આ પણે ત્યાં એક ખૂબ જ પ્રચલિત પંક્તિ છે : 'સમરથ કો નહીં દોષ ગુંસાઈ' ગોસ્વામી તુલસીદાસ આ પંક્તિમાં કહે છે કે જે સમર્થ છે તેને કોઈ દોષ હોતો નથી. સમર્થને 'સમરથ' પણ કહે છે. સમર્થનો અર્થ કુશળ, નિપુણ કે બળવાન પણ થાય છે. આપણા ઐતિહાસિક પાત્રોમાં પ્રભુ શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી હનુમાન, શ્રી મહાવીર, બુદ્ધ, ભીષ્મ સમર્થ છે. ભક્ત ભગવાનથી પણ સમર્થ છે. ભગવાન સદાશિવ, સૂર્ય, ચંદ્ર, અગ્નિને પણ સમર્થ કહેવામાં આવે છે, પૂ. મોરારિબાપુ કહે છે : 'અસમર્થને સમર્થ સગ્દુરૂ બનાવે છે.' જે અસહાય છે તેને સહાય સગ્દુરૂ થકી જ મળતી હોય છે. યુદ્ધમાં પણ જે શૂરવીર છે તે સમર્થ છે, અને તેની જીત થાય છે. ગુરૂ સમર્થ હોય તો શિષ્યની પ્રગતિ થાય છે.
સામર્થ્ય શરીર માટે ખૂબ જ જરૂરી છે, શરીર બળવાન હોય તો સઘળા કાર્યો થઈ શકે છે. સંગીતકાર કે ગાયક અથવા કલાકાર પોતાની કલાની રજુઆત, પોતે સમર્થ હોય તો જ કરી શકે છે. કલાકાર શ્રોતાઓનું મનોરંજન કરે છે અને વાહ વાહ તથા પ્રશંસા મેળવે છે તેની પાછળ તેની મહેનત તથા સામર્થ્ય શક્તિ હોય છે.
સમર્થ વ્યક્તિઓમાં શક્તિનો સ્ત્રોત હોય છે. સમર્થ વ્યક્તિ ઉર્જાથી ભરપુર હોય છે. સમર્થ વ્યક્તિની હંમેશાં ચઢતી કે પદોન્નતિ થાય છે. સમર્થને ગ્રહો કે ગ્રહદશા નડતી નથી.
આપણે ત્યાં જે અસમર્થ છે તે નિર્બળ, અસહાય કે લાચાર છે. સમર્થહીન લોકો જલ્દી નિરાશ પણ થઈ જાય છે. જે વ્યક્તિઓ સમર્થ છે તે કદી પોતાની લાભ-હાનિ જોતા નથી. સમર્થને તક મળે તો તુરત જ ઝડપી લે છે. પોતાનું બાહુબળ કે શક્તિ દર્શાવવાની તક તેઓ છોડતા નથી.
જેઓ સમર્થ છે તેને સમર્થ લોકો સાથે હરીફાઈ કે સંવાદ કરવામાં પણ આનંદ આવે છે. બે બાહુબલી લડતા હોય તો બન્નેને શૂરાતન ચઢે છે. જેઓ સમર્થ છે તેમણે પોતાની શક્તિ કે કલા અથવા આવડતનો સદ્ઉપયોગ કરવો જોઈએ. પોતાના જ્ઞાાાનને અન્યને વહેંચી દેવું જોઈએ.
જે ખરેખર સમર્થ છે તેના મનમાં અભિમાન પણ ન આવવું જોઈએ. રાવણ સમર્થ, શક્તિવાન તથા બળવાન હતો તો પણ તેને અભિમાન હતું. જે અભિમાની છે તેનું ગર્વ હણાય છે.
સમર્થ વ્યક્તિની આજે સમાજમાં ખાસ જરૂરત છે. સમર્થ વ્યક્તિની ઉપસ્થિતિ કે કાર્યો બીજાને પ્રેરણારૂપ બને છે. સમર્થની સફળતા અન્ય માટે પ્રેરણારૂપ કે દ્રષ્ટાંત રૂપ બને છે. જે સમર્થ છે તે કદી નિષ્ફળ બનતા નથી. સફળતા સદા તેને ચુમતી આવે છે. સમર્થનાં જીવનમાંથી પ્રેરણા લઈને પોતાનું જીવન આગળ ધપાવીએ તો ફાયદો થાય છે. આપણી પ્રગતિ કે ઉત્કર્ષમાં સામર્થ્યવાન લોકોની શક્તિમાંથી મળેલી પ્રેરણા ઘણી વાર આશીર્વાદ રૂપ નીવડે છે.
જીવનને, ધર્મને, અર્થશાસ્ત્રને રાજકારણને સફળ બનાવવા સામર્થ્યવાન લોકોની આવશ્યકતા હંમેશાં રહે છે. સમર્થ છે તેની જીત છે. સમર્થનો વિજય છે. સમર્થ વ્યક્તિનાં જીવનમાં ડોકીયું કરીએ તો તેઓએ પણ ઘણો સંઘર્ષ કરેલો માલુમ પડે છે. અનેક મુશ્કેલીઓ, પ્રશ્નો, સવાલો બાદ જ તેઓ સફળ બન્યા હોય છે.
સફળતા અને સામર્થ્ય એક સિક્કાની બે બાજુ છે. આવો, આપણે પણ આજના કપરા સંજોગો તથા સમયમાં શક્તિમાન બનીને જીવનના બાગને સુગંધી તથા પ્રફુલ્લિત બનાવીએ.
- ભરત અંજારિયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35FB20U
ConversionConversion EmoticonEmoticon