પરમશક્તિ સ્વરૂપા દુર્ગાદેવીની ઉપાસના દારિદ્રય, દુઃખ, ભય સંતાપ અને રોગ દૂર કરે છે !

- દુર્ગા દેવીને પ્રસન્ન કરવાનો 'ઓમ એં હ્રીં ક્લીં ચામુણ્ડાય વિચ્ચે' એ પ્રસિદ્ધ નવાર્ણ મંત્ર છે. માર્કણ્ડેય પુરાણના તેર અધ્યાયમાં શ્રી દુર્ગાસપ્તશતી છે. તેમાં ભગવતી શક્તિના સ્વરૂપ, ચરિત્ર, ઉપાસના અને સાધનાનું અત્યંત સુંદર વર્ણન છે. શ્રદ્ધાપૂર્વક દુર્ગા ઉપાસના કરવાથી અને વિધિપૂર્વક મંર્ત્ર જાપ, પાઠ અને પૂજન કરવાથી મનુષ્યના તમામન મનોરથ  સિદ્ધ થાય છે.


'યા શ્રીંઃ સ્વયં સુકૃતિનાં 

ભવનેષ્ય લક્ષ્મીંઃ

પાપાત્મના કૃતધિયાં હૃદયેષુ બુદ્ધિઃ ।

શ્રદ્ધા સતાં કુલજન પ્રભવસ્ય લજ્જા

તાં ત્વા નતાઃ સ્મ પરિપાલય દેવિ વિશ્વમ્ ।।

જે પુણ્યાત્માઓના ઘરોમાં સ્વયં લક્ષ્મીના રૂપમાં, પાપીઓને ત્યાં દરિદ્રતાના રૂપમાં, શુદ્ધ અંતઃકરણવાળા વ્યક્તિઓના હૃદયમાં સદ્બુદ્ધિના સ્વરૂપમાં, કુલીન વ્યક્તિઓમાં લજ્જા સ્વરૂપે નિવાસ કરે છે તે ભગવતી દુર્ગા મહાદેવીને અમે સર્વે નમન કરીએ છીએ. હે દેવી ! તમે જ વિશ્વનું પાલન-પોષણ કરો.'

બ્રહ્માજીએ મનુષ્યોના રક્ષણ માટે માર્કણ્ડેય પુરાણમાં કેટલાક પરમ ગોપનીય, ગૂઢ, સાધન, મહાકલ્યાણકારી દેવી કવચ અને પરમોદ્ધારક પ્રવિધિઓ બતાવી છે જેનાથી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ દુર્ગા માતાની પૂજા- અર્ચનાની બાબતમાં પૂર્ણપણે અવગત ન હોવા છતાં પણ વિશેષ લાભ પ્રાપ્ત કરી શકે છે. ભગવતી દુર્ગા દેવી સ્વયં કહે છે - 'સર્વ બાધાવિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિતઃ । મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન શંશયઃ । મનુષ્ય મારી કૃપાથી બધી મુસીબતોથી મુક્ત થઈ, ધન-ધાન્ય અને પુત્રથી યુક્ત થશે એમાં સહેજ પણ સંશય નથી.

જે રીતે શિવ અને વિષ્ણુને પરબ્રહ્મ, પરમાત્મા સર્જનકર્તા, પોષણકર્તા, સર્વવ્યાપી બતાવવામાં આવ્યા છે તે રીતે 'શક્તિ'ને પણ આવા સામર્થ્યવાળી બતાવી છે. દેવોએ એકવાર ભગવતી દુર્ગાને પૂછયું - 'કાસિ ત્વં મહાદેવિ !' હે મહાદેવિ ! તમે કોણ છો ?' તો એના ઉત્તરમાં તેમણે કહ્યું હતું - 'અહં બ્રહ્મરુપિણી, મતઃ પ્રકૃતિ પુરુષાત્મક જગદુત્પન્નમ્'' હું બ્રહ્મરુપિણી છું, પ્રકૃતિ પુરુષાત્મક જગદુત્પન્નમ્ । હું બ્રહ્મરૂપિણી છું, પ્રકૃતિ અને પુરુષાત્મક જગત મારાથી જ ઉત્પન્ન થયું છે.' પોતાના બ્રહ્મરૂપત્વનો પરિચય આપતા દેવી ભાગવતમાં કહે છે - 'સદેવકત્વં ન ભેદો।સ્તિ મતિ વિભ્રમાત ।। મારા અને બ્રહ્મ વચ્ચે હંમેશા એકત્વ પ્રવર્તે છે, ભેદ ક્યારેય નથી એટલે જે તે છે તે હું છું અને જે હું છું તે તે છે. ભેદભ્રાંતિથી કલ્પિત છે. વાસ્તવમાં કોઈ ભેદ અમારી વચ્ચે નથી.' આમ, ભગવતી દુર્ગાનું નિર્ગુણ પરબ્રહ્મસ્વરૂપ છે, તે જ રીતે તેમનું સગુણ સાકાર સ્વરૂપ પણ સિદ્ધ છે. તે વિભિન્ન સાકાર રૂપોમાં લીલા કરે છે. એમના અસંખ્યરૂપો છે તેમાં નવદુર્ગા, દશ મહાવિદ્યા વગેરે પ્રસિદ્ધ છે. આ નવ દુર્ગા, દશ મહાવિદ્યા વગેરે પ્રસિદ્ધ છે. આ નવદુર્ગા છે - શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘણ્ટા, કુષ્માણ્ડા, સ્કન્દમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધદાત્રિ, નવરાત્રિના નવ દિવસો દરમિયાન દુર્ગાદેવીના આ ૯ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.

