થોડી ચીવટ રાખો તો ગેસ બળતણમાં ખાસ્સી બચત થશે


રાંધણ ગેસની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ગેસ સિલિન્ડર એટલા ઝપાટાબંધ ખતમ થાય છે કે ગૃહિણીને અંદાજ પણ નથી આવતો. રસોઇ કરતી હોય અને અચાનક ગેસ ખલાસ થઇ જાય એટલે પહેલો હાયકારો એ જ નીકળે, હત્ત તારી...... ગેસ ખલાસ થઇ ગયો. આજકાલ ગેસના બાટલાના ભાવ પણ ખૂબ વધી ગયા છે. આવી પરિસ્થિતિમાં દરેક ગૃહિણીએ રાંધણગેસની બચત કરવાના  આસાન તરીકા  અપનાવવા જોઇએ.

તમે રસોઇ બનાવવાનું શરૂ કરો તેની પહેલાં જ તમામ જરૂરી વસ્તુઓ પાસે રાખી લો. શાક  સમારીને તથા ચટણી મસાલો વગેરે વાટીને તૈયાર રાખો. જેથી ગેસ ચાલુ રાખીને તમારે આમ-તેમ  દોડવું નહીં પડે.

* દાળ ચોખા વગેરે બનાવવાના બેત્રણ કલાક પાણીમાં પલાળીને રાખો. તેમજ ચણા, રાજમા, વટાણાં જેવાં કઠોળ અને સોયાબીન આગલી રાતથી જ પાણીમાં પલાળી પાણીમાં રાખો.

* આમ કરવાથી ૨૫૦ ગ્રામ ચણા ઉપર તમે ૨૨ ટકા ગેસ બચાવી શકો છો. જો રાતે કઠોળ  પલાળવાનું ભૂલી જાવ તો તેને બાફતી વખતે તેમાં કાચા પપૈયાના ટુકડા નાખી દો. કઠોળ તૈયાર થઇ ગયા બાદ તેને પણ ચમચાથી મસળીને તેમાં ભેળવી દો.

* શાક-ભાજીમાં તથા દાળમાં જરૂર પૂરતું જ પાણી નાખો. કારણકે વધારાના પાણીને બાળવામાં બિનજરૂરી ગેસ વપરાય છે. કઠોળ કે શાકભાજીમાંથી પાણી કાઢી નાંખવામાં આવે તો વિટામિન વગેરે તત્વો નષ્ટ થઇ જાય છે. જો ભાત કે શાકભાજીનું પાણી કાઢવું પડે એમ હોય તો તેને દાળ કે રસાવાળા શાકમાં નાંખી દો (ભાતના ઓસામણનો રંગ સફેદ હોવાના કારણે તેમાં લાલ ચટક મરચાંની ભૂકી અથવા રતનજોતનો પાઉડર હળદર અને મસાલા સાથે નાંખો.

* દૂધ, શાકભાજી વગેરે ફ્રીજમાંથી કાઢીને સીધાં ગેસ પર મૂકશો નહીં. આ વસ્તુઓને ફ્રીજમાંથી બહાર કાઢીને થોડો સમય જેમની તેમ મૂકી રાખો. જેથી તેનું ઉષ્ણતામાન તમારી રૂમના ઉષ્ણતામાન જેટલું થઇ જાય. ખૂબ જ ઠંડી વસ્તુને રાંધવા કે ગરમ કરવામાં વધારે ગેસ વપરાય છે.

* જો રાંધવાના વાસણમાં (કુકરના તળિયામાં કે ચાની કીટલીમાં) સફેદ ક્ષાર જામી  ગયો હોય તો દસ ટકા જેટલો ગેસ બળે છે. આથી રસોઇના વાસણને સ્વચ્છ રાખવું.

* પહોળા તળિયાવાળા (ઓછામાં ઓછી ૨૫ સે.મી.પહોળાઇ)  વાસણોનો ઉપયોગ કરવાથી ગેસ ઓછો વપરાય છે. નાનાં વાસણમાં આજુબાજુમાંથી ગેસની જ્વાળા બહાર ફેંકાઇ જાય છે, અને ગેસનો બગાડ થાય છે. જો નાનાં વાસણમાં રસોઇ બનાવવી જ હોય તો ગેસ ધીમો રાખો જેથી તેની જ્વાળા બહાર ન નીકળે.

* બને ત્યાં સુધી રસોડામાં પ્રેશર કુકરનો ઉપયોગ કરવો જોઇએ. ત્રણ ખાનામાં ચોખા, દાળ અને શાકભાજી બાફી લઇને પછી તેમાં મસાલો કરી શકાય. આમ કરવાથી સમય અને ગેસ બંનેની બચત થાય છે. ચોખામાં  વીસ ટકા, પલાળેલાં ચણામાં ૪૬ ટકા સુધી ગેસની બચત થાય છે.  ઝડપથી બફાઇ જતાં હોવાના કારણે ખાદ્ય પદાર્થમાંના વિટામિન પણ નષ્ટ થતાં નથી.

* ગેસ ઉપર રાખેલાં વાસણમાંનું પાણી ઉકળવા માંડે ત્યારે ગેસને ધીમો કરી દેવો જોઇએ. વધારે ગેસ રાખવાના કારણે રસોઇ જલદી તૈયાર થતી નથી, પરંતુ પાણી શોષાઇ જાય છે. બને ત્યાં સુધી એવા બર્નરનો જ ઉપયોગ કરો, જેમાં ૧૦ ટકા ગેસ  ઓછો વપરાય છે.

* જો તમે કોઇ વસ્તુને  ગ્રિલ (શેંકવા) કરવા માગતા હો તો એક સાથે બે-ત્રણ વસ્તુઓ ગ્રિલવાળા ખાનામાં રાખો. તેમજ કંઇ બનાવવાનું ન પણ હોય તો પણ ઠંડી રસોઇને ગેસની જ્વાળાથી થોડી દૂર રાખીને તેને ગરમ બનાવી શકાય છે. કેક, બિસ્કિટ. પિઝા, ભરેલાં શિમલા મરચાં વગેરે એક સાથે ઓવનમાં  મૂકો.

* સૌથી મહત્ત્વની વાત એ છે કે ઘરના બધા જ સભ્યો સાથે જમો. જો કોઇ વ્યક્તિ માટે જમવાનું ઢાંકી રાખવાનું હોય તો ઇન્સ્યુલેટેડ ડબામાં કે થર્મોકોલના મોટાં બોક્સમાં રાખો. તેનાથી રસોઇ બે-ત્રણ કલાક ગરમ રહેશે, અને બીજી વખત ગરમ કરવાની તકલીફ પણ નહીં લેવી પડે.

* જે  ખાદ્યપદાર્થ ગેસ ઉપર મૂક્યો હોય તે બરાબર તૈયાર થઇ જાય ત્યાં સુધી  વાસણને ઢાંકી રાખો. રસોડામાં જો પંખો ચાલુ હોય તો તેની હવા ગેસની જ્વાળા ઉપર ન  આવે તેની કાળજી રાખો. તેનાથી ગેસનો  બગાડ થાય છે. આગ લાગવાનો પણ ભય રહે છે, તો ક્યારેક ગેસ બુઝાઇ પણ જાય છે. ગેસને બારી પાસે પણ ન રાખવો જોઇએ.

* ગેસ બર્નરને હંમેશા સાફ રાખો. તેનાં છીદ્રોમાં ખાદ્યપદાર્થ ભરાઇ જવાનાં કારણે ગેસ વધુ વપરાય છે.  ગેસની જ્વાળા હંમેશા સીધી અને ભૂરાં રંગની હોવી જોઇએ. પીળા  અથવા નારંગી રંગની કે ઊંચી-નીચી  જ્વાળા નીકળતી હોય તો તેનો અર્થ એવો થાય કે બર્નર બરાબર સાફ નથી.

સલામતી માટે આટલું ન કરશો

* ગેસના સિલિન્ડરની પાસે સળગતી સગડી કે પ્રાયમસ ન રાખો.

* સિલિન્ડરની બાજુમાં જમીન ઉપર ગેસ ન રાખો.

* ખુલ્લી બારીમાંથી ખૂબ પવન આવતો હોય ત્યાં બર્નર ન રાખો.

* વાસણને ગેસ ઉપરથી નીચે ઉતારતી વખતે તમારી સાડી કે દુપટ્ટાનો ઉપયોગ ન કરો. હંમેશા સાણસીનો અથવા  નેપકીનનો ઉપયોગ કરો.

* બની શકે ત્યાં સુધી ગેસ ધીમો રાખો.

* રસોઇ બની ગયા બાદ  બર્નર તેમજ સિલિન્ડરનું (કોક) બટન બંધ કરી દો.

* ગેસ ઉપર લાકડાની અભરાઇ કે કબાટ ન હોવા જોઇએ.

* રસોઇ બનાવતી વખતે પોલિયેસ્ટર કે રેશમી કપડાં ન પહેરવા. જો આવાં વસ્ત્રો પહેરવાં જ હોય તો તેની ઉપર સુતરાઉ એપ્રોન બાંધી લો. એનાથી કપડાં પર ડાઘ પણ નહીં પડે અને સુરક્ષા પણ રહેશે.

* જો બર્નરમાં કે બટનમાં કોઇ ખરાબી હોય તો તેનો ઉપયોગ ન કરો. અધિકૃત વિક્રેતાની દુકાનમાંથી મિકેનિકને બોલાવી તપાસ કરાવી લો.

* જો સિલિન્ડર કે નળીમાંથી ગેસ લીક થતો હોય તો ગેસને બરાબર બંધ કરી તેને બહાર ખુલ્લી હવામાં રાખી દો. તેમજ (ઇમરજન્સી સેલ) તાકીદની સેવા સંસ્થાને ફોન કરો.  ઇન્ડિયન ઓઇલની આ સેવા ઓફિસ સમય પછી પણ ઉપલબ્ધ છે. ગેસ લીક થયો હોય તો લાઇટની સ્વીચ પણ ચાલુ ન કરો. તેનાથી આગ લાગવાની શક્યતા રહે છે.

* બર્નરની  પાસે સળગી ઉઠે તેવા કેરોસીન, પેટ્રોલ જેવાં જ્વલનશીલ પદાર્થ ક્યારેય ન રાખો. ઉપરાંત ગેસને આવા પદાર્થોથી સાફ પણ ન કરો. ભૂલથી પણ  આમ થયું હોય તો કેરોસીન કે પેટ્રોલ સુકાઇ જાય ત્યાં સુધી રાહ જુઓ અને પછી જ ગેસ ચાલુ કરો.

* રસોડામાં સેન્ટની ખાલી શીશીઓ ન રાખવી. સેન્ટ ભરેલી શીશી તો ભૂલે ચૂકેય ન રાખવી.

* ગેસ પેટાવીને સળગતી દિવાસળી કે સળગતો કાગળ નીચે ન ફેંકશો. તેને મસળીને બુઝાવી દો.

* ગેસની રબરની પાઇપ હંમેશા ચોખ્ખી રાખો. તેના પર ઘી, તેલ કે ખાદ્યપદાર્થ ઢોળાય. તો તરત જ સાફ કરી નાખો. તેલ, ઘીવાળી પાઇપને ઉંદર કોતરી નાખે છે. રબરની નળી ઉપર સ્ટીલનું કવચ પણ ચડાવશો નહીં કારણકે રબરની નળી ઓગળી જાય તો ખબર પડતી નથી. નળીની લંબાઇ ગેસ કંપનીના  માર્ગદર્શન મુજબની જ રાખો. જે સુરક્ષા માટે આવશ્યક હોય છે.

* ઘરમાં ગેસનાં બેથી વધુ સિલિન્ડર ન રાખો.

રસોડામાં સાવચેતી

* કાચનાં વાસણ ધોતી વખતે  વોશબેસિનની નીચે જૂના જાડા ટુવાલનો ટુકડો પાથરી દો. તેનાથી કાચનાં વાસણ તૂટવાનો ભય ઓછો રહે છે.

* અણીદાર ચપ્પુ, કાંટા વગેરેને રસોડાના અંદરના ખાનામાં ક્યારેય ન રાખો, પણ કોઇ ઊંચા સ્ટેન્ડ પર રાખો.

* ગેસની સગડી હંમેશા ગેસ સિલિન્ડરના ઉપરના ભાગમાં રાખો.

* ગેસ સિલિન્ડર બદલતી વખતે બારી-બારણાં ખુલ્લાં રાખો. ગેસ લીક થવાની જરા પણ શંકા જાય, તો દીવાસળી અથવા લાઇટર સળગાવશો નહીં. સાથોસાથ વીજળીનું કોઇપણ સાધન ચાલુ-બંધ ન કરશો.

* રસોઇ બનાવવાની શરૂઆત કરતાં પહેલાં બધી જ પૂર્વ તૈયારીઓ કરી લેવી જોઇએ, જેવી કે, શાકભાજી સમારેલાં હોય, મસાલા તૈયાર હોય, લોટ બાંધ્યો હોય વગેરે. જેથી ઉતાવળે કંઇ કરવું ન પડે અને રઘવાટ ન થાય.

* રસોડામાં પાણીની યોગ્ય વ્યવસ્થા હોવી જોઇએ. રસોઇ કરતાં દાઝી જવાય તો દાઝેલો  ભાગ પાણીમાં બોળી દેવો અથવા તેના ઉપર ઠંડુ પાણી રેડવું. દાઝેલા ભાગને વધારે સમય સુધી પાણીમાં રાખવાથી બળતરા ઓછી થઇ જાય છે, પછી ડૉક્ટરને બતાવો.

* બાળકોને રસોડામાં ન આવવા દેશો. બાળકો રસોઇમાં મદદની જિદ કરે, તો વટાણાની સીંગો ફોલવાનું અથવા ચોખા-દાળ વીણવા જેવાં સરળ કામ સોંપી તેમને રસોડાની બહાર જ બેસાડો.

-હિમાની 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37JrOTZ
Previous
Next Post »