમારા સોશ્યલ નેટવર્કિંગના ચસકાને યોગ્ય રીતે ન્યાય આપી શકે. જો તમને સતત ફોટા અપલોડ કરવાની અથવા તો યુ ટયુબ પર વિડીયો અપલોડ કરવાની આદત હોય તો સ્માર્ટફોનની પસંદગી કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

સ્માર્ટફોનમાં કી-બોર્ડ અને ટચ સ્ક્રીન જેવા બે વિકલ્પો મળે છે. જોકે હવે વધારને વધારે લોકો કી-બોર્ડના બદલે ટચ સ્ક્રીનવાળા મોબાઇલની પસંદગી કરતા થઈ ગયા છે. જો તમે દુકાનમાં જઈને દુકાનદારને કહો કે માટે ટચ સ્ક્રીનવાળો ફોન જોઈએ છે તો તે બીજો સવાલ પુછશે કે તમને કેપેસીટીવ સ્ક્રીન જોઈએ છે કે રિસીસ્ટીવ સ્ક્રીન. હકીકતમાં કેપેસીટીવ અને રિસીસ્ટીવ એ મોબાઇલ સ્ક્રીનના બે પ્રકાર છે. રિસીસ્ટીવ ટચ સ્ક્રીન અનેક સ્તરોની બનેલી છે જેના કારણે એનો ઉપયોગ કરતી વખતે કોઈપણ ફંક્શન કાર્યાન્વિત કરવા માટે આંગળીનું થોડું દબાણ આપવું પડે છે. આ દબાણને કારણે જ મોબાઇલનો ચોક્કસ હિસ્સો દબાતા ફંક્શન સક્રિય બને છે. જોકે કેપેસીટીવ સ્ક્રીનમાં આવું નથી. આ પ્રકારના સ્ક્રીનમાં ઉપરવા સ્તરમાં ઇલેકટ્રોડ ગોઠવેલા હોય છે. આના કારણે માત્ર અછડતો સ્પર્શ કરતાની સાથે જ ફંક્શન સક્રિય બની શકે છે. 

આમ, બન્ને પ્રકારના સ્ક્રિનના આ તફાવતને કારણે હવે વધારેને વધારે લોકો કેપેસીટીવ સ્ક્રિન પર પસંદગીનો કળશ ઢોળતા થયા છે. આ સિવાય સ્ક્રિનમાં પણ ટીએફટી (થીન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર) તથા એમોલેડ (એક્ટિવ-મેટ્રિક ઓર્ગેનિક લાઇટજ એમિટિંગ ડાયોડ) જેવી બે ટેકનોલોજી ઉપલબ્ધ છે. આ ટેકનોલોજીમાં એમોલેટ વધારે સરળ અને આધુનિક હોવાના કારણે એની પસંદગી હિતાવહ છે.

જો તમને તમારા ફોટા સતત અપલોડ કરવાની આદત હોય તો સ્માર્ટફોનની પસંદગી કરતી વખતે એમાં સારી ગુણવત્તાવાળો કેમેરો હોય એ બહુ જરૂરી છે. જો કેમેરાની ગુણવત્તા પાંચ મેગાપિક્સેલ હોય તો એ આદર્શ ગણાય છે. વળી, આ સ્માર્ટફોનમાં એલઈડી ફ્લેશ અને ઓટોફોકસ ક્ષમતા હોવી બહુ જરૂરી છે. જોકે સ્માર્ટફોનથી પાડવામાં આવતા ફોટો કોઈ સારા કેેમેરામાં એન્ટ્રી લેવલના ફોટાથી વિશેષ સારા નથી હોતા, પણ ફેસબુક અથવા તો ફ્લીકર આલબમમાં અપલોડ કરવા માટે એ યોગ્ય છે. આ સિવાય સ્માર્ટફોન સારી ગુણવત્તાનું વિડીયો રેકોર્ડિંગ થઈ શકે એવી ક્ષમતા પણ હોવી જરૂરી છે.

જો તમે ઇન્ટરનેટનો ભરપુર ઉપયોગ કરતા હો તો એવો સ્માર્ટફોન લેવો જોઈએ જેમાં થ્રીજી ટેકનોલોજીને અપનાવવાની ક્ષમતા હોય. થ્રીજી ટેકનોલોજીની મદદથી મોબાઇલની મદદથી ઝડપથી મહત્તમ ડેટા ટ્રાન્સફર થઈ શકે છે. આ થ્રીજી ટેકનોલોજીનો વપરાશ કરવા માટે સ્માર્ટફોન એચએસડીપીએ તથા સીએમડીએ૨૦૦૦ જેવી  લક્ષણો હોવા જોઈએ. આ સિવાય સ્માર્ટફોનમાં જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) જેવી સવલતને કારણે અનેક ફાયદાઓ મળે છે.

એન્ડ્રોઇડ, એપલ અને વિન્ડોઝ ફોનમાં  અનેક ટચ સ્ક્રીન સ્માર્ટફોન ઉપલબ્ધ છે. જોકે ટચ સ્ક્રીન ફોન ખરીદતા પહેલાં પહેલાં ધ્યાન રાખવું જોઇએ કે એનું પ્રોસેસર ઓછામાં ઓછી ૮૦૦ મેગાહર્ટ્ઝની ક્ષમતા ધરાવતું હોય. જો પ્રોસેસર આનાથી ઓછી ક્ષમતાનું હશે તો ટચ સ્ક્રીન મોબાઇલ યોગ્ય રીતે કામ નહીં કરી શકે.

મોબાઇલ ગેમિંગનો સતત વપરાશ : જો તમે દિવસમાં ચાર કલાક કરતા વધારે સમય મોબાઇલ પર જાતજાતની ગેમ રમવામાં પસાર કરતા હો તો સ્માર્ટફોનની પસંદગી કરતી વખતે એવા ફોનની પસંદગી કરવી જોઈએ જેમાં ગેમિંગની પ્રવૃત્તિને ટેકો આપતા વધારેને વધારે ફિચર હોય. 

ગેમિંગ માટેની મહત્તમ સુવિધાઓ આપતા સ્માર્ટફોનમાં સારું પ્રોેસેસર હોય એ બહુ જરૂરી છે. ઝડપી અને અદ્યતર પ્રોસેસરની મદદથી રેઝર શાર્પ વિઝ્યુલ, ઉડીને આંખે વળગે એવા રંગો તેમજ મોેશન બ્લર તેમજ રિયલ-ટાઇમ લાઇટિંગ જેવી સવલતો મળી શકે છે. જો તમે ગેમિંગ માટે અદ્યતન પ્રોસેસર ધરાવતો સ્માર્ટફોન ખરીદવા જાઓ અને તમને સ્નેપડ્રેગોન અને એ-ફાઇવ જેવા શબ્દો કાને પડે તો ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે આ તમામ પ્રોસેસરોના નામ છે.

ગેમિંગ માટે વપરાતો હોય એવો સ્માર્ટફોન ઓછામાં ઓછી એક ગીગા હર્ટ્ઝ જેટલી પ્રોસેસર ઝડપ ધરાવતો હોય એ જરૂરી છે. એડ્રીનો અને ટેગ્રા જીપીયુ ધરાવતો સ્માર્ટફોન પણ ગેમિંગ માટેની પુરતી સવલત આપે છે.  આ સિવાય ગેમિંગનો ઝડપી આનંદ મળે એ માટે સ્માર્ટફોનની મેમરી વધારે હોય એ બહુ જરૂરી છે. પરંપરાગત કોમ્પ્યૂટરમાં જેટલી વધારે મેમરી એટલી વધારે ઝડપ એ નિયમ હોય છે. આ નિયમ સ્માર્ટફોનને પણ લાગુ પડે છે. ગેમિંગ સ્માર્ટફોનમાં ઓછામાં ઓછી ૫૧૨એેમબી રેમ હોવી જરૂરી છે. આ સિવાય મોબાઇલમાં એસ્સેલેરોમીટર જેવી વ્યવસ્થા પણ મોબાઇલ ગેમિંગના આનંદને અનેકગણો વધારી દે છે.

ઓફિસનું કામ મોબાઇલ પર કરવાની સવલત : જો તમે એવો સ્માર્ટફોન લેવા માગતા હો જે તમને કોઈપણ જગ્યાએ અને કોઈપણ સ્થળે ઓેફિસનું  કામ કરવામાં મદદ કરે તો તમારે એવો ફોન લેવો જોઈએ જે તમને ઇ-મેઇલ ચેક કરવાની સુવિધાની સાથેસાથે તમારા ડોક્યુમેન્ટ અને પ્રેઝન્ટેશન તૈયાર કરવાની પણ સવલત આપે. આ પ્રકારના સ્માર્ટફોનની ખરીદી કરતી વખતે પ્રોસેસર સ્પીડ, મેમરી, સ્ક્રીન અને થ્રીજી ક્ષમતા જેવા મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. જો તમારી કંપની માઇક્રોસોફ્ટ એક્સચેન્જ મેઇલ જેવી સિસ્ટમનો વપરાશ કરતી હોય તો તમારો સ્માર્ટફોન આ સિસ્ટમને સપોર્ટ કરે એ બહુ જરૂરી છે.

જો તમારા ફોનમાં આ સુવિધા નહીં હોય તો ઝડપી ઇન્ટરનેટ સુવિધા અને મોટી સ્ક્રીનવાળો ફોન પણ તમારી જરૂરિયાતને પુરી નહીં કરી શકે. આ સિવાય જો તમારે સ્માર્ટફોનનો ઉપયોગ ઓફિસના કામ માટે કરવો હોય તો એવા સ્માર્ટફોનની પસંદગી કરવી જોઈએ જે ઓફિસના વાયરલેસ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે જેથી તમે તમારા સર્વિસ પ્રોવાઇડરના માધ્યમથી ભારે ભરખમ ફાઇલ મોકલવાના ખર્ચમાંથી બચી શકો.

જો તમે મોેબાઇલનો ઉપયોગ મોટાપાયે ઓફિસનું કામ કરવા માટે કરવાના હો તમારે વધારે ક્ષમતાવાળી બેટરીની પસંદગી કરવી જોઈએ. આ પ્રકારનો વપરાશ ધરાવતા સ્માર્ટફોનની બેટરી ૧૪૦૦ એમએેએચ જેટલી તો હોવી જ જોઈએ.

-ઈશિતા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37QQg5A
Previous
Next Post »