બંધ થયેલ દરવાજાનો અફસોસ કરવા કરતાં ખુલ્લી થયેલ બારી પર દ્રષ્ટિ કરવી લાભદાયી છે

- જ્યારે તક હાથમાંથી સરી જાય ત્યારે  હતાશ થવાનાં સ્થાને એવો અભિગમ વિકસાવવો કે 'જે તક હાથથી ગઇ એ ભલે ગઈ. એના વિકલ્પમાં અત્યારે નવી હાથવગી તક કઇ છે ? હું એ વિકલ્પ તપાસીને વૈકલ્પિક ઉપલબ્ધ તકનો ઉપયોગ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરીશ.' 


વ ર્ષોથી અડીખમ ટકી રહેલ તોતિંગ વૃક્ષો પણ જે પ્રચંડ વાવાઝોડાંમાં ધરાશાયી થઇ જાય છે એ જ ખતરનાક વાવાઝોડામાં નાનકડો નેતર છોડ આબાદ ટકી જતો હોય છે. એમાં કારણ છે તોફાનોમાં ય ટકી રહેવાની કળા. એની પાસે એ કળા છે કે જે દિશાનું પ્રચંડ વાવાઝોડું હોય એ દિશામાં ભૂમિસરસા થઇ જવા સુધી ઝૂકી જાય. પરિણામ એ આવે કે જ્યાં તોતિંગ વૃક્ષો ટકી શક્તા નથી ત્યાં એ આસાનીથી ટકી જાય છે.

જેમ વિકરાલ વાવાઝોડાં સામે ટકી શકાય એવી કળા નેતર પાસે છે તેમ વિકરાલ સમસ્યાઓ સામે ટકી શકાય એવી કળા માનવી પાસે હોવી જોઇએ. આવી કળા આત્મસાત્ થાય તે માટે આપણે ઇંગ્લીશભાષાના પાંચ 'વવલ આલ્ફાબેટ' = સ્વરાક્ષસોથી શરૂ થતાં પાંચ ઇંગ્લીશ શબ્દો આધારિત ચિંતનયાત્રા છેલ્લા બે લેખથી કરી રહ્યા છીએ. આજે આ અંતિમ લેખમાં આપણે કરીશું છેલ્લા બે સ્વરાક્ષસોથી શરૂ થતાં શબ્દ આધારિત ચિંતનયાત્રા:

(૪) ઓપ્શન: ઇંગ્લીશભાષાનો ચોથો સ્વરાક્ષર છે 'ઓ'. આ 'ઓ' સ્વરાક્ષરથી શરુ થતાં 'ઓપ્શન' શબ્દનો અર્થ છે વિકલ્પ. ધારો કે જીવનનું સ્તર એકદમ ઉચ્ચ બનાવી દે હાલત બહેતર કરી દે એવી કોઈ મહાન તક આપણને હાથવગી થઇ રહી હોય અને આપણાં પ્રારબ્ધથી કે પ્રમાદથી એ તક હાથતાળી દઇને છટકી જાય તો ? તો આપણો તાત્કાલિક પ્રતિભાવ હતાશાનો - શોકમગ્ન થઇ જવાનો આવે કે 'અરરર? મેં આવી સુવર્ણતક ક્યાં ગુમાવી દીધી ?' વસ્તુતઃ હાથમાંથી ચાલી ગયેલ બાબતનો શોક કરવાનાં વલણને સંસ્કૃત સુભાષિતકારો મૂર્ખતાનાં પાંચ પૈકી એક લક્ષણરૂપે ગણે છે. એક શ્લોકમાં પાંચ લક્ષણોનો નિર્દેશ કરતાં પ્રથમ લક્ષણ આ લખાયું છે કે 'ગતં ન શોચામિ.'