દશ મહાવિદ્યા છે - કાલી, તારા, ષોડશી (ત્રિપુરસુંદરી), ભુવનેશ્વરી (રાજરાજેશ્વરી શ્રી વિદ્યા, લલિતા) છિન્નમસ્તા, ભૈરવી (ત્રિપુર ભૈરવી), ઘૂમાવતી (અલક્ષ્મી), બગલા (બગલામુખી), માતંગી અને કમલા (લક્ષ્મી) એમનામાં કાલીના સ્વામી મહાકાલ શિવ છે. તારાના અક્ષોભ્ય, ષોડશીના પંચવક્ત્ર, ભુવનેશ્વરીના ત્ર્યંબક, છિન્નમસ્તાના કબન્ધ, ભૈરવીના દક્ષિણામૂર્તિ, બગલાના એકમુખ મહારુદ્ર, માતંગીના મતંગ અને કમલાના સદાશિવ વિષ્ણુ છે. ઘૂમાવતીને વિધવા માનવામાં આવે છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીને ત્રણ મુખ્ય મહાદેવીઓ કહેવામાં આવી છે જે શક્તિ, લક્ષ્મી અને બુદ્ધિ (વિદ્યા) પ્રદાન કરનારી છે.

દુર્ગા દેવીને પ્રસન્ન કરવાનો ઓમ એં હ્રીં ક્લીં ચામુણ્ડાય વિચ્ચે' એ પ્રસિદ્ધ નવાર્ણ મંત્ર છે. માર્કણ્ડેય પુરાણના તેર અધ્યાયમાં શ્રી દુર્ગાસપ્તશતી છે. તેમાં ભગવતી શક્તિના સ્વરૂપ, ચરિત્ર, ઉપાસના અને સાધનાનું અત્યંત સુંદર વર્ણન છે. શ્રદ્ધાપૂર્વક દુર્ગા ઉપાસના કરવાથી અને વિધિપૂર્વક મંર્ત્ર જાપ, પાઠ અને પૂજન કરવાથી મનુષ્યના તમામન મનોરથ  સિદ્ધ થાય છે. તેના દુઃખ, દારિદ્રય, રોગ, ભય અને સંતાપ દૂર થાય છે. શ્રી દુર્ગા સપ્તશતીના ચોથા અધ્યાયના ૧૭મા શ્લોકમાં કહેવાયું જ છે. 'દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષજન્તોંઃ સ્વસ્થૈંઃ સ્મૃતા મતિમતિવ શુભાં દદાસિ । દારિદ્રય દુઃખભયહારિણી કાત્વદન્યા, સર્વોપકારકરણાય સદાર્દ્ર ચિત્તા ।। હે મા દુર્ગા ! તમે સ્મરણ કરવામાં આવે ત્યારે બધા પ્રાણીઓના ભય હરી લો છો અને સ્વસ્થ લોકો દ્વારા ચિંતન કરાય ત્યારે તેમને પરમ કલ્યાણકારી શુભ બુદ્ધિ પ્રદાન કરો છો. દુઃખ, દારિદ્રય અને ભય હરી લેનારા હે દેવિ ! જેમનું ચિત્ત બધાનો ઉપકાર કરવા માટે સદાય દયાર્દ્ર રહેતું હોય એવું આપના સિવાય બીજું કોણ છે ?



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dMTI27
Previous
Next Post »