એટલે જ્યારે જ્યારે તક-અવસર હાથમાંથી સરી જાય ત્યારે ત્યારે શોકમગ્ન કે હતાશ થવાનાં સ્થાને એવો અભિગમ વિકસાવવો કે 'જે તક હાથથી ગઇ એ ભલે ગઈ. એના વિકલ્પમાં અત્યારે નવી હાથવગી તક કઇ છે ? હું એ વિકલ્પ તપાસીને વૈકલ્પિક ઉપલબ્ધ તકનો ઉપયોગ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરીશ.' ઘણીવાર એવું બને છે કે આપણી પાસે નવી તક ઉપલબ્ધ થઇ પણ હોય, પરંતુ આપણે ગુમાવેલ તકની ચિંતામાં એવા ઘેરાઈ જઇએ છીએ કે નવી તક તરફ આપણી નજર જ ન જતી હોય. આ સંદર્ભમાં આપણે યાદ કરીએ વિખ્યાત લેખિકા હેલન કેલરને. ખૂબ જ નાની વયથી દ્રષ્ટિ-શ્રવણશક્તિ અને વાચાશક્તિ ગુમાવી દેવા છતાં હતાશ થયા વિના નવા નવા 'ઓપ્શન્સ' = વિકલ્પો અજમાવી સાક્ષર બનેલ હેલન કેલરે પોતાનાં જીવનના નિચોડ સમુ એક અદ્ભુત વાક્ય લખ્યું છે કે 'આપણી સામેનો એક દરવાજો બંધ થાય છે ત્યારે બાજુની એક બારી ખૂલી જતી પણ હોય છે. પરંતુ આપણે બંધ થયેલ દરવાજાના વિચારોમાંથી બહાર જ નથી આવતા. એથી ખુલ્લી બારી તરફ આપણી નજર પહોંચી શક્તી નથી.'

જીવનની કશ્મકશ વચ્ચે-કસોટીઓ વચ્ચે ટકી શકાય - મજબૂત રહી શકાય તે માટે નિશ્ચય એ કરીએ કે નજર બંધ દરવાજા પર સ્થિર ન કરીએ, બલ્કે કઇ કઇ બારી નવી ખૂલી રહી છે એના પર સ્થિર કરીએ. જો આ અભિગમ હોય તો નવા વિકલ્પો દ્વારા, વ્યક્તિ ગુમાવેલી તક કરતાં ય કેવી અનેરી સફલતા હાંસલ કરી શકે એ જાણવું છે ? તો વાંચો 'ગૂગલ' કંપનીના સ્થાપકોની આ જીવનઘટના:

જગપ્રસિધ્ધ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણીને ટેકનોલોજીનાં ક્ષેત્રે નિષ્ણાત બનેલ લેરી પેજ એ સર્જીબ્રીન નામે બે યુવાનો. એમણે 'સોફ્ટવેર' ક્ષેત્રની પોતાની ઊંડી સુઝ-બુઝનો ઉપયોગ કરી પ્રચંડ મહેનતના અંતે આધુનિક 'સર્ચ એન્જિન' તૈયાર કર્યું અને તે સમયની એ ક્ષેત્રની ટોચની કંપની 'યાહૂ' પાસે એનાં વેચાણ માટે ગયા. મનમાં એમને મોટી આશા હતી કે આ અત્યાધુનિક શોધની સામે એમને મોં માંગ્યું મૂલ્ય મળી રહેશે. પરંતુ એમની આશા સફલ ન થઇ. યાહૂ કંપનીએ એ ખરીદવામાં રસ ન દાખવ્યો. બન્ને યુવાનો હતાશ ન થયા.

એમણે નાસીપાસ થયા વિના 'ઓપ્શન' તરફ નજર દોડાવી. એમણે પોતે જ પોતાની 'ગૂગલ' નામે કંપની સ્થાપીને ધીમે ધીમે પોતાની શોધ જગત સમક્ષ પ્રસ્તુત કરવા માંડી. થોડાં વર્ષ બાદ વળી એકવાર એમણે 'યાહૂ' કંપનીનો સહયોગ લેવાની કોશિશ કરી. પરંતુ ત્યારે ય એ કંપનીએ એમની ઓફર ઇન્કારી દીધી. આખર એ પોતાના જોર પર આગળ વધતા ગયા. વર્ષો પછી આજે પરિણામ એ છે કે 'ગૂગલ' કંપની ટોચ પર છે અને 'યાહૂ' કંપનીના હેડક્વાર્ટર્સ પણ એણે ખરીદી લીધા છે.

ક્ષેત્ર ભૌતિક હો કે આધ્યાત્મિક, કોઈ એક બાબતે નિષ્ફલતા મળે ત્યારે હતાશ થયા વિના અન્ય વિકલ્પ તરફ નજર દોડાવવી જ રહે. ઉપરની ઘટનામાં નિહાળાય છે તેમ ઘણીવાર ધારણાથી ય અઢળક સફલતા એ વિકલ્પો અજમાવવાથી મળી શકે છે. જંગલમાં જેમ પુરુષો ઠેર ઠેર વેરાયેલાં પથરાયેલાં હોય છે, એમ જીવનમાં નાની મોટી તકો પણ ઠેર ઠેર પથરાયેલી હોય છે. સવાલ માત્ર એટલો જ છે કે આપણે એને નિહાળીને ઉપયોગમાં લઇ લેવા કેટલા સક્ષમ છીએ.

(૫) યુટર્ન: ઇંગ્લીશભાષાનો છેલ્લો 'વવલઆલ્ફાબેટ' = સ્વરાક્ષર છે 'યુ'. એનાથી શરૂ થતા આ 'યુટર્ન' શબ્દનો અર્થ છે પૂરેપૂરો વળાંક લઇ લેવો. ઉદાહરણરૂપે પૂર્વદિશામાં પૂરપાટ દોડતી 'કાર' વળાંક પાસેથી 'યુટર્ન' લઇ લે તો હવે એની દિશા પહેલાની અપેક્ષાએ બિલકુલ વિપરીત થઇ જાય. હવે એ પૂર્વના બદલે પશ્ચિમ દિશામાં પૂરપાટ દોડતી થઇ જાય... જૈન શાસ્ત્રોમાં આવતું રૌહિણેયચોરનું કથાનક. પ્રભુમહાવીર દેવનો સમકાલીન એ ચોર જ્યારે બેરહમ લૂંટફાટ-મારધાડ કરતો હતો ત્યારે એનાં જીવનની ગાડી આત્મિક અવનતિની દિશામાં પૂરપાટ દોડતી હતી.

એ જ રૌહિણેયચોર પ્રભુમહાવીરદેવની ધર્મદેશનાનાં બે-ચાર વચનોનાં શ્રવણે પ્રાણાંત કષ્ટમાંથી ઊગરી જઇ અંતે ખૂનીમાંથી મુની બની ગયો, ત્યારે એનાં જીવનની ગાડીએ 'યુટર્ન' લીધો અને એ આત્મિક ઉન્નતિની દિશામાં પૂરપાટ દોડવા માંડી. બસ, આ રીતે તે તે બાબતની દિશા સંપૂર્ણ બદલી લેવી તે છે 'યુ ટર્ન'. માત્ર વ્યાવહારિક દ્રષ્ટિથી વિચારીએ તો ય આ 'યુ ટર્ન' ઘણા ઘણા નુકસાનોથી - નકારાત્મકતાથી બચાવી લઇ શકે છે. આપણે કેટલાંક ઉદાહરણો વિચારીએ:

* ધારો કે એક વિવાદિત ભૂમિખંડ (પ્લોટ) તમારી દ્રષ્ટિએ તમારી માલિકીનો છે, જ્યારે તમારા ભાઈની દ્રષ્ટિએ તે એની માલિકીનો છે. કાયદેસરની કાર્યવાહીમાં ઠેઠ સુપ્રીમકોર્ટ સુધી લડત ચાલી અને એમાં યોગ્ય રજૂઆતનો અભાવ આદિ કોઈ પણ કારણે તમારી હાર થઈ. એ ભૂમિખંડની સંપૂર્ણ માલિકી તમારા ભાઈની પુરવાર થઈ.

હવે જો તમે તમારી વિચારધારાને 'યુટર્ન' ન આપો તો તમે દુઃખી દુખી થઇ જશો. ત્યારે વિચારધારાને એ રીતે 'યુટર્ન' આપવો રહે કે 'હવે જે ભૂમિખંડ મારો થઇ શકે એમ જ નથી એમાંથી મન સંપૂર્ણપણે વાળી લઉં. એને યાદ કરી કરીને દુઃખી થવાનો કોઈ અર્થ નથી. નવેસરથી મહેનત કરીને નવું ઉપાર્જન કરી લઈશ.' આ સંદર્ભમાં અમને યાદ આવે છે છવીશ વર્ષ પૂર્વેની અમારા એક ધર્મપરિચિત સજ્જનની એક સત્ય જીવનઘટના:

વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે એમણે મુંબઇ-બોરીવલીમાં મોકાનાં સ્થાને એક દુકાન ખરીદી. એ યુગમાં એમણે દુકાન માટે એંશી લાખની ત્યારની માતબર ગણાય તેવી રકમ ચૂકવી. એ પછી થોડા સમયમાં ખબર પડી કે માલિકે 'ચીટીંગ' કર્યું છે. દુકાન તો તે પૂર્વે કોઈ અન્ય વ્યક્તિને વેચાઈ ચૂકેલી હતી. એની પાસે દસ્તાવેજી પુરાવા હતા. આ સજ્જનનાં માથે તો જાણે આભ તૂટી પડયું. સમજૂતીના ઘણા પ્રયત્નો કર્યા, તો કાયદેસર કાર્યવાહીના વિકલ્પો ય વકીલ સાથે વિચારી જોયા. કોઈ રીતે કામયાબી હાંસલ થાય એમ ન લાગ્યું. તેઓ હતાશ થઇ અમારી પાસે આવ્યા.

અમે ખૂબ સહાનુભૂતિપૂર્વક ઘણા 'પોઝેટીવ' દ્રષ્ટિબિંદુઓ સમજાવી અંતે આ 'યુટર્ન'નું વલણ અપનાવવા કહ્યું કે 'હવે જે દુકાન તમારી થઇ શકે એમ જ નથી એના વિચાર દિમાગથી કાઢી નાંખી નવાં સ્ત્રોત સર્જવામાં જુસ્સાથી જોડાઈ જવું એ ગૃહસ્થ તરીકે તમારા માટે યોગ્ય બાબત છે.' ધીમે ધીમે તેઓ એ જ માર્ગે આગળ વધ્યા.

* ધારો કે તમારા જિગરજાન મિત્રે કોઈ મતભેદથી તમારી સાથેના સંબંધો સમાપ્ત કર્યા. તમારા દિલોજાન પ્રયત્નો પચી ય એની વિમુખતામાં કોઈ ફર્ક ન આવ્યો. એ સમયે જો તમે તમારી વિચારધારાને 'યુટર્ન' ન આપો તો દુઃખ છવાયા કરશે. એ સમયે વિચારોને આ રીતે 'યુટર્ન' આપી શકાય કે 'જેની સાથે જેટલા ઋણાનુબંધ હોય એટલા જ સંબંધ રહે. ઘનિષ્ટ પ્રયત્નો પછી ય પરિણામ નથી તો એને ભવિતવ્યતા સમજીને સ્વીકારી લઉં અને અન્ય કોઈ સમજદાર વ્યક્તિ સાથે મિત્રતા જમાવી દઉં...'

છેલ્લે જિંદગી સંબંધી એક મસ્ત સુવાક્ય સાથે આ લેખનું સમાપન કરીશું કે 'હાથવગા પુષ્પોમાંથી સરસ ગજરો બનાવી લેવાની કળા એનું નામ જિંદગી.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37xsITg
Previous
Next Post